સ્વામી સર્વગતાનંદજી દ્વારા અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તિકાના રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા હિન્દીમાં થયેલા અનુવાદનું શ્રીમનસુખભાઈ મહેતાએ ગુજરાતીમાં કરેલ અનુસર્જન અહીં પ્રસ્તુત છે.

             તું પરમહંસ બની જઇશ

સ્વામી વિવેકાનંદે પોતાના સંન્યાસી શિષ્ય સ્વામી કલ્યાણાનંદને એમનાં સેવા, નિષ્ઠા, ઉત્કટતા અને આંતરિક શક્તિને જોઈને તેમને પરમહંસ બનવાના આશીર્વાદ આપ્યા હતા. સ્વામીજીના આદેશ અનુસાર એમણે હરિદ્વારમાં આવતા અનેક યાત્રી સાધુઓ અને લોકોના સ્વાસ્થ્ય માટે એક આરોગ્યધામ ઊભું કર્યું. આ માટે એમને અનેક અસુવિધાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

એકવાર સ્વામી વિવેકાનંદ કોલકાતામાં હતા ત્યારે એમણે કલ્યાણ મહારાજને (સ્વામી કલ્યાણાનંદને) હાવડા સ્ટેશનેથી બરફ લાવવા માટે પાંચ રૂપિયા આપ્યા. એમણે બરફનો એક ટુકડો માથા પર ઉપાડીને આખે રસ્તે પગપાળા ચાલીને સ્વામીજીને બરફ આપ્યો.

સ્વામીજી વિસ્મિત થઈને બોલી ઊઠ્યા, ‘તું આટલો બરફ માથે ઉંચકીને લાવ્યો ?’ સ્વામી કલ્યાણાનંદે કહ્યું, ‘આપે મને પાંચ રૂપિયા આપ્યા હતા ! એટલે હું પાંચ રૂપિયાનો બરફ લાવ્યો.’

એ સાંભળીને સ્વામીજીએ કહ્યું, ‘અરે, મેં તને પાંચ રૂપિયાનો બરફ લાવવાનું કહ્યું ન હતું.’

સ્વામીજીએ માથા પર પીગળેલા બરફના ઠંડા પાણીથી તરબતર થયેલો અને નિશ્ચલ ઊભો રહેલ જોઈને આશીર્વાદ આપતાં કહ્યું, ‘કલ્યાણ, અંતે તું પરમહંસ બનીશ.’

અને કલ્યાણ મહારાજ વાસ્તવમાં જ પરમહંસ બન્યા. તેઓ સર્વદા શાંત, નિરાડંબર તથા પ્રશાંત રહ્યા. – ક્યારેય ઉદ્વિગ્નતા કે ગભરાટથી વ્યાકુળ ન થયા. તેઓ દૃઢવિશ્વાસસંપન્ન મહાપુરુષ હતા.

            ત્યાગ અને સેવા

સ્વામી સર્વગતાનંદ (તે સમયના બ્ર.નારાયણ) માટે ૩ ડિસેમ્બર, ૧૯૩૪ નો દિવસ મુંબઈથી કનખલની ૧૦૦૦ માઈલની યાત્રાનો પ્રથમ દિવસ હતો. થોડાં સપ્તાહપૂર્વે તેઓ સ્વામી અખંડાનંદજીને (શ્રીરામકૃષ્ણના સાક્ષાત્ શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુબંધુ) મળ્યા હતા. એમણે એમને શ્રીરામકૃષ્ણ સંઘમાં લેવાનો સ્વીકાર કર્યો હતો અને એમને કહ્યું કે જો સંન્યાસી બનવા ઈચ્છતા હોય તો તેઓ કનખલ પગે ચાલીને જાય. એનું કારણ એ હતું કે પોતાના પરિવ્રાજક કાળમાં એમના આ ગુરુએ હિમાલય ક્ષેત્રમાં પ્રાય : ખુલ્લે પગે પરિભ્રમણ કર્યું હતું. એટલે બ્ર. નારાયણે પોતાનાં જોડાં કાઢીને ફેંકી દીધાં અને ૧૦૦૦ માઈલ ખુલ્લા પગે ચાલવાનો નિશ્ચય કર્યો. રસ્તામાં નડતી મુશ્કેલીઓ અને અનુભવ એક બીજી વાર્તાનો વિષય છે. આ વાર્તા એમની યાત્રાની સમાપ્તિથી શરૂ થાય છે.
કનખલ સેવાશ્રમમાં મારું આગમન

