(રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવમાં રામાયણના પંડિત શ્રીરામકિંકર ઉપાધ્યાયે ‘રામચરિત માનસ’ પર આપેલ પ્રવચનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.)

માનસ-રોગ પ્રકરણના પ્રારંભમાં જ એક સૂત્ર આપ્યું છે. તે એ છે કે વ્યક્તિની સામે જો કોઈ સૌથી મોટી સમસ્યા હોય તો તે સુખ અને દુ:ખની જ છે. દરેક માનવ સદા સુખી રહેવા ઇચ્છે છે. બધાં સુખ મેળવવા ઇચ્છે છે. પોતાના જીવનમાં ક્યારેય દુ:ખ ન આવે એવું ઇચ્છે છે. આવી આકાંક્ષા રાખવા છતાં પણ માનવના જીવનમાં અગણિત દુ:ખ આવતાં રહે છે. આ દુ:ખોનું મૂળ કારણ શું છે? રામચરિત માનસમાં દુ:ખનાં કારણોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ કારણોને ચાર ભાગમાં વહેંચ્યાં છે. પ્રકરણના આરંભમાં જ ગોસ્વામીજી મનોરોગને જ દુ:ખનું મૂળ કારણ બતાવે છે – સુનહુ તાત અબ માનસરોગા । જિન્હ તે દુ:ખ પાવહિં સબ લોગા ॥ (૭.૧૨૧.૨૮)

‘જેને કારણે બધા લોકો દુ:ખ મેળવે છે એ માનસરોગ વિશે હવે સાંભળો.’ આ વાત ઘણી સરળતાથી સમજી શકાય છે અને રોગી માનવ એને વધુ સરળતાથી સમજી શકે છે. એક તો આપણને દુ:ખ થાય છે કોઈ પણ વસ્તુના અભાવથી, એને આપણે અસ્વાભાવિક ન કહી શકીએ. આ સત્યની સ્વીકૃતિ રામચરિત માનસમાં આ શબ્દોમાં આપવામાં આવી છે :

નહીં દરિદ્ર સમ દુ:ખ જગમાહીં । (૭.૧૨૧.૧૩)

દરિદ્રતાથી મોટું કોઈ દુ:ખ નથી. જ્યાં સુધી વ્યક્તિના જીવનમાં અભાવજન્ય દુ:ખોનો પ્રશ્ન રહે છે ત્યાં સુધી વ્યક્તિએ અભાવોને દૂર કરીને દુ:ખ દૂર કરવાનો પ્રયત્ન કરી શકે છે. પરંતુ મન તથા શરીર બંનેના સંદર્ભમાં આ એક વાત સમાન રૂપે જોવા મળે છે કે જ્યારે આપણે રુગ્ણ બની જઈએ છીએ ત્યારે આપણો રોગ અભાવજન્ય રહેતો નથી. જેવી રીતે ઘરમાં વિભિન્ન પ્રકારની ખાવાની સ્વાદિષ્ટ વસ્તુઓ છે, પણ રોગી વ્યક્તિ કંઈ ખાઈ શકતો નથી અને એ કારણે દુ:ખી રહે છે. આવા વ્યક્તિની સમસ્યા એ છે કે વસ્તુ હોવા છતાં પણ એના દુ:ખની માત્રા ઘટતી નથી, પરંતુ વધે છે. વળી જો એ વસ્તુઓ જ ન હોય તો ક્ષણભર માટે તે એવી રીતે મન મનાવી લે કે ચીજવસ્તુ જ નથી તો હવે શું કરવું? પરંતુ જ્યારે બીજા લોકો આપણી સામે સ્વાદિષ્ટ ખાદ્ય પદાર્થોનો આનંદ માણી રહ્યા હોય અને આપણે એ આનંદ લઈ શકતા ન હોઈએ ત્યારે તેને સ્પષ્ટપણે જણાય છે કે તે જે દુ:ખનો અનુભવ કરે છે તે ખરેખર ઘણા વિચિત્ર પ્રકારનું દુ:ખ છે. આ અભાવજન્ય દુ:ખ નથી પણ બાધ્યતાજન્ય દુ:ખ છે. એનું રામચરિત માનસમાં આવું વર્ણન આવે છે:

સરુજ સરીર બાદિ બહુ ભોગા । (૨.૧૭૮.૫)

જો શરીર રોગી હોય તો બધા ભોગ વ્યર્થ છે. અભિપ્રાય આવો છે કે અભાવજન્ય દુ:ખ તો વસ્તુની ઉપલબ્ધિથી દૂર થઈ શકે. પરંતુ રોગજન્ય દુ:ખ? એ તો ઉપલબ્ધિ સાથે નહિ પણ સ્વસ્થતાથી દૂર થાય. જો રોગી વ્યક્તિ સ્વસ્થ થઈ જાય તો જે વસ્તુઓ એને પ્રાપ્ત થાય છે એનો આનંદ લેવામાં તે સમર્થ બને છે. શરીર વિશે જેટલું આ સત્ય છે એટલું જ સત્ય આ મનના વિશે પણ ખરું. ઊલટાનું એમ કહી શકાય કે મન સંદર્ભે આ સૌથી મોટું સત્ય છે. વ્યક્તિનું મન રોગી હોય તો એવી વ્યક્તિની સમસ્યા એ છે કે તે સુખોથી ઘેરાયેલો હોવા છતાં પણ સુખી થઈ શકતો નથી. આવા વ્યક્તિના દુ:ખને દૂર કરવાનો કયો ઉપાય? ગોસ્વામીજી ઘણી અનોખી વાત કરે છે :

પર સુખ દેખિ જરનિ સોઈ છઈ । (૭.૧૨૧.૩૪)

બીજાનું સુખ જોઈને જે દુ:ખ થાય છે તે અભાવજન્ય દુ:ખ નથી. તો પછી આ કેવું દુ:ખ કહેવાય? આ રોગજન્ય દુ:ખ છે. મનના આ રોગની તુલના ગોસ્વામીજી શરીરના રાજ-યક્ષ્મા રોગ સાથે કરે છે. બીજાનું સુખ જોઈને મનમાં બળતરા થવી એ મનનો રાજ-યક્ષ્મા રોગ છે.

કેવી વિચિત્ર વિડંબના છે? કોઈપણ વ્યક્તિ દુ:ખ નથી ઇચ્છતી, સુખી થવા ઇચ્છે છે. અને બીજાનું સુખ જોઈને બળવું એ શું છે? આ કોઈ અભાવજન્ય દુ:ખ તો નથી જ. આપણે કહી શકીએ કે એ રોગજન્ય દુ:ખ છે, પણ એનાથીયે કંઈક વધારે ઉપયોગી તો એ ગણાય કે એને સ્વભાવજન્ય દુ:ખ કહીએ. વ્યક્તિને સુખપ્રાપ્ત થવા છતાં પણ તે પોતાના સ્વભાવને કારણે અજાણપણે જ પોતે જ દુ:ખની સૃષ્ટિ નિર્માણ કરી લે છે. આ એક અનોખી વિચિત્ર વાત છે. વસ્તુના અભાવથી દુ:ખ થાય તો તેને વસ્તુ દ્વારા દૂર કરી શકાય, પણ આ સ્વભાવજન્ય દુ:ખ કેવી રીતે દૂર કરવું? જો સ્વભાવથી જ બીજાનાં સુખને જોઈને દુ:ખી થઈ જવાતું હોય તો એ સ્વભાવને બદલીને જ દૂર કરી શકાય.

