અગાઉના અંકમાં આપણે સ્વામી કલ્યાણાનંદજી મહારાજનો આશ્રય પામેલી વિલક્ષણ કૂતરી ભૂલુ વિશે વાંચ્યું, હવે તેના વિશે વધુ…

ભુલૂની સખી લિલી

પહેલાં ભુલૂની એક સખી હતી, જેનું નામ હતું લિલી. લિલી થોડી લાડકી હતી. નિશ્ચયાનંદજી તેને મેજ પર ભોજન કરાવતા હતા. તેને માટે એક સરસ પ્યાલો અલગથી હતો. જે દિવસે કલ્યાણ મહારાજ અંતિમવાર મસૂરી ગયા તે જ દિવસે લિલીનું અવસાન થયું. કલ્યાણ મહારાજ હવે પછી ક્યારેય પાછા ફરવાના ન હતા. લિલી તે જ સવારે મૃત્યુ પામી. અમે બધા કલ્યાણ મહારાજને વિદાય આપવા ઊભા હતા. ભુલૂ તો આવી પરંતુ લિલી હાજર ન હતી. પાછલી રાતે મેં જોયેલું કે તે એકાએક અસ્વસ્થ બની ગઈ હતી ને પછી આગલી સવારે મેં જોયું કે તે મંદિરની સામે પડી હતી. તેની પાસે ગયો ત્યારે મેં તેને મૃત્યુ પામેલી જોઈ. અમે કલ્યાણ મહારાજને આ વાત કહી નહીં. તેમની વિદાય પછી ડાૅક્ટર આવ્યા અને તેમણે લિલીને મૃત જાહેર કરી, તેણે વહેલી સવારે જ પ્રાણત્યાગ કરેલો.

લિલી સાફ-સુથરી રહેનાર એક નાની એવી ચપળ કૂતરી હતી જે સુંદર સફેદ પૂડલ (ભરાવદાર ઘુંઘરાળા વાળવાળા કૂતરા) જેવી હતી. તેણે ક્યારેય બહાર જવાનું સાહસ કર્યું ન હતું. તે ઓસરીમાં જ રહેતી ને જ્યારે પણ તેને ઇચ્છા થતી ત્યારે તે કલ્યાણ મહારાજની ખુરશીમાં સંકોચાઈને બેસવાનું પસંદ કરતી. તે કશા કામની ન હતી, બરાબર રાજવી પરિવારની જેમ જ ! તે સારું સારું ખાય છે પણ કોઈ કામની નહીં. લિલી તો મહારાજ પાસેથી બિસ્કીટ, દૂધ અને અન્ય સારી વાનગીઓ મેળવતી હતી, જ્યારે ભુલૂ તો માત્ર લુખ્ખી ચીજો, હાડકાં અને સૂકાયેલી રોટલી જ પામતી. કોઈએ બરાબર જ કહેલું હતું ‘લિલી તો ખાસ ભોજનની મઝા લે છે અને કરતી કાંઈ નથી, પરંતુ ભુલૂ તો જે મળે તે ખાય ને કેટલું બધું કામ કરે છે.’

