શ્રીસારદા મઠ ના પ્રથમ અધ્યક્ષા પરમ પૂજનીય ભારતીપ્રાણા માતાજી ને પોતાના વિશે બોલવું પસંદ નહોતું. વધુ આગ્રહ કરવાથી એક – બે પ્રસંગ વર્ણવતાં. ઈ.સ.૧૯૬૦ થી શ્રી સારદા મઠની કેટલીક સંન્યાસિનીઓએ પ્રસંગોપાત્ત તેમના જીવન વિશે તેમને પૂછેલા પ્રશ્નોના જવાબમાં પ્રાપ્ત માહિતીને લખવાનું શરૂ કર્યું, જે બીજા દિવસે તેમને વાંચી સંભળાવવામાં આવતી. શ્રીસારદા મઠ,વલસાડ થી પ્રકાશીત થયેલ પુસ્તક ‘દિવ્ય જીવનના સાંનિધ્યમાં’ થી આ ‘આત્મસ્મૃતિ’ સાભાર લેવામા આવેલ છે.

હું મારી પોતાની શાળા તથા સુધીરાદીને પ્રેમ કરતી. બેટા, હું કંઈ જાણતી કે સમજતી નહોતી. લાગે છે કે સુધીરાદી લોકોને જીતવાની કળા જાણતાં હતાં. જે વ્યક્તિ તેમને એકવાર પણ મળે તે તેમને પ્રેમ કરવા લાગતી. એમનાં પ્રેમમાં આશ્ચર્યજનક આકર્ષણ-શક્તિ હતી. અમને વિશ્વાસ હતો કે, તેમના કહેવાથી અમે અમારા જીવનમાં કોઈપણ સંકટનો – પછી ભલે તે વાઘનો પણ સામનો કરવાનો હોય, તો તે પણ કરી શકતાં. તેઓ દેખાવમાં સુંદર નહોતાં, પરંતુ એમના માટે એ વરદાનરૂપ હતું. તેમણે ક્યારેય સંસારની ચિંતા કરી નથી. રાત કહો કે દિવસ, સમયે – કસમયે, વિવિધ પ્રકારની અગવડો અથવા મુશ્કેલીઓથી નિરુત્સાહિત થયા વિના તેઓ લક્ષ્યપ્રાપ્તિ તરફ આગળ વધતાં જ જતાં. જે કરવાનો સંકલ્પ કરે, તે પૂર્ણ કરવાનો યથાશક્તિ પ્રયત્ન કરતાં. તેમના ત્યાગ, પ્રેમ તથા ઉત્સાહનો આદર્શ તેમજ બીજાં પ્રત્યેની તેમની સંવેદનશીલતા તેમજ રસનો અમારાં જીવન પર ઊંડો પ્રભાવ પડ્યો હતો.

મારો જન્મ એક ગામડામાં થયેલો. મારી માતાનું નામ સુશીલાદેવી હતું. કોલકાતામાં મારા નાનાનો સારો વ્યવસાય હતો. મારા પિતાજી રાજેન્દ્રનાથ મુખર્જી ગુપ્તિપાડામાં રહેતા હતા, જ્યાં મારો જન્મ ઈ.સ.૧૮૯૪ માં થયેલો. તે ‘ઊલ્ટો રથ’ (જગન્નાથદેવના રથની પુનર્યાત્રા) નો શુભ દિવસ હતો. મારાથી એક મોટો અને એક નાનો ભાઈ પરલોકવાસી થયેલા. હું પણ માંદી રહેતી, લાંબા સમયની આયુર્વેદિક સારવારથી મને સારું થયેલું. પિતાજી અમને ગામડામાં રાખવાથી ડરીને અમને બધાંને કોલકાતા લઈ આવ્યા, ત્યારે હું ત્રણ કે ચાર વર્ષની હતી. મારા નાના, ૨૭-બાૅસપાડા લેન, બાગબાજારમાં રહેતા હતા. જ્યારે હું બાર વર્ષની હતી, ત્યારે મારાં માતાપિતા સાથે એકવાર જન્મસ્થળે ગયેલી, ત્યાં કેટલાક મહિના રહેલી. સોળમા વર્ષે ફરી, દુર્ગાપૂજા વખતે બીજીવાર એકલી ત્યાં ગયેલી.

મારા કોલકાતા આવ્યા પછી ત્રણ ભાઈ-બહેનોના જન્મ થયેલા. આ રીતે હું એ બધાંથી મોટી હતી. મારાથી ત્રણ વર્ષે મોટાં મારાં માસી પ્રફુલ્લમુખી માટે મને બહુ પ્રેમ હતો. અમે ગાઢ મિત્રો હતાં. મારી માતા અત્યંત શાંત તથા અતિશય સહનશીલ હતી. તે હજુ જીવે છે. (આ વાત ઈ.સ.૧૯૬૦ ની છે.) શ્રી શ્રીમા સારદાદેવીએ એકવાર યોગીનમાને કહેલું, ‘સરલાની માતા સાત્ત્વિક છે.’

