રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં ૧૯૮૮ માં સ્વામી વિવેકાનંદ જન્મજયંતી પ્રસંગે રામાયણના સુપ્રસિદ્ધ અને મહાન વિદ્વાન પંડિત રામકિંકર ઉપાધ્યાયે આપેલા પ્રવચનનો ‘વિવેક જ્યોતિ’ હિન્દી માસિક પત્રિકાના સપ્ટેમ્બર ૨૦૧૩ના અંકમાંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.

રામ રાજ બૈઠેં ત્રૈલોકા, હરષિત ભએ ગએ સબ સોકા —। બયરુ ન કર કાહૂ સન કોઈ, રામ પ્રતાપ બિષમતા ખોઈ ।। (૭.૨૦.૮)

શ્રી રામચંદ્ર રાજા બન્યા એટલે ત્રણેય લોક હર્ષિત થયા. એમનાં બધાં શોક-દુ :ખ ચાલ્યાં ગયાં. કોઈની સાથે કોઈ વેરભાવ રાખતા નથી. શ્રી રામના પ્રતાપથી બધી વિષમતા (ભેદભાવ) દૂર થઈ ગઈ છે.

બરનાશ્રમ નિજ નિજ ધરમ નિરત બેદ પથ લોગ । ચલાહિં સદા પાવહિં સુખાહિ નહિં ભય સોક ન રોગ —।। (૭.૨૦)

બધા પોત પોતાના વર્ણ તથા આશ્રમને અનુકૂળ રહીને આચરણ કરતાં કરતાં સદૈવ વેદમાર્ગ પર ચાલે છે અને સુખ પામે છે. એમને કોઈ પણ પ્રકારનો ભય નથી, નથી કોઈ શોક કે નથી કોઈ રોગ.

આ બે પંક્તિઓમાં ગોસ્વામી તુલસીદાસે વિસ્તારથી રામરાજનું વર્ણન કર્યું છે. તમે સૌ જાણો છો કે રામરાજની સ્થાપનાની સાથે ભગવાન રામના ચારિત્ર્યની કથા સમાપ્ત થાય છે. ગોસ્વામી તુલસીદાસની દૃષ્ટિએ રામરાજ્યની સ્થાપના જ રામાયણની સર્વોત્કૃષ્ટ ઉપલબ્ધિ છે. એમને એવું લાગે છે કે રામરાજની સ્થાપના પછી બીજું કંઈ બાકી રહેતું નથી. એટલે રામરાજ્ય જ રામાયણની સમગ્રતા છે. આધુનિક યુગમાં પણ મહાત્મા ગાંધીજીએ જ્યારે આદર્શ રાજ્યની પરિકલ્પના કરી ત્યારે એમણે રામરાજ્ય શબ્દનો પ્રયોગ કર્યો… રામચરિતમાનસ કેવળ વ્યવહારનો જ નહીં પણ ભક્તિ અને દર્શનનો ગ્રંથ પણ છે. એમણે બધી દૃષ્ટિએ રામરાજને જોયું અને બધી દૃષ્ટિઓને ધ્યાનમાં રાખીને રામરાજ્યની વ્યાખ્યા કરી… ગોસ્વામી જ્યારે કહે છે કે રામરાજ્યમાં દુ :ખનો સદંતર અભાવ હતો અને પ્રજાને બધાં સુખ મળતાં હતાં. વળી તેઓ કહે છે કે રામરાજ્યમાં કોઈ ને કોઈ સાથે વેર ન હતું. તેઓ એમ પણ કહે છે કે આ પૃથ્વી કામધેનુની જેમ લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરતી હતી. રામરાજ્યમાં કોઈ દરિદ્ર, દુ :ખી, દીન, અશિક્ષિત ન હતું. આ બધું વાંચીને આપણાં મનમાં એ વાત નહીં આવે કે આપણાં રાષ્ટ્ર, સમાજ અને દેશ માટે આદર્શની આ એક સર્વોત્કૃષ્ટ કલ્પના છે અને એ જ થવું જોઈએ.

ગોસ્વામી તુલસીદાસે આવા બાર દોહામાં રામરાજ્યનું ચિત્ર પ્રસ્તુત કર્યું છે. જો એને સામે રાખીને વિચાર કરીએ તો ઉત્કૃષ્ટતમ આદર્શ રાષ્ટ્રની જે કલ્પના કરી શકાય તે રામરાજ્યમાં મળી જશે. આ રામરાજ્યના વિવિધ પક્ષ છે. રામરાજ્યની સ્થાપના પાછળ જે સમસ્યાઓ છે, એની પશ્ચાદ્ભૂમિમાં રામાયણનાં વિવિધ પાત્રોની ભૂમિકા આપણે જોવી પડે.

