(ગતાંકથી આગળ)

રામચરિતમાનસમાં અવતારની ભૂમિકા કથારૂપે આપવામાં આવી છે અને કથા આ રીતે છે : રાવણના અત્યાચારથી પીડિત થઈને પૃથ્વી મુનિઓ પાસે જાય છે. મુનિઓ કહે છે, ‘અમારા દ્વારા આ સમસ્યાનું સમાધાન નહીં થાય.’ મુનિઓ તેમને દેવતાઓ પાસે લઈ જાય છે. બ્રહ્મા અને અન્ય દેવતાઓ તેમને ભગવાન શંકર પાસે લઈ જાય છે અને ભગવાન શંકર કહે છે, આ સમસ્યાનું સમાધાન કેવળ ઈશ્વર જ કરી શકે એટલે ઈશ્વર પાસે જાય છે. ઈશ્વરને પ્રાર્થના કરે છે. આકાશવાણી થાય છે. ઈશ્વર કહે છે કે, હું અવતાર ગ્રહણ કરી, રાવણનો વધ કરીશ અને સંસારમાં શાંતિ સ્થાપીશ. આ છે અવતારનો ક્રમ. આ અવતારનો ક્રમ જાણવો આપણા જીવન માટે બહુ જરૂરી છે. આપણા જીવનમાં પણ જો આપણે ઈશ્વરનું અવતરણ કરવું હોય, ઈશ્વરનાં દર્શન કરવાં હોય તો તેની પદ્ધતિ રામચરિતમાનસ આ સુંદર કથા દ્વારા રજૂ કરે છે. કઈ રીતે? તો પૃથ્વી એ શું છે? પૃથ્વીમાં સહનશીલતાનો ગુણ સૌથી વધારે હોય છે અને એટલે જ એને ક્ષમારૂપિણી કહેવામાં આવે છે, સર્વસહા રૂપા કહેવામાં આવે છે. કે જે સર્વ સહન કરે છે, એ પૃથ્વી. તો જ્યારે આ સહનશક્તિની હદ આવી જાય છે, ત્યારે જ અવતારની આવશ્યક્તા જીવનમાં આવે છે. જ્યાં સુધી આપણા મનમાં રહેલી બુરાઈઓ પ્રત્યે આપણે સહન કરતા રહીશું ત્યાં સુધી અવતારની આવશ્યક્તા સમજવામાં આવતી નથી. પણ જ્યારે આપણા મનની અંદરની બુરાઈઓ પ્રત્યે સહનશીલતાની હદ આવી જાય છે ત્યારે આ અવતારની આવશ્યક્તા સમજાય છે. એટલે આ છે પ્રથમ સોપાન અને એક ભાઈએ મને પૂછ્યું હતું કે, તુલસીરામાયણમાં રામચંદ્રજીનું જે જીવનદર્શન છે, એનાથી એમ લાગે છે કે રામ પરમ કૃપાળુ છે અને જ્યારે વાલ્મીકિ રામાયણ વાંચીએ ત્યારે એમ લાગે કે, રામ મર્યાદા પુરુષોત્તમ! તો આપનો શો અભિપ્રાય છે? અને મેં કહ્યું : બન્ને છે. તેઓ મર્યાદા પુરુષોત્તમ પણ છે અને પરમ કૃપાળુ પણ છે. એટલું જ નહીં પરંતુ, આપણે બધા પણ પરમ કૃપાળુ અને મર્યાદા પુરુષોત્તમ છીએ. અંતર એટલું છે કે, શ્રીરામ બીજા બધા પ્રત્યે પરમ કૃપાળુ છે અને પોતે મર્યાદા પુરુષોત્તમ છે જ્યારે આપણે બધા આપણા પોતાના પ્રત્યે પરમ કૃપાળુ છીએ અને બીજા બધા માટે મર્યાદા પુરુષોત્તમની ભાવના સેવીએ છીએ. એટલે બીજા કોઈ થોડી પણ મર્યાદા ઉલ્લંઘે તો આપણને ખરાબ લાગે છે. આપણે એમને સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણા મનમાં બુરાઈઓ છે એ પ્રત્યે આપણે પરમ કૃપાળુ છીએ. જ્યાં સુધી આપણી આ પરમ કૃપા વહેતી રહેશે, ત્યાં સુધી અવતાર આપણા જીવનમાં આવશે નહીં. પણ જ્યારે આ સહનશીલતાની હદ આવશે ત્યારે આપણે જવું પડશે મુનિઓ પાસે. મુનિ એટલે મનન કરનાર. મન દ્વારા જ્યારે મનન કરીશું ત્યારે ખબર પડશે કે, મનન દ્વારા પણ આ સમસ્યાનું સમાધાન નથી થતું. ત્યારે જઈશું દેવતાઓ પાસે. દેવતાઓ એટલે પુણ્યરૂપ દેવતાઓ. પુણ્ય દ્વારા પણ પાપનો વિનાશ થઈ શકતો નથી. પાપને થોડું દબાવી શકાય છે. જેમ વાલીએ રાવણને બગલમાં દબાવ્યો. પણ એ દબાવ્યો, એનો વિનાશ નથી કર્યો. તેવી જ રીતે, એ દેવતાઓ દ્વારા, પુણ્ય દ્વારા ફક્ત પાપને દબાવી શકાય છે. એનો વિનાશ થઈ શકતો નથી. ત્યારે શંકર ભગવાન પાસે જાય છે અને શંકર કોણ છે?

