(ગતાંકથી આગળ…)

નવા સચિવની બહારના સંન્યાસીઓ સાથે ઓળખાણ કરાવાઈ

બહારના સંન્યાસીઓના કાર્યક્રમમાં કલ્યાણ મહારાજ હંમેશ મને સાથે લઈ જતા હતા એટલે તે બધા માનતા કે હું જ મહારાજનો શિષ્ય છું. કેમ કે બીજા કોઈ પણ સંન્યાસી તેમની સાથે જતા નહીં અને બહારના સંન્યાસીઓ હંમેશાં મને જ કલ્યાણ મહારાજ સાથે જોતા રહેતા હતા એટલે તેમનો નિષ્કર્ષ એ હતો કે અવશ્ય હું જ કલ્યાણ મહારાજનો શિષ્ય હતો. જ્યારે મહારાજ મહાસમાધિમાં લીન થયા ત્યારે બેલુર મઠ દ્વારા સચિવપદે મોકલવામાં આવેલ સંન્યાસીને બહારના અખાડાઓના સંન્યાસીઓએ કનખલના પ્રતિનિધિ તરીકે સ્વીકાર્યા નહીં. મારે એ બધા સંન્યાસીઓને સમજાવવા પડ્યા. હું તો વિધિવત્ દીક્ષિત બ્રહ્મચારી પણ ન હતો. પરંતુ તેમણે તેની ક્યારેય દરકાર કરી નહીં. તેઓ કહેતા, ‘જે કાંઈ હોય, તું જ એમનો શિષ્ય છે, અમે તારું સન્માન કરીએ છીએ, નવા સચિવને તો અમે ક્યારેય જોયા પણ નથી. અમે તો તને જ ઓળખીએ છીએ, બસ અન્ય કોઈને પણ નહીં.’ હું તેમને દલીલ કરીને કહ્યા કરતો કે સચિવ શ્રીમા સારદાદેવીના શિષ્ય અને મોટા સાધુ પણ છે. છેવટે તે લોકો સચિવને માનવા લાગ્યા. પરંતુ તે બધાનો આગ્રહ રહેતો કે હું પણ તેમના દરેક કાર્યક્રમોમાં સહભાગી બનું.

આ રીતે અમે બન્ને તેમના કાર્યક્રમોમાં જતા હતા. તેઓ આવા પ્રસંગોએ અપાતી દરેક વસ્તુઓ આપ્યા કરતા હતા, એટલું જ નહીં, ત્રાંબાનું મોટું સરસ વાસણ અને એક વસ્ત્ર. પણ હા, કેમ કે હું બ્રહ્મચારી હતો એટલે ગેરુઆ વસ્ત્રને બદલે મને સફેદ વસ્ત્ર આપવામાં આવતું.

સ્વામી અતુલાનંદજીનું આગમન

અમારા સેવાશ્રમમાં કલ્યાણાનંદજીનું છાયાચિત્ર તો હતું પણ નિશ્ચયાનંદજીનું ન હતું. ઘણા લોકો કહ્યા કરતા કે તેમનું છાયાચિત્ર નથી. જ્યારે ૧૯૪૦માં અતુલાનંદજી સેવાશ્રમમાં પધાર્યા તો આ અંગે તેમને પૂછવામાં આવ્યું. તેમણે કહ્યું, ‘ફાૅક્સ બહેનો હરિદ્વાર આવી હતી, તેઓએ તેમની છબિ લીધી છે.’ તેમણે એક બહેનને લખ્યું જે ત્યારે હયાત હતી, અને અમને છબિ મળી ગઈ.

અતુલાનંદજીના આગમન સમયે મેં ક્રિસમસની પૂર્વ સંધ્યાએ શણગાર વગેરે કરેલ પછી મને એક પેટીમાંથી એક વિશેષ વસ્તુ મળી; આ એક બાંધેલું પોટલું હતું, જેને ખોલતાં ગમાણમાં મેરી અને બાળક ઇસુનું એક સુંદર ચિત્ર દેખાતું હતું. મેં ચિત્રને વેદી પર રાખીને તેની સમક્ષ દીપ પ્રગટાવ્યો. અતુલાનંદજીએ ચિત્ર પાસે જઈને તેને ધ્યાનપૂર્વક નીરખ્યું. આગલા પ્રભાતે તેમણે મને કહેલું, ‘શું તું એ ચિત્ર વિશે કશું જાણે છે?’ ‘નહીં, મેં તેને એક પેટીમાં બંધ જોયું હતું. આથી વિશેષ હું કશું જાણતો નથી.’ તેમણે તેને પાસે લાવવાનું કહ્યું. ચિત્રની પાછળ તેમના જ હસ્તાક્ષર હતા!