ભુલૂથી છુટકારો પામવા નિરર્થક યોજનાઓ

કલ્યાણ મહારાજની મહાસમાધિ પછી કેટલાક લોકો ભુલૂથી છુટકારો પામવા ઇચ્છતા હતા કેમ કે તે બધાનું માનવું હતું કે તેને કારણે હું ઘણો સમય વેડફું છું. રોજ સાંજે સેવાશ્રમથી પાછા ફર્યા પછી હું તેને સારી રીતે સ્નાન કરાવતો હતો. એટલે સુધી કે તેના માટે મેં એક અલગ લૂછવાનું કપડું પણ રાખેલું. ત્યાર પછી હું તેને પાણીની ટાંકી તરફ મોકલી દેતો જ્યાં તે પોતે જ શરીર સૂકવી લેતો. કેમ કે તેનું રહેવાનું મારા પલંગ નીચે હતું એટલે તેણે સ્વચ્છ રહેવું જરૂરી હતું. હું તેની સંભાળ લેવામાં રોજ અડધો કલાક વિતાવતો હતો. હું તેને કેટલાંક સારાં હાડકાં ચાવવા માટે આપ્યા કરતો હતો કેમ કે કામકાજ કરતા કૂતરા માટે ફક્ત દાળ-ભાત પૂરતાં નથી. અમારો મુસ્લિમ માળી તેનો બહારથી પ્રબંધ કરતો હતો. ક્યારેક હું માંસ મગાવતો હતો તો તે મોટાભાગે દુકાનદારોથી છેતરાઈને ખરાબ માંસ લાવતો હતોે. એટલે હું ખાતરી કરવા માટે માંસને સૂંઘીને જોતો કે તે સારું છે કે નહીં. ત્યારે લોકોએ વિચાર્યું કે હવે તો વાત હદ બહારની થઈ ગઈ છે અને એટલે સચિવ સ્વામીજીએ મને જણાવ્યું, ‘ના, તું આ રીતે તારો સમય વિતાવી શકે નહીં.’ ત્યારે આ અંગે (મત-પત્ર દ્વારા) સહુનો અભિપ્રાય જાણવા નક્કી કરવાનું વિચારાયું. મોટા ભાગનાનો અભિપ્રાય હતો કે મારો સમય ઘણો કીમતી છે અને આ રીતે એક કૂતરા માટે થઈને આટલો સમય બગાડવો જોઈએ નહીં. મને માઠું તો લાગ્યું, મારી અનિચ્છાએ પણ એમ વિચારીને સંમત થઈ ગયો કે ‘ઠીક છે, આ લોકશાહી છે, બહુમતીની વાત સ્વીકારી લેવી જોઈએ.’

આગલા દિવસે સવારે સ્વામી અજયાનંદજીએ પોતાના નિયત સમય કરતાં વહેલા ઊઠીને ભુલૂને પટ્ટો બાંધીને અંકુશમાં લીધી. ભુલૂ સ્વભાવની સારી હતી, કોઈ પણ સ્વામીજી તેને પકડવા ઇચ્છે તો તે તેમ કરવા દેતી. અજયાનંદજીએ તેને રેલવે સ્ટેશન લઈ જઈને અઢાર માઈલ દૂર હૃષીકેશ માટે ગાડી પકડી. ત્યાં પહોંચીને તેમણે નદી કિનારે એક થાંભલા સાથે તેને બાંધી દીધી. પાસેની દુકાનવાળાને એક રૂપિયો આપીને એક કલાક પછી ભુલૂને છોડી દેવા તેને કહ્યું. ત્યાર પછી સ્વામી અજયાનંદજી હૃષીકેશમાં બીજા સંન્યાસીઓની સાથે દિવસ વિતાવીને સાંજના સેવાશ્રમ પાછા આવી ગયા.

એટલામાં સંધ્યા આરતી પછી જ્યારે હું મારા ઓરડામાં પાછો ફર્યો ત્યારે મેં મારા પલંગ નીચે ભારે ઊંડા શ્વાસોનો અવાજ આવતો સાંભળ્યો. શું વાત હતી ! હું તો જોર જોરથી હસવા લાગ્યો. પલંગ નીચે ભુલૂ પર પોતાનો હાથ ફેરવીને મેં તેને શાંત કરી. રાતના ભોજનની ઘંટી થઈ ત્યારેે પણ તે ત્યાં જ રહી. મેં એકલાએ જઈને મારું ભોજન કરી લીધું. ભુલૂથી છુટકારો પામવાના અમારા નિર્ણયની જાણ થતા પહેલાં જ રસોઈયાએ ભુલૂ માટે રોટલી બનાવી રાખી હતી. તેણે નિરાશાભર્યા ચેહેરે કહ્યું, ‘મેં ભુલૂ માટે રોટલી બનાવી હતી, પરંતુ સાંભળ્યું છે કે તે કાયમ માટે ચાલી ગઈ છે.’ મેં કહ્યું, ‘તો તું એને પાછી કેમ બોલાવતો નથી ?’ પરંતુ અજ્યાનંદજીએ વિજ્યોલ્લાસિત થઈને કહ્યું, ‘પણ હવે તે ચાલી ગઈ છે, હવે અહીં તેને કોઈ જોશે નહીં, તું ચિંતા ન કર.’ મેં કહ્યું, ‘શું સાચે જ ? રસોઈયા તરફ મોં ફેરવીને મેં તેને કહ્યું કે તે ભુલૂને સાદ પાડીને બોલાવી તો જુએ કે તે આવે છે કે નહીં. બધા જ આશ્ચર્યચક્તિ હતા કે હું આ શું વિચારી રહ્યો છું. રસોઈયાએ જેવો સાદ કર્યો, તેવી જ ભુલૂ તરત જ હાજર થઈ ગઈ ! બધા એટલા અચંબામાં પડી ગયા કે તેમને વિશ્વાસ ન થતો નહોતો. તેઓએ અજયાનંદજીને પૂછ્યું, ‘શું આપ સાચે જ તેને લઈને હૃષીકેશ ગયા હતા?’