भवानी-शंकरौवंदे श्रद्धा-विश्वासरूपिणौ ।

શ્રદ્ધા-વિશ્વાસરૂપિણો-સાક્ષાત્ વિશ્વાસરૂપ ભગવાન શંકર-વિશ્વાસ પાસે આપણે જઈશું ત્યારે વિશ્વાસ આપણને કહેશે, આ સમસ્યાનું સમાધાન એ કેવળ ઈશ્વર જ કરી શકશે અને આવી રીતે જ્યારે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીશું, વ્યાકુળતાપૂર્વક, પ્રેમપૂર્વક પ્રાર્થના કરીશું ત્યારે ભગવાન એનો ઉત્તર આપશે અને પોતે આપણા જીવનમાં અવતરણ કરશે. ત્યારે આપણું જીવન સાર્થક થશે. પ્રાર્થના ત્યારે જ સાર્થક ગણાય જ્યારે તેનો જવાબ મળે અને એ જવાબના રૂપમાં જેમ દેવતાઓને આકાશવાણી થઈ તેવી રીતે એ ભગવાન તરફથી પ્રત્યુત્તર મળે ત્યારે જ પ્રાર્થના સાર્થક થાય. એ માટે પ્રાર્થનામાં આંતરિકતા, પ્રેમ એ બધું હોવું જોઈએ. તો આ છે ઈશ્વરનું અવતરણ. ઈશ્વર ધારે તો ચમત્કાર દ્વારા પણ સમસ્યાનું સમાધાન કરી શકે. પણ તેના દ્વારા આપણા જગતની સમસ્યાઓનું સમાધાન નહીં થાય. એક કે બે કોઈ એવા ચમત્કાર કર્યાથી બાકી બધાય એમાંથી છૂટી જશે. એટલે ઈશ્વર પોતે મનુષ્ય શરીર ધારણ કરે છે. જેવી રીતે શ્રી રામકૃષ્ણદેવ મનુષ્ય શરીર ધારણ કરે છે. રોગ, શોક, વ્યાધિ, દુ:ખ, સુખ બધું સહન કરે છે. પોતાના જીવનના આદર્શ દ્વારા બતાવે છે કે, કેવી રીતે મનુષ્યે આ સંસારમાં રહેવું જોઈએ, બુરાઈઓનો સામનો કરવો જોઈએ. એવી જ રીતે, મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ પોતાના જીવન દ્વારા બતાવે છે. મનુષ્ય શરીર ધારણ કરે છે. ધારત તો ચમત્કાર દ્વારા પણ રાવણનો વધ કરી શકત પણ તેનાથી આ સમસ્ત જગતનું કલ્યાણ ન થાત અને ચમત્કારની પણ જેમ આવશ્યક્તા છે; કૃપાની જેમ આવશ્યક્તા છે, તેમ સાધનાની પણ આવશ્યક્તા છે. આ બન્નેની આવશ્યક્તા છે. આળસને ખંખેરી નાખવા માટે પુરુષાર્થની – સાધનાની આવશ્યક્તા છે અને સાધનાના અહંકારને ખંખેરી નાખવા માટે કૃપાની આવશ્યક્તા છે. આ બન્નેને આપણા જીવનમાં મહત્ત્વ આપવું જોઈએ. હનુમાનજીએ બન્નેને પોતાના જીવનમાં મહત્ત્વ આપ્યું હતું. હનુમાનજી જ્યારે લંકાથી પાછા ફરે છે ત્યારે બધા વાનરો તેમને પૂછે છે કે, તમારી જતી વખતે અને આવતી વખતની જે યાત્રા થઈ એમાં તમને શું અંતર લાગ્યું? હનુમાને કહ્યું કે જતી વખતે મને ફક્ત બાધા જ બાધા આવી. મૈનાક પર્વત આવ્યો, સિંહની આવી, લંકિની આવી : બધાં આવ્યાં. આવતી વખતે કોઈ બાધા ન આવી. એનો અર્થ શો? અર્થ એ હતો કે, ગયો હતો ત્યારે સાધના દ્વારા (અને આપણે સાધના જ્યારે કરીએ છીએ ત્યારે ઘણા અંતરાયો આવે છે) અને આવ્યો ત્યારે ‘મા’ જાનકીની કૃપા દ્વારા આવ્યો. કૃપામાં કોઈ અંતરાયો નથી. તો સાધના અને કૃપા બન્ને પોતાના જીવનમાં હનુમાનજીએ અપનાવી હતી. સાધના અને કૃપા બન્નેને આપણા જીવનમાં આપણે મહત્ત્વ આપવું પડશે.

