ગતાંકથી આગળ…

મુગ્ધકારી અને સહજ પ્રશાંતપણું

કલ્યાણ મહારાજ અવિચલ શાંતિમાં રહેનાર મહાપુરુષ હતા; તેઓ ક્યારેય ગુસ્સે થતા નહીં. તેમજ ન તો કોઈ તેમને અશાંત કરી શકતું.

એકવાર ટાઈફોઈડનો એક દર્દી ઉન્માદગ્રસ્ત હતો. તેણે મહારાજ પાસે આવીને તેમના પર પ્રહાર કર્યો – એટલા જોરથી કે મહારાજ પડી ગયા અને તેમનાં ચશ્માં તૂટી ગયાં. અમે બધા દોડીને આવ્યા અને તે વ્યક્તિને રોકી રહ્યા હતા. મહારાજે કહ્યું, ‘કશું જ ન કરો, તેને બેસવા દો.’ તેઓ ધીમેથી ઊઠ્યા, દર્દી પાસે બેઠા અને પોતાનો હાથ તેના ઉપર રાખીને કહેવા લાગ્યા, ‘શું હવે તને ઠીક છે?’ પછી તેમણે તેની તપાસ માટે ડોક્ટરોને બોલાવ્યા. મહારાજ તો એકદમ શાંત અને મૌન હતા. અમે ઘણા જ ઉત્તેજીત બની ગયા હતા. પરંતુ મહારાજની પ્રશાંતિ જોવા જેવી હતી. એમની પ્રશાંતિના પ્રભાવે દર્દી પણ તરત શાંત થઈ ગયો હતો. થોડા સમયબાદ મહારાજ તેને પકડીને હોસ્પિટલ તરફ લઈ ગયા.

‘બંગાળને ભૂલી જાઓ !’

ચોક્કસ જ આપણે તેમની પાસેથી શીખવાનું રહ્યું કે સેવા કોને કહે છે અને તેમણે આ સેવા-ધર્મ ૩૭ વર્ષ સુધી ચાલુ રાખ્યો. તેઓ ક્યારેય પણ કોલકાતા પાછા ગયા નહીં. તેમણે ત્યાં જ રહીને સેવા કરી. બ્રહ્માનંદ મહારાજે તેમને આવવાનું કહ્યું; સ્વામી શિવાનંદજીએ તેમને આવવાનું કહ્યું; ૧૯૩૬માં શ્રીરામકૃષ્ણની જન્મશતાબ્દી પ્રસંગ પર સ્વામી અખંડાનંદ મહારાજે તેમને નિમંત્રણ આપ્યું; જ્યારે શ્રીરામકૃષ્ણનું નવું મંદિર નિર્માણ પામ્યું ત્યારે સ્વામી વિજ્ઞાનંદજીએ તેમને તેડાવવા માટે એક લાંબો પત્ર લખ્યો. તેઓ સદાય ‘ના’ કહેતા રહેતા. પરંતુ ૧૯૩૭માં તેમણે મને જવાનું કહ્યું. મેં તેમને જણાવ્યું, ‘જો આપ ન જાઓ તો હું નહીં જાઉં. હું અહીં જ રહીશ.’ હું તેમની સાથે જ રહ્યો. અનેક લોકોએ તેમને આવવા માટે વિનંતી કરી પરંતુ તેઓ ક્યારેય ગયા નહીં. સ્વામીજીએ તેમને સન ૧૯૦૦માં કહ્યું હતું, ‘બંગાળને ભૂલી જાઓ !’ તેમણે તે યાદ રાખ્યું અને ક્યારેય ફરીને પાછા ગયા નહીં. તેઓ ઘણા જ નિયમનિષ્ઠ તથા શિસ્તપરાયણ હતા. આદર્શમાં તેવું ધૈર્યસંતુલન વાસ્તવિક રીતે ઘણું જ કઠિન છે. સેવાશ્રમનું કામ ઘણું જ કઠિન હતું. તેઓ જાણતા હતા કે આ કઠિન કર્તવ્યનું પાલન કરવાનો આ જ એક રસ્તો છે.

૨.

કનખલ સેવાશ્રમના પ્રારંભિક તબક્કાઓ

સ્વામી કલ્યાણાનંદજી સ્વામીજીના સંન્યાસી શિષ્ય હતા. સ્વામીજીના અમેરિકાથી પાછા ફર્યા પહેલાં તેઓ વરાહનગર મઠમાં આવ્યા હતા. જો કે સ્વામીજી ત્યાં ન હતા. એટલે કલ્યાણ મહારાજ શ્રીમા સારદા દેવીનાં દર્શન માટે ગયા અને તેમના સાંનિધ્યમાં રહીને આશીર્વાદ મેળવ્યા. બીજા યુવક પણ તે સમયે મઠમાં હતા, જેમ કે સ્વામી વિવેકાનંદના અન્ય સંન્યાસી શિષ્ય સ્વામી શુદ્ધાનંદજી. તેઓ બધા સ્વામી રામકૃષ્ણાનંદજીથી પ્રભાવિત થયા હતા, જેમણે કોઈ બીજા સ્થાને ગયા વિના મઠનો કાર્યભાર સંભાળી રાખ્યો હતો. તેમનો ગુરુબંધુવર્ગ તો તીર્થભ્રમણ માટે અહીં તહીં નીકળી પડતો, પરંતુ રામકૃષ્ણાનંદ મહારાજે ક્યારેય પણ મઠ છોડ્યો નહીં. તેઓ નિયમિતપણે શ્રીરામકૃષ્ણની પૂજા કરતા ત્યાં જ અચલ રહ્યા. જો કે યુવાનો તેમની પાસે આવતા હતા અને સ્વામીજીના પાછા આવવા સુધી તેમને પ્રતીક્ષા કરવાની હૈયાધારણા તેમણે આપેલી. સ્વામીજી ફેબ્રુઆરી ૧૮૯૭માં પાછા ફર્યા.

કાર્યભાર – આયોજન

સન ૧૯૦૦માં જ્યારે સ્વામીજીએ કલ્યાણ મહારાજને સંન્યાસ દીક્ષા આપી ત્યારે તેમણે પૂછ્યું, ‘સારું કલ્યાણ, મને ગુરુદક્ષિણામાં આપવા માટે તારી પાસે શું છે ?’

કલ્યાણ મહારાજે ડગલાં આગળ ભરતા પાસે આવીને કહ્યું, ‘આ સ્વીકારો, હું સ્વયંને જ આપને સમર્પણ કરું છું, હું તમારો દાસ છું, મને કોઈ પણ આજ્ઞા આપો, હું આદેશનું પાલન કરીશ.’ સ્વામીજીએ કહ્યું, ‘આ જ તો મારે જોઈએ. હરિદ્વાર જા, હું તને કેટલાક રૂપિયા આપીશ. થોડી જમીન ખરીદ, ઝાડી-ઝાંખરાં સાફ કરીને કેટલીક ઝૂંપડીઓ બનાવ. હરિદ્વાર જનાર અનેક તીર્થયાત્રી દુ :ખો સહન કરીને મરી જાય છે, કેમ કે તેમને કોઈ દવા કે પરેજીની મદદ મળતી નથી અને તેમના વિશે કોઈ ચિંતા પણ કરતા નથી. જ્યારે હું ત્યાં હતો ત્યારે મારે એક ચિકિત્સક માટે સો માઈલ મેરઠ જવું પડેલું. મેરઠમાં હોસ્પિટલ તો છે પણ બધા ત્યાં જઈ શકતા નથી. એટલે આવી રીતનું કંઈક ત્યાં હરિદ્વારમાં ઊભું કર. જો તું રસ્તાના કિનારે લોકોને રોગથી પીડાતા જુએ તો તેમને ઝૂંપડીઓમાં લાવીને તેમનો ઉપચાર કરજે. બંગાળને મનમાંથી ભૂંસી નાંખ. અહીં ફરી આવતો નહીં ! જા!’ એટલે કલ્યાણ મહારાજ ગયા. સ્વામી સ્વરૂપાનંદજી જેઓ એ સમયે માયાવતીમાં હતા તથા સ્વામી વિજ્ઞાનાનંદજીને આ ઘટનાની જાણ થઈ. સ્વામી સ્વરૂપાનંદજીએ કેટલુંક ધન બચાવીને તેમને મોકલ્યું તથા તેમને મળવા માટે પણ ગયા.