બિચારા સ્વામી અજયાનંદની પ્રામાણિકતા પર હવે પ્રત્યેક જણ શંકા કરી રહ્યા હતા. સ્વામી અજયાનંદજીએ મક્કમતાપૂર્વક દલીલ કરતાં કહ્યું, ‘ચોક્કસ જ હું તેને હૃષીકેશ લઈને ગયો હતો ! મેં તો તેને એક થાંભલા સાથે બાંધી પણ હતી. આવું કેવી રીતે બની શકે ?’ ત્યારે એક સ્વામીજીએ અટકાવતા કહ્યું, ‘હવે નિયમ એવો છે કે કોઈ વ્યક્તિને ફાંસી દ્વારા મૃત્યુદંડ આપ્યા પછી જો તેની પહેલી ફાંસી પછી પણ આપ તેનો પ્રાણાંત કરી શકતા નથી તો તેને ફરીથી ફાંસી આપી શકતા નથી. એટલે ભુલૂ હવે અહીં જ રહેશેે. હવે આ સિવાય અન્ય કોઈ ઉપાય નથી.’ આ વાત સાથે સહુ સંમત થયા અને તેમણે કહ્યું, ‘ઠીક છે, ભુલૂ અહીંની જ છે, આપણને તેને હાંકી કાઢવાનો કોઈ અધિકાર નથી.’ હવે આગળ પ્રશ્ન એ હતો કે તેની સંભાળ કોણ લેશે ? એક બ્રહ્મચારી ઊભા થયા ને તેમણે દૃઢ સ્વરે કહ્યું, ‘નારાયણ મહારાજની સૂચના મુજબ ભુલૂની સંભાળ હું રાખીશ. તેઓ તેની ચિંતા ન કરે.’ બસ વાત ત્યાં જ પૂરી થઈ ગઈ. બ્રહ્મચારીએ જ જવાબદારી અને પ્રેમપૂર્વક ભુલૂની સંભાળ લીધી.

ભુલૂનો દેહાંત

ભુલૂના દેહાંતની કથા જેટલી રોચક છે તેટલી જ દુ :ખદ પણ છે. એક વાંદરાએ ભુલૂના માથાને બટકાં ભર્યાં. એક કૂતરાને માટે માથા પર ઘાવ પડે તેનો અર્થ છે, તેનું ચોક્કસ મૃત્યુ કેમ કે તે એ જગ્યાએ ચાટી શકતું નથી. હું ભુલૂના હોઠોથી તેની લાળ મારા હાથમાં લેતો ને તેના ઘાવ પર લગાડતો. પરંતુ બહુ જલદી કીડા પડ્યા ને ભુલૂ બૂમ-બરાડા કરવા લાગી. અમે તેને ડાૅક્ટર પાસે લઈ ગયા. તેમણે સલાહ આપી કે તેને બેહોશ કરી દેવી જોઈએ કેમ કે હવે તેને હડકવાનો રોગ (rabies) થઈ ગયો હતો. ડાૅક્ટરે તો મને કેટલીક દવાઓ (arsenic) પણ આપી દીધી.