રામચરિત માનસમાં માનસરોગોનું વિશ્લેષણ કરતાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિના જીવનમાં દુ:ખ ચાર રૂપે આવે છે. રામરાજ્યના સંદર્ભમાં ગોસ્વામીજી (૭.૨૧માં) કહે છે : રામરાજ નભગેશ સુનુ સચરાચર જગમાહિં,

કાલ કર્મ સુભાવ ગુનકૃત દુ:ખ કાહુહિ નાહિં ।

રામરાજ્યમાં બધા પ્રકારનાં દુ:ખોનો અભાવ થઈ ગયો. કયાં કયાં દુ:ખો? કાલ, કર્મ, સ્વભાવ અને ગુણજન્ય દુ:ખો. આમ ગણતરી કરીએ તો હજારો પ્રકારનાં દુ:ખ છે. એ બધાં દુ:ખોને ચાર વિભાગમાં વહેંચી શકાય. કેટલાંક દુ:ખ કાળજન્ય છે, કેટલાંક કર્મજન્ય છે, કેટલાંક ગુણજન્ય તો વળી કેટલાંક સ્વભાવજન્ય છે. આ ચાર પ્રકારનાં દુ:ખ છે. એમનું વર્ણન રામચરિત માનસમાં ‘માનસરોગ’ અંતર્ગત ભિન્ન ભિન્ન રૂપે કરવામાં આવ્યું છે. રામાયણના વિભિન્ન પ્રસંગોમાં ભિન્ન ભિન્ન પાત્રોના માધ્યમ દ્વારા આ દુ:ખોની ઉત્પત્તિનું કારણ અને એનું સમાધાન વર્ણવવામાં આવ્યું છે. અલગ અલગ પ્રકારનાં દુ:ખ છે, એટલે એને માટે અલગ પ્રકારના સમાધાનના સંકેત છે. કયા પ્રકારનું દુ:ખ આવવાથી આપણા અંત:કરણની કઈ ભૂમિકા હોવી જોઈએ, કેવી રીતે એ દુ:ખોનો સામનો કરવો જોઈએ, કેવી રીતે એ બધાં દુ:ખો પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ એને આપણે હવે રામાયણનાં ઉદાહરણોના માધ્યમથી જોઈશું.

એક પ્રકારનું દુ:ખ છે મૃત્યુ. જેને આપણે કાળજન્ય દુ:ખ કહીએ છીએ. આમ જોઈએ તો કાળ શબ્દનો અર્થ ઘણો વ્યાપક છે પણ દૃષ્ટાંત રૂપે અહીં એટલું સમજીએ કે કાળકૃત દુ:ખ એટલે મૃત્યુનું દુ:ખ. હવે આપણે આ દુ:ખ પર વિચાર કરીએ. મૃત્યુ અવશ્યંભાવિ છે. જન્મ લઈએ, એટલે મૃત્યુ અવશ્ય આવવાનું જ. આ અત્યંત સ્વાભાવિક ઘટના છે. એનાથી આપણે બચી ન શકીએ. આ દુ:ખને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો કોઈ પણ વ્યક્તિ બે રીતે કરી શકે. એક રીત પ્રમાણે રાવણે પણ આ દુ:ખ પર વિજય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. આ રીત અસુરોની પદ્ધતિ છે. અસુરોએ એમ વિચાર્યું કે જો આપણે અમર બની જઈએ, આપણું શરીર અમર થઈ જાય, તો આપણે કાળ પર વિજય પ્રાપ્ત કરી લઈશું. શરીરને અમર બનાવવા સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. વેદોમાં પણ કહેવામાં આવ્યું છે, વ્યક્તિ સો વર્ષ સુધી જીવવાની આકાંક્ષા કરે; સ્વસ્થ રહીને, સત્કર્મો દ્વારા સો વર્ષોના જીવનનો સદુપયોગ કરે. પણ આ સો વર્ષો સુધી જીવિત રહેવાની ઇચ્છાનો અર્થ શું? એમાં પણ એક સીમામર્યાદા છે. એવો એક મત છે કે વ્યક્તિ ભૂલથી પણ સદાસર્વદા પોતાના શરીરને જીવિત રાખવાની આકાંક્ષા ન સેવી લે. એનું કારણ એ છે કે વ્યક્તિ જ્યારે શરીરને અમર બનાવી લેવાનો પ્રયત્ન કરે ત્યારે જેવી રીતે અસુરોની સાથે થયું હતું એવી રીતે એના જીવનમાં પણ એવી જ નિરાશા મળવાની.