રામરાજ્યની સ્થાપનામાં શ્રી ભરતની સર્વોત્કૃષ્ટની ભૂમિકા છે. પણ આપણે ગહન વિચાર કરીને જોઈએ તો આપણને એવું લાગે છે કે રામાયણનાં જે બીજાં પાત્રો છે, એમની ભૂમિકા કંઈ કમ છે ખરી ? આ બધાંની અલગ અલગ ચર્ચા કરી શકાય. હું આજે રામરાજ્યમાં લક્ષ્મણ, શત્રુઘ્ન, સીતાજી, હનુમાનજી, અને સુગ્રીવ આ બધાં પાત્રોની ભૂમિકા શી છે ? એની પૂરી વ્યાખ્યા માટે આખા રામચરિત માનસની વ્યાખ્યા કરવી પડે. હું તો એનાં કેટલાક પક્ષો તરફ તમારું ધ્યાન આકર્ષિત કરવા માગું છું.

બે મહત્ત્વપૂર્ણ સૂત્ર પ્રારંભમાં આપની સામે સ્પષ્ટ કરી દઉં છું. એક તો ગોસ્વામીજી જ્યારે શ્રી રામનું વર્ણન કરે છે ત્યારે તેઓ શ્રી રામને કઈ દૃષ્ટિએ જુએ છે, અને બીજો એમની દૃષ્ટિએ રામરાજ્યનું તાત્પર્ય શું છે. પહેલાં તો આપ એ બે મહત્ત્વપૂર્ણ સૂત્રોને આધારરૂપે તમારા મનમાં સ્થાપી દો. ત્યાર પછી આપણે શ્રી રામનું ચારિત્ર્ય, તેમનાં આદર્શ અને રામરાજ્યનાં તત્ત્વ પર વિચાર કરી શકીએ.

એમાં પહેલું સૂત્ર એ છે કે તુલસીદાસના શ્રી રામ સાક્ષાત્ બ્રહ્મ છે. પરંતુ આપણે કહી શકીએ કે રામાયણની સમગ્ર કથાનો મૂળ પ્રશ્ન શ્રી રામના ઈશ્વરત્વને લઈને છે. તમે બરાબર જાણો છો કે રામાયણમાં ચાર વક્તા અને ચાર શ્રોતા છે. એમાં ત્રણ વક્તા અને શ્રોતા સંવાદ કરે છે. પરંતુ ચોથા વક્તારૂપે તુલસીદાસ પોતાના મનને જ શ્રોતા બનાવીને તેને કથા સંભળાવે છે. તમે બરાબર જાણો છો કે રામાયણના ત્રણેય મુખ્ય શ્રોતાના મનમાં એક જ મૂળ પ્રશ્ન છે.

‘માનસ’ નાં પ્રથમ શ્રોતા પાર્વતી છે. એમની જિજ્ઞાસા શું છે ? તેઓ ભગવાનને પૂછે છે, ‘એ રામ કોણ છે ? મને બરાબર વિગતવાર કહો – ‘રામુ કવન પ્રભુ પૂછઉઁ તોહી, કહિઅ બુજાઈ કૃપાનિધિ મોહી.’

એમના મનમાં, મસ્તિષ્કમાં, અંત :કરણમાં જે પ્રશ્ન છે, તે આ જન્મનો નથી. ‘માનસ’માં આ વાત આવે છે કે પાર્વતી પૂર્વ જન્મમાં સતી હતાં અને એ રૂપે જ્યારે એમણે શ્રીરામને જોયા ત્યારે શ્રીરામ સીતાજીના વિયોગમાં વિલાપ કરતા હતા. વિલાપ કરતાં કરતાં તેઓ લતા અને વૃક્ષોને સીતાજી વિશે પૂછતા હતા. ભગવાન શંકરે આ જોયું અને તેઓ ગદ્ગદ થઈ ગયા. એમના મુખમાંથી આ શબ્દો નીકળ્યા – ‘જગતને પાવન કરનાર સચ્ચિદાનંદ પ્રભુની જય હો – જય સચ્ચિદાનંદ જગપાવન, અસ કહિ ચલેઉ મનોજ નસાવન.’ આ શબ્દો સાથે ભગવાન શંકરે એમને પ્રણામ કર્યા. એ જોઈને સતીજીના મનમાં સંશય થયો.

