જે જોઈએ છે અને અહીં આવેલા આપણે સૌને જે જોઈએ છે તે આ આત્મશ્રદ્ધા છે. તમારી સમક્ષ આ આત્મશ્રદ્ધા પ્રાપ્ત કરવાનું મહાન કાર્ય પડેલું છે. દરેક વસ્તુની મજાક ઉડાડવાનો, જીવન પ્રત્યે ગંભીરતાથી જોવાના અભાવનો જે આ ભયંકર રોગ આપણા રાષ્ટ્રના લોહીમાં ધીરે ધીરે પ્રવેશી રહ્યો છે તેનો ત્યાગ કરો, એને હાંકી કાઢો, અને શ્રદ્ધાવાન બનો; બીજું સર્વ આપોઆપ પાછળથી આવવાનું જ છે. (૨.૧૮૯)

સમજવાનો મુખ્ય મુદ્દો આ છે; અને મારા દોસ્તો, મારા ભાઈઓ ! મારે તમને કહેવાનું છે કે ભવિષ્યમાં જેના પર આપણે જોર દેવાનું છે તે આ એક જ મુદ્દો છે. કારણ કે મને પૂરેપૂરી ખાતરી થઈ છે અને આ હકીકત બરાબર સમજી રાખવાની હું આપને વિનંતી કરું છું કે જે માણસ રાતદિવસ વિચાર કર્યા કરે કે ‘હું કંઈ નથી’ એવા માણસથી કાંઈ જ ભલીવાર થવાની નથી. વળી જો માણસ દિનરાત એવો વિચાર કર્યા કરે કે હું દુ :ખી છું, દીન છું, હું કંઈ નથી, તો તે તેવો જ થઈ જાય છે. જો તમે કહો કે ‘હું છું, હું છું,’ તો તમે બળવાન બનશો, અને જો તમે બોલો કે ‘હું નથી,’ જો તમે વિચાર કરો કે હું કંઈ નથી, અને દિવસ અને રાત ધ્યાન ધર્યા કરો કે હું કંઈ નથી, કંઈ નથી, તો તમે શૂન્ય થઈ જવાના. આ એક બહુ મુદ્દાની હકીકત છે કે જે તમારે યાદ રાખવી. (૨.૨૩૭)

તમારા ધર્મનાં મહાન સત્યોનો જગતમાં પ્રચાર કરો; જગત તેની રાહ જોઈને ઊભું છે. અનેક સદીઓ સુધી અધોમાર્ગે લઈ જાય તેવા સિદ્ધાંતો જગતને શીખવવામાં આવ્યા છે. તેમને એમ જ સમજાવવામાં આવ્યું છે કે તમે કાંઈ જ નથી; આખા જગતમાં સર્વસામાન્ય લોકોને એમ જ કહેવામાં આવ્યું છે કે તમે માણસ જ નથી. સૈકાઓ થયાં તેમને એવા ડરાવી રાખવામાં આવ્યા છે કે તેઓ લગભગ પશુ કોટિએ પહોંચી ગયા છે. એ લોકોને આત્મા વિશે કદી સાંભળવા દેવામાં આવ્યું જ નથી. હવે એ લોકોને આત્મા વિશે સમજાવો. તેમને કહો કે હલકામાં હલકા માનવીમાં પણ આત્મા રહેલો છે, આત્મા કદી મરતો નથી, કદી જન્મતો નથી, તલવાર એને છેદી શકતી નથી, અગ્નિ એને બાળી શકતો નથી, વાયુ એને સૂકવી શકતો નથી. આત્મા અમર છે, અનાદિ અને અનંત છે, પવિત્ર, સર્વશક્તિમાન અને સર્વવ્યાપક છે ! લોકોમાં આત્મશ્રદ્ધા પ્રગટાવો. તમારામાં અને અંગ્રેજમાં તફાવત પાડનારું તત્ત્વ શું છે ? બીજા લોકો ભલે એમની ધર્મ અને ફરજની અને એવી બધી વાતો કર્યા કરે; પણ એ તફાવત મેં શોધી કાઢ્યો છે. તફાવત એ છે કે દરેક અંગ્રેજમાં આત્મવિશ્વાસ છે, તમારામાં તે નથી. પોતે અંગ્રેજ છે, અને પોતે બધું કરી શકે છે એવી તેનામાં શ્રદ્ધા છે. એ શ્રદ્ધાના જોરે એનામાં રહેલો ઈશ્વર પ્રગટ થાય છે અને એ પોતાનું મનધાર્યું કરી શકે છે. તમને કહેવામાં આવ્યું છે કે તમે કંઈ જ નથી; તમને શીખવવામાં આવ્યું છે કે તમે કંઈ જ નથી; પરિણામે દિન પ્રતિદિન તમે શૂન્ય જેવા બનતા જાઓ છો. (૨.૧૦૪)

Total Views: 258

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.