મૃત્યુ કાળજન્ય દુ:ખનું એક રૂપ છે અને એનું નિરાકરણ છે વિવેક. જે વ્યક્તિમાં જેટલા પ્રમાણમાં વિવેક વધારે એટલી જ સરળતાથી એ પોતાના દુ:ખ પર વિજય મેળવી શકશે. રામચરિત માનસમાં એ માટે એક સાંકેતિક પ્રસંગ રજૂ કરવામાં આવ્યો છે. એમાં એક બાજુએ રાવણ જેવું પાત્ર છે. એ પોતાના શરીરને અમર બનાવવાનો પ્રયત્ન કરે છે, અંતે મૃત્યુનો કોળિયો બની જાય છે. એટલું જ નહિ જે શરીરને રાવણ અમર બનાવી લેવા ઇચ્છે છે એ શરીરની અંતિમ પરિણતી શું છે, એ વિશે ઈંગિત કરતાં અત્યંત સાંકેતિક ભાષામાં કહેવામાં આવ્યું છે કે લંકાનું રણાંગણ રાવણના શિર અને ભુજાઓથી ભર્યું છે. આનો સાંકેતિક અભિપ્રાય એ છે કે રાવણે શરીરની અમરતા સાથે અમરતાનો અર્થ માની લીધો અને ભગવાન શંકરને પોતાનું શિર ચઢાવીને એમની પાસેથી એવું વરદાન પ્રાપ્ત કરી લીધું કે એક શિર કપાઈ જાય ત્યારબાદ નવું શિર પાછું ઊભું થઈ જાય. આ વરદાન મેળવીને એ ખૂબ પ્રસન્ન થયો અને હવે મેં મૃત્યુ પર વિજય મેળવી લીધો છે, કાળની સમસ્યાનું સમાધાન પણ મળી ગયું છે એમ એ વિચારવા લાગ્યો. આમ તો વ્યક્તિનું માથું કપાઈ જાય એટલે એનું મૃત્યુ થઈ જાય છે, પણ મારું માથું કપાઈ જાય અને એની જગ્યાએ નવું માથું આવી જશે એટલે મારું મૃત્યુ નહિ થાય. પણ રાવણનું આ ગણિત ઊલટું સાબિત થયું. લંકામાં એ સમયે ઘણું ભયાનક દૃશ્ય ઊભું થયું. જ્યારે રાવણના હણાયેલા શિર અને કપાયેલી ભુજાઓથી આખું રણમેદાન ભરાઈ ગયું અને ગીધડાં તથા શિયાળ એને ખાવા લાગ્યાં. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એના શબને તેના પરિવારજનો કે બીજા લોકો વ્યસ્થિત રીતે સજાવીને રાખવાનો પ્રયત્ન કરે છે. તેઓ ઇચ્છે છે કે એમની અંતિમ યાત્રા સન્માનપૂર્વક થાય. પણ કેવી વિડંબના! રાવણનાં એક-બે માથાં અને ભુજાઓ હોય તો તો કોઈ એને સંભાળી લે. અહીં તો અગણ્ય માથાં અને ભુજાઓ પડ્યાં છે.

