આ પહેલાંના અંકમાં આપણે સ્વામીજીએ પોતાના ગુરુબંધુઓ અને શિષ્યોને લખેલા પત્રોમાં અને એમની સાથે થયેલ વાર્તાલાપમાં ગરીબ, અજ્ઞાની, શોષિત અને પીડિત દરિદ્રનારાયણની સેવા એ આપણા સૌનો પ્રથમ ધર્મ છે, એમ કહીને એમની ‘શિવજ્ઞાને જીવસેવા’ કરવાના મહાનકાર્યમાં લાગી જવા હાકલ કરી હતી તે વિશે આ પહેલાંના લેખમાં ચર્ચા કરી ગયા છીએ. એમના ગુરુ શ્રીરામકૃષ્ણદેવ પણ કહેતા, ‘ભૂખ્યા પેટે ધર્મ ન થાય.’ આધ્યાત્મિક ઉન્નતિના સામાન્ય માનવી માટેનાં સોપાનોમાં પ્રથમ આવે બાહુબળ, બુદ્ધિબળ, નૈતિકબળ. આ બધાં અંતે આત્મબળમાં પરિણમે છે. આ આત્મબળ દ્વારા જ લોકોની બધી સમસ્યાઓનો હલ કરવો શક્ય છે.

મહાત્મા ગાંધીજીએ પણ સ્વામીજીના આ આદર્શને ધ્યાનમાં રાખીને ‘દરિદ્રનારાયણ’ શબ્દને પોતાના જીવનનો આદર્શ બનાવ્યો હતો એ વાત પણ જોઈ ગયા. હવે આ વિશે આપણે થોડું આગળ વિચારીશું.

પોતાના શિષ્ય શરત્ચંદ્ર ચક્રવર્તી સાથે ભારતની સળગતી સમસ્યા ગરીબી અને લોકહિત સેવાના કાર્યકર રૂપે સંન્યાસીઓને કેળવવાની વાત નીકળતાં અને આપણાં અનિષ્ટોને દૂર કરવા આપણે શું કરવું જોઈએ એવા શિષ્યના પ્રશ્નના ઉત્તરનો જવાબ આપતાં સ્વામીજી કહે છે કે યુવાન સંન્યાસીઓએ ગુફાના ધર્મમાંથી બહાર નીકળીને સામાન્ય જનસમૂહની વચ્ચે જઈને એમને સાચી કેળવણી આપવાની છે. આપણાં જનસમાજનાં દુ :ખકષ્ટનું મૂળ કારણ એમની અજ્ઞાનતા અને નિરક્ષરતામાં રહેલું છે. એટલે પહેલું કાર્ય એમને શિક્ષિત કરવાનું છે. એ કાર્ય કેવી રીતે થઇ શકે એની વાત કરતાં સ્વામીજી કહે છે :

‘પ્રથમ તો ત્યાગની ભાવનાથી રંગાયેલા નવયુવકોની જરૂર છે. પોતાના અંગત સુખમાં મંડ્યા રહેવાને બદલે બીજાઓને માટે પોતાના જીવનનું બલિદાન આપવા તૈયાર હોય એવા નવયુવકોની આવશ્યકતા છે. આ હેતુને લક્ષમાં રાખીને યુવાન સંન્યાસીઓને તૈયાર કરવા માટે હું એક મઠ સ્થાપવા માગું છું. આ સંન્યાસીઓ ઘેર ઘેર જઈને હકીકતો અને તર્કયુક્ત દલીલો દ્વારા લોકોને તેમની દયાજનક સ્થિતિનું ભાન કરાવશે, તેમના કલ્યાણના ઉપાયો અને માર્ગાેનું શિક્ષણ આપશે, અને સાથે સાથે જ બને તેટલી સ્પષ્ટ રીતે, સાવ સાદી અને સહેલી ભાષામાં ધર્મનાં ઊંચાં સત્યો સમજાવશે. આપણા દેશની સામાન્ય જનતા સૂઈ રહેલા કોઈ વિશાળકાય મગરમચ્છ જેવી છે.’ (૯.૧૦૪)

