આ પહેલાંના અંકમાં આપણે જોયું કે જામનગરના ઉત્તમ વૈદ્ય ઝંડુ ભટ્ટની અનન્ય સેવા પરાયણ ભાવનાને જોઈને સ્વામી વિવેકાનંદે સ્વામી અખંડાનંદને એમને મળવા કહ્યું. આવું જ સેવા કાર્ય સ્વામી અખંડાનંદજીએ પછીથી રાજસ્થાનના ખેતડીના પછાત પીડિત બાળકો માટે શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસનું કાર્ય શરૂ કર્યું. ‘શિવભાવે જીવસેવા’ના આદર્શને ધ્યાનમાં રાખીને ‘દરિદ્ર દેવો ભવ, મૂર્ખ દેવો ભવ’નો નવો આદર્શ અપનાવીને એ કાર્યમાં લાગી જવા માટે સ્વામીજીએ પોતાના ગુરુબંધુઓને પણ અવારનવાર પત્રો લખીને કહ્યું છે કે હલકામાં હલકા મનુષ્ય સુધી પહોંચીને તેમના સર્વાંગી હિત માટે પ્રયાસ કરવા પછી ભલે મુક્તિ મળે કે નરક; તેને આવકારો. આ દુ :ખી-દરિદ્ર, પીડિત લોકોની સેવાના કાર્યમાં લાગી જવા અને યુવાનોને એ કાર્યમાં જોતરવા સ્વામીજીએ આહ્‌વાન આપ્યું હતું.

૧૯ નવેમ્બર, ૧૮૯૪ના રોજ મદ્રાસમાં આલાસિંગા પેરુમલને ન્યૂયોર્કથી લખાયેલા પત્રમાં સ્વામી વિવેકાનંદે આવી સર્વસેવા સંસ્થા સ્થાપીને એનું કાર્ય પ્રેમ, હૃદયની સચ્ચાઇ, ધૈર્ય અને ખંતથી ચલાવવા અને એ દ્વારા બીજાનું ભલું કરવાની, પશુની કોટીએ નીચે ઊતરી ગયેલા અને મૃતપ્રાય : બની ગયેલા, કચડાયેલા લોકો માટે લાગણી રાખીને એમના સાર્વત્રિક કલ્યાણ માટેનો પુરુષાર્થ કરવાની હાકલ કરી છે અને મુશ્કેલીઓમાંથી પણ માર્ગ કાઢવાની શક્તિ કેવી રીતે કેળવવી એની વાત પણ એમણે આ શબ્દોમાં કરી છે.

‘સંસ્થાને આગળ ધપાવો. પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કાંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવન બીજું શું છે ? માટે સર્વ પ્રકારનો પ્રેમ એ જ જીવન છે. જીવનનો એક જ નિયમ છે. સર્વ પ્રકારનું સ્વાર્થીપણું એ જ મૃત્યુ છે. વળી આ નિયમ આ લોકમાં કે પરલોકમાં બધે સાચો છે. અન્યનું ભલું કરવું એ જ જીવન છે, અને તેમ ન કરવું તે મૃત્યુ છે. જે નેવું ટકા માનવરૂપી પશુઓને તમે જુઓ છો તે મરેલાં છે, પ્રેતો છે, કારણ કે ઓ મારા શિષ્યો ! પ્રેમ કરનાર સિવાય કોઈ જીવંત નથી. મારાં બાળકો ! અન્ય માટે લાગણી રાખતાં શીખો; ગરીબ, અજ્ઞાની અને કચડાયેલાં માટે લાગણી રાખો; એટલી હદ સુધી લાગણી રાખો કે તમારું હૃદય બંધ પડી જાય, મગજ ઘૂમ્યા કરે અને તમને લાગે કે તમે પાગલ થઈ જશો; અને પછી ઈશ્વરને ચરણે હૃદયની વ્યથા ધરી દો. ત્યાર પછી આવશે શક્તિ, સહાય અને અદમ્ય ઉત્સાહ ! છેલ્લાં દસ વર્ષ દરમિયાન પુરુષાર્થ, પુરુષાર્થ એ જ મારો મુદ્રાલેખ હતો. હજુ પણ હું કહું છું કે પુરુષાર્થ કરો ! જ્યારે સર્વત્ર અંધકાર હતો ત્યારે હું કહેતો કે પુરુષાર્થ કરો; આજે જ્યારે પ્રકાશ આવતો લાગે છે ત્યારે પણ હું કહું છું કે પુરુષાર્થ કરો ! મારા શિષ્યો ! ડરો નહીં. પેલા અનંત તારામંડિત આકાશનાં ઘુમ્મટ તરફ એ જાણે કે કચડી નાખશે એવી ભયભીત દૃષ્ટિથી જુઓ મા. જરા થોભો; થોડા જ વખતમાં એ આખું તમારા પગ તળે આવી જશે. થોભો; પૈસાથી કંઈ વળતું નથી, નામથી પણ નહીં, યશથી પણ નહીં, વિદ્યાથી પણ નહીં, માત્ર પ્રેમથી લાભ થાય છે; માત્ર ચારિત્ર્ય જ મુશ્કેલીઓની વજ્ર જેવી દીવાલો તોડીને તેમાંથી માર્ગ કાઢે છે.’ (૩.૨૯૨)

યુ.એસ.એ.થી ૧૮૯૪માં વળી પાછા પોતાના પ્રિય શિષ્ય આલાસિંગાને એક પત્ર લખ્યો હતો. તેમાં સ્વામીજીએ એક જૂની વાર્તા રજૂ કરીને આળસુ, કંટાળેલો, થાકેલો, મનથી વૃદ્ધ અને બેદરકાર, ઢચુપચુ માણસ જેવી વૃત્તિ ધરાવનાર કોઈ મહાન કાર્ય કરી ન શકે. એ વાતની યાદ અપાવીને શ્રીમદ્ ભગવદ ગીતાના ૯મા અધ્યાયના ૨૨મા શ્લોકનું ઉદ્ધરણ ટાંકીને એમણે સેવાકાર્ય શરૂ કરી દેવાની હાકલ કરી હતી. કોઈપણ પ્રજા પોતાનો ઉદ્ધાર પોતે જ કરી શકે. રાષ્ટ્રની સેવા કે પુનરુદ્ધાર કરવાનું કાર્ય કરનાર વ્યક્તિ કદીયે સત્તાધીશ બનવાનો પ્રયત્ન ન કરી શકે. ઉત્તમ સેવા એ જ ઉત્તમ સત્તા છે. શક્તિ, નિ :સ્વાર્થ ભાવના, સમસ્ત જીવન સમર્પી દેવાની ઇચ્છા હોય તો આ કાર્ય થઇ શકે. ધૈર્ય,ખંત અને પવિત્રતા કેળવીને આ મહાન કાર્યો થઈ શકે. એ પત્રમાં સ્વામીજી લખે છે :

‘એક જૂની કથા સાંભળો. રસ્તા ઉપર આમતેમ ભટકતા એક આળસુ રખડુને એક વૃદ્ધ પુરુષને તેના પોતાના ઘરમાં બારણાંમાં બેઠેલો જોયો, અને અમુક જગ્યા ક્યાં આવેલી છે એ બાબત તેને પૂછવા સારુ તે ઊભો રહ્યો. તેણે પૂછ્યંુ : ‘‘અમુક ગામ અહીંથી કેટલે દૂર છે ?’ પેલો વૃદ્ધ મૂંગો જ રહ્યો. એ માણસે અનેકવાર પ્રશ્ન પૂછ્યા કર્યો, એમ છતાં તેને કશો જવાબ મળ્યો નહિ, આથી કંટાળીને પેલા માણસે ત્યાંથી ચાલવા માંડ્યું. ત્યારે એ વૃદ્ધ પુરુષે ઊભા થઈને જવાબ આપ્યો :

‘એ ગામ અહીંથી ફક્ત એક માઈલ દૂર છે.’ પેલો રખડુ બોલ્યો : ‘‘આ શું ? મેં તમને પહેલાં પૂછ્યું ત્યારે તમે કેમ કશું બોલ્યા નહિ?’ એ વૃદ્ધ પુરુષે જવાબ વાળ્યો : ‘‘એનું કારણ એ છે કે એ વખતે આગળ ધપવાની બાબતમાં તમે મને ઢચુપચુ અને બેદરકાર દેખાયા; પરંતુ હવે તો ખરેખર તમે આગળ જવા તૈયાર થઈ ગયા છો, એટલે પ્રશ્નનો ઉત્તર મેળવવાનો તમને અધિકાર પ્રાપ્ત થયો છે.’