રાવણ જ્યારે ભગવાન રામ સાથે યુદ્ધ કરે છે તો ભગવાન એનું માથું કાપી નાખે છે. પણ જેવું તેનું શિર કપાય કે એક નવું શિર પાછું આવી જાય. રાવણ પર આનો શો પ્રભાવ પડ્યો? એણે કહ્યું: ‘બસ, રામ આનાથી વધારે કંઈ ન કરી શકે. વધારેમાં વધારે એ એક માથું જ કાપી શકે. પણ માથું કપાવાથી હું મરતો નથી, મારે નવું માથું આવી જાય છે.’ પણ આ મૂઢતાને કારણે રાવણના શબની જેવી દુર્દશા થઈ એવી દુર્દશા સમગ્ર સૃષ્ટિમાં સાધારણમાં પણ સાધારણ વ્યક્તિની થતી નથી. લંકાનું આખું રણાંગણ રાવણનાં માથાં અને ભુજાઓથી ભરાઈ ગયું. પછી ભલા કોણ કેટલું સંભાળે? ગીધડાં, સમળી આકાશમાં ઘેરાઈ રહ્યાં છે, શિયાળ અને કૂતરાં આમતેમ દોડી રહ્યાં છે અને રાવણનાં માથાં અને ભુજાઓનો વિનાશ કરી રહ્યાં છે; મંદોદરી આ બધું દુ:ખપૂર્વક જોઈ રહી હતી. એનો સાંકેતિક અભિપ્રાય આવો છે કે શરીર તો અનિત્ય છે જ, પણ એને અમર બનાવવાના પ્રયત્નમાં તેની અંતિમ પરિણતિ અત્યંત ભયંકર થઈ શકે છે. તેની ઘણી મોટી દુર્ગતિ સર્જાય છે. રાવણ માટે આ વરદાન પણ અભિશાપ બની ગયો.

રામાયણમાં એક ઘણી સારી વાત પણ કહેવામાં આવી છે. વિભીષણે ભગવાન રામને કહ્યું: ‘પ્રભુ, રાવણ યજ્ઞ કરે છે.’ આ તો ઘણી સારી વાત કહેવાય. જે યજ્ઞને નષ્ટ કરતો હતો તે જ યજ્ઞ કરે છે! પણ વિભીષણ આગળ કહે છે : 

નાથ કરઇ રાવણ એક જાગા ।
સિદ્ધ ભએં નહિં મરિહિં અભાગા । (૬.૮૫.૨)

‘જો એનો યજ્ઞ સિદ્ધ થઈ ગયો તો તે અભાગિયો મરશે નહિ.’ આ વાંચીને તો ઘણું વિચિત્ર લાગે છે. રાવણ નહિ મરે તો ભાગ્યવાન છે કે દુર્ભાગી. કેટલાંક ચિરાયુ બને છે, એટલે લોકો કહે છે કે એ ઘણો નસીબવાન છે. કોઈ અલ્પાયુ હોય છે તો લોકો કહે છે કે એનું ભાગ્ય જ અલ્પ હતું. પણ વિભીષણ ઘણી સાર્થક વાત કરે છે. વિભીષણનો કહેવાનો અર્થ એ છે કે જે મૃત્યુથી માણસને મુક્તિ મળવાની છે એ મૃત્યુને ટાળતાં જવું કેટલું દુર્ભાગ્યપૂર્ણ છે. મુક્તિદાતાના રૂપે સાક્ષાત્‌ શ્રીરામ ઊભા છે અને રાવણને દેહથી મુક્ત કરવા ઇચ્છે છે, પણ રાવણ તો આ દેહનાં બંધનમાં વધુ ને વધુ બંધાતો ફસાતો જાય છે, એનાથી વધારે દુર્ભાગ્ય રાવણનું બીજું શું હોઈ શકે? એનાથી વધારે દુર્ભાગ્યની પરાકાષ્ઠા રાવણ માટે બીજી કઈ હોઈ શકે?