૬૭ દિવસની પદયાત્રા પછી હું ૭ ફેબ્રુઆરી, ૧૯૩૫ ના રોજ હરિદ્વાર આવ્યો. હું રામકૃષ્ણ મિશનનું સરનામું જાણવા માગતો હતો. મેં બજારમાં કેટલાક લોકોને પૂછ્યું. પણ એ કોઈ હું શેના વિશે પૂછું છું એ સમજી ન શક્યા. અંતે મેં ગંગા નહેર તરફ એક સુંદર ભવન જોયું. એના પર લખ્યું હતું ‘મદ્રાસી ધર્મશાળા.’ હું અંદર ગયો તથા એક સ્વામીજીને રામકૃષ્ણ મિશન વિશે પૂછ્યું. એમણે કહ્યું, ‘ઓહો ! તો તમારા કહેવાનો અર્થ પેલી બંગાળી ઇસ્પિતાલ છે.’ મેં કહ્યું, ‘હા, એ જ હશે.’ તેમણે વળી પૂછ્યું, ‘ક્યાંથી આવો છો ?’ મેં એમને બધું બતાવી દીધું. પછી તેમણે કહ્યું, ‘ત્યાં શા માટે જવા ઈચ્છો છો ?’ તેઓ ઈચ્છતા હતા કે હું એમના સમૂહમાં દાખલ થઈ જાઉં એટલે એમણે મને હતોત્સાહ કર્યો. મેં કહ્યું, ‘ના, મેં રામકૃષ્ણ મિશનમાં સામેલ થવાનો નિશ્ચય કર્યો છે.’ મેં એમને બીજી વાતો વિસ્તારથી બતાવી નહીં, એટલે એમણે મને ત્યાં પહોંચવાનો રસ્તો બતાવીને કહ્યું કે પુલ પસાર કરીને કનખલનો માર્ગ પકડજો.

તેમના સૂચન પ્રમાણે ચાલતાં ચાલતાં હું એવી જગ્યાએ પહોંચ્યો કે જેની ડાબી બાજુએ મુખ્ય માર્ગથી એક બીજી સડક નીકળતી હતી. મેં પાંચ મોટાં દ્વારવાળું એક વિશાળ પરિસર જોયું. મેં દરેક દ્વારેથી અંદર પ્રવેશવાનો પ્રયત્ન કર્યો પણ એ બધાં બંધ હતાં. કદાચ એનો ક્યારેય ઉપયોગ નહીં થયો હોય, એમ મને લાગ્યું. પરંતુ એક દ્વાર પાસે એક બીજો નાનો દરવાજો હતો. અહીંથી લોકોના આવન જાવનનું અનુમાન કરી શકાય. એટલે હું એ નાના દરવાજેથી હોસ્પિટલના વિસ્તારમાં પ્રવેશ્યો. ત્યાં મને કોઈ ન મળ્યું. આગળ વધ્યો એટલે મેં એક વાડ જોઈ. એમાંથી અંદર જવાનો કોઈ માર્ગ ન હતો. એટલે હું એ વાડને ઠેકી ગયો. પણ જોયું તો આગળ વધુ એક વાડ ! જ્યારે મેં આજુબાજુ જોયું તો થોડા અંતરે મને એક વિશાળ લોન અને એક સુંદર ભવન દેખાયું. ત્યાં એક સ્વામીજી ઊભા હતા અને એમની સાથે એક મોટો કૂતરો હતો. મેં આ વાડને પણ કૂદીને પાર કરી. હું કૂતરાથી ઘણો ડરી ગયો હતો, કારણ કે તે મારી સામે આંખો ફાડીને જોતો હતો. પરંતુ હું ધીમે ધીમે સ્વામીજી તરફ આગળ વધવા લાગ્યો. તેઓ પણ મારી તરફ જોઈ રહ્યા હતા. મેં જઈને એમને પ્રણામ કર્યા. એમણે પૂછ્યું, ‘તું નારાયણ છો ને ?’ મેં જવાબ આપ્યો, ‘હા, મહારાજ !’ સ્વામી કલ્યાણાનંદજીએ અત્યંત હર્ષ સાથે કહ્યું, ‘ઠીક છે, મને ઘણા વખત પહેલાં સ્વામી અખંડાનંદજીનો પત્ર મળ્યો હતો. એમાં લખ્યું હતું કે તમે અહીં આવો છો.’ હવે અમે બન્ને એક બીજા સાથે વાતચીત કરી રહ્યા હતા એટલે કૂતરો પણ સમજી ગયો કે અમે એક બીજાના પરિચિત છીએ. એટલે એ મારી સાથે મિત્રતા કરવા લાગ્યો અને પાસે આવીને પોતાની પૂંછડી પટપટાવવા લાગ્યો. (ક્રમશ 🙂

Total Views: 288

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.