મારા મામાનું કુટુંબ બહુ મોટું હતું. જ્યારે હું દશ વર્ષની હતી ત્યારે મારા નાનાનું મૃત્યુ થયું તથા પરિવારની આવક ઘટી ગઈ. ઘરની બે-ત્રણ નોકરાણીઓને કાઢવી પડી. નાનીને અને માને બહુ જ મહેનત કરવી પડતી, ઘરનાં કામકાજમાં અમે પણ મદદ કરતાં.

રામકાંત બાૅસ સ્ટ્રીટના ખૂણા પર એક સફેદ રંગનું મકાન હતું, જેમાં ખ્રિસ્તી મિશનરી શાળા હતી. હું છ-સાત વર્ષની હતી ત્યારે ત્યાં ભણવા જતી હતી. એક વર્ષ પછી ઈ.સ.૧૯૦૨ માં ૧૭, બાૅસપાડા લેન પર આવેલી ‘ભગિની નિવેદિતા સ્કૂલ’ માં મેં પ્રવેશ મેળવ્યો. ત્યાં સ્વામીજી વારંવાર આવતા, ત્યારે અમે બહુ નાનાં હતાં, તેમના વિશે ફક્ત એટલું જ યાદ આવે છે કે તેઓ હૃષ્ટપુષ્ટ હતા અને તેમની આંખો મોટી હતી. મને એવું સ્મરણ છે કે તે જ વર્ષે શ્રીરામકૃષ્ણદેવના જન્મોત્સવ ઉપર દસ-બાર વિદ્યાર્થિઓને ભગિની નિવેદિતા નાવ દ્વારા બેલુર મઠ લઈ ગયાં હતાં. અસ્પષ્ટ સ્મૃતિ છે કે અમે બધાંએ સ્વામીજીને પ્રણામ કર્યા હતા.

શરત મહારાજ અમારી શાળામાં સાંજે આવી પડોશની બહેનોને ગીતા વાંચી સંભળાવતા. ત્યારે તેઓ લાંબી દાઢી રાખતા હતા. હાૅલમાં બહેનો વાંસના પડદા પાછળ બેસતી, અમે બાળાઓ આંગણામાં ભગિની નિવેદિતા સાથે બેસતાં. ભગિની નિવેદિતા બહેનોને ઘોડાગાડીમાં લાવવાની ગોઠવણ કરતાં. દાદરા પાસે એક નાની જગ્યાએ બેસી શરત મહારાજ પાઠ કરતા. પાઠ દરમ્યાન અમે બાળાઓ ઊંઘી જતાં અને ભગિની નિવેદિતા રાતે અમને ઉઠાડીને ઘરે મૂકી જતાં.

યોગીનમા અને ગોલાપમાને હું વારંવાર શાળામાં જોતી. તેઓ બલરામ બાૅસને ઘરે જતાં અને પાછા વળતાં ભગિની પાસે આવતાં. તેઓને જોતાં જ ભગિની તેમને સાષ્ટાંગ પ્રણામ કરતાં તથા તેઓ બંને ભગિનીને હડપચીએ સ્પર્શી પ્રેમપૂર્વક પૂછતાં. ‘નિવેદિતા, કેમ છો ?’

એક દિવસ ભગિની નિવેદિતા અમારામાંથી કેટલાંકને શ્રીશ્રીમા સારદાદેવી પાસે લઈ ગયાં. તે જ મારું શ્રીશ્રીમાનું પ્રથમ દર્શન હતું. ત્યારે તેઓ બાગબજાર સ્ટ્રીટમાં એક ભાડાના મકાનમાં રહેતાં હતાં. અમે શ્રીશ્રીમાને પ્રણામ કરી બહાર આવી ગયાં પરંતુ ભગિનીએ ત્યાં જ રોકાઈને તેમની સાથે વાત કરી. ત્યાર બાદ પ્રસાદ લઈને અમે શાળાએ પરત આવી ગયાં.

ઈ.સ.૧૯૦૯ થી શ્રીશ્રીમા ઉદ્‌બોધન ભવનમાં રહેવા લાગ્યાં. એક દિવસ સિસ્ટર એમને શાળાએ લઈ આવ્યાં. તે દિવસે સિસ્ટર કેટલાં આનંદિત હતાં ! નાની છોકરીની જેમ દોડી દોડીને તેમણે શાળાને સજાવી. (ક્રમશ 🙂

Total Views: 269

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.