રાવણનું દુર્ભાગ્ય એ છે કે એમાં વિવેકનો સર્વથા અભાવ જોવા મળે છે અને બીજાની વિવેકપૂર્ણ સલાહને તે વારંવાર ધુત્કારી કાઢે છે. પોતે વિવેકશૂન્ય હોવા છતાં પણ તે પોતાની જાતને મહાપંડિત માને છે. પ્રકૃતિના અનિવાર્ય નિયમોને ઉલ્લંઘી જવા ઇચ્છે છે. શરીરને અમર બનાવવાની ચેષ્ટા કરે છે. કાળ અને ઈશ્વરને પણ જીતી લેવા ઇચ્છે છે અને એ પણ કેવળ દેહ માટે જ. પણ અંતે એણે પોતે પોતાના દેહની કેવી દુર્ગતિ રચી દીધી!

આ રીતે અસુરોની જેમ અગર કોઈ વ્યક્તિ કાળને જીતવાનો પ્રયત્ન કરે તો તે કાળજન્ય દુ:ખને ક્યારેય જીતી શકવાનો નથી. કાળજન્ય દુ:ખ જીતવા માટે વિવેક જ સહાયરૂપ થાય છે. જે વ્યક્તિમાં વિવેક છે તે જ કાળજન્ય દુ:ખથી બચી શકે છે. રામચરિત માનસમાં સર્વત્ર આવો સંકેત આપવામાં આવ્યો છે કે કાળજન્ય દુ:ખ પર વિવેક મેળવવા દેહને અમર બનાવવાનો પ્રયત્ન એ સાચો ઉપાય નથી. આ પ્રયાસમાં જ્યાં રાવણને જીવનમાં અસફળતા દેખાય છે એ જ રામાયણમાં એવાં બે પાત્ર છે કે જેમની સામે તેઓ જીવિત રહે, એવો પ્રસ્તાવ રાખવામાં આવ્યો; પણ એમણે એનો સ્વીકાર ન કર્યો. એ બે પાત્ર છે ગીધરાજ જટાયુ અને વાલી.

ગીધરાજ જટાયુ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધમાં એવું લાગ્યું કે રાવણ જીતી ગયો અને જટાયુ હારી ગયા. રાવણે પોતાના કૃપાણથી જટાયુની પાંખ કાપી નાખી અને જટાયુ પૃથ્વી પર પડ્યા. પરંતુ કેવી વિલક્ષણ વાત! જીત્યું કોણ અને હાર્યું કોણ? જોવાની દૃષ્ટિએ તો એવું જ લાગે કે રાવણ જીતી ગયો અને ગીધરાજ હારી ગયા. પરંતુ જો અંતરંગમાં પ્રવેશીને જુઓ તો એક બીજું જ સત્ય સામે આવી જાય છે. પંખીની પાંખ કપાઈ જવી એટલે એના જીવનને વ્યર્થ બનાવી દેવું. પરંતુ ગોસ્વામીજી કહે છે કે અહીં તો એક બીજું જ દૃશ્ય છે. એ દૃશ્ય કયું? થોડીવાર પછી જટાયુએ જોયું કે ભગવાન રામ આ તરફ આવી રહ્યા છે. તેઓ ભાવથી ગદ્‌ગદ્‌ થઈ ગયા. એમણે મનમાં વિચાર્યું: ‘ચાલો, પાંખ કપાઈ જવી પણ સાર્થક નીવડી.’ કેવી રીતે? ‘પાંખ હોત તો મારે ઊડીને ભગવાનની પાસે જવું પડત. પાંખ નથી એટલે પ્રભુ પોતે જ ચાલીને મારી પાસે આવી રહ્યા છે.’ પાંખની સાર્થકતા, સાધનાની સાર્થકતા ઈશ્વરને મેળવવામાં રહેલી છે. પરંતુ જ્યાં સાધના અને પુરુષાર્થની સીમા સમાપ્ત થઈ ગઈ હોય ત્યાં ભગવાન સ્વયં ભક્ત પર કૃપા કરીને આવી ગયા. એવી સ્થિતિમાં ‘મારી પાંખ કપાઈ જવી એ મારો કોઈ પરાજય નથી અને એ મારા માટે દુ:ખની વાત પણ નથી.’ અને જ્યારે ભગવાન ગીધરાજને આ પ્રસ્તાવ કરે છે : ‘મેરે જાનતાર! કછુ દિન જીજૈ । દેખિય આપુ સુવન-સેવાસુખ ॥ મોહિ પિતુ કો સુખ દિજૈ ॥ (ગીતાવલી, ૩.૧૫.૧)

