ગતાંકથી આગળ…

જેમને આપણે દાસ ગણીએ છીએ, હલકા કે નિમ્ન વર્ણના ગણીએ છીએ એવા લોકોમાં પુરુષાર્થ અને આત્મવિશ્વાસ ઉચ્ચવર્ગના લોકો કરતાં વધારે માત્રામાં છે. ઇતિહાસનું ચક્ર ફરતું રહે છે. એટલે અત્યાર સુધી ઉચ્ચવર્ગના લોકોએ પોતાનું વર્ચસ્વ ભોગવ્યું. હવે આ નિમ્નવર્ણના લોકો પણ ઇતિહાસના ચક્રપરિવર્તનના ક્રમમાં ઉપર આવશે, એ વિશે અને એ લોકો કામ કરવાનું બંધ કરે તો બીજા સમાજની કેવી અવદશા થાય એની વાત કરતાં સ્વામીજી કહે છે :

‘ખેડૂત, મોચી, ભંગી અને ભારતના બીજા હલકા વર્ગના ગણાતા લોકોમાં તમારા કરતાં કામ કરવાની શક્તિ અને આત્મવિશ્વાસ વધારે છે… આ સહનશીલ જનતાને તમે આજ સુધી કચડી છે; હવે તેનો બદલો લેવાનો તેમનો વારો આવ્યો છે. તમે નોકરીને તમારું જીવન સર્વસ્વ બનાવીને તેની મિથ્યા શોધમાં જ નાશ પામવાના છો. મજૂરો કામ બંધ કરે તો તમને રોજનાં અન્ન અને વસ્ત્ર મળતાં પણ બંધ થાય. અને છતાં તમે એ લોકોને હલકા વર્ણના લેખો છો અને તમારી સંસ્કૃતિનાં બણગાં ફૂંકો છો!’ (સ્વા.વિ.ગ્રંથમાળા ૯.૮)

‘યુરોપના પ્રવાસનું વર્ણન’માં સ્વામીજીએ ૧૯૦૦માં ‘ઉદ્‌બોધન’ના સંપાદક સ્વામી ત્રિગુણાતીતાનંદજીને લખેલા એક પત્રમાં સામાન્ય જનતામાં રહેલી અપાર સહિષ્ણુતા અને એમના ખમીરમાં રહેલી રક્તબીજની પુનર્જિવિત થવાની શક્તિ અને જગતમાં જબરી ઉથલપાથલ મચાવી દેવાની તાકાત વિશે તેમજ ઉચ્ચવર્ગના લોકોએ આવા સમયે શું કરવું જોઈએ, એની વાત સચોટ વાણીમાં આ રીતે કરી છે :

‘આ સામાન્ય જનતાએ હજારો વર્ષ સુધી એક પણ શબ્દ બોલ્યા વિના જુલમો સહ્યા કર્યા છે. પરિણામે તેમનામાં અદ્‌ભુત સહિષ્ણુતા આવી છે. તેઓએ પાર વિનાનું દુ :ખ વેઠયું છે કે જેમાંથી તેમને અખૂટ ખમીર મળ્યું છે. એક મુઠ્ઠીભર અનાજ ઉપર નભી રહીને તેઓ દુનિયાને ઊથલપાથલ કરી શકે છે; જો ફક્ત અરધો રોટલો જ તેમને આપો તો તેમનું તેજ ત્રણે લોકમાં સમાશે નહિ. તેમનામાં રક્તબીજની અખૂટ પ્રાણશક્તિ છે. ઉપરાંત તેમનામાં દુનિયામાં કયાંય પણ ન સાંપડે તેવા નીતિમય જીવનની અદ્‌ભુત તાકાત છે. સ્વભાવની આવી શાંતિ, આવો સંતોષ, આવો પ્રેમ, દિનરાત મૂંગા મૂંગા કાર્ય કરવાની આટલી શક્તિ અને કાર્યને સમયે સિંહસમી તાકાતનું પ્રદર્શન તમને બીજે કયાં જોવા મળવાનાં છે ? ઓ ભૂતકાળનાં અસ્થિપિંજરો ! તમારી સામે જ તમારા ભાવિ ભારતના વારસદારો ઊભેલા છે. તમારી તે રત્નપેટિકા, તમારી એ મણિમય મુદ્રિકા એ લોકોને જેમ બને તેમ જલદી આપી દો; પછી તમે હવામાં અદૃશ્ય થઈ જાઓ; ફરી કદી નજરે પણ ન ચડશો ! માત્ર તમારા કાન ખુલ્લા રાખજો. તમો અદૃશ્ય થશો કે તરત તમો કરોડો મેઘગર્જનાઓ સમા ત્રણે લોકને કંપાવનાર તથા ભાવિ ભારતને જાગ્રત કરનાર નાદ સાંભળશો : ‘વાહ ગુરુકી ફતેહ !’ ‘ગુરુનો વિજય હો !’ (સ્વા.વિ.ગ્રંથમાળા ૬.૧૪૧)

