ગતાંકથી આગળ…

સ્વામી વિરજાનંદજીએ વારાણસી પહોંચીને ફરીથી એક પત્ર શ્રીશ્રી માને મોકલ્યો. આ પત્ર ત્યાગના સ્વયંભૂ આનંદનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. પત્ર આ પ્રમાણે છે :

૨૨ ઓક્ટોબર, ૧૮૯૫

પૂજ્ય મા,

આપનાં ચરણકમળમાં મારા અસંખ્ય સાષ્ટાંગ દંડવત્ પ્રણામ સ્વીકારશોજી. હે મા, આપની વિશેષ કૃપાથી હું આજે ઘરેથી વારાણસી જવા નીકળું છું. જો કે જ્યારે હું નીકળતો હતો ત્યારે મારાં માતા રડ્યાં ખરાં પણ એમણે હૃદયપૂર્વક મને આશીર્વાદ આપ્યા. જો મારાં માતા આટલાં મહાન ન હોત તો હું આજે જે છું તે હોત ખરો ?… હું આપને એવા આશીર્વાદ આપવા પ્રાર્થના કરું છું કે જેથી તેમને મનની શાંતિ મળે.

મા, હવે તમારો પુત્ર એકલો છે. મને મારા પર આવતાં અનિષ્ટોથી બચાવી લેજો અને મારો આધાર અને સહારો બનજો. હે મા, આ બધું તો આપની અસીમ કૃપાથી જ છે. શ્રદ્ધાના અભાવે હું ચિંતા કરું છું. હે મા, હું આપને ક્યારેય વિસરું નહીં અને મારું મન આપનામાં જ લાગી રહે, એવી કૃપા મારા પર કરો. હે મા, આપને જ પ્રાપ્ત કરવાં એ મારા જીવનનો ધ્યેય બને એ જોજો. આપ મને બીજું કંઈ આપો કે ન આપો, પણ મને અચળ પ્રેમ ભક્તિથી ભરી દેવા હું આપને વિનંતી કરું છું.

આપની સંમતિ મેળવીને મને થયેલા આનંદનું હું વર્ણન કરી શકતો નથી. હે મા, મેં મારો બધો ભાર આપને સોંપી દીધો છે. તમે જ મારાં મા છો; મારા હાથને છોડતાં નહીં, નહીં તો મારું પતન થશે. હે મા, મારા માટે પ્રાર્થના કરો અને મને બળપૂર્વક એ દિશામાં દોરી જાઓ કે જે મને ગમે તે રીતે અને ગમે તે સાધનોથી ત્વરિત આપનાં શ્રીચરણકમળમાં ત્વરાથી ખીલતો કરી દે. આપના જ વિચારોથી મારા સમગ્ર અસ્તિત્વને ભરી દો.

હે મા, હું મંગળવારે સવારે અહીં વારાણસી પહોંચ્યો છું (સ્વામી વિરજાનંદજીએ આ પત્ર ગાડી ઉપડ્યાના દિવસે લખ્યો હશે અને વારાણસીમાં પૂરો કર્યો હશે).

હું બંશી દત્તના ઉદ્યાનમાં ગોપાલદા (સ્વામી અદ્વૈતાનંદ) સાથે રહું છું. ગોપાલદા મારી ઘણી સારસંભાળ લે છે, એટલે હું અહીં રાજીખુશી છું. મારે અહીં આઠથી દસ દિવસ રોકાવાની ઇચ્છા છે. પછી સ્વામી બ્રહ્માનંદજી અને સ્વામી યોગાનંદજીની સલાહ પ્રમાણે હું અયોધ્યા થઈને વૃંદાવન જઈશ.

આ સમયે મને જયરામવાટીમાં જગદ્ધાત્રી દેવીની પૂજામાં હાજર રહેવાની તક નહીં મળે. હે મા, આપનાં શ્રીચરણ કમળોમાં મારી અચળ ભક્તિ રહે એવા આશીર્વાદ મને આપો.

મા, હું રહું –

આપનો વત્સલ પુત્ર

કાલીકૃષ્ણ

નોંધ : સ્વામી બ્રહ્માનંદજી અને યોગાનંદજીની સલાહ પ્રમાણે હું ભગવાં કપડાં પહેરું છું.

વારાણસીમાં કાલીકૃષ્ણને શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી અદ્વૈતાનંદજી, સ્વામી બ્રહ્માનંદજી, સ્વામી યોગાનંદજી, સ્વામી શિવાનંદજી અને સ્વામી અભેદાનંદજીનો પવિત્ર સંગાથ સાંપડ્યો હતો. આવી મહાન આધ્યાત્મિક વિભૂતિઓના પવિત્ર સંગાથથી કાલીકૃષ્ણ ફરીથી આનંદપૂર્વક આધ્યાત્મિક સાધનામાં ડૂબી ગયા અને અહીં જ એમને શ્રીશ્રીમાના આશીર્વાદનો પત્ર પણ મળ્યો. તેમણે પત્રમાં આમ લખ્યું હતું :

૩૧ ઓક્ટોબર, ૧૮૯૫

જયરામવાટી

પ્રિય કાલીકૃષ્ણ,

તારો પત્ર મળ્યો. હું ખૂબ રાજી થઈ છું. હું તને અને તારાં પૂજ્ય માતાને આશીર્વાદ પાઠવું છું અને હું એમને (શ્રીરામકૃષ્ણને) તમારા સૌ માટે હંમેશાં પ્રાર્થના કરું છું. તારાં ક્ષેમકલ્યાણ વિશે અવારનવાર સમાચાર સાંભળીને હું રાજી થઈ… અહીં જગદ્ધાત્રી પૂજા ઘણી સરસ રીતે પૂરી થઈ. કોલકાતાથી શરત (સ્વામી શારદાનંદ) અને બીજા કેટલાક મારા પુત્રો આવ્યા હતા. તેં કયાં કયાં તીર્થસ્થાનોની યાત્રા કરી છે, એ વિશે મને જણાવજે. મારા આશીર્વાદ સ્વીકારજે. એમના (શ્રીઠાકુર) પર મન લગાડીને કાળજી રાખીને આગળ ધપજે. સમયે સમયે પત્ર લખતો રહેજે.

તારી સદૈવની હિતેચ્છુ, મા

(ક્રમશ 🙂

Total Views: 232

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.