આ કાર્ય જો સુપેરે પાર પાડવું હોય તો મોટી સંખ્યામાં ત્યાગી કાર્યકરોની આવશ્યકતા રહે છે એમ સ્વામીજીને સ્પષ્ટપણે લાગ્યું. અમેરિકાથી પાછા ફર્યા પછી પોતાના અત્યંત ટૂંકા જીવનકાળમાં આ કાર્ય માટે ખૂબ અધીર બનીને ૧૮૯૪ના રોજ પોતાના ગુરુબંધુઓને લખેલા એક પત્રમાં એમણે પોતાના હૃદયની ચિંતાભરી લાગણીની વાત આ શબ્દોમાં કરી છે :

‘આપણે બે હજાર – ના, ના, દસ, અરે વીસ હજાર સંન્યાસીઓ જોઈએ છે : સ્ત્રીઓ અને પુરુષો બન્ને. આપણી સાધ્વી-માતાઓ શું કરે છે ? ગમે તે ભોગે આપણે શિષ્યો જોઈએ છે. જાઓ, લોકોને સમજાવો અને તમે પણ ખરા દિલથી પ્રયત્ન કરો. પણ ધ્યાન રાખજો કે ગૃહસ્થાશ્રમી ચેલા નથી જોઈતા, આપણે તો સંન્યાસીઓ જોઈએ. તમે દરેક સો સો માથાં મૂંડી (સંન્યાસીઓ બનાવી) જ નાખો – પણ કેળવાયેલા યુવકો લેજો, બેવકૂફો નહિ. ત્યારે જ તમે વીર કહેવાઓ.’ (૮.૭૪)

આ જ પત્રમાં આ કેળવણીના, સામાન્ય જનસમૂહને કેળવવાના અને એને જ્ઞાનને પથે વાળવાના કાર્યમાં આપણે સંન્યાસીઓએ શું કરવું જોઈએ એની વાત કરતાં સ્વામીજી કહે છે :

‘હું તમને એક નવો વિચાર આપું છું. જો તમે તેને અમલમાં મૂકી શકો તો હું માનીશ કે તમે મનુષ્ય છો અને ઉપયોગી થઈ શકશો. … એક વ્યવસ્થિત યોજના ઘડૉ. થોડા કેમેરા, થોડાક નકશા, પૃથ્વીના ગોળા અને કેટલાંક રસાયણોની જરૂર પડશે. પછી એક મોટી ઝૂંપડી જોઈશે. પછી તમારે બધા ગરીબ અને અજ્ઞાની લોકોને એકઠા કરીને તેમને ખગોળવિદ્યા, ભૂગોળ વગેરે વિષયનાં ચિત્રો બતાવવાં તથા તેમને શ્રીરામકૃષ્ણદેવનો ઉપદેશ કરવો. જુદા જુદા દેશમાં જે થયું છે અને જે થઈ રહ્યું છે તે વિશે તેમજ આ જગત શેના જેવું છે, કેમ બનેલું છે વગેરે બધું કહીને તેમની આંખ ઉઘાડવાનો પ્રયત્ન કરજો.’ (૮.૭૧)

