ભારતનો ઉદ્ધાર થશે જ; શરીરના બળથી નહીં પરંતુ આત્માની શક્તિથી; વિનાશના વાવટાથી નહીં પરંતુ શાંતિ અને પ્રેમના ધ્વજથી-સંન્યાસીનાં ભગવાં વસ્ત્રથી; સંપત્તિના જોરથી નહીં, પરંતુ ભિક્ષાપાત્રના સામર્થ્યથી. (૩.૨૭૯)

તમે સૈકાઓના આઘાતો સામે ટકી રહ્યા તેનું કારણ કેવળ તમે એની સંભાળ લીધી એ છે, એની ખાતર બીજા બધાનો તમે ભોગ આપ્યો એ છે. તમારા પૂર્વજોએ સર્વ કંઈ બહાદુરીથી વેઠી લીધું. મૃત્યુ સુઘ્ધાંને ભેટ્યા, પરંતુ પોતાના ધર્મને તેમણે જાળવી રાખ્યો. પરદેશી વિજેતાએ અનેક મંદિરો તોડી નાખ્યાં, પરંતુ જેવું એ વિનાશનું મોજું પસાર થઈ ગયું કે તરત જ મંદિરનું શિખર પાછું ઊંચું આવી ગયું. દક્ષિણ ભારતનાં કેટલાંક પ્રાચીન મંદિરો અને ગુજરાતના સોમનાથ જેવાં મંદિરો તમને જ્ઞાનના અનેક ગ્રંથો શીખવશે; ઢગલાબંધ ગ્રંથો કરતાં પ્રજાના ઈતિહાસમાં તમને એ વધુ ઊંડી દૃષ્ટિ આપશે. જુઓ તો ખરા કે નિરંતર તોડીફોડીને સાવ ખંડિયેર જેવાં કરી નાખવામાં આવતાં, અને નિરંતર ખંડિયેરોમાંથી પાછાં બંધાઈને ઊભાં થતાં, પુનર્જીવન પામેલાં અને પૂર્વના જેવાં સદા મજબૂત આ મંદિરો કેવા સેંકડો હુમલાઓનાં અને સેંકડો પુનરુત્થાનનાં ચિહ્નો ધારણ કરી રહેલાં છે ! એ છે રાષ્ટ્રીય માનસ, એ છે રાષ્ટ્રીય જીવનપ્રવાહ. એનું અનુસરણ કરો તો એ તમને કીર્તિને પંથે લઈ જશે. (૨.૧૬૨)

આપણી આ પવિત્ર માતૃભૂમિ ધર્મ અને તત્ત્વજ્ઞાનની ભૂમિ છે, ત્યાગની ભૂમિ છે, ધર્મવીરોની જનની છે. આ સ્થળે, કેવળ આ જ સ્થળે જીવનના સર્વોચ્ચ આદર્શનો માર્ગ અત્યંત પ્રાચીન સમયથી માંડીને આજ સુધી માનવી સમક્ષ હંમેશાં ખુલ્લો રહ્યો છે. (૨.૩૦-૩૧) આ ભૂમિ, દર્શનશાસ્ત્રોની, આધ્યાત્મિકતાની, નીતિધર્મની, મધુરતાની, મૃદુતાની અને પ્રેમની જનની છે. આ બધાં આ ભૂમિમાં હજીયે છે, અને… હિંમતભર્યું નિવેદન કરે છે કે આ બાબતોમાં ભારત જગતની બીજી બધી પ્રજાઓમાં મોખરે અને સૌથી આગળ પડતી પ્રજા છે.(૨.૩૮) જે પ્રજાનો જીવનમંત્ર રાજકીય સર્વોપરિતા હોય, તેની જિંદગીના એ એકમાત્ર મહાન વિષય પાસે ધર્મ અને બીજું બધું ગૌણ બનવું જોઈએ. પરંતુ અહીં તો જુદી જ પ્રજા છે; એ પ્રજાના જીવનનો મહામંત્ર ત્યાગ અને આઘ્યાત્મિકતા છે, એ પ્રજાનો જીવનમંત્ર આ સમગ્ર સંસાર વ્યર્થ અને ‘ચાર દિનની ચાંદની’ છે. (૨.૪૩) મારી આ માતૃભૂમિ ગૌરવભર્યાં પગલાં માંડતી માંડતી આગળ ચાલતી જાય છે – પશુમાનવને દેવમાનવની સ્થિતિએ લઈ જવાની પોતાની ગૌરવમય નિયતિને પૂર્ણ કરવા આગળ જાય છે; તેની એ ગતિને પૃથ્વીની કે સ્વર્ગની કોઈ પણ સત્તા રોકી શકશે નહીં. (૩.૨૪૬)

આપણી પ્રાચીન માતા ફરી પાછી એક વાર જાગી ઊઠી છે, અને પૂર્વે કદીયે હતી તેના કરતાં વધુ યૌવનસંપન્ન અને વધુ મહિમાવાન બનીને પોતાના સિંહાસન પર બિરાજમાન થઈ છે. સમસ્ત વિશ્વની સમક્ષ શાંતિ અને આશીર્વાદના અવાજે અધિકૃતપણે પોકારો કે ભારત માતાકી જય હો! (૩.૨૮૦)

Total Views: 333

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.