‘મારા વિચાર પ્રમાણે આપ થોડા દિવસ વધુ જીવંત રહો. આપ આ પુત્રની સેવાનું સુખ જુઓ અને મને પિતાનો આનંદ આપો.’ ગોસ્વામીજીએ અહીં એક ઘણી અનોખી વાત કરી છે. ઈશ્વર સચ્ચિદાનંદ છે, આનંદઘન છે. જીવના જીવનમાં હર્ષ-શોક, સુખ-દુ:ખ, વગેરે આવતાં રહે છે. પરંતુ દૃશ્ય જ ઊલટું છે.

રામ કહા તનુ રાખહુ તાતા ।
મુખ મુસકાઈ કહિ તેહિં બાતા ॥ (૩.૩૧.૫)

શ્રીરામનો પ્રસ્તાવ સાંભળીને ગીધરાજ જટાયુના મુખ પર હાસ્ય આવી ગયું અને ભગવાનની દશા કેવી છે?

જલભરિ નયન કહહિં રઘુરાઈ । (૩.૩૧.૮)

ઈશ્વર તો રડે છે, અને જીવ હસે છે. આનાથી વળી મોટું વિચિત્ર દૃશ્ય વળી કયું હોઈ શકે? ભગવાન રામ આંસુ વહાવી રહ્યા છે અને જેની પાંખ કપાયેલી છે એવા ગીધરાજ જટાયુ આટલા દુ:ખમાં છે, ભગવાન એની સામે જીવિત રહેવાનો પ્રસ્તાવ મૂકે છે. આ સાંભળીને એમને હસવું આવ્યું. ભગવાનનો પ્રસ્તાવ એમણે સ્વીકાર્યો નહિ. એનું તાત્પર્ય શું? એમણે પ્રભુના શબ્દોને જ પકડી લીધા અને કહ્યું : ‘પ્રભુ, આપે બરાબર જ કહ્યું છે. શું? આપે કહ્યું કે થોડા દિવસ વધુ જીવતા રહો. એનો અર્થ એ છે કે એના પછી મરો. એટલે કે ક્યારેક ને ક્યારેક તો મરવું જ પડશે. જો મૃત્યુ અવશ્યંભાવિ હોય તો પછી આજે હું આ સાર્થક મૃત્યુને શા માટે છોડી દઉં! આ શરીરનો જે સર્વ શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે તે તો થઈ ગયો. પવિત્ર કાર્યમાં મારું શરીર ગયું અને આ સમયે મને આપનું દર્શન થઈ રહ્યું છે. જેમનું નામસ્મરણ કરવું પણ કઠિન છે એમનાં સાક્ષાત્‌ દર્શન થઈ રહ્યાં છે! આવા વિલક્ષણ મૃત્યુને હું છોડી દઉં? તો તો પછી મારા જેવો અભાગિયો ભલા બીજો કોણ હોઈ શકે? મહારાજ, મને તો એવું લાગે છે કે મેરે મરિબે સમ ન ચારિ ફલ । હોંહિં તો ક્યોં ન કહિજૈ ॥ (૪.૧૫.૪)

