(નવેમ્બરથી આગળ…)

કાર્ય વિસ્તાર

ઈ.સ.૧૯૬૦ ના મે માસમાં, બેલુર મઠના અધિકૃત સંન્યાસીઓના સૂચનથી શ્રી સારદા મઠનાં ટ્રસ્ટીઓએ જનહિતકારી સેવામૂલક કાર્યો કરવાના આશયથી રામકૃષ્ણ સારદા મિશન એસોસિએશનની સ્થાપના કરી તથા તેની વિધિવત્ નોંધણી કરાવી. રામકૃષ્ણ સારદા મિશનની પ્રથમ શાખા એક સ્નાતક કક્ષાનું મહાવિદ્યાલય છે. દમદમના શ્રી દેવેન્દ્રનાથ ભટ્ટાચાર્યે મહિલા વિદ્યાલય માટે ત્રીસ વીઘાં જમીન, એક મકાન સહિત દાનમાં આપી. આ સંપત્તિની નોંધણી ૩૧ જાન્યુ., ઈ.સ.૧૯૬૧ ના રોજ થઈ. તે જ વર્ષે ૯ માર્ચે પ્રવ્રાજિકા ભારતીપ્રાણાએ તે મકાનમાં વિધિવત્ પૂજા તથા હવન બાદ, શ્રીરામકૃષ્ણ, શ્રી શ્રીમા તેમજ સ્વામીજીની છબીઓની સ્થાપના કરી. બીજે દિવસે ૧૦ માર્ચે રામકૃષ્ણ મઠના તત્કાલીન મહાસચિવ સ્વામી માધવાનંદના પ્રમુખ સ્થાને એક જનસભાનું આયોજન થયું. તેમણે રામકૃષ્ણ સારદા મિશન વિશે વિશદ રીતે બોલતાં એકત્રિત મહેમાનોને આગ્રહ કર્યો કે તેઓ આ સંસ્થા પ્રત્યે પણ રામકૃષ્ણ મઠ અને મિશનની જેમ જ આદરભાવ રાખે તથા તે જ પ્રકારે મદદ કરે. તે કેન્દ્રનું નામ ‘રામકૃષ્ણ સારદા મિશન વિવેકાનંદ વિદ્યાભવન’ રાખવામાં આવ્યું. સ્વામી યતીશ્વરાનંદે કહ્યું, ‘ત્રણેય આધ્યાત્મિક શક્તિઓના નામ પર આ પ્રથમ પ્રતિષ્ઠાન છે.’

ઈ.સ.૧૯૬૨ માં આલમબજાર વિસ્તારના બારુઈપાડામાં રામકૃષ્ણ સારદા મિશનની બીજી શાખા સ્થાપિત થઈ. પશ્ચિમ બંગાળ સરકારના આર્થિક સહયોગથી ‘મધર – ટીચર ટ્રેનિંગ સેન્ટર’ (માતા-શિક્ષક તાલીમ કેન્દ્ર) તેમજ જુનિયર બેઝિક સ્કૂલ શરૂ કરવા માટે જમીન ખરીદીને બાંધકામ શરૂ થયું. તે દરમ્યાન રામકૃષ્ણ મિશનની કોલકાતા સ્થિત ત્રણ સંસ્થાઓ રામકૃષ્ણ સારદા મિશનને હસ્તાંતરિત કરવામાં આવી. માર્ચ,૧૯૬૧ માં ‘એન્ટાલી આશ્રમ’; નવેમ્બર, ૧૯૬૧ માં ‘માતૃભવન’ તથા આૅગસ્ટ,૧૯૬૩ માં ‘નિવેદિતા કન્યા વિદ્યાલય’ તેમજ ત્રિચૂર ખાતેનું ‘સારદા મંદિરમ્’ જૂન,૧૯૬૮માં શ્રી સારદા મઠને આપી દેવામાં આવ્યું. પ્રવ્રાજિકા ધીરાપ્રાણા તેનાં અધ્યક્ષા બન્યાં.

ઈ.સ.૧૯૬૩ માં સ્વામી વિવેકાનંદની જન્મશતાબ્દી સમારોહના ઉપલક્ષ્યમાં ભારતીપ્રાણા માતાજીને અનેક સ્થળે જવું પડ્યું તથા અનેક કાર્યક્રમોની અધ્યક્ષતા સંભાળવી પડી. તેઓ સ્વામીજી વિશે સરળ ભાષામાં બોલતાં. શ્રીરામકૃષ્ણ, શ્રી શ્રીમા તથા સ્વામીજીના મહાન વિચારોની સ્પષ્ટ ધારણા તેમજ સમજ તેમનાં પ્રવચનોમાં પ્રતિબિંબિત થતાં. સંન્યાસીઓ તેમજ ગૃહસ્થ ભક્તોની સમસ્યાઓનું તેઓ એ જ રીતે સહજતાપૂર્વક સમાધાન કરતાં. તેઓ વિભિન્ન રીતે સમજાવતાં કે શ્રીરામકૃષ્ણ, સારદાદેવી તથા સ્વામીજી ત્રણેય એક જ સત્યની અભિવ્યક્તિ છે, એક અને અભિન્ન છે.

ઈ.સ.૧૯૬૩ ના જાન્યુઆરીમાં સ્વામી વિવેકાનંદ જન્મશતાબ્દી સમારોહ શ્રી સારદા મઠમાં મોટા પાયે ઊજવવામાં આવ્યો. સ્વામીજીનાં જીવન-સંદેશ તથા શ્રી સારદા મઠના ઇતિહાસ પર એક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું. મહિલા ભક્ત સંમેલન તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનાં આયોજન થયાં તથા એક શોભાયાત્રા કાઢવામાં આવી. ભક્ત-સંમેલનમાં ભારતીપ્રાણા માતાજીના પ્રમુખ સ્થાનેથી થયેલ ભાષણથી શ્રોતાગણ અત્યંત પ્રભાવિત થયો.

ડિસેમ્બર,૧૯૬૩ માં જન્મશતાબ્દી સમારોહના સમાપન પ્રસંગે રામકૃષ્ણ મિશને કોલકાતાના પાર્ક સર્કસ મેદાનમાં અનેક કાર્યક્રમો આયોજિત કર્યા. તેમાં એક હતો ‘મહિલા સંમેલન’, જેમાં દેશ-વિદેશથી આવેલ મહિલા પ્રતિનિધિઓની મહેમાનગતિની જવાબદારી શ્રી સારદા મઠને સોંપવામાં આવેલી. આ કાર્યમાં મહિલા ભક્તોએ મઠનાં સંન્યાસિનીઓને પૂરતો સહયોગ આપ્યો હતો. પ્રતિનિધિઓને વિવેકાનંદ વિદ્યાભવન, દમદમમાં ઉતારવામાં આવ્યાં હતાં. એક દિવસ તેઓ સહુ તથા કોલકાતાનાં અનેક મહિલા ભક્તો સારદા મઠ આવ્યાં હતાં. ચારસો ભક્ત મહિલાઓ તે દિવસે પ્રસાદ ગ્રહણ કરીને વિશેષ આનંદિત થયાં હતાં.

ભારતીપ્રાણા માતાજીનાં માર્ગદર્શન હેઠળ શ્રી સારદા મઠ તથા રામકૃષ્ણ સારદા મિશનના કાર્યમાં ઉત્તરોત્તર પ્રસાર થતો ગયો. રામકૃષ્ણ સારદા મિશન શિક્ષા મંદિરની પરિયોજના ‘મધર-ટીચર ટ્રેનિંગ સેન્ટર’ ના મકાનનો શિલાન્યાસ તેમણે ૧૨ માર્ચ,૧૯૬૨ના દિવસે કર્યો. તે જ વર્ષે નિવેદિતા વિદ્યાલયના કલા વિભાગના ભવનનો પાયો પણ નાખવામાં આવ્યો. વિજ્ઞાન વિભાગ તેમજ સીવણ-ભરતકામ વિભાગનાં ભવનોનાં ઉદ્‌ઘાટન તેમણે ક્રમશ : ઈ.સ.૧૯૬૩ તથા ઈ.સ.૧૯૬૫માં કર્યાં. વિવેકાનંદ વિદ્યાભવનના કર્મચારીગણના નિવાસસ્થાનનો શિલાન્યાસ તથા તેનું ઉદ્‌ઘાટન અનુક્રમે ઈ.સ. ૧૯૬૩ તથા ઈ.સ. ૧૯૬૬ માં થયાં. તેમણે માતૃભવનમાં નર્સાેના નિવાસસ્થાનનું ઉદ્‌ઘાટન ઈ.સ.૧૯૬૪ માં કર્યું. અને ઈસ્પિતાલમાં સંન્યાસિનીઓના નિવાસનો શિલાન્યાસ ઈ.સ.૧૯૭૨ માં કર્યો. ઈ.સ.૧૯૬૪ માં તેમણે એન્ટાલીના આશ્રમમાં નવા પ્રાર્થનાગૃહનું ઉદ્‌ઘાટન કર્યું. તે જ વર્ષે તેમણે શ્રી સારદા મઠમાં અતિથિગૃહનો શિલાન્યાસ કર્યો.

ઈ.સ.૧૯૬૮ માં નિવેદિતા કન્યા વિદ્યાલયમાં ભગિની નિવેદિતાની જન્મશતાબ્દી પ્રસંગે ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું. ભારતીપ્રાણા માતાજીએ બધા ઉત્સવોમાં બાળકની જેમ આનંદ તથા ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તેમણે ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓની સભાનું પ્રમુખસ્થાન સંભાળ્યું. સભામાં તેમણે ભગિની નિવેદિતા ઉપર સુંદર પ્રવચન આપ્યું તથા સમવેત ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓને આશીર્વાદ આપ્યા.

શ્રી સારદા મઠમાં ભારતીપ્રાણા માતાજી

શ્રી સારદા મઠના ઉદ્‌ઘાટન વખતે ત્યાં માત્ર બે મકાનો હતાં. એકમાં શ્રીરામકૃષ્ણ, શ્રી શ્રીમા તથા સ્વામીજીની છબીઓની પૂજા થતી હતી, જેને ઠાકુરવાડી કહેવામાં આવતું. બીજું મકાન રહેવા માટે ઉપયોગમાં લેવામાં આવતું, જે ગંગા તરફ ઉત્તરમુખી હતું.

ઠાકુરવાડીમાં ભોંયતળિયે આવેલા ઓરડાઓના દરવાજાની બારસાખો બહુ નીચી હોવાથી તેમાં પ્રવેશ કરતી વખતે માથું ભટકાતું. ભારતીપ્રાણા માતાજી મજાક કરતાં, ‘શ્રી શ્રીમાના નોબતમાં ફક્ત એક જ નીચો દરવાજો હતો, પણ અહીં માથું ભટકાવવા આટલા બધા નીચા દરવાજાઓ છે.’ ભોંયતળિયે આવેલ ઓરડાઓમાં રસોઈ બનાવાતી તથા ભોજન કરવામાં આવતું. પહેલા માળે મંદિર તથા કોઠાર ઉપરાંત ચાર ઓરડા તથા એક મોટો પ્રાર્થના ખંડ હતો. ઉત્તર-પૂર્વ ખૂણે એક નાનો ઓરડો હતો, જેમાં કાર્યાલય રાખવામાં આવેલ. બીજા માળે અગાશી ઉપર એક નાનો ઓરડો હતો, જેમાં પૂર્વ-પશ્ચિમે સામાસામી બે બારીઓ અને ઉત્તર-દક્ષિણ દિશામાં ખૂલતા બે દરવાજા હતા. ભારતીપ્રાણા માતાજીએ પોતાના રહેવા માટે આ નાનો ઓરડો પસંદ કરેલ. ઓરડામાં એક પાટ અને ખૂણામાં એક પેટી હતી. દીવાલના એક ગોખલામાં શ્રીરામકૃષ્ણ તથા શ્રી શ્રીમાની છબીઓ હતી કે જેની પૂજા તેઓ પોતાના કાશીવાસ દરમિયાન કરતાં હતાં. આ ઓરડાની છત બહુ નીચી હતી, તેથી ગરમીમાં બપોરના સમયે ઓરડો ખૂબ ગરમ થઈ જતો. એ દિવસોમાં તેઓ ભોંયતળિયે જઈ ખુલ્લી ફરસ પર સૂઈ જતાં. પછીથી એમના ઓરડામાં છત ઉપર એક નાનો પંખો લગાવવામાં આવ્યો, પરંતુ તેમણે પોતાના માટે તેનો ક્યારેય ઉપયોગ કર્યો નહિ.

મઠમાં તેમનું દૈનંદિન જીવન અત્યંત સાદું – સીધું હતું. પહેલાં તેઓ સહુના માટેની નિર્દિષ્ટ દિનચર્યાનું પાલન કરતાં હતાં અને બધાંની સાથે જ ભોજન લેતાં. પરંતુ આટલાં વર્ષોના અભ્યાસનો ત્યાગ કરવો તથા એ પ્રકારની સમયસૂચિનું પાલન કરવું તેમના માટે અઘરું હતું. તેમ છતાં રાત્રિભોજન તો તેઓ બધાંની સાથે જ લેતાં.

તેમનું જીવન અત્યંત નિયંત્રિત હતું. સવારે ત્રણ વાગે ઊઠી, હાથ-મોં ધોઈ તેઓ જપમાં બેસતાં. ઘણાં વર્ષો સુધી તેઓ મંગલ આરતીમાં પણ આવ્યાં પરંતુ પછીથી તેમણે નિત્ય સાધના તથા ગંગા સ્નાનની પોતાની દિનચર્યા જ અપનાવી. છેલ્લે કેટલાક મહિનાઓ સિવાય સમગ્ર જીવનપર્યંત મૃદુસ્વરે ભગવાનનું નામ લેતાં લેતાં તેઓ પૂજા માટે ફળ-મિષ્ટાન્ન જાતે સજાવતાં. શનિવાર તથા મંગળવારે દેવી ભવતારિણીની પૂજા કરવા એક ટોપલીમાં પુષ્પ વગેરે લઈને કોઈની સાથે કાલીમંદિરે પગપાળા જતાં, શિયાળો હોય કે ઉનાળો. પછીથી કોઈ ભક્તે મઠને સાઈકલ-રિક્ષા ભેટ આપી, ત્યારથી તેઓ તેમાં જવા માંડ્યાં.

ગંગા પ્રત્યે તેમને અસાધારણ પ્રેમ હતો. મઠવાસ દરમ્યાન તેઓ હંમેશાં ગંગાસ્નાન કરવા જતાં, ભલે ગરમી, ઠંડી કે વરસાદ કંઈ પણ હોય. એમનો સ્નાનનો સમય ભરતી-ઓટ અનુસાર નક્કી થતો. ઘાટનાં પગથિયાં પર પાણી ક્યારે અને કેટલો સમય રહેશે તેની જાણકારી તેમને રહેતી. શુક્લપક્ષની આઠમથી એકાદશીની મધ્યમાં સ્વચ્છ પાણી ઉપલબ્ધ થાય, તેથી પૂજા અને ભોગ માટે તેનો સંગ્રહ કરી લેવામાં આવતો. તેઓ ઘણીવાર બધાંને એ યાદ દેવરાવતાં અને ગંગાજળ લઈ આવવામાં મદદ કરતાં.

સવારમાં મંદિરમાં ફળ-મિષ્ટાન્ન ધરાવવાની વ્યવસ્થા કર્યા બાદ તેઓ એક નાની થાળીમાં પુષ્પ, બીલીપત્ર તથા ચંદન લઈને ઉપર પોતાના ઓરડામાં જઈ પુષ્પાર્ઘ્ય દ્વારા શ્રીરામકૃષ્ણ અને શ્રી શ્રીમાની છબીઓની પૂજા કરી જપ, ધ્યાન અને ગીતાપાઠ કરતાં, ત્યાર બાદ લગભગ સાડા-દસ વાગે તેઓ નીચે આવતાં. ત્યાં સુધીમાં મંદિરમાં પૂજા પૂરી થઈ જતી. મંદિરમાં પ્રણામ કરી તેઓ નાસ્તો કરતાં અને બપોરના ભોગની પૂછપરછ કરવા કોઠાર તથા રસોડામાં જતાં. ત્યાર બાદ પહેલા માળના વરંડામાં બેસી છાપું વાંચતાં, ક્યારેક ક્યારેક બીજું કોઈ તેમને વાંચી સંભળાવે. તેઓ બધા જ વિષયના સમાચાર જાણતા અને બીજાંઓને તાજા સમાચાર આપતાં. તે વખતે જ તેઓ ભક્તોને મળતાં અને વાતચીત કરતાં. બપોરનું ભોજન તેઓ પ્રથમ પંક્તિના આહાર બાદ, ભંડારી, રસોયણ તથા બીજાં બે-ચાર સંન્યાસિનીઓની સાથે લેવા બેસતાં.

(ક્રમશ 🙂

Total Views: 336

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.