દરેકનું કહેવું હતું કે જ્યારે ડાૅક્ટરે પોતે જ આવી સલાહ આપી છે તો આપણે ભુલૂથી છુટકારો મેળવવો જોઈએ; સેવાશ્રમમાં અનેક દર્દીઓ વચ્ચે એક નુકસાનકર્તા પશુને રાખવાનું જોખમ લઈ શકીએ નહીં. પરંતુ ભુલૂને ઝેર આપવા કોઈ તૈયાર ન હતા. આ કામ મારે જ કરવું પડ્યું. પરંતુ તે મરી નહીં. જ્યારે મેં ભુલૂને ઝેર આપ્યું હતું ત્યારે નજીકમાં કોઈ ન હતું, એટલે સહુ એવું જ માનતા હતા કે મેં આ કામ કર્યું જ નથી. મેં કહ્યું, ‘સાચે જ, મેં તેને ઝેર આપેલું, જ્યારે ભુલૂ દર્દ વેઠી રહી છે તો મારે શા માટે જૂઠું બોલવું જોઈએ ?’ ત્યારે ડાૅક્ટરે મને આ માટે વધારે માત્રામાં દવા આપી. જ્યારે મેં ઝેરની તે વધુ માત્રા ભુલૂને આપી ત્યારે બધાએ જોયું, ભુલૂએ તે શાંતિપૂર્વક સહજ રીતે સ્વીકારી લીધું. થોડા સમય પછી (તેના શરીરમાં) હળવો એક ઝટકો લાગ્યો પછી તે નિષ્પ્રાણ થઈ ઢળી પડી.

ભુલૂની અંતિમક્રિયા (સંસ્કાર) સંન્યાસીની જેમ થઈ. અમે સેવાશ્રમના પ્રાંગણમાં જ એક ખૂણામાં ખાડો ખોદી ભુલૂના દેહને તેમાં રાખી દીધો અને તેને માટીથી ઢાંકી દીધો. તે સ્થળે ગંગાજળ છાંટીને ફૂલની પાંદડીઓ વેરવામાં આવી અને તે સ્થાન એક સ્મારક જેવું બની ગયું. ઘણાં વર્ષો પછી, ૧૯૭૯ માં જ્યારે હું કનખલ ગયો હતો. આ આખીય ઘટના જાણનાર મુસ્લિમ માળીએ સેવાશ્રમના સંન્યાસીઓને કહ્યું, ‘મહારાજ એ સ્થળને અવશ્ય જોવા ઇચ્છશે.’ એટલે પછી તે સ્થળની સાફસૂફી થઈ. કોઈએ એ સ્થળે ફૂલ પણ રાખેલાં હતાં. મને જણાવવામાં આવ્યું કે સેવાશ્રમમાં પ્રત્યેક જણ ભુલૂની કથા-વાર્તા જાણે છે, કેમ કે ભુલૂ સેવાશ્રમ માટે એટલી વિશિષ્ટ હતી. એટલે સેવાશ્રમવાસીઓને માટે તે સ્થળ જાળવી રાખવું અપેક્ષિત હતું.

રંગનાથાનંદજીની સાથે કરાંચીમાં

આજકાલ કરતાં કનખલમાં રહેતાં મને નવ વર્ષ થઈ ગયાં હતાં. હું ત્યાં જ રહેવાનું ચાલુ રાખત, પરંતુ ૧૯૪૨માં સ્વામી રંગનાથાનંદજી બર્માથી બેલુર મઠ પાછા આવ્યા. બર્મા નિષ્ક્રમણના પરિણામ સ્વરૂપ તેઓ રંગુનથી કોલકાતા આખો રસ્તો પગે ચાલીને આવ્યા હતા. જાપાનીઓ બર્મા પર બોમ્બમારો કરી રહ્યા હતા. તે લોકો ભારત તરફ ભાગી રહ્યા હતા. મોટાભાગના લોકો ચાલીને જ આવી રહ્યા હતા કેમ કે બધા જ લોકો વિમાન કે નાવ (કે તરાપો) મેળવી શકતા ન હતા. રંગનાથાનંદજીને નાવ અને વિમાનની સુવિધા આપવાની દરખાસ્ત હતી.