૧૯૧૬માં તેમણે ક્રિસમસ શુભેચ્છારૂપે એ કાર્ડ અમેરિકાથી કલ્યાણ મહારાજને મોકલ્યું હતું. તેમના દ્વારા તેને મોકલ્યા પછી લાંબો સમય સુધી ૧૯૪૦માં તેમના હસ્તાક્ષર લગભગ ભૂંસાઈ ગયા જેવા થઈ ગયેલા. એ સ્પષ્ટ હતું કે કલ્યાણ મહારાજે ક્યારેય તે ખોલ્યું નહીં.

કેટલીય વસ્તુઓ ખૂલ્યા વિનાની જ રહી

એટલું જ નહીં, તેમણે બીજી કેટલીય વસ્તુઓ ખોલી જ ન હતી. લોકોએ તેમને મોકલેલ ચેક-ધનાદેશ-હજુ પણ સુરક્ષિત અને ખૂલ્યા વિનાના જ હતા. તેમની મહાસમાધિ પછી મેં તેમની તિજોરીમાં તે ધનાદેશને જોયા અને દાન આપનારાઓને પત્ર લખ્યા. તેમણે તે બધા ચેક-ધનાદેશને નવી તારીખના (ફરી માન્ય – Revalidate) કરી આપ્યા તથા રકમ-ભંડોળ મેળવવામાં અમને મદદ કરી; દાનકર્તાઓ ઘણા જ પ્રસન્ન હતા કે ધનાદેશ-ચેકને ફાડી નાખવામાં આવ્યા નહોતા. કલ્યાણ મહારાજે ક્યારેય એવી ચિંતા કરી નહીં કે કેટલું દાન આવ્યું છે. પૈસા સાથે તેમણે ક્યારેય લગાવ રાખ્યો જ નહીં.

કલ્યાણ મહારાજની પશ્ચાત્ સેવાશ્રમ

કલ્યાણ મહારાજની મહાસમાધિ પછી કેટલાક સમય બાદ તેમની માર્ગદર્શક શક્તિની ખોટનો અનુભવ થવા લાગ્યો. અહીં સચિવ હતા, સહસચિવ હતા અને અન્ય બધા જ હતા. પરંતુ મેં પોતાને ઘણી જ મુશ્કેલ પરિસ્થિતિમાં જોયો કેમ કે હું સહુથી નાની વયનો હતો, વિધિવત્ દીક્ષિત બ્રહ્મચારી પણ ન હતો તથા બીજા બધા મને કહ્યા કરતા કે, ‘તું શું જાણે છે?’ હું મૌન રહ્યો. હું તેઓને કેવી રીતે સમજાવું કે મહારાજ પાસેથી હું શું શીખ્યો છું, મેં તેમનામાં શું જોયું છે ? સેવાશ્રમનું તે મધુર સેવા-કર્મ વેર-વિખેર થઈ ગયું. લોકો દરેક બાબતમાં હસ્તક્ષેપ કરવા લાગ્યા. કોઈપણ બાબતે મને બોલવાનો અધિકાર ન હતો. આ રીતે બે વર્ષ વીતી ગયાં.

એ પછી મને વિચાર આવ્યો કે મારી સહનશક્તિ મર્યાદા બહાર જઈ રહી છે. એટલે મેં શ્યામલાતલ જઈને સ્વામી વિરજાનંદજીને બધી વિગતો જણાવી : ‘સ્વામીજીના આદર્શાે પ્રમાણે કામ કરવામાં મને મુશ્કેલી થઈ રહી છે. બીજા લોકોને તેમના પોતાના વિચાર છે તથા હું કર્તવ્યો કરવામાં દ્વિધામાં છું. મારે કંઈક કામ કરવું છે, પરંતુ સહુથી નાનો હોવાના કારણે હું તે કરી શકતો નથી. હું મૂંઝવણમાં છું. મને નથી લાગતું કે અહીં હું વધારે સમય રહી શકીશ. જો તમે મને બીજે મોકલી દો તો તે યોગ્ય રહેશે.’ તેમણે કહ્યું, ‘નહીં, તું ફરીથી ત્યાં જા, જે કરતો હતો ફક્ત તે જ કરતો રહે. કોઈ બાબતની ચિંતા ન કર. બધું બરાબર થઈ જશે. પોતાની જાતને સંભાળ તથા કલ્યાણાનંદજીના સમયે જેમ કામકાજ કરતો હતો તેમ જ કરતો રહે. ચિંતા ન કર.’