મહારાજ, જીવનનાં ચાર ફળ છે – ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને મારું આ મૃત્યુ એનાથી વધારે મહાન છે. ધર્મની દૃષ્ટિએ ‘પરહિત સરિસ ધરમ નહિં ભાઈ’ મારું શરીર પરહિત માટે જાય છે, એટલે ધર્મની દૃષ્ટિએ એ સાર્થક છે. અર્થની દૃષ્ટિએ વિચારીએ તો ‘લાગત ઓછી અને લાભ વધારે થાય’ વ્યક્તિ એવું વિચારે છે. ગીધરાજે કહ્યું: ‘જુઓ મહારાજ, હું મૃત્યુમાં ઓછી લાગતથી વધારે પામી રહ્યો છું. આ ગીધના શરીરને છોડીને કયો દેહ પામીશ?’ ભગવાને કહ્યું: ‘આપને તો મારો દેહ મળશે. આપ સારૂપ્ય મુક્તિ મેળવશો.’ ગીધરાજે કહ્યું: ‘ભગવાન, શું આનાથી બીજો કોઈ મોટો વેપાર હોઈ શકે ખરો? આ જર્જર ગીધશરીરને ત્યજીને વિષ્ણુનું ચતુર્ભુજ શરીર મળે, એવો લાભપ્રદ વેપાર છોડીને આ જર્જર વૃદ્ધ શરીરમાં વળી પાછો ફરું, આ તો મારા માટે ખોટનો વેપલો કહેવાય. એટલે અર્થની દૃષ્ટિએ પણ આ મૃત્યુ શ્રેષ્ઠ છે. કામના સંદર્ભમાં કહીએ તો કામી વ્યક્તિ સૌંદર્ય ચાહે છે. મહારાજ હું તો અત્યંત કુરૂપ છું. આપનું સૌંદર્ય પામીને કામની દૃષ્ટિએ મને સર્વોત્તમ ઉપલબ્ધિ થઈ રહી છે. મૃત્યુનું સુખ તો મર્યા પછી રાક્ષસોનેય મળે છે. હું તો અહીં મારા જીવનકાળમાં જ મુક્ત થઈ ગયો. મૃત્યુ પણ કેટલીયે રીતનું હોય છે. પણ આવું સાર્થક મૃત્યુ, આપ જેને ખોળામાં લો છો, આપના કરકમળ મારા મસ્તક પર છે, આ તો જીવન્મુક્તિ છે.’

આ બે શબ્દ છે. મુક્તિ અને જીવન્મુક્તિ. મુક્તિ તો રાવણનીયે થઈ. પણ કેવી રીતે? જ્યારે એના શરીરનો ઉચ્છેદ થયો ત્યારે. એનો અર્થ એ થાય છે કે રાવણને પોતાના શરીરની સીમામાં ઘેરી રાખ્યો હતો. શરીરથી અલગ થવાથી જ રાવણ મુક્ત થયો. પણ ગીધરાજની વિશેષતા એ છે કે જીવંત રહીને પણ, પોતાના દેહમાં રહીને પણ તેઓ મુક્ત છે. એનું કારણ એ છે કે શરીરના બંધનને એમણે સ્વીકાર્યું નહિ. એમણે ભગવાનને કહી દીધું કે હવે આ દેહને રાખવાની કોઈ આવશ્યકતા નથી. એનો સાંકેતિક અભિપ્રાય એ થાય કે એક બાજુએ મૃત્યુનો વિજેતા રાવણ છે અને એ મૃત્યુનો કોળિયો બની રહ્યો છે. બીજી બાજુએ મૃત્યુનો કોળિયો બનનાર ગીધરાજ છે. જેમણે મૃત્યુ પહેલાં જ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી લીધો છે. તેઓ જાણે છે કે શરીર તો નાશવંત છે, અનિત્ય છે. નિત્ય અને અનિત્યના ભેદને જાણી લેવાને લીધે પોતાના વિવેકથી એમણે કાળના દુ:ખને જીતી લીધું છે. એટલે એમના હોઠ પર હાસ્ય આવી ગયું. સામે જ મૃત્યુ ઊભું છે પણ એનું એમને દુ:ખ નથી. આવી જ કાળવિજયની પરંપરા આપણને વાલીના જીવનમાં પણ જોવા મળશે.

(ક્રમશ:)

Total Views: 63

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.