પરંતુ તેમણે ‘લોકોની સાથે’ જ રહેવાનું પસંદ કર્યું. માર્ગમાં સારું ભોજન મળતું ન હતું ને જે પણ મળતું તેનાથી જ ચલાવી લેવું પડતું હતું. બેલુર મઠ પહોંચતાં સુધીમાં તો તેમનું પેટ સાવ જ બગડી ગયું હતું ને તેમનું વજન માત્ર ૩૫ કિલો થઈ ગયેલું. પ્રત્યેક વ્યક્તિ તેમને માન આપતી હતી ને પ્રેમ કરતી હતી કેમ કે રંગુનમાં તેઓ ઉચ્ચ કોટિના વિદ્વાન અને કુશળ વક્તા ગણાતા હતા. તેમનું આરોગ્ય કથળી ચૂક્યું હતું એટલે આરોગ્ય જાળવવા તેમને કનખલ જવાનું કહેવામાં આવ્યું હતું.

બેલુર મઠના સંચાલક મંડળના સંન્યાસીઓએ તેમને જણાવ્યું, ‘ત્યાં એક સહૃદયી બ્રહ્મચારી છે, તે તમારી સારી રીતે સંભાળ લેશે.’ પછી મારા નામે મઠના તે સંચાલકોએ એક પત્રમાં લખ્યું, ‘તેમની સંભાળ લેવી; તેઓ આપણા માટે પ્રિય અને ઘણા જ મહત્ત્વના છે.’ હું તેમને આવકારવા રેલવે સ્ટેશન ગયો. રંગનાથાનંદજી એટલા તો દુર્બળ બની ગયા હતા કે તેઓ બરાબર ચાલી પણ શકતા ન હતા. અમે તેમને ઘોડાગાડીમાં સેવાશ્રમ લઈ આવ્યા. મેં એક નિષ્ણાતને તેમની સેવામાં રાખ્યા. અમે તેમના માટે પનીર નાખેલા ઘણા જ નરમ બાસમતી ચોખા પકાવતા. ચાર મહિનામાં તો તેઓ એટલા સ્વસ્થ થઈ ગયા કે અમારી સાથે વાૅલીબોલ રમવા લાગ્યા. સ્વામી રંગનાથાનંદજીનું આરોગ્ય સામાન્ય થઈ ગયા પછી બેલુર મઠ (ના સંચાલક મંડળના સંન્યાસી) તેમને કરાંચી કેન્દ્રની જવાબદારી સોંપવા ઇચ્છતા હતા. તેઓ એ શરત સાથે જવા સંમત થયા કે હું તેમની સાથે જાઉં. પરંતુ મુખ્યાલય મને તરત જ છોડી શકે તેમ ન હતું. રંગનાથાનંદજીએ કહ્યું, ‘ઉતાવળ કરવાની જરૂર નથી, હમણાં તો હું કરાંચી જઈશ, પરંતુ ધ્યાનમાં રાખવાનું કે બનતી વહેલી તકે આપ લોકોએ તેને મારી પાસે મોકલવાનો રહેશે.’ તેઓ ૧૯૪૨ના આૅગસ્ટ માસમાં કનખલથી ગયા અને હું ડિસેમ્બર, ૧૯૪૩માં તેમની સાથે ત્યાં જોડાયો. હું કનખલ છોડવા માગતો ન હતો પણ મને રંગનાથાનંદજીનો સત્સંગ કરવાની ઇચ્છા હતી. તેઓ ઘણા વિચક્ષણ હતા! હું તેમની સાથે કલાકો ગાળતો હતો. તેઓ માત્ર વિદ્વાન જ નહીં પણ એક સારા સંન્યાસી પણ હતા. ખરેખર અમારી વચ્ચે ઘણી આત્મીયતા હતી. મેં ફક્ત તેમને લીધે જ કનખલ છોડ્યું હતું અને જ્યારે હું કરાંચી પહોંચ્યો ત્યારે તેઓ ઘણા જ પ્રસન્ન થયેલા.

Total Views: 336

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.