જન્મતાંની સાથે જ સૂર્યને ફળ સમજીને તેઓ દોડીને સૂર્યને મુખમાં રાખી લે છે, એ કથા પાછળનું તાત્પર્ય એ છે કે, સૂર્ય એટલે જ્ઞાન. આપણે એવી ભ્રામક ધારણામાં ન રહીએ કે, હનુમાનજીને આવો ભ્રમ થઈ ગયો હતો કે ફળ છે. પણ એમને ફળ જોઈતું હતું જ્ઞાનનું, મોક્ષનું. એટલે તેઓ સૂર્યને પોતાના મોઢામાં રાખે છે. રાહુને એનાથી ખોટું લાગે છે. એ ઈન્દ્રને ફરિયાદ કરે છે. ઈન્દ્ર પોતાના વજ્ર દ્વારા પ્રહાર કરે છે. એક પ્રહાર દ્વારા હનુમાનજીને કંઈ કરી શકતા નથી અને હનુમાનજીએ પોતાનું મહત્ત્વ કેટલું છે, તે બતાવી આપ્યું છે. પોતાના વાયુને – વાયુમંડળને બંધ કરીને તેમનું મહત્ત્વ જગતમાં કેટલું છે. આ બતાવી આપે છે. આ પુરુષાર્થ દ્વારા હનુમાનજી તેમનો સામનો કરે છે. તો આપણા માટે આ એક શીખ છે. જ્યારે આપણે જ્ઞાન માટે કે મોક્ષ માટે પ્રયત્ન કરીએ છીએ ત્યારે કેવળ દુર્ગુણ જ અંતરાયરૂપે આવતા નથી પણ સદ્‌ગુણો, દેવતાઓ પણ અંતરાયરૂપે આવે છે અને એમનો આપણે સામનો કરવાનો રહે છે અને હનુમાનજી દ્વારા રામચરિતમાનસના પાંચ પ્રાણોની રક્ષા થઈ. તેમણે લક્ષ્મણને બચાવ્યા, ભરતને બચાવ્યા, સુગ્રીવને બચાવ્યા અને વાનરોને પણ બચાવ્યા. આમ, પાંચ પ્રાણોની રક્ષા હનુમાનજી કરે છે. સુગ્રીવ અને હનુમાનજી બેઠા છે ઋષ્યમૂક પર્વત પર. રામ અને લક્ષ્મણ આવી રહ્યા છે. સુગ્રીવે તેમને જોયા પણ તેઓ રામને ઓળખી શક્યા નહિ. કેમ ઓળખી શક્યા નહીં? ઈશ્વરને ઓળખવા, ઈશ્વરને જોવા એ સરળ નથી. જેમ કે શ્રીરામકૃષ્ણદેવ કહે છે : ઈશ્વરને જોવા માટે દિવ્ય દૃષ્ટિ જોઈએ. પ્રેમતનુ જ્યારે આવે, પ્રેમનાં ચક્ષુ હોય એ પ્રેમનાં ચક્ષુ દ્વારા, એ અલગ ચક્ષુ દ્વારા, અલગ તનુ દ્વારા ઈશ્વરનાં દર્શન થાય છે. તેવી રીતે રામચરિતમાનસમાં પણ એ ઈશ્વરને, એ સાધનાનો ક્રમ બતાવે છે ઈશ્વરને જોવાનો. અને એ સુંદર મીઠી વાત આવે છે કે, જનકના પ્રતિનિધિ આવે છે રાજા દશરથ પાસે અને એ અનુચરો અને રાજા દશરથને સંદેશો આપવા આવે છે. વિવાહ માટેનો પ્રસ્તાવ રજૂ કરે છે અને ત્યારે દશરથ એમને કહે છે કે, તમે મારા પુત્રોને જોયા છે? ફક્ત એટલું નથી કહેતા. તમે સારી રીતે જોયા છે? વળી પાછા પૂછે છે, તમારી પોતાની સગી આંખે જોયા છે? ત્યાંથી નથી અટકતા. તમે તેમને ઓળખો છો? તમે તેમને ઓળખ્યા છે? એટલું જ નહીં પરંતુ, તમે તેમનો સ્વભાવ પણ જાણો છો? જો તમે તેમનો સ્વભાવ બતાવો તો હું જાણીશ કે તમે ખરેખર મારા પુત્રોને જોયા છે. આ પાંચ વાતો છે, ઈશ્વરનાં દર્શન માટેની એ પાંચ પ્રથમ આવશ્યક્તાઓ. જો આ આવશ્યક્તાઓ પૂરી થાય તો ખરેખર ઈશ્વરનાં દર્શન થાય અને હનુમાનજી પોતાના ચરિત્રમાં આ કેવી રીતે પોતાના જીવનમાં અપનાવે છે. ઈશ્વરને જોવા, પોતાની સગી આંખે જોવા અને સારી રીતે જોવા, એમને ઓળખવા અને એના સ્વભાવને ઓળખીને એ પ્રમાણે વર્તન કરવું : આ બધું આપણને હનુમાનજીના ચરિત્રમાં જોવા મળે છે.

(ક્રમશ:)

Total Views: 839

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.