જગતનો ઈતિહાસ એટલે પોતામાં પૂર્ણ શ્રદ્ધા ધરાવનારા થોડાએક માનવીઓનો ઈતિહાસ. શ્રદ્ધા અંદર રહેલી દિવ્યતાને બહાર લાવે છે. તમે ધારો તે રીતે કરી શકો છો. તમે જ્યારે અનંત શક્તિને પૂર્ણ રીતે પ્રકટ કરવાનો પ્રયત્ન કરતા નથી, ત્યારે જ તમે નિષ્ફળ થાઓ છો. કોઈ પણ માનવી કે હરકોઈ રાષ્ટ્ર જે ક્ષણે શ્રદ્ધા ગુમાવે છે તે જ ક્ષણે તેનો નાશ થાય છે. (૭.૩૫૫)

શ્રદ્ધા, શ્રદ્ધા, શ્રદ્ધા. પોતામાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા ! મહાનું આ જ રહસ્ય છે. ભલે તમને તમારા પુરાણના તેત્રીસ કરોડ દેવતાઓમાં શ્રદ્ધા હોય, ભલે તમને પરદેશીઓએ અવારનવાર તમારામાં ઘુસાડેલા બધાય દેવતાઓમાં શ્રદ્ધા હોય, પણ જો તમને તમારા પોતામાં શ્રદ્ધા નહીં હોય તો તમારે માટે મુક્તિની કોઈ આશા નથી. તમારા પોતામાં શ્રદ્ધા રાખો; એ શ્રદ્ધા પર મુસ્તાક રહો અને બળવાન બનો; આપણને અત્યારે એની જરૂર છે. આપણા ભોંયે રગદોળાતાં શરીરોને પગથી કચડવાનું પસંદ કરનારા ગમે તે મુઠ્ઠીભર પરદેશીઓ તેત્રીસ કરોડ લોકો પર છેલ્લાં એક હજાર વરસ થયાં રાજ કરતા આવ્યા છે તેનું કારણ શું ? કારણ એ જ કે તેમને પોતામાં શ્રદ્ધા હતી, આપણને તે નહોતી. (૨.૭૫)

આપણે જે જરૂર છે તે બળની છે. તમે તમારી જાતમાં આત્મશ્રદ્ધા પ્રગટાવો. આપણે આત્મશ્રદ્ધા ખોઈ બેઠા છીએ અને તેથી જ ગુપ્તવિદ્યા, રહસ્યવિદ્યા અને એવી છાની છાની બાબતો આપણામાં ઘૂસતી આવે છે. તેમાં કદાચ મામૂલી સત્યો હશે, પણ એ બધી વિદ્યાઓએ આપણને લગભગ નિર્માલ્ય બનાવી દીધા છે. તમારાં જ્ઞાનતંતુઓ મજબૂત બનાવો. આજે આપણે જરૂર છે લોખંડી સ્નાયુઓની અને પોલાદી જ્ઞાનતંતુઓની. ઘણા કાળ સુધી આપણે રોતલ રહ્યા છીએ; હવે રોવાનું છોડી દઈને તમારા પોતાના પગ પર ખડા થાઓ અને મર્દ બનો. મર્દ બનાવનારા ધર્મની આપણને જરૂર છે; મર્દ બનાવનારા સિદ્ધાંતોની આપણને જરૂર છે. ચોમેર મર્દ બનાવનાર શિક્ષણની આપણને જરૂર છે. (૨.૧૦૪)

આપણે જરૂર છે આ શ્રદ્ધાની. દુર્ભાગ્યે ભારતમાંથી એ લગભગ અદૃશ્ય થઈ ગઈ છે, આ કારણે આપણે આપણી હાલની દશામાં આવી પડ્યા છીએ. મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદ પાડનાર આ તેની શ્રદ્ધાનો તફાવત છે, બીજું કાંઈ નહીં. આ શ્રદ્ધા એક માણસને મહાન અને બીજાને નબળો તથા નીચો બનાવે છે. મારા ગુરુદેવ કહેતા કે જે પોતાને નબળો માને તે નબળો જ થવાનો અને એ સાચું છે. આ શ્રદ્ધા તમારામાં આવવી જ જોઈએ. (૨.૧૮૮)

પશ્ચિમની પ્રજાઓએ વિકસાવેલી જે ભૌતિક શક્તિ તમે જુઓ છો તે બધી આ શ્રદ્ધાનું ફળ છે. કારણ કે તેમને પોતાના બાહુબળમાં શ્રદ્ધા છે. અર્થાત્ જો તમે તમારા આત્મામાં શ્રદ્ધા રાખો તો એ કેટલું વધારે કાર્ય કરે ! (૨.૧૮૯)

તમારાં પુસ્તકો અને ઋષિઓ એકી અવાજે જેનો ઉપદેશ કરે છે તે અનંત આત્માની અનંત શક્તિમાં શ્રદ્ધા રાખો. જેનો કશાથી નાશ થઈ શકે નહીં એ આત્માની અંદર અનંત શક્તિ રહેલી છે; તેને બહાર લાવવાની જ વાર છે. ભારતીય ફિલસૂફી અને બીજી ફિલસૂફીઓ વચ્ચે અહીં જ મોટો તફાવત છે. દ્વૈતવાદી હોય, વિશિષ્ટાદ્વૈતવાદી હોય કે અદ્વૈતવાદી હોય, દરેક મક્કમપણે માને છે કે સર્વ કંઈ આત્માની અંદર જ રહેલું છે; માત્ર એ બહાર લાવવાનું અને પ્રગટ કરવાનું જ રહે છે. (૨.૧૮૯)

Total Views: 355

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.