ધર્મનો વ્યાવહારિક દ્રષ્ટિકોણ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આ વ્યાવહારિક જગતમાં આપણે સૌ, ખરેખર તો ધર્મ સાધનામાં આસક્ત(લીન) છીએ. (ધર્મ સાધનાના અનુયાયી છીએ). જે મનુષ્ય હકીકતમાં તરસ્યો છે તે ક્યારેય જળના ગુણ અને સ્વભાવનું સૈદ્ધાંતિક વિવેચન કરવાનું નહિ ઈચ્છે, પરંતુ એ તો જળ શોધીને પોતાની તરસ છિપાવશે. દરેક ભક્ત કે સાધક શરૂઆતથી જ ધર્મ માટે કોઈ ને કોઈ ધારણા(માન્યતા) રાખતો(ધરાવતો) હોય છે, જે સાધનાની પરિપક્વતાની સાથે-સાથે વધુ સ્પષ્ટ અને પ્રબળ થતી જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે ભૌતિક જીવન સુખ આપનારું નથી. આપણો રોજનો અનુભવ બતાવે છે કે આપણું જીવન ઘણા બધા દુઃખોનું ઘર છે. તેવું જ્ઞાન અને શાશ્વત વસ્તુની ખોજથી જ આધ્યાત્મિક જીવનનો સૂર્યોદય થાય છે.

મનુષ્યમાં ત્રણ પ્રકારની પ્રેરણા હોય છે. સૌથી પહેલી પ્રેરણા છે અસ્તિત્વની; દરેક પ્રાણી જીવિત રહેવા ઈચ્છે છે, કોઈ પણ મરવા નથી ઈચ્છતું. સમગ્ર વિશ્વ જીવંત રહેવા માટે પાગલ છે. આ અનંતજીવનની ઇચ્છા પ્રત્યેક પ્રાણીમાં રહેલી છે. બીજી છે, જ્ઞાનની પ્રેરણા. પિતા સાથે જતો એક બાળક તેને પ્રશ્ન કરે છે, ‘ પિતાજી ! આ શું છે ? પેલું શું છે ?’ આપણા જીવનમાં વધુ ને વધુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો પ્રયાસ રહેલો હોય છે. જ્ઞાનપ્રાપ્તિ જીવનનું એક આવશ્યક અંગ છે. અને ત્રીજી છે, સુખની પ્રેરણા. સુખની પોતાની અલગ અલગ માન્યતા અનુસાર આપણે સાંસારિક વસ્તુઓથી વધુમાં વધુ સુખ મેળવવા ઇચ્છીએ છીએ. સુખ માટેની આપણી ધારણા ગમે તેટલી ભિન્ન હોય, મનુષ્ય કોઈ પણ પ્રકારે કોