(ગતાંકથી આગળ…)

સંન્યાસિનીઓનું નિવાસસ્થાન ડિસેમ્બર, ૧૯૬૨ સુધીમાં તૈયાર થઈ ગયું. પશ્ચિમ દિશામાં મોટા વરંડા સહિત ગંગાભિમુખી એક ઓરડો તેમના માટે બનાવવામાં આવ્યો, પરંતુ તેઓ અગાશી પર આવેલા પોતાના નાના ઓરડાને છોડીને નવા ઓરડામાં ઘણા દિવસો સુધી આવ્યાં નહિ. થોડા મહિનાઓ પછી તેમણે નવા ઓરડામાં રાત્રે સૂવાનું ચાલુ કર્યું. તેમ છતાં પોતાના જપધ્યાન તથા બપોરના આરામ તથા વાચન માટે તો તેઓ પોતાના નાના ઓરડામાં જ જતાં. ઈ.સ.૧૯૬૭ થી તેમણે નવા ઓરડામાં રહેવાનું શરૂ કર્યું. બપોરે ત્રણ વાગે તેઓ પત્ર લખતાં, તેમની લેખનસામગ્રી એક નાના ડબ્બામાં રહેતી. તેઓ જાતે જ લખતાં. ઘણા પત્રો હોય તો કોઈ સંન્યાસિની પાસે લખાવતાં.

સાંજે તેઓ ઠાકુરવાડીના પહેલા માળના વરંડામાં બેસી ભક્તો સાથે વાતચીત કરતાં. સંધ્યા-આરતી વખતે તેઓ પૂજાગૃહમાં જપ કરતાં. આરતી પછી વરંડામાં આવી તેઓ સંન્યાસિનીઓ, બ્રહ્મચારિણીઓ તેમજ ભક્તોના પ્રણામ સ્વીકારતાં. ત્યાર પછી પોતાના ઓરડામાં તેઓ રેડિયો પર સમાચાર સાંભળતાં. જપ-ધ્યાન બાદ લગભગ બધાં જ સંન્યાસિનીઓ, બ્રહ્મચારિણીઓ તથા સંઘમાં જોડાવા આવેલી નવાગતાઓ તેમના ઓરડામાં આવતાં. તેઓ તે લોકોને શ્રી શ્રીમા, યોગિનમા, ગોલાપમા, શરત મહારાજ, ભગિની નિવેદિતા વગેરેનાં સંસ્મરણો સંભળાવતાં. સહુ તેમની વાતો ધ્યાનથી સાંભળતાં. ક્યારેક ક્યારેક શાસ્ત્રપાઠ થતો અથવા હાસ્યકથાઓ સંભળાવી તેઓ બધાંને હસાવતાં. બધાં એક નિર્મળ આનંદ અનુભવતાં. રાતના ભોજન પછી તેઓ થોડો સમય બહાર લટાર મારતાં. ત્યાર બાદ શ્રીરામકૃષ્ણ કથામૃતના વાચન પછી તેઓ સૂઈ જતાં.

તેમને આડંબર ગમતો નહિ. તેઓ ઓછામાં ઓછી વસ્તુઓનો ઉપયોગ કરતાં અને પ્રત્યેક ચીજ સાફસૂફ અને વ્યવસ્થિત રાખતાં. બિનજરૂરી કામ વધારવું તેમને પસંદ ન હતું. તેમની ઉદાર વ્યવહાર બુદ્ધિથી સહુ આશ્ચર્યચક્તિ થતાં. તેમની દિનચર્યા એટલી નિયમિત રહેતી કે તેની સાથે ઘડિયાળ મેળવી શકાય. તેઓ મુસાફરી બહુ ઓછી કરતાં, પરંતુ જ્યારે પણ જવાનું થતું ત્યારે હંમેશાં સમયસર તૈયાર થઈ જતાં. તેઓ ઘણીવાર દક્ષિણ ભારતમાં ગયાં અને લગભગ દરેક વખતે સહસચિવ પ્રવ્રાજિકા શ્રદ્ધાપ્રાણા તેમની સાથે ગયેલાં. ત્યાં પણ તેઓ પોતાની દિનચર્યાનું પાલન કરતાં. જો કે તેઓ ક્યારેય ચા ન પીતાં, પરંતુ પીવાવાળાંને સમયસર મળી જ જાય તેનું હંમેશાં ધ્યાન રાખતાં. રેલયાત્રાથી તેઓ કોઈ પ્રકારની અગવડ અનુભવતાં નહિ.

કોલકાતાના દરેક શાખા કેન્દ્રમાં તેઓ વર્ષમાં એકવાર કોઈપણ ઉત્સવ પર એક-બે દિવસ માટે અચૂક જતાં, ત્યારે તે કેન્દ્રના બધા સભ્યો આનંદમાં આવી જતા. તેઓ પોતે નિવેદિતા સ્કૂલનાં વિદ્યાર્થિની હતાં તથા લાંબા સમય સુધી છાત્રાલયમાં રહેલાં, તેથી તેમને તે સ્કૂલ માટે વિશેષ લગાવ હતો. તેઓ તે સ્કૂલના શિલ્પ વિભાગના પ્રદર્શનના ઉદ્‌ઘાટન માટે દર વર્ષે જતાં. નિવેદિતા સ્કૂલમાં રહેતી વખતે તેઓ શ્રી શ્રીમાને પ્રણામ કરવા ઉદ્‌બોધન ભવન જતાં. જ્યાં સુધી તેમનાં વૃદ્ધ માતા જીવિત હતાં, ત્યાં સુધી તેમને સાંજે મળવા જતાં, પરંતુ સંધ્યા આરતી પહેલાં જ પાછાં આવી જતાં.

ઊલટો રથ(રથયાત્રા પછીનો દિવસ)ના શુભ દિવસે તેમનો જન્મ થયેલો. તેની કોઈને જાણ નહોતી અને તેમણે પણ કોઈને જણાવેલ નહિ. લિલુઆનાં શાંતિદેવીને તેમના માટે ખૂબ માન હતું અને તેઓ તેમને ‘મા’ કહીને જ સંબોધન કરતાં. તેઓ ઈ.સ.૧૯૬૨ અથવા ઈ.સ.૧૯૬૩ માં ઊલટો રથના દિવસે નવાં વસ્ત્રો તથા પ્રણામી લઈ તેમને પ્રણામ કરવા આવેલાં, ત્યારથી બધાંને તેની જાણ થઈ ગઈ. ત્યારથી તે દિવસ સારદા મઠમાં ભારતીપ્રાણા માતાજીના જન્મદિવસ તરીકે ઊજવવામાં આવે છે. પહેલાં તે સાદી રીતે ઊજવવામાં આવતો પરંતુ પછીથી અત્યંત ઉત્સાહ અને આનંદપૂર્વક ઊજવવો શરૂ થયેલ. કોલકાતાનાં બધાં કેન્દ્રોમાંથી સંન્યાસિનીઓ તથા બ્રહ્મચારિણીઓ તેમજ મોટી સંખ્યામાં ભક્તો તેમને પ્રણામ કરવા આવવા લાગ્યાં. ઉલ્લેખનીય છે કે બેલુર મઠના અધ્યક્ષ બન્યા બાદ સ્વામી વીરેશ્વરાનંદ ભારતીપ્રાણા માતાજીના જન્મદિવસે દર વર્ષે તેમને નવું ભગવું વસ્ત્ર વગેરે મોકલતા.

પ્રારંભમાં ભારતીપ્રાણા માતાજીને બધાં, ‘માસીમા’ કહેતાં હતાં, પરંતુ પછીથી તેમને ‘મા’ કહીને સંબોધતાં. તેઓ પણ આ સંબોધનથી ટેવાઈ ગયેલાં.

ઉદ્‌બોધન ભવનમાં શ્રી શ્રીમાના સાંનિધ્યમાં વસવાથી ત્યાંનાં ભગવદ્મુખી જીવન, ભગવદ્ સેવા, ભક્તસેવા વગેરેએ ભારતીપ્રાણાજીને જીવન પ્રતિ એક ઉચ્ચ દૃષ્ટિભંગિ પ્રદાન કરેલી, જે પછીથી તેમના પ્રત્યેક કાર્યમાં પ્રતિબિંબિત થતી. મઠમાં તેમની સાથે પૂજાનું આયોજન કરવાવાળા અંતેવાસીઓના મનમાં એવો ભાવ અંક્તિ કરી દેતાં કે શ્રીઠાકુર જ સર્વસ્વ છે અને મઠના બધા જ કાર્યકલાપોના કેન્દ્રમાં શ્રીઠાકુર જ છે. ભારતીપ્રાણાજીના પ્રત્યેક આચરણથી પ્રગટ થતું કે શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીની આ મઠમાં જીવંત ઉપસ્થિતિ છે. પણ તેમના કોઈ કાર્યમાં ભાવુકતાનો આવેગ ન હતો. દરેકની સાથે પ્રેમપૂર્વક રહેવું એ તેમના માટે શ્વાસ-પ્રશ્વાસ જેવું જ સ્વાભાવિક હતું. તેમનો આ પ્રેમભાવ દરેકના મનમાં શ્રી શ્રીમાના નિરપેક્ષ અને નિર્મળ પ્રેમની યાદ અપાવતો. સમય, પરિસ્થિતિ તેમજ સંગને અનુરૂપ વ્યવહાર કરવો જોઈએ’ – શ્રી શ્રીમાની આ ઉક્તિનો મર્માર્થ ભારતીપ્રાણા માતાજીની સાથે રહેવાથી સહજ રીતે સમજાઈ જતો. તેઓ પોતાની જાતને કોઈ પણ સંજોગોમાં પરિસ્થિતિને અનુરૂપ સાહજિકતા તથા દૃઢતાથી ગોઠવી લેતાં. તેમનું મન ક્ષુદ્ર મતભેદોની સંકીર્ણ સીમાને સહજતાથી ઓળંગી સમસ્યાઓના સમુચિત ઉકેલ સુધી પહોંચી જતું. આધુનિક પેઢીની છોકરીઓ પણ આ જોઈને અવાક્ થઈ જતી. શ્રી શ્રીમાની સરલાએ મઠવાસિનીઓ સમક્ષ એક આદર્શ એકનિષ્ઠ જીવનનું દૃષ્ટાંત સ્થાપ્યું છે.

ફક્ત મઠનાં અંતેવાસીઓ જ નહિ, પરંતુ પડોશની બહેનોને પણ તેઓ સહાનુભૂતિપૂર્વક સલાહ આપતાં અને તેમને નવી દિશા દેખાડતાં. તેઓ દહેજપ્રથાનાં વિરોધી હતાં. જો કોઈ માતા-પિતા પોતાની પુત્રીના વિવાહમાં દહેજ આપતાં તો તેઓ અત્યંત અસંતુષ્ટ થતાં. તેઓ નારીજાતિનું અપમાન અથવા તે લોકોને થતો અન્યાય સહન ન કરી શકતાં. પતિઓ દ્વારા માર ખાતી સ્ત્રીઓ અથવા ત્યક્તાઓને સહાનુભૂતિ તથા બને તેટલી આર્થિક મદદ આપતાં. એકવાર કોઈ વિકલ્પ ન દેખાતાં તેમણે મઠમાં જ એક મહિલાને રહેવાની વ્યવસ્થા કરેલી, જેણે બાકીનું જીવન મઠમાં જ વિતાવ્યું.

રામકૃષ્ણ સારદા મિશન એસોસિએશનની વાર્ષિક સભાઓમાં તેમના પ્રમુખસ્થાનેથી અપાયેલાં પ્રવચનો સંક્ષિપ્ત છતાં સારયુકત રહેતાં. જીવનની નાની મોટી દરેક ઘટનામાં શ્રી શ્રીમા ઉપર તેમની નિર્ભરતા તથા પ્રેમ સ્પષ્ટ દેખાઈ આવતાં. એક ઘટના અહીં વર્ણવીએ. સારદા મઠમાં ગંગાઘાટનાં પગથિયાં પાસે આવેલા ચબૂતરાનું સમારકામ કરાવવું જરૂરી હતું, જેના માટે મોટી રકમની જરૂર હતી. આ કાર્યમાં બેલુર મઠના ટ્રસ્ટી, સ્વામી નિર્વાણાનંદે (બાદમાં સહાધ્યક્ષ) શ્રી સારદા મઠનાં ટ્રસ્ટીઓને યોગ્ય માર્ગદર્શન આપેલું તથા બીજી ઘણી રીતે પણ મદદ કરેલી. તે વખતે પ્રવ્રાજિકા શ્રદ્ધાપ્રાણાએ નિવેદિતા સ્કૂલથી આવી ભારતીપ્રાણા માતાજીને જણાવ્યું, ‘આ કાર્ય માટે વધુ પૈસા જોઈશે, તમારી મા (શ્રી શ્રીમા) ને કહો કે ધનની વ્યવસ્થા કરી દે.’ આ સાંભળી તેઓ ગંભીર થઈ ગયાં અને બોલ્યાં, ‘જુઓ, જો મા પાસે ધન માગશો તો ફક્ત ધન જ મળશે, બીજું કંઈ નહિ.’ શ્રદ્ધાપ્રાણાજી તરત જ બોલ્યાં, ‘તો આપણે પૈસા નથી જોઈતા, તમારાં મા ને કહો કે તેઓ ગંગાને જ નિયંત્રિત કરી દે.’

બીજા એક પ્રસંગે શ્રદ્ધાપ્રાણાજીએ તેમને કહ્યું, ‘જુઓ, સ્વામીજીના જન્મશતાબ્દી સમારંભની ઠાકુર કેવી સરસ વ્યવસ્થા કરી રહ્યા છે ! તેઓને પૈસા પણ મળી રહ્યા છે, આપનાં મા (શ્રી શ્રીમા) સારદા મઠ માટે કંઈ જ કરતાં નથી.’ ભારતીપ્રાણાજીએ તરત જ જવાબ આપ્યો, ‘ઠાકુરે વળી મઠ માટે શું કર્યું છે? બેલુર મઠની બધી વ્યવસ્થા તો શ્રી શ્રીમાની પ્રાર્થનાના ફળે જ થઈ છે! શ્રી રામકૃષ્ણનાં ત્યાગી સંતાનોના નિવાસસ્થાન વગેરે માટે શ્રી શ્રીમાની વ્યાકુળ પ્રાર્થના સર્વજનવિદિત છે.

રામકૃષ્ણ મઠના અધ્યક્ષ સ્વામી શંકરાનંદ અને ઉપાધ્યક્ષ સ્વામી વિશુદ્ધાનંદ-બંનેનો ભારતીપ્રાણાજી પર વિશેષ પ્રેમ હતો અને તેઓ (ભારતીપ્રાણાજી) પણ તેઓનાં સલાહસૂચનને હંમેશાં ધ્યાનમાં લેતાં. તે બન્ને તેઓની સાથે પૂર્વપરિચિત સરલાની જેમ જ વ્યવહાર કરતા. તત્કાલીન મહાસચિવ સ્વામી માધવાનંદ તેમનું બહુ જ માન જાળવતા. તેમણે કેટલીક સંન્યાસિનીઓને કહેલું, ‘સરલા શ્રી શ્રીમાનાં અંતરંગ સેવિકા હતાં, એ કંઈ સામાન્ય વાત નથી. તેમને સામાન્ય માનવી ન સમજતાં. તેમની પાસેથી બધું જાણજો અને સમજી લેજો.’ (સમાપ્ત)

Total Views: 272

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.