વિવિધ શ્રોતાઓના સંશયથી રામાયણના શ્રી ગણેશ થયા છે અને એ અર્થમાં રામાયણની ઘણી પ્રાસંગિકતા પણ છે. આજનો યુગ સંશયનો યુગ છે. જ્યાં બુદ્ધિ છે ત્યાં સંશય સ્વાભાવિક છે. સંશય થવો એ બુદ્ધિનો દોષ નથી પણ એ એક ગુણ છે… સતીના અંત :કરણમાં સંશય ઉત્પન્ન થાય છે અને પોતાના એ રૂપે એમને સંશયનું સમાધાન ન મળ્યું. એનું મૂળ કારણ એ હતું કે સતી દક્ષનાં પુત્રી છે અને દક્ષનો અર્થ થાય ચતુર. એટલે સતીને પોતાની બુદ્ધિમત્તાનું અભિમાન હતું. તેઓ માનતાં હતાં કે મારા પિતા આ જગતમાં સૌથી બુદ્ધિમાન છે, તે પ્રજાપતિ છે. ભગવાન શંકર પતિરૂપે હતા છતાં પણ સતીનાં સંશયનું સમાધાન સતીના રૂપે ન થયું. સતીએ અભિમાનપૂર્વક સંશયનો આધાર લીધો અને એ જ સંશય એમને દુ :ખદ સ્થિતિમાં લાવી મૂકે છે.

પરંતુ એ સતી હવે પાર્વતી બની ગયાં છે. તેઓ હિમાચલની પુત્રી છે. હિમાચલ અચલ છે. એમણે દક્ષપુત્રીના રૂપને ત્યજીને હિમાચલની પુત્રીનું રૂપ લીધું છે. બીજીવાર જન્મ લીધા પછી જ્યારે તેઓ ભગવાન શંકરની સામે જાય છે, ત્યારે પ્રણામ કરીને કહે છે – ‘મહારાજ, હજીપણ મારા મનમાં સંશય છે – અજહૂઁ કછુ સંસઉ મન મોરેં’. પાર્વતીજીએ ભગવાન શંકરને પ્રશ્ન કર્યો અને તેનો પ્રારંભ અહીંથી કર્યો – કથા જો સકલ લોક હિતકારી, સોઈ પૂછન ચહ સૈલ કુમારી. જે સંસારનું હિત કરનાર કથા છે, તેને વિશે શૈલકુમારી પૂછવા ઈચ્છે છે…

શંકરજી હસ્યા અને જોયું. સંશય તો હજુ છે જ. તેમણે કહ્યું, – વ્યક્તિ મરી જાય પછી તેની છાયા નાશ પામે છે, પરંતુ તમારી છાયા (દક્ષપુત્રીની બુદ્ધિમત્તા) હજી એમ ને એમ છે. પાર્વતીજીએ એનો મજાનો જવાબ આપ્યો, મહારાજ, સંશય તો છે પણ એમાં અંતર છે. હવે પહેલાં જેવો વિમોહ નથી. શિવજીએ પૂછયું, તો શું છે ? પાર્વતીએ કહ્યું – હવે મારા અંત :કરણમાં શ્રીરામકથા સાંભળવાની ઇચ્છા છે. તબ કર અસ બિમોહ અબ નાહીં, રામકથા પર રુચિ મન માહીં. સંશય અને જિજ્ઞાસા વિના કથા મળે ? શંકરે કહ્યું, તમારા પ્રશ્નથી હું ખૂબ પ્રસન્ન છું… હું જાણું છું કે તમારા પ્રશ્નનો ઉદ્દેશ એ છે કે તમે લોકકલ્યાણ હેતુ રામકથાની ગંગાને પ્રવાહિત કરવા ઈચ્છો છો – પૂછેઉ રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવનિ ગંગા… સંશય સાથે વિચારવૃત્તિ જોડાય ત્યારે એને જિજ્ઞાસા કહે છે. એટલે જ પાર્વતીજીનો પ્રશ્ન આ છે – હું નથી સમજી શકતી કે જો શ્રીરામ સાક્ષાત્ ઈશ્વર છે તો પત્નીના વિયોગમાં વિલાપ કેમ કરે છે ? કૃપા કરીને મને એટલું કહો કે શ્રીરામ રાજકુમાર છે કે ઈશ્વર ? જાઁ નૃપ તનય ત બ્રહ્મ કિમિ નારિ બિરહઁ મતિ ભોરિ. એટલે કે રામાયણના પ્રથમ શ્રોતા, વક્તાના સંવાદમાં મૂળ પ્રશ્ન આ છે – રામ વ્યક્તિ છે કે ઈશ્વર ?

