શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના નવમા પરમાધ્યક્ષ અને ભારતીય દર્શનશાસ્ત્ર તેમજ સંસ્કૃતના મહાન પંડિત શ્રીમત્ સ્વામી માધવાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં ‘વિવેકાનંદ હીઝ ગોસ્પેલ ઓફ મેન મેઈકિંગ’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

દક્ષિણેશ્વરમાં સર્વકાલીન અને વૈશ્વિક માનવપ્રજાની આશાઅપેક્ષાઓની મૂર્તિમંતરૂપ એવા પોતાના મહાન ગુરુદેવ શ્રીરામકૃષ્ણનાં શ્રીચરણમાં બેસીને પોતાની યુવાવસ્થામાં માનવમાં રહેલી દિવ્યતાની અનુભૂતિ દ્વારા સ્વામી વિવેકાનંદે વિશ્વ-આત્માનો ભાવ પોતાની ભીતર ઝીલી લીધો હતો. એટલે તેઓ ભલે ભારતમાં જન્મ્યા હોય પણ તેઓ સમગ્ર જગતના હતા અને એ રીતે ભારત એમના પર પોતાનો જ હક જતાવી ન શકે. એમનું જીવનકાર્ય પૂર્વ અને પશ્ચિમનાં નરનારીઓને એમના ભીતરની દિવ્યતા અને માનવ – માનવના ઐક્યની વાત જાગૃત કરવાની હતી. આ એક જ બાબત આજે ધિક્કાર, તિરસ્કાર અને દુ :ખદર્દમાં વિંખાયેલી-પિંખાયેલી દુનિયામાં શાશ્વત શાંતિ લાવી શકે તેમ છે.

શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના આ ભવ્ય મિલને આ ધરતી પર ક્યારેય ન જોવા મળેલ આધ્યાત્મિકતાનો પ્રવાહ સમગ્ર જગતમાં વહાવી દીધો. આપણે એમણે પોતાના ગુરુદેવ પાસેથી કેટકેટલા ધર્મપથ શીખ્યા અને એમાં પોતાનું કેટલું ઉમેરણ કર્યું તેની બહુ ચર્ચા નહીં કરીએ, કારણ કે એક ગુરુના અસલ અરીસા સમા એક આદર્શ શિષ્યરૂપે તેમણે પોતાના ગુરુદેવના ઉપદેશને સંગૃહિત કરવાનો હતો. સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે પોતાના ગુરુદેવના એ સંદેશનો પ્રચારપ્રસાર કરવા માટે સ્વામીજીએ પોતાની જાતને એક નિષ્કામ અને નિ :સ્વાર્થ ભાવનું સાધન બનાવ્યું. વ્યવહારિક દ્રષ્ટિએ શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદને એક સંયુક્ત વ્યક્તિમત્તારૂપે જોવા કે વર્ણવવા એ વધારે સારું ગણાશે. તેઓ બન્ને એક જ વિષયનાં બે વિવિધ પાસાં હતાં. તેઓ બન્નેએ સાથે મળીને આધ્યાત્મિકતાનું રાસાયણિક ચક્ર પૂર્ણ કર્યું હતું.

શ્રીરામકૃષ્ણની જેમ સ્વામી વિવેકાનંદની બાબતમાં પણ અદ્વૈતની અનુભૂતિ કેન્દ્રસ્થ ધરી બની ગઈ, જેના પર એમની વ્યક્તિમત્તાનાં બધાં પાસાં સંતુલિત બની ગયાં. પોતાના ગુરુદેવની અસીમકૃપાથી સ્વામી વિવેકાનંદે પોતાની યુવાવસ્થામાં જ સર્વોત્કૃષ્ટ અનુભૂતિ મેળવી લીધી હતી. ૩૦ વર્ષની ઉંમરે આ અનુભૂતિ મેળવ્યા પહેલાં તેઓ તેનું સંપૂર્ણ ઐક્ય સાધવામાં સફળ નીવડ્યા. તેમણે આનંદમજાકમાં પોતાના એક ગુરુબંધુ સમક્ષ પોતાની જાતને વિશે આ શબ્દો ઉચ્ચાર્યા હતા, ‘૨૯ વર્ષની ઉંમરે મેં જે કંઈ મેળવવા જેવું હતું તે બધું પૂર્ણપણે સાધી લીધું હતું.’

જેવા તેઓ વિશ્વને ઉન્નત કરવાના પોતાના સંદેશને આપવા પરિપક્્વ બન્યા કે તરત જ ૧૮૯૩માં શિકાગોમાં યોજાયેલી વિશ્વધર્મપરિષદનું ક્ષેત્ર એમને માટે તૈયાર થઈ ગયું હતું. સમગ્ર જગતને હચમચાવી મૂકવા એક સારા પ્લેટફોર્મ-પીઠિકાની આવશ્યકતા હતી અને શિકાગોની વિશ્વધર્મપરિષદે સ્વામીજીને એ આલંબન આપી દીધું.

શિકાગોની વિશ્વધર્મપરિષદ ઇતિહાસની પરિવર્તનની ક્ષણોમાંની એક ક્ષણ હતી. એ વિશ્વધર્મપરિષદ તો ખ્રિસ્તી ધર્મનાં ગુણગાન ગાવા બોલાવાઇ હતી. પરંતુ દૈવી પરિસ્થિતિની વિચિત્રતાને લીધે આ ગણતરી ઊલટી પડી અને ખ્રિસ્તી ધર્મને અગ્રસ્થાને લાવવાને બદલે વેદાંતના ધર્મને અનન્ય વિજય સાંપડ્યો. આ વેદાંત ધર્મના પ્રતિનિધિ પણ સ્વામી વિવેકાનંદ જ હતા અને સ્વામીજીએ પોતાની અમીટ છાપ પાડી. વિશ્વના સભ્યદેશોનાં બારણાં એમને માટે ખુલ્લાં થઈ ગયાં. અમેરિકા અને યુરોપે ભારતના પ્રાચીન ઋષિઓના વારસ સમા યુવાન વિવેકાનંદને સાંભળ્યા અને તેમની પ્રશંસા પણ કરી. પશ્ચિમમાં વિશ્વસંઘનું બીજારોપણ કરીને સ્વામીજી પોતાની જન્મભૂમિ ભારતમાં પાછા ફર્યા અને તેમણે પોતાના અનુભવોની વાત દેશબંધુઓને આપવાના કાર્યમાં લાગી ગયા.

તેમણે મક્કમ વાણીમાં અને નિર્ભય સૂરે વેદાંતના વિવિધતામાં એકતા દર્શાવતા ઉપદેશોને પોતાની પ્રતિભાવાન અને પ્રબળ ભાષા સાથે એવી રીતે રજૂ કર્યા કે જેથી આધુનિક નરનારીઓ તેને સરળતાથી ગ્રહણ કરી શકે.

સ્વામી વિવેકનંદે ભારતના ભૂતકાળનાં શુભ અને મહાન તત્ત્વોના સુભગસમન્વય તેમજ ભારતમાં રહેલ મહત્તાને અને સત્યમ્ શિવમ્ સુંદરમ્ની શક્યતાઓને અભિવ્યક્ત કરી છે. તેમનામાં શંકરાચાર્યની મેધા, બુદ્ધનું હૃદય, ઈસુ ખ્રિસ્તનો ત્યાગ અને અરેબિયાના પયગંબર મહમ્મદ સાહેબની એકતાની ભાવના હતાં અને આ બધાંના પવિત્ર સંગમને પરિણામે સમગ્ર વિશ્વમાં એક નવીન આધ્યાત્મિકતાનું પૂર ફરી વળશે. તેઓ શ્રેષ્ઠ અને સંપૂર્ણ માનવ હતા એટલે જ સ્વામીજી જેટલાં વિનમ્રતા અને ભક્તિભાવ બીજા કોઈનામાં હતાં નહીં. અને જ્યારે જ્યારે શ્રીરામકૃષ્ણદેવનું પવિત્ર નામ એમની સમક્ષ ઉચ્ચારાતું ત્યારે એમનું સિંહહૃદય લાગણીઓના ઉછાળાઓથી ધબકી ઊઠતું. જો શ્રીરામકૃષ્ણ આ વિશ્વમાં ન અવતર્યા હોત તો વિશ્વ સ્વામી વિવેકાનંદની દિવ્યભાવ સાથે પૂજા કરતું હોત; આવી હતી સ્વામીજીની બહુમુખી વ્યક્તિમત્તા.

Total Views: 274

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.