વાદ્ય અને ધ્વનિના નિયમ :

વાદકનું વાદ્ય ગાયકના કંઠની ઉપર ન જવું જોઈએ. વાદકે ગાયકનું અનુસરણ કરવાનું હોય છે, નહીં કે ગાને વાદ્યનું.

આડા બજાના

કેટલાક પ્રથમાભાવમાં છંદોહિન છતાં પણ ઉત્તમ તાલ તથા છંદોવિશિષ્ટ બોલ દ્વારા ગાયકને તાલ, લયથી વિચ્યુત કરવાની ક્રિયાને આડા બજાના કહે છે. ગાયક પણ ક્યારેક ક્યારેક આવો પ્રયાસ કરે છે. આનો મુખ્ય દોષ એ છે કે એને લીધે કેટલીયવાર રાગમાં અશુદ્ધિ આવી જાય છે. પરંતુ એમાં આમોદ પણ છે. બંનેની પ્રતિયોગિતાને પરિણામે બંને(ગાયક તથા વાદક) તથા શ્રોતાઓના મનમાં એક પ્રકારનો તીક્ષ્ણ આનંદ ઉદ્ભવે છે.

સ્વામીજીના સંગીત વિષયક વિચારો

૧. સંગીતમાં ભારતે વિશ્વને સાત મુખ્ય સૂર અને માપન ક્રમ સહિતની પોતાની અંકન પદ્ધતિ આપી છે. એનો આનંદ આપણે ઈશુના જન્મ પહેલાંના ૩૦૦ વર્ષ પૂર્વથી લઈ રહ્યા છીએ. જ્યારે યુરોપમાં કેવળ તે અગિયારમી સદીમાં પહોંચી. (સ્વા. વિ. ગ્રં.)

૨. ધ્રુપદ અને ખયાલ વગેરેમાં એક વિજ્ઞાન છે. પરંતુ કીર્તન અર્થાત્ મધુર અને વિરહ (ભાવ) તથા એવી અન્ય રચનાઓમાં જ સાચું સંગીત છે, કારણ કે ત્યાં ભાવ છે. ભાવ જ આત્મા છે, પ્રત્યેક વસ્તુનું રહસ્ય છે. સામાન્ય લોકોનાં ગીતોમાં ક્યાંક વધારે સંગીત છે અને તેનો સંગ્રહ થવો અપેક્ષિત છે. જો ધ્રુપદ આદિના વિજ્ઞાનનો કીર્તનના સંગીત પ્રયોજવામાં આવે એનાથી પૂર્ણ સંગીતની નિષ્પત્તિ થાય છે.

(સ્વા. વિ. ગ્રં.)

૩. ઈશસ્મરણનો આ અભ્યાસ જાળવી રાખવામાં સહુથી વધારે સહાયક સંભવત : સંગીત છે. ભક્તિના મહાન આચાર્ય નારદને ભગવાન કહે છે, ‘હે નારદ, ન તો હું વૈકુંઠમાં રહું છું કે ન યોગીઓનાં હૃદયમાં, હું તો કેવળ ત્યાં જ રહું જ્યાં મારા ભક્તગણ ગાન કરે છે. (નાહં વસામિ વૈકુંઠે યોગીનામ્ હૃદયે ન ચ મદ્ભક્તા : યત્ર ગાયન્તિ તત્ર તિષ્ઠામિ નારદ- પદ્મપુરાણ)

પર્ણકુટિઓને સ્થાને અટારીઓ વધી અને ગવાતા કોલાહલની જગ્યાએ કલાકૌશલવાળા મધુર સંગીતનું પૃથ્વી પર આગમન થયું. માનવહૃદય પર સંગીતનો પ્રબળ પ્રભાવ પડે છે. તે એક ક્ષણભરમાં ચિત્તને એકાગ્ર કરી દે છે. તમે જોતા હશો કે જડ, અજ્ઞાની, નીચ અને પશુવૃત્તિવાળા મનુષ્યો જે પોતાનાં મનને ક્ષણભર માટે પણ સ્થિર કરી શકતા નથી તેઓ પણ મનોહર સંગીતનું શ્રવણ કરતાં જ તત્ક્ષણ મુગ્ધ બનીને એકાગ્ર થઈ જાય છે. સિંહ, કૂતરાં, બિલાડી, સાપ જેવાં પશુઓનું મન પણ સંગીતથી મોહિત થઈ જાય છે.

