નામ વિશે ગોસ્વામીજીની જે ધારણા છે, નામ-રામાયણના રૂપે જેવી રીતે એમણે શ્રીરામની સાથે એમના નામની તુલના કરી છે, એના પર વિચાર ચાલે છે. પ્રસંગ વિચારપ્રધાન અને સાધનાપ્રધાન છે. ગોસ્વામીજી નામરામાયણના શ્રીગણેશ અહલ્યા-ઉદ્ધારથી કરે છે. તેઓ કહે છે :

‘રામ એક તાપસ તિય તારી —।

નામ કોટિ ખલ કુમતિ સુધારી —।।’

શ્રીરામે તો કેવળ એક તપસ્વી સ્ત્રીનો ઉદ્ધાર કર્યો, પરંતુ એમના નામે કરોડો દુષ્ટબુદ્ધિવાળાને પણ સુધારી દીધા.

‘રિષિ હિત રામ સુકેતુસુતા કી, સહિત સેન સુત કીન્હિ બિબાકી —।

સહિત દોષ દુખ દાસ દુરાસા, દલઇ નામુ જિમિ રબિ નિસિ નાસા —।।’

શ્રીરામે તો ઋષિ વિશ્વામિત્રના હિત માટે સેના તથા પુત્ર સુબાહુ સહિત સુકેતુકન્યા તાડકાનો વધ કર્યો, પરંતુ એમના નામે જેમ સૂર્ય રાત્રિનો નાશ કરે છે તેવી રીતે પોતાના ભક્તોનાં દોષો, દુ :ખો અને દુરાશાઓનો પણ નાશ કરી દીધો.

‘ભંજેઉ રામ આપુ ભવ ચાપૂ, ભવ ભય ભંજન નામ પ્રતાપૂ —।’

સ્વયં રામે તો ભવ અર્થાત્ શિવજીના ધનુષ્યને તોડી નાખ્યું, પરંતુ એમના નામનો પ્રતાપ ભવ અર્થાત્ સંસારના બધા ભયોનો નાશ કરનાર છે.

‘દંડક બન પ્રભુ કીન્હ સુહાવન, જન મન અમિત નામ કિએ પાવન ।’

શ્રીરામે તો એક દંડકવનને જ સોહામણું બનાવી દીધું, પરંતુ એમના નામે અસંખ્ય લોકોનાં મનને પવિત્ર બનાવી દીધાં.

‘નિસિચર નિકર દલે રઘુનન્દન, નામુ સકલ કલિ કલુષ નિકંદન —।’

શ્રીરામે તો રાક્ષસોના સમૂહનો નાશ કર્યો, પરંતુ એમનું નામ કળિયુગમાં બધાં પાપોનો નાશ કરનારું છે.

‘સબરી ગીધ સુસેવકનિ સુગતિ દીન્હિ રઘુનાથ—। નામ ઉઘારે અમિત ખલ બેદ બિદિત ગુન ગાથ ।।’

શ્રીરામે તો શબરી, ગીધ આદિ ઉત્તમ ભક્તોને જ મુક્તિ આપી છે, પરંતુ એમના નામે અસંખ્ય પાપીઓનો ઉદ્ધાર કર્યો છે. એમના નામના ગુણોની ગાથા વેદોમાં પણ પ્રસિદ્ધ છે.

નામરામાયણના શ્રીગણેશ અહલ્યા-ઉદ્ધારથી કેમ કર્યા ? વસ્તુત : દરેક સાધકની સામે એ સમસ્યા આવે છે, એના તરફ અહીં સંકેત કર્યો છે. આ અહલ્યા-ઉદ્ધારના પ્રસંગમાં જે પાત્રો જોડાયેલાં છે, તેને આપણે રાક્ષસીવૃત્તિના ન કહી શકીએ. ઇન્દ્ર અને અહલ્યાના ચારિત્ર્યમાં દુર્ગુણ દેખાય છે. અર્થાત્ અસુરત્વ હશે ત્યાં બુરાઈનું રાજ્ય હશે. સાધકની સામે રાક્ષસપણાની સમસ્યા ન આવે, પણ દેવત્વ દ્વારા જે સમસ્યા ઉત્પન્ન થાય છે, એ તો દરેક સાધકના જીવનમાં આવે છે. આના કેન્દ્રમાં બે પાત્ર છે. જેમને શાપ મળે છે એવાં ઇન્દ્ર અને અહલ્યા.

ઇન્દ્ર પુણ્યનું પ્રતીક છે. સો અશ્વમેધ યજ્ઞ કરનાર આવા પુણ્યાત્મા બને છે. બીજી બાજુ અહલ્યા છે. તેઓ બ્રહ્માના સંકલ્પથી ઉત્પન્ન થયાં છે. એટલે બ્રહ્માની પુત્રી છે અને વિશ્વની સર્વશ્રેષ્ઠ સુંદરી છે. અહલ્યા બુદ્ધિનું પ્રતીક છે. હવે પુણ્ય સાથે કોઈ સમસ્યા છે કે નહીં ? બુદ્ધિની સાથે કોઈ સમસ્યા છે કે નહીં ? આપણે પુણ્ય, સત્કર્મ કરીએ છીએ તો આપણા જીવનની સમસ્યાનો ઉકેલ થઈ જશે ? એવી જ રીતે મહાન બુદ્ધિમાન સૂક્ષ્મબુદ્ધિવાળાના જીવનમાં સમસ્યા આવે છે કે નહીં ? પુણ્યની સાથે અને બુદ્ધિની સાથે કેટલીક સમસ્યાઓ જોડાયેલી છે.

બુદ્ધિમાં અપવિત્રતા પ્રવેશે અને પુણ્યમાં છળ-કપટની વૃત્તિ દેખાય તો સમસ્યા ઊભી થાય. કબંધ કહે છે : ‘દુર્વાસા ખરાબ છે, ક્રોધી છે.’ અહલ્યા કહે છે : ‘મુનિજી કેટલા સારા છે! લોકોને લાગ્યું કે તેઓ શાપ દે છે, દંડ દે છે પરંતુ દંડના રૂપે પુરસ્કાર કેવી રીતે દેવાય, એ વાત તો મારા પતિદેવ પાસેથી શીખવી જોઈએ.’ કેવી રીતે ? અહલ્યાએ કહ્યું, ‘મારા પતિદેવે મને શાપ દઈને મારું કેટલું ભલું કર્યું છે; હું તો એમનો અનુગ્રહ માનું છું, કારણ કે એના જ પરિણામે મને સંસારમાંથી છોડાવનાર શ્રીહરિનું જીવનભર દર્શન થયું. શંકરજી પણ શ્રીહરિનાં દર્શનને પરમ લાભ માને છે.

‘મુનિ શ્રાપ જો દીન્હા અતિ ભલ કીન્હા,

પરમ અનુગ્રહ મૈં માના —।

દેખેઉં ભરિ લોચન હરિ ભવ મોચન,

ઇહઇ લાભ સંકર જાના —।।’

બુદ્ધિરૂપી અહલ્યા ઈશ્વરનું દર્શન ન કરી લે ત્યાં સુધી તે ગમે તેટલી સમજદાર હોય પણ એનાથી ભૂલ થઈ જવાની. ભગવાન શંકરે આપને પ્રાપ્ત કર્યા અને આપનાં સૌંદર્યનું દર્શન કરે છે. એમનું નામ તો કામારિ છે. તેઓ ભોગવાસના મીટાવી ચૂક્યા છે. તેઓ ઈશ્વરને મેળવવા સક્ષમ છે. પણ અહલ્યા કહે છે : ‘જુઓ, મહારાજ શંકરે તો કામને જીતીને આપને મેળવ્યા, પણ મારા પતિદેવે એવો માર્ગ બતાવ્યો કે મેં કામગ્રસ્ત બનીને પણ આપને મેળવ્યા.’ આ તો ઊલટી વાત થઈ. મહારાજ શંકરજી અને મારી વચ્ચે અંતર એટલું જ છે કે શંકરજીને આપનું દર્શન પામવા અયોધ્યા જવું પડે છે અને મને દર્શન દેવા માટે આપે સ્વયં ચાલીને અહીં આવવું પડે છે. બુદ્ધિ પણ પરમ પવિત્રતા ધારણ કરે એટલે ઈશ્વર મળે. પુણ્યાત્મા પણ ષડ્ રિપુને જીતે અને છળ-કપટથી દૂર રહે તો પવિત્ર બને અને પ્રભુને પામે.

 

Total Views: 533

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.