રામાયણના બીજા શ્રોતા ગરુડનાં મનમાં પણ આ જ સંશય છે. નારદે એમને કહ્યું કે રામ નાગપાશમાં બંધાયેલા છે. એમને મુક્ત કરો. રામને તો એમણે નાગપાશથી છોડાવી દીધા, પણ પોતેજ એમાં બંધાઈ ગયા. આ વિચિત્ર વાત છે. ભગવાનની લીલામાં એમણે પોતાની ભૂમિકા બરાબર ભજવી, પણ જ્યારે કાગભુશુંડિ પાસે દોડતા આવ્યા ત્યારે એમણે પૂછ્યું – આ શું થયું ? આપ એટલા બધા કેમ ગભરાયેલા છો ? એટલે ગરુડે કહ્યું, ‘મહારાજ, મને તો સાપ કરડ્યો છે. હું તો ગયો ’તો શ્રીરામને સાપથી બચાવવા, પણ સાપે જ મને ડંસ દીધો ! સંસય સર્પ ગ્રસેહુ મોહિ તાતા, દુખદ લહર કુતર્ક બહુ ભ્રાતા. ગરુડનો મૂળ સંશય છે, જે નાગપાશમાં બંધાય તે ઈશ્વર કેમ હોઈ શકે ? જે લોકો રામનું નામ જપીને સંસારનાં બંધનમાંથી મુક્ત થાય છે, એને એક તુચ્છ રાક્ષસ નાગપાશમાં બાંધી લે ?

ત્રીજા શ્રોતા છે ભારદ્વારજી. તેઓ કહે છે, એક રામ અવધેસ કુમારા, તિન્હ કર ચરિત બિદિત સંસારા. નારિ બિરહઁ દુખુ લહેઉ અપારા, ભયઉ રોષુ રન રાવનુ મારા. પ્રભુ સોઈ રામ કિ અપર કોઉ, જાહિ જપત ત્રિપુરારિ. એક રામનું ચરિત્ર જગપ્રસિદ્ધ છે, તેઓ અયોધ્યાના રાજાના પુત્ર હતા, એમની પત્નીનું રાવણ હરણ કરી ગયો, જેમણે ક્રોધાવેશમાં રાવણને મારી નાખ્યો. શું આ એ જ રામ છે કે જેમનાં નામનું શંકર જપ કરે છે – કે તે બીજા કોઈ રામ છે ? આ ત્રણેય વક્તાને આ એક જ ઉત્તર તેઓ આપે છે – શ્રીરામ ઈશ્વર છે. તુલસીદાસજીના રામને સમજવા માટે તુલસીદાસની આંખો જોઈએ. શ્રીરામ વનમાં જાય છે. ગામની એક સ્ત્રી આ જોઈને ભાવરસમાં ડૂબી ગઈ, તે ગદ્ગદ થઈ ગઈ. બીજી સ્ત્રીઓને પણ રામનાં દર્શનથી આનંદ તો થતો હતો, પણ પેલી સ્ત્રી જેવી સ્થિતિ ન હતી. કોઈ સ્ત્રીએ એને પૂછ્યું, રામને તમે પણ જુઓ છો અને હું પણ જોઉં છું,પણ એમાં અંતર ક્યાં છે ? તમને જેવો આનંદ થાય છે એવો મને કેમ નથી થતો ? ત્યારે પેલી સ્ત્રી કહે છે, જો તમે ખરેખર યથાર્થ રૂપે રામને જોવા ઈચ્છતાં હો તો એક કામ કરો. પહેલાં મારી આંખ ઉછીની લઈ લો અને મારી આંખોથી એમને જુઓ. – બિલોકહુ રી સખિ મોહિ સી હ્વૈ. બન્નેમાં આનંદ તો છે જ પોતાની આંખે જોવામાંય આનંદ છે, પરંતુ જો આ તુલસીદાસની આંખે જોવા ઈચ્છો તો તેઓ આટલું કહેવાના – પહેલાં મારી દૃષ્ટિથી, મારી વૃત્તિથી એકાગ્રતા પ્રાપ્ત કરી લો પછી શ્રીરામને જુઓ.

Total Views: 571

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.