તેથી જ ઘાસની પર્ણકુટિની જગ્યાએ મહાન મહેલાતો ઊભી થઈ; જાણે કે સ્વર્ગમાંથી વહી આવતા હોય તેવા કલાત્મક સંગીતના મીઠા સંવાદી સૂરોએ આમજનતાના બસૂરા કોલાહલને ચૂપ કરી દીધો

(-સ્વા.ગ્રં. પ્રેમયોગ પૂર્વતૈયારીમાંથી)

૪. યુગો પહેલાં ભારતમાં સંગીત પૂરેપૂરા સાતે સ્વરોમાં વિકાસ પામેલું; અર્ધ અને પા સ્વરો સુધી પણ તે વિકસેલું. સંગીત, નાટ્યશાસ્ત્ર અને શિલ્પકળામાં ભારત અગ્રણી હતું; અત્યારે જે કરવામાં આવે છે તે માત્ર અનુકરણનો પ્રયાસ છે. અત્યારે ભારતના સમગ્ર પ્રશ્નનો આધાર માણસ કેટલા ઓછાથી નભાવી શકે છે, તેના ઉપર રહેલો છે.(સ્વા. વિ. ગ્રં. ભારતીય કલા વિશેમાંથી)

૫. ભારતમાં નાટક એ પવિત્ર વસ્તુ ગણાતી હતી. નાટક અને સંગીત પોતે જ ધર્મ લેખાય છે. કોઈ પણ ગીત-પછી તે પ્રેમગીત હોય કે બીજું હોય- જો માણસ પોતાના સમગ્ર આત્માને તેમાં પરોવે તો તે ગીતકાર મુક્તિ પામે છે; તેને બીજું કંઈ કરવાપણું રહેતું નથી. એમ કહેવાય છે કે જે સ્થિતિ ધ્યાનમાં પ્રાપ્ત થાય છે, તે જ સ્થિતિ સંગીતથી પણ મેળવાય છે.

(રામાયણ- કેલિ. પાસાડેનામાં જાન્યુ. ૧૯૦૦નું વ્યાખ્યાન)

૬. બધાં વિશ્લેષણાત્મક વિજ્ઞાનોનો વિકાસ ભારતમાં થયો અને સામાન્યીકરણના વિજ્ઞાનનો વિકાસ યુનાન-ગ્રીસમાં. હિંદુઓનું માનસ પોતાની જ કાર્યદશામાં આગળ વધ્યુ અને એણે અદ્‌ભુત પરિણામ મેળવ્યાં… પરંતુ કદાચ મુસલમાનોએ વિજય પ્રાપ્ત કર્યાની બે શતાબ્દી પહેલાં જ્યારે આપણી રાષ્ટ્રિય શક્તિ ક્ષીણ થઈ, એ સમયે આપણી આ રાષ્ટ્રિય પ્રતિભા એવી તો અતિરંજિત થઈ કે તે પોતે જ અધ :પતન તરફ આગળ વધી ગઈ અને તે જ અધ :પતન ભારતીય કલા, સંગીત, વિજ્ઞાન જેવા દરેક વિષયમાં જોવા મળે છે. શિલ્પકલામાં હવે તે વ્યાપક પરિકલ્પના રહી નથી; ભાવોની તે ઉદાત્તતા તથા રૂપાકારના સૌષ્ઠવનો તે પ્રયત્ન હવે વધુ રહ્યો નથી; પરંતુ એની જગ્યાએ વધારે પ્રમાણમાં અલંકરણ તથા બાહ્ય ચમકારાનો સમાવેશ થઈ ગયો. પ્રજાની બધી મૌલિકતા નાશ પામતી ગઈ. સંગીતમાં ચિત્તને મગ્ન કરી દેનાર એ ગંભીર ભાવ, જે પ્રાચીન સંસ્કૃતિમાં જોવા મળે છે તે હવે નથી રહ્યા. પહેલાંની જેમ એમાંથી પ્રત્યેક સૂર હવે પોતાના પગે ઊભો રહી શકતો નથી, તે અપૂર્વ એકતાનતા છેડી શકતો નથી. દરેક સૂર પોતાની વિશિષ્ટતા ગુમાવી બેઠો છે. આપણા સમગ્ર આધુનિક સંગીતમાં વિવિધ પ્રકારના સૂર-રાગોમાં ખીચડી થઈ ગઈ છે, એની અત્યંત ખરાબ દશા થઈ ગઈ છે. સંગીતની અવનતિનું આ જ ચિહ્ન છે. આ રીતે જો તમે પોતાની ભાવનાત્મક પરિકલ્પનાઓનું વિશ્લેષણ કરીને જોશો તો તમને એ જ અતિરંજના અને અલંકરણની જ ચેષ્ટા મળશે. સાથે ને સાથે મૌલિકતાનો નાશ જોવા મળશે.

(આપણી સમક્ષ પડેલું કાર્ય- ટ્રીપ્લીકેન સો. મદ્રાસમાં આપેલ વ્યાખ્યાનમાંથી)

૭. પ્રાચીન ઉપનિષદોમાં આપણને ઉદાત્ત કવિતા જોવા મળે છે. એના રચયિતા કવિ હતા. પ્લેટોએ કહ્યું છે, ‘કવિતામાં અંત :સ્ફુરણા પ્રાપ્ત થાય છે.’ એવું જણાય છે કે કવિતાના માધ્યમથી ઉચ્ચતમ સત્યો સાક્ષાત કે પ્રત્યક્ષ થાય એ માટે જ વિધાતાએ આ પ્રાચીન ઋષિઓને માનવતાથી એટલા ઊંચા ઉઠાવ્યા હતા.

(બ્રહ્મ અને જગત, ૧૮૯૬માં લંડનમાં આપેલ વ્યાખ્યાન)

૮.(પ્રાચ્ય અને પાશ્ચાત્ય સંગીતની કળા અને વિજ્ઞાન)

(શ્રી પ્રિયનાથ સિંહા)

સને ૧૮૯૮ના જુલાઈની એક સંધ્યા હતી; બેલૂરમાં નિલાંબર મુખરજીના ઉદ્યાનગૃહમાં આવેલા મઠમાં સ્વામીજી પોતાના તમામ શિષ્યોની સાથે ધ્યાનમાં બેઠા હતા; ધ્યાન પૂરું થયા પછી સ્વામીજી બહાર આવીને એક બીજા ઓરડામાં બેઠા. બહાર જોરથી વરસાદ પડી રહ્યો હતો અને ઠંડો પવન પણ ફૂંકાતો હતો, તેથી એમણે બારણું બંધ કર્યું અને તાનપૂરો (મોટો તંબૂરો) લઈને ગાવા લાગ્યા. સંગીત પૂરું થયા પછી સંગીતના વિષય ઉપર લાંબી વાતચીત ચાલી. સ્વામી શિવાનંદજીએ પૂછયું : ‘સ્વામીજી ! પશ્ચિમનું સંગીત કેવું છે ?’

સ્વામીજી : અરે, એ તો ઘણું સરસ છે; એમાં સૂરોના સમન્વયની પૂર્ણતા આવી છે, જે આપણે હજી મેળવી નથી. માત્ર આપણા કાન તેનાથી ટેવાયેલા ન હોવાને લીધે તે આપણને સારું નથી લાગતું, અને તેથી આપણે ધારીએ છીએ કે એ ગાનારાઓ શિયાળિયાંની પેઠે ‘લારી’ કરે છે. શરૂઆતમાં મારી ધારણા પણ એવી હતી. પરંતુ જ્યારે મેં એ સંગીતને ધ્યાન દઈને સાંભળવા અને બારીકાઈથી તેનો અભ્યાસ કરવા માંડયો, ત્યારે મને તે વધારે અને વધારે સમજાવા લાગ્યું, અને હું તેનો ભારે પ્રશંસક બની ગયો. દરેક કળાને વિષે આવું જ છે. ઉચ્ચ કોટિના ચિત્ર સામે જોતાં આપણે તેનું સૌંદર્ય કયાં રહેલું છે તે સમજી શકતા નથી. તે ઉપરાંત અમુક અંશે જો માણસની આંખો કેળવાઈ ન હોય તો પીંછીના સૂક્ષ્મ સ્પર્શાે અને રંગોનાં મિશ્રણોની – કલાકૃતિની ઊંડી પ્રતિભાની કદર કરી શકે નહિ. આપણું જે ખરું સંગીત છે તે કીર્તન અને ધ્રુપદમાં રહેલું છે; બાકીનું ઈસ્લામી પ્રકારની સૂરાવટને લઈને બગડી ગયું છે. શું તમે એમ ધારો છો કે વીજળીવેગે એક સૂર પરથી બીજા સૂર પર ઠેકડા મારીને ચડી જવું અને નાકમાંથી અવાજ કાઢીને ટપ્પાની ટૂંકી અને હલકી તરજો ગાવી એ સંગીતની દુનિયામાં સારામાં સારી વસ્તુઓ છે ? એમ નથી. દરેક સપ્તકમાં દરેક સૂરને જો પૂરેપૂરો વિકસવા દેવામાં ન આવે તો સંગીતનું બધું વિજ્ઞાન માર્યું જાય છે. ચિત્રકામ પણ પ્રકૃતિના સંસર્ગમાં રહેવાથી તમે ધારો તેટલું કલાત્મક બનાવી શકો; એમ કરવામાં કશું નુકસાન નથી, અને પરિણામ સારું જ આવે. એ જ પ્રમાણે સંગીતમાં, તમે વિજ્ઞાનને વફાદાર રહીને ધારો તેટલી આવડત બતાવી શકો છો, અને એ શ્રુતિમધુર પણ થાય. મુસલમાનોએ ભારતમાં આવ્યા પછી જુદાં જુદાં રાગરાગિણીઓ અપનાવ્યાં. પરંતુ તેમણે ટપ્પા સંગીતની કલા પર પોતાનો એટલો બધો રંગ ચડાવ્યો કે સંગીતનું બધું વિજ્ઞાન નાશ પામી ગયું.

પ્રશ્ન : કેમ મહારાજ ? ટપ્પાનું સંગીત કોને નથી ગમતું ?

સ્વામીજી : હા, કેટલાંકને તમરાંનો અવાજ બહુ જ સારો લાગે; સાંથાલોને પણ લાગે છે કે પોતાનું સંગીત સર્વોત્તમ છે. તમે એ સમજતા લાગતા નથી કે જ્યારે એક સૂર બીજા સૂર પછી આવા દ્રુત ક્રમમાં આવે છે ત્યારે તેનાથી સંગીતનું બધું લાવણ્ય માર્યું જાય છે એટલું જ નહિ, ઊલટું વિસંવાદિતા ઉત્પન્ન કરે છે. સાત સૂરોના જાત જાતનાં મિશ્રણ દ્વારા શું રાગો અને રાગિણીઓ બનતાં નથી ? હવે ટપ્પામાં, એક આખા રાગને દૂષિત કરીને એક નવો રાગ ઉત્પન્ન કરે, અને એ કંપનાત્મક ચડઊતર દ્વારા અવાજને જો ઊંચામાં ઊંચી ટોચે ચડાવવામાં આવે તો, તમે જ કહો, રાગને તેના શુદ્ધ સ્વરૂપમાં કેવી રીતે રાખી શકાય? વળી સંગીતમાં જો માત્ર અસર ઉપજાવવાની ખાતર રંજનાત્મક અને ટૂંકા તાનપલટાનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હોય તો એ સંગીતનું કાવ્યત્વ સાવ માર્યું જાય છે. જ્યારથી ટપ્પા સંગીત પ્રચલિત થયું, ત્યારથી ગીત દ્વારા વ્યક્ત કરવાના વિચારને વળગી રહીને ગાવાનું આપણા દેશમાંથી સાવ અદૃશ્ય થઈ ગયું. આજના જમાનામાં એમ લાગે છે કે રંગભૂમિમાં સુધારા થવાની સાથે સાચી કળા કંઈક અંશે પુનર્જીવન પામતી આવે છે; પરંતુ બીજી બાજુએ શુદ્ધ રાગ અને રાગિણીઓ પ્રત્યેના આદરભાવને વધુ ને વધુ પ્રમાણમાં છોડી દેવામાં આવે છે. એ કારણે જેઓ ધ્રુપદ ગાવાની કળામાં ઉસ્તાદ છે, તેમને ટપ્પા સાંભળવાનું કષ્ટદાયક થઈ પડે છે. પરંતુ આપણા સંગીતમાં જે આરોહઅવરોહ છે તે ઘણું સારું છે. ફ્રેન્ચોએ આ કળાને પહેલવહેલી પારખી, તેને અપનાવી અને પોતાના સંગીતમાં બંધબેસતી બનાવીને તેમાં દાખલ કરવાનો પ્રયાસ કર્યો. ફ્રેન્ચોએ એમ કર્યા પછી હવે આખા યુરોપે સંપૂર્ણ રીતે તેના પર કાબૂ મેળવી લીધો છે. (ક્રમશ 🙂

Total Views: 320

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.