બેટા ! આ કથા યાદ રહેશે ને ? કાર્યમાં પ્રવૃત્ત થઈ જાઓ, એટલે બાકીનું બધું થઈ રહેશે. કેમ કે,

अनन्याश्चिंन्तयन्तो मां ये जनाः पर्युपासते।
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यमहम्।।

ગીતા ૯ : ૨૨

‘‘જે મનુષ્યો અનન્ય ભાવે મારું ચિંતન કરતા કરતા, મારી ઉપાસના કરે છે, તેવા સદા એકનિષ્ઠ મનુષ્યોનું યોગક્ષેમ હું ચલાવું છું.’

તો હવે કાર્ય શરૂ કરી દો ! જી. જી. ની પ્રકૃતિ ઊર્મિશીલ છે અને તમે સમતોલ વિચારશક્તિવાળા છો, એટલે બંને સાથે મળીને કાર્ય કરજો. યાહોમ કરી પડો; આ તો કેવળ શરૂઆત છે. દરેક રાષ્ટ્રે પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો જોઈએ. હિંદુ ધર્મના પુનરુદ્ધાર માટે આપણે અમેરિકામાંથી મળતાં નાણાં ઉપર આધાર રાખવો ન જોઈએ કારણ કે એ એક ભ્રમણા જ છે. આપણું એક કેન્દ્ર હોય એ મોટી વાત છે; મદ્રાસ જેવા વિશાળ શહેરમાં એવું કોઈ કેન્દ્ર મેળવવાનો પ્રયાસ કરો, અને ત્યાંથી એકેક જીવંત શક્તિને તમામ દિશાઓમાં ફેલાવો. શરૂઆત ધીમેેથી કરો.. અત્યારે થોડાક ગૃહસ્થી પ્રચારકોથી શરૂઆત કરો; પછી ધીરે ધીરે, આ કાર્યમાં પોતાનું સમસ્ત જીવન સમર્પી દેનારા અન્ય લોકો તમને આવી મળશે. સત્તાધીશ બનવાનો પ્રયાસ ન કરો; જે મનુષ્ય ઉત્તમ રીતે સેવા કરી શકે છે તે જ ઉત્તમ રીતે સત્તા ચલાવી શકે છે. મૃત્યુપર્યંત સત્યનિષ્ઠ રહો. આપણને જોઈએ છે કાર્ય; આપણે ધન, નામના કે કીર્તિની પાછળ નથી…. બહાદુર બનો… જો તમે સંપૂર્ણ નિ :સ્વાર્થી બનશો, તો તમને સફળતા અવશ્ય મળશે. કાર્ય કરવાની સ્વતંત્રતાનો લોપ થવા દીધા વગર, તમારા આગેવાનો પ્રત્યે સંપૂર્ણ માન દાખવો. બીજા લોકો સાથે મેળમાં રહીને કાર્ય કરો… કાર્યની સિદ્ધિ અર્થે, જો જરૂર જણાય તો અગ્નિમાં ઝંપલાવવાની પણ મારાં સંતાનોની તૈયારી હોવી જોઈએ. અત્યારે તો બસ, કાર્ય, કાર્ય અને કાર્ય જ કરો! કાર્યમાં સહેજ અટકીને એકમેકની સિદ્ધિની સમીક્ષા આપણે આગળ ઉપર કરીશુુંુંં. ધૈર્ય,ખંત અને પવિત્રતા કેળવો.’(૯.૨૪૪-૪૫)

૧૮૯૪માં પોતાના ગુરુભાઇઓને લખેલા એક પત્રમાં પાપીનારાયણ, દુ :ખીનારાયણ અને દરિદ્ર નારાયણની સેવા કરનાર કેવી રીતે મહાન બની શકે અને એ સિવાયના બીજા બધાની સેવાપૂજાને તેઓ કેવી ગણે છે એની વાત સ્વામીજીએ સ્પષ્ટ શબ્દોમાં આ રીતે કરી છે :

‘સંભાળજો, સાક્ષાત્ ઈશ્વર આવી રહ્યો છે. જે કોઈ તેની સેવા કરવા, -ના, તેની નહિ તેનાં ગરીબ અને કચડાયેલાં, પાપી અને દુ :ખી, અરે કીડા સુધીનાં તેનાં સર્વ બાળકોની સેવા કરવા જેઓ તૈયાર થશે તેમનામાં તે પ્રગટ થશે. તેમની જિહ્વા દ્વારા સાક્ષાત્ ભગવતી સરસ્વતી બોલશે, અને તેમનાં હૃદય-સિંહાસનમાં સર્વશક્તિમયી જગન્માતા બિરાજશેે. જેઓ નાસ્તિક છે, શ્રદ્ધાહીન છે, નકામા છે અને શેખીખોર છે તેઓ પોતાને ઈશ્વરના અનુયાયી શા માટે ગણાવે છે ?…’ (૮.૭૫-૭૬)