૧૮૯૨ના જૂનમાં સ્વામી વિવેકાનંદે અને સ્વામી અખંડાનંદે પોરબંદરમાં થોડા દિવસો સાથે વિતાવ્યા. પછી તેઓ બંને જુદી જુદી દિશામાં નીકળી પડ્યા. સ્વામીજી જૂનાગઢ ગયા અને સ્વામી અખંડાનંદજી જામનગર ગયા અને ત્યાં એકાદ વર્ષ રોકાયા. જામનગરમાં ત્યાંના સુખ્યાત વૈદ્યરાજ ઝંડુ ભટ્ટની અનન્ય સેવાભાવના અને સેવાવૃત્તિ નિહાળીને સ્વામી અખંડાનંદને પણ સેવાપ્રવૃત્તિઓ માટે એક અનેરી પ્રેરણા મળી હતી. તે પહેલાં સ્વામી વિવેકાનંદે એમને કહ્યું હતું કે પોતાના પરિભ્રમણ દરમિયાન એમણે પોતે ઘણા પર સેવાના કાર્ય કરનાર સેવાભાવી ગૃહસ્થો જોયા છે પણ ઝંડુ ભટ્ટ જેવા ઉદાર દિલના અને પોતાનો ભોગ આપીને પણ સેવા કરવાની ભાવના સેવનાર વિરલ સદ્ગૃહસ્થ જોયા નથી. એમના આ ગુરુભાઈ સ્વામી અખંડાનંદે સ્વામી વિવેકાનંદના આદર્શ પ્રમાણે રાજસ્થાનના ખેતડી રાજ્યમાં પછાત, પીડિતોનાં બાળકો માટે મહારાજા અજિતસિંહની મદદથી શિક્ષણ દ્વારા સર્વાંગીણ વિકાસનું કાર્ય શરૂ કર્યું.

૧૮૯૪માં સ્વામી અખંડાનંદને લખેલા એક પત્રમાં સ્વામીજી કહે છે :

‘ખેતડી શહેરના નીચલા વર્ગના તેમજ ગરીબ લોકોના ઘેર ઘેર જજો અને તેમને ધર્મ શીખવજો. તેમને ભૂગોળ અને બીજા વિષયોનું મૌખિક શિક્ષણ આપજો. ગરીબોનું કંઈક પણ કલ્યાણ ન કરતાં, આળસુ થઈને બેઠા બેઠા રજવાડી ભોજન ઉડાવવું અને ‘‘જય ભગવાન શ્રીરામકૃષ્ણ!’ બોલવું તેમાં કાંઈ ભલું થવાનું નથી. અવારનવાર બીજાં ગામડાંઓમાં પણ જજો અને લોકોને ધર્મ તેમજ જીવન જીવવાની કળા શીખવજો. કર્મ, ભક્તિ અને જ્ઞાન; એમાંથી પહેલાં કર્મ કરો. તેથી તમારી ચિત્તશુદ્ધિ થશે, નહિતર પવિત્ર અગ્નિને બદલે રાખના ઢગલામાં આહુતિઓ આપવાની પેઠે બધું નિષ્ફળ જશે. ગુણનિધિ આવે ત્યારે રજપૂતાનાના પ્રત્યેક ગામમાં ગરીબ અને નિરાધારોને ઘેર ફરજો. તમે જે પ્રકારનો ખોરાક લો છો તેનો લોકો વિરોધ કરે તો તે ખોરાક તુરત છોડી દેજો. બીજાનું હિત કરવા ઘાસ ખાઈને જીવવું પણ પસંદ કરવા લાયક છે. ભગવો વેશ ભોગ માટે નથી. એ તો વીરોચિત કાર્યોનો ધ્વજ છે. જગતના કલ્યાણ માટે તમારે શરીર, મન અને વાણી અર્પણ કરી દેવાં. તમે તો વાંચ્યું છે : मातृदेवो भव। पितृदेवो भव।માતાને દેવ સમાન ગણો, પિતાને દેવ સમાન ગણો, પણ હું કહું છું : ‘दरिद्र देवो भव। मूर्ख देवो भव।’ ‘‘ગરીબને, અભણને, અજ્ઞાનીને, દુ :ખીઓને – એવા લોકોને ઈશ્વર માનો. આવા લોકોની સેવા એ જ સર્વોચ્ચ ધર્મ છે.’ (૮.૭૦)

આવા વીરોચિત કાર્ય માટે સૌ પ્રથમ તો ત્યાગની અને ત્યાર પછી અદમ્ય પુરુષાર્થ સાથેની નિ :સ્વાર્થ સેવાની જરૂર છે. શ્રીરામકૃષ્ણદેવ સમગ્ર જગતનાં ક્ષેમકલ્યાણ માટે જ પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. એમને પગલે પગલે ચાલીને સ્વામી વિવેકાનંદે પણ પોતાના ગુરુદેવના આદર્શને ચરિતાર્થ કરી બતાવ્યો છે.