શરૂઆતના દિવસો

કલ્યાણાનંદજીએ ૩૦ એકર જમીન ખરીદી. હરિદ્વારમાં તેમને યોગ્ય જમીન મળી શકી નહીં. કેમ કે શહેર પહેલેથી જ ઈમારતોથી ભરચક હતું અને ત્યાં કોઈ ખુલ્લી જમીન ન હતી. પરંતુ હરિદ્વાર અને કનખલની વચ્ચે ગંગા નહેરના કિનારે વૃક્ષો અને વનરાજીઓથી ભરેલી કેટલીક ખાલી જગ્યા મળી ગઈ. તેમણે તે ભૂખંડ ખરીદીને ત્યાં ઝૂંપડીઓ બનાવવાનું શરૂ કર્યું. આસપાસના લોકો પરેશાન થવા લાગ્યા કે અહીં આ શું બનવા જઈ રહ્યું છે. કલ્યાણ મહારાજે તેમને જણાવ્યું કે તેઓ ચિકિત્સાલય શરૂ કરવા ઇચ્છે છે. જેથી લોકોને ઉપચારની સુવિધા મળી શકે. કેટલાક સ્થાનિક લોકોએ તેમને મદદ કરી અને તેમણે સારી ઝૂંપડીઓ બનાવી : એક મોટી ઝૂંપડી દર્દીઓ માટે તથા એક ઝૂંપડી પોતાને માટે બનાવી.

આ જ સમયે સ્વામી નિરંજનાનંદ મહારાજ હરિદ્વાર આવ્યા. તેઓ એક નાની કુટિરમાં રહેતા હતા અને તેમને જાણ થઈ કે કલ્યાણ મહારાજ નજીકમાં જ છે. નિરંજનાનંદ મહારાજ અત્યંત શક્તિશાળી હતા. તેઓ લાકડીના વજનદાર ભારાને પોતાના હાથોથી ઊઠાવીને સુવિધાજનક સ્થિતિમાં ત્યાં સુધી સંભાળી રાખતા જ્યાં સુધી તેને જોડવામાં આવે નહીં. આ રીતે નિરંજનાનંદ મહારાજે મહત્ત્વપૂર્ણ કાર્ય કરીને કલ્યાણ મહારાજને મદદ કરી.

તે સમયે નિરંજનાનંદજી શાંત જીવન વિતાવતા રહી વધુ સમય તો પોતાની કુટિરમાં ધ્યાનમાં જ પસાર કરતા. પરંતુ વચ્ચે વચ્ચે કલ્યાણ મહારાજને મદદ કરવા પણ આવ્યા કરતા હતા તથા જ્યારે પણ તેઓ આવતા ત્યારે પોતાની મેળે જ એવાં કાર્યો કરી લેતા, કોઈની વિનંતીથી નહીં.

સ્વામી નિશ્ચયાનંદજી સન્ ૧૯૦૪માં કનખલ આવ્યા. સ્વામીજીની મહાસમાધિ પછી તેઓ પરિવ્રાજક જીવન વિતાવતા હતા તથા તેમનું કનખલમાં આવવાનું અનપેક્ષિત હતું. તેમણે જોયું કે બધું જ કાર્ય કલ્યાણ મહારાજે પોતે જ કરવું પડે છે (નિશ્ચયાનંદજીના આવવાના કેટલાંક મહિના પહેલાં સ્વામી નિરંજનાનંદજીનું ઝાડા-ઊલટીના કારણે દેહાવસાન થયું હતું.) એટલે નિશ્ચયાનંદજીએ કલ્યાણાનંદજીની સાથે રહેવાનો નિર્ણય લીધો. તેઓ પણ કામકાજમાં અતિદૃઢ નિશ્ચય તથા ચીવટવાળા બળવાન વ્યક્તિ હતા તથા તેઓ બધી જ રીતે કલ્યાણાનંદજીના ઘણા જ સારાં સહાયક બન્યા. તેઓ ભિક્ષા માગીને પોતાના તથા કલ્યાણાનંદ મહારાજ માટે ભોજન લાવતા હતા. આ માટે ક્યારેક તો તેમને હૃષિકેશ સુધી જવું પડતું હતું. (ક્રમશ 🙂

Total Views: 274

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.