મહેનત મજૂરી કરનાર વર્ગ પણ પોતાના વારસાગત ધંધાની આવડતને કેળવીને અને તેમાં જ્ઞાન, કૌશલ્ય ઉમેરીને કેવી રીતે પ્રગતિ સાધી શકે તેની વાત કરતાં સ્વામીજી કહે છે :

‘જ્ઞાનના વિકાસ પછી પણ કુંભાર તે કુંભાર જ રહેશે, માછીમાર માછીમાર જ રહેશે અને ખેડૂત તે ખેડૂત જ રહેશે. શા માટે તેઓ પોતાનો વારસાગત વ્યવસાય છોડી દે ? सहजं कर्म कौन्तेय सदोषमपि नत्यजेत्। ‘તમારું વારસાગત કર્મ દોષવાળું હોય તો પણ તેને છોડો નહીં.’ જો આ પ્રમાણે તેમને શીખવવામાં આવે તો શા માટે તેઓ પોતાના વ્યવસાય છોડે ? ઊલટું જે સ્વાભાવિક ધંધો લઈને તે જન્મ્યો છે, તેને સુધારવામાં તે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરશે. (સ્વા.વિ.ગ્રંથમાળા ૯.૯)

સ્વામી ત્રિગુણાતીતાનંદને લખેલા ઉપર્યુક્ત પત્રમાં

– ‘ઉદ્‌બોધન’ માટેના લેખમાં – ‘યુરોપના પ્રવાસનું વર્ણન’માં – સ્વામીજી નૂતન ભારત કેવી રીતે, ક્યાંથી ઊભું થશે એની સ્પષ્ટ વાણીમાં વાત કરતાં આમ લખે છે :

‘નૂતન ભારતને ઊભું થવા દો. હળ પકડતા ખેડૂતની ઝૂંપડીમાંથી – માછીમારોની, ચમારોની અને ઝાડૂવાળાઓની ઝૂંપડીઓમાંથી તેને જાગવા દો; મોદીની દુકાનમાંથી, ધાણીદાળિયા વેચનારાની ભઠ્ઠીમાંથી તેને કૂદવા દો; કારખાનામાંથી અને બજારોમાંથી તેને બહાર નીકળવા દો; ઝાડી અને જંગલો, ટેકરીઓ અને પર્વતોમાંથી તેને બહાર આવવા દો. આ સામાન્ય જનતાએ હજારો વર્ષ સુધી એક પણ શબ્દ બોલ્યા વિના જુલમો સહ્યા કર્યા છે. પરિણામે તેમનામાં અદ્‌ભુત સહિષ્ણુતા આવી છે. (સ્વા.વિ.ગ્રંથમાળા ૯. ૧૪૦-૪૧)

‘પરદેશ અને દેશના પ્રશ્નો’ એ વિષયક મદ્રાસના ‘ધ હિંદુ’માં ફેબ્રુઆરી, ૧૮૯૭ માં પ્રસિદ્ધ થયેલ લેખની વિગતો આપનાર તે વખતના તત્કાલીન પ્રેસ પ્રતિનિધિ ચીંગલપુટથી મદ્રાસ સુધી તેમની સાથે હતા. તેમણે સ્વામીજીને એક વેધક પ્રશ્ન પૂછ્યો, ‘સ્વામીજી, લોકોની અત્યારની અધ :પતનની દશા જો તેમનાં પૂર્વકર્મોને લીધે થઇ હોય તો તેઓ એમાંથી સહેલાઈથી નીકળી શકશે એમ આપ કેવી રીતે માનો છો અને આપ એમને સહાય કરવાનું કેવી રીતે સૂચવો છો ?’ આ પ્રશ્નના ઉત્તરમાં સ્વામીજીએ વર્ણાેન્નતિની સાચી રીત કઈ છે, એ વિશે સચોટ અને સ્પષ્ટ જવાબ આપતાં કહ્યું હતું :

‘જો તમે ભારતનો ઇતિહાસ વાંચશો તો તમને જોવા મળશે કે નીચલા વર્ગાેને ઉપર ચડાવવાના પ્રયત્ન હરહંમેશાં કરવામાં આવ્યા છે. ઘણાય વર્ગાેને ઉપર ચડાવવામાં આવ્યા છે, બીજા ઘણાયને ચડાવવામાં આવશે અને અંતે આખી પ્રજા બ્રાહ્મણત્વે પહોંચશે. યોજના એ છે. આપણે કોઈને નીચે પાડયા વિના માત્ર તેમને ઉપર ચડાવવાના છે અને આ કામ મોટે ભાગે બ્રાહ્મણોએ પોતે જ કરવાનું છે, કારણ કે દરેક ઉચ્ચ વંશજોની ફરજ છે કે પોતાની કબર પોતે જ ખોદે; અને એ જેટલું વહેલું કરે તેટલું સૌને માટે સારું. જરા પણ સમય ગુમાવવો જોઈએ નહીં. (સ્વા. વિ. ગ્રંથમાળા ૬.૨૮) (ક્રમશ 🙂

Total Views: 294

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.