હું સેવાશ્રમ પાછો ફર્યો. બધા સ્વામીજીઓ, બ્રહ્મચારીઓ અને ત્યાં સુધી કે મારો પાલતુ કૂતરો પણ રેલવે સ્ટેશન પર હાજર હતા. મેં પૂછ્યું, ‘શું વાત છે?’ ‘શું તેં સ્વામી વિરજાનંદજીને જઈને એમ કહ્યું હતું કે તું અહીં રહેવા માગતો નથી?’ ‘આપને કોણે કહ્યું ?’ છોકરાંઓએ કહ્યું, ‘અમને બીક લાગી કે તમે અહીંથી જતા રહેવા ઇચ્છો છો. મહેરબાની કરી એવું ન કરો. અમે તમારી સાથે છીએ. તમે તે જ કરતા રહો જે કરી રહ્યા હતા. કોઈને પણ પોતાના કામમાં હસ્તક્ષેપ ન કરવા દેવો.’ અને વડીલ સંન્યાસીઓએ કહ્યું, ‘ચોક્કસ જ, તારે ભલા અહીંથી શા માટે જતા રહેવું જોઈએ?’ એટલે હું ત્યાં જ રહ્યો અને બધા જ ઘણા સહયોગી રહ્યા. પછીથી બેલુર મઠે સચિવને સેવાશ્રમથી પાછા બોલાવી લીધા.

બીજા લોકોને તો નીતિ-નિયમો હતા. પરંતુ કલ્યાણાનંદજીને એવું કશું ન હતું. તેઓ ફક્ત અનુભવ કરતા રહેતા તથા જરૂરિયાત મુજબ કામકાજ સંભાળતા. આ જ તેમની વિશેષતા હતી. ત્યારે મેં એક આવશ્યક સત્યની શોધ કરી. જો તમારી શાંતિ અને પ્રસન્નતા કોઈ એવી વ્યક્તિ પર આધારિત છે જેના પર તમારું કોઈ નિયંત્રણ નથી, તો તમે ક્યારેય શાંત રહી શકતા નથી. બધાથી અનાસક્ત રહો. તમારી ફરજ બજાવો, બસ! આ ઠાકુર(શ્રીરામકૃષ્ણ પરમહંસ)નું કામ છે તથા તમે આ કામ પ્રત્યે સમર્પિત છો. એ કરતા રહો; બસ બીજું કાંઈ નહીં. બીજી બાબતોની ચિંતા ન કરો. ઘણી ઘટનાઓ બની પરંતુ મેં તેની ચિંતા કરી નહીં.

બર્લાેગંજ આશ્રમ

સ્વામી અતુલાનંદજી ૧૯૪૦ થી ૧૯૪૩ સુધી કનખલ રહ્યા. શરૂઆતનાં એક કે બે વર્ષ ગરમીના દિવસોમાં અમે તેમના માટે એક મકાન ભાડે રાખ્યું. પછીથી અમે તેમના માટે એક ઠંડી, સારી જગ્યાએ – બર્લાેગંજમાં ઘર ખરીદ્યું. શ્રીગાંધી (જેમનું નામ વાચકો ‘અળિંફક્ષ અહજ્ઞક્ષય અબશમયત માં જોશે) નામના અમારા એક મિત્ર ઘર ખરીદવાના દિવસે અમારી સાથે આવ્યા હતા. તેમણે મને પૂછ્યું કે શું મને તે ઘર પસંદ છે ? મેં હા કહી ત્યારે તેમણે મકાન માલિક પાસે જઈને કહ્યું, ‘હું આ ઘર ખરીદવા ઇચ્છું છું. આપ તેની કેટલી કિંમત લેશો ?’ તેમણે તરત જ કેટલાક હજાર રૂપિયાનો ચેક આપીને મને કહ્યું, ‘આ લો તમારું ઘર.’ મેં કહ્યું, ‘આપે આમ શા માટે કર્યું ?’ ‘આખું વર્ષ આપ કઠોર પરિશ્રમ કરો છો. આપને સેવાશ્રમથી નવરાશ મળતી નથી. હવે આપનું પોતાનું ઘર છે.’ મેં દલીલ કરી. ‘પરંતુ ઘર તો માથાનો દુ :ખાવો છે, એક જવાબદારી છે.’ તેમણે જવાબમાં કહ્યું, ‘અરે, એ બધું હું સંભાળીશ.’ આમ એ ઘર ખરીદવામાં આવ્યું. પછીથી તે મુખ્યાલયને સોંપી દેવામાં આવ્યું તથા તેને ‘શ્રીસારદા કુટિર,’ બર્લાેગંજ આશ્રમ કહેવામાં આવતો (પછીથી મુખ્યાલયે આ સંપત્તિને વેચી નાખી હતી.)

એક સંન્યાસીની વિલક્ષણ પુષ્પાંજલિ

સેવાશ્રમ પાસે જ ગંગાકિનારે નાની એવી ઝૂંપડીમાં ગંગાદાસ નામના એક જાણીતા સંન્યાસી રહેતા હતા. જ્યારે પણ કોઈ ભંડારો થતો તો કલ્યાણ મહારાજ મારી સાથે તેમને માટે કેટલાંક ફળ-મીઠાઈ મોકલાવતા. અમે બહુ વાતચીત કરતા નહીં. તેઓ તેનો સ્વીકાર કરતાં હસતા, અમારા સહુના ખબર પૂછતા અને હું પાછો આવતો. ત્યાં પસાર કરવા માટે મારી પાસે વધુ સમય પણ ન હતો. જ્યારે પણ તેઓ સેવાશ્રમ આવતા ત્યારે મહારાજ ખૂબ જ સન્માનપૂર્વક તેમનું સ્વાગત કરતા ને ભોજન માટે કંઈક આપતા. તેઓ ઊભાં ઊભાં જ સ્વીકારીને જતા રહેતા. મહારાજે મને કહ્યું, ‘જ્યારે પણ આ સાધુ આવે ત્યારે તેમનું વિશેષ ધ્યાન રાખવું.’

મહારાજની મહાસમાધિ પછી એકવાર એવું બન્યું કે દુર્ગાપૂજાના સમયબાદ જ્યારે ભક્તજનો પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા હતા, તે સમયે હું સેવાશ્રમથી પુસ્તકાલય ખંડ તરફ આવી રહ્યો હતો, જ્યાં પૂજાનું અનુષ્ઠાન થઈ રહ્યું હતું. મેં તે સંન્યાસીને રસ્તામાં જોયા ને તેમને પૂજા સ્થળે લઈ ગયો. જ્યારે પુષ્પાંજલિ કરવાનો અમારો વારો આવ્યો તો તેમને હાથમાં જરાક (ગંગા) પાણી છાંટીને મેં તેમને થોડાંક ફૂલ આપીને તેને અર્પણ કરવા વિનંતી કરી. તેમણે હિન્દીમાં પૂછ્યું, ‘આને અહીં અર્પણ કરું ?’ મેં કહ્યું, ‘જ્યાં પણ આપને યોગ્ય લાગે.’ મને હજુ તો જાણ થાય તે પહેલાં કે શું થઈ રહ્યું છે, તેમણે તેમના હાથ ઉપર ઊઠાવ્યા તથા મારા મસ્તક પર તે પુષ્પોને રાખી દીધાં. મેં પુષ્પોને ભૂમિ પર પડી ન જાય તેની સંભાળ રાખી તથા ક્ષણભર માટે જેમનો તેમ જ ઊભો રહ્યો. કેટલાક સમય પછી ધીરે ધીરે મા દુર્ગાની પ્રતિમા તરફ જઈને માનાં ચરણોમાં પુષ્પો પડવા દીધાં. હું ત્યાં અવાક બની ઊભો રહી ગયો. ત્યાં ઉપસ્થિત હતા તે બધામાંથી કોઈ એક શબ્દ પણ ન બોલ્યા. જુઓ, જ્યારે તેમણે મારા મસ્તક પર પુષ્પ રાખ્યાં તે દિવસે મને કંઈક અતિ અદ્‌ભુત અનુભવ થયો. તે અવર્ણનીય હતો. તે સંન્યાસી આવા જ હતા. તેઓ પ્રતિમાઓ કે તેવી કોઈ વસ્તુ પર વિશ્વાસ કરતા ન હતા. (ક્રમશ 🙂

Total Views: 263

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.