પોતાના શિષ્ય શરત્ચંદ્ર ચક્રવર્તીના બીજાઓનું ભલુ કરવામાં ઘણી વાર પૈસાની પુષ્કળ જરૂર પડે છે, એ ક્યાંથી લાવવા, એવા પ્રશ્નના ઉત્તરમાં સ્વામીજીએ કાર્ય કરવાનું ચાલુ રાખવા અને સેવા કાર્યના રથને ટેકો આપવા સલાહ આપતી વખતે આ શબ્દો કહ્યા હતા :

‘માટે ઊઠો, અને રથના ચક્રને ટેકો આપો. આ જિંદગી તે કેટલીક લાંબી છે ? આ દુનિયામાં તમે આવ્યા છો તો કંઈક નામ રાખી જાઓ; નહિતર તમારામાં અને પેલાં ઝાડ કે પથ્થરમાં ફરક શો રહ્યો ? એ પણ જન્મે છે, જીર્ણ થાય છે અને નાશ પામે છે. જો તમારે પણ એમની પેઠે જન્મીને મરી જવું હોય તો તમને એ મુબારક હો ! હું તો કહું છું કે તમારી કૃતિ દ્વારા મને બતાવી આપો કે તમારો વેદાંતનો અભ્યાસ શ્રેષ્ઠ રીતે સાર્થક થયો છે. જાઓ, સૌને કહો કે ‘ભાઈઓ! તમારા સહુમાં જ એ સનાતન શક્તિ રહેલી છે.’ એ શક્તિને જગાડવાનો પ્રયાસ કરો. તમારી અંગત મુક્તિથી તમે શું કમાવાના છો ? એ તો નરી સ્વાર્થવૃત્તિ છે. તમારા ધ્યાનને અને તમારી મુક્તિને હમણાં બાજુએ રાખી દો, અને જે કામમાં મેં મારી જાતને સમર્પી છે તેમાં તમે પણ પૂરેપૂરા તન-મનથી લાગી જાઓ.

આ પ્રેરણાદાયી શબ્દો શિષ્ય એકશ્વાસે સાંભળી જ રહ્યા. સ્વામીજી તો પોતાની જવલંત વાક્છટાથી પૂર્વવત્ બોલ્યે જ ગયા.

‘સૌ પ્રથમ ભૂમિ તૈયાર કરો; એટલે સમય આવતાં ધર્મ પર વ્યાખ્યાન આપવા આ દુનિયામાં હજારો વિવેકાનંદો જન્મ લેશે. તમારે તેની ચિંતા ન રાખવી. જોતા નથી, હું શા માટે અનાથાશ્રમો અને દુષ્કાળનાં રાહત-કાર્યો વગેરે ચાલુ કરી રહ્યો છું ? તમે જોતા નથી કે ભગિની નિવેદિતા જેવી એક અંગ્રેજ મહિલા હલકું કામ કરીને પણ ભારતવાસીઓની આવી સરસ સેવા કરવાનું શીખી ગઈ છે ? તો શું તમે ભારતવાસી હોવા છતાં એ જ પ્રમાણે તમારા દેશબંધુઓની સેવા ન કરી શકો ? ઊઠો; જ્યાં જ્યાં લોકો દુ :ખી હોય ત્યાં ત્યાં અને તેમનાં દુ :ખો દૂર કરવા તમે સહુ પહોંચી જાઓ. બહુ તો તમે એ પ્રયત્નમાં મરી ખૂટશો; પણ એથી શું ! તમારા જેવા તો કેટલાય અળસિયાની પેઠે રોજ રોજ જન્મે છે ને મરે છે ! એથી આ વિશાળ દુનિયામાં ક્યો તફાવત પડી જાય છે ? મરવું તો છે જ. તો પછી એક મહાન આદર્શ સાથે મૃત્યુને ભેટો. જીવનમાં કોઈ મહાન આદર્શની ખાતર મરવું એ વધુ સારું છે. આ આદર્શનો ઘેર ઘેર પ્રચાર કરો, જેથી આપણા દેશનું ભલું કરવાની સાથે સાથે તમારું પણ કલ્યાણ થાય. (૯.૧૦૭)’

Total Views: 264

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.