૧૮૯૪ના રોજ પોતાના ગુરુબંધુઓને લખેલા એક પત્રમાં તેઓ શ્રીરામકૃષ્ણદેવે સાચી ભક્તિ કેવી રીતે થઈ શકે એ વિશે વાત કરતાં લખે છે :

‘જે સ્વાર્થી માણસ પોતાના જ સુખની પરવા કરે છે અને આળસુ જીવન ગાળે છે, તેને માટે નરકમાં પણ સ્થાન નથી. શ્રીરામકૃષ્ણનો સાચો પુત્ર તે જ છે કે જે બધાં પ્રાણીઓ પ્રત્યે દયાળુ છે અને પોતાની જાતની અધોગતિનું જોખમ વહોરીને પણ જે તેમને માટે શ્રમ કરે છે. इतरे कृपणाः ‘‘બીજા હલકટ છે.’ (૮.૭૫)

શિકાગોથી ૧૯ માર્ચ, ૧૮૯૪ના રોજ પોતાના ગુરુબંધુ શશી મહારાજ (સ્વામી રામકૃષ્ણાનંદજી)ને એક પત્રમાં એમના આ સામાન્ય જન માટેના શિક્ષણના નૂતન અભિગમ વિશે થોડી વધુ વિગતો આપતાં સ્વામીજી લખે છે :

કેટલાક પરહિતકારી નિ :સ્વાર્થી સંન્યાસીઓ ગામડે ગામડે જાય અને કેળવણી ફેલાવે, ચાંડાલ સુધીના તમામ વર્ગાેની સ્થિતિ સુધારવા મૌખિક શિક્ષણ, નક્શા, ચિત્રો આદિ સાધનો વડે શિક્ષણ ફેલાવવા પ્રયાસ કરે, તો શું સમય જતાં કંઈ સારું પરિણામ ન આવે ? યોજનાની વિગતો આ નાના પત્રોમાં ન લખી શકાય, ટૂંકમાં અર્થ એ છે કે ‘‘પર્વત મહંમદ પાસે ન જાય, તો મહંમદે પર્વત પાસે જવું.’ લોકો એટલા બધા ગરીબ છે કે શાળા-પાઠશાળાઓમાં જઈ ન શકે. વળી ફક્ત કાવ્યો વગેરે વંચાવવાથી તેમને કંઈ ફાયદો થશે નહિ. રાષ્ટ્ર તરીકે આપણે આપણું વ્યક્તિત્વ ગુમાવ્યું છે અને ભારતનાં બધાં દુ :ખોનું એ જ કારણ છે. દેશની અદૃશ્ય થઈ ગયેલી વિશિષ્ટતા આપણે દેશને પાછી મેળવી આપવાની છે અને પ્રજાને ઊંચે લાવવાની છે. હિંદુઓ, મુસલમાનો અને ખ્રિસ્તીઓએ શૂદ્રોને પગ તળે કચડ્યા છે. તેમને ઊંચા લાવવાનું બળ દેશમાંથી એટલે રૂઢિચુસ્ત હિંદુઓમાંથી આવવું જોઈએ. દરેક દેશોમાં અનિષ્ટો તો હોય છે પણ તે ધર્મને લીધે નહિ, પરંતુ ધર્મ ન હોવાને લીધે. તેથી દોષ ધર્મનો નહિ પણ લોકોનો છે.

આ વસ્તુને અમલમાં મૂકવા પ્રથમ માણસોની જરૂર છે અને પછી દ્રવ્યની. ગુરુદેવની કૃપાથી દરેક શહેરમાંથી દસથી પંદર માણસો જરૂર મળશે. (૮.૪૪)

૧૮૯૪માં લખેલ પત્રમાં તેઓ ભવિષ્યમાં રચાનારા શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનની રૂપરેખા કેવી હોવી જોઈએ એની એક ઝલક અને એ વિશેના કેટલાક પાયાના સિદ્ધાંતો અને આદર્શાેની વાત પોતાના ગુરુબંધુઓને ઉદ્દેશીને કહે છે :

‘આટલી બાબતો યાદ રાખજો :

૧. આપણે સંન્યાસીઓ છીએ. આપણે બધું છોડી દીધું છે : ભક્તિ, મુક્તિ, ભોગ, સર્વસ્વ.

૨. આપણી પ્રતિજ્ઞા આ પ્રમાણે છે : હલકામાં હલકા મનુષ્ય સુધી જગતનું ઉચ્ચમાં ઉચ્ચ હિત કરવું. તેમ કરતાં મુક્તિ મળે કે નરક; તેને આવકારો.

૩. શ્રીરામકૃષ્ણ પરમહંસ દુનિયાના ભલા માટે આવ્યા હતા. તેમને ગમે તે નામે કહો, ઈશ્વર કહો કે અવતાર કહો, તમે પ્રત્યેક તમારી સમજણ પ્રમાણે તેને સ્વીકારો.

૪. તેને જે પ્રણામ કરશે તે તત્ક્ષણ શુદ્ધ કાંચન બની જશે. મારા શિષ્યો! આ સંદેશ સાથે બને તો બારણે બારણે જાઓ એટલે તમારી બધી અશાંતિ નાશ પામશે. ડરો નહિ; ભય માટે અવકાશ જ ક્યાં છે ? કશાની પણ દરકાર ન કરવી એ તો તમારા જીવનનો એક ભાગ છે. આજ સુધી શ્રીરામકૃષ્ણ દેવના નામ અને તેમના ચરિત્રનો તમે સુંદર ફેલાવો કર્યો છે; બહુ સારું. હવે તેનો વ્યવસ્થિત રીતે પ્રચાર કરો. ભગવાન તમારી સાથે છે; હિંમત રાખો ! (૮.૫૪)

મુંબઇથી ૨૦ સપ્ટેમ્બર, ૧૮૯૨ના રોજ ખેતડીના પંડિત શંકરલાલને લખેલા એક પત્રમાં સ્વામીજી કહે છે,

‘ઓછામાં ઓછા એક હજાર નવયુવાનોનું બલિદાન ભારત માગે છે, ખ્યાલ રાખજો કે યુવાનોનું બલિદાન, હેવાનોનું નહિ. તમારી જરઠ બની ગયેલી સંસ્કૃતિને તોડવા માટે અંગ્રેજ સરકાર તો પ્રભુએ આ દેશમાં આણેલું એક નિમિત્ત છે;.. આજે હવે ગરીબો માટે હમદર્દી, ભૂખ્યાં માટે રોટી અને વિશાળ જનમાનસને જ્ઞાનનો પ્રકાશ આપીને અભિનવ પરિસ્થિતિનું નિર્માણ કરવા માટે, જીવનમરણનો જંગ ખેલવાને તથા તમારા બાપદાદાઓના અત્યાચારોના કારણે પશુકોટિમાં ઊતરી ગયેલાઓને ફરીથી મર્દ બનાવવા માટે મરણ સુધી ઝૂઝવાને… કેટલા નિ :સ્વાર્થી અને પૂર્ણ નિષ્ઠાવાન માણસો આવવા તૈયાર છે ?’ (૯.૧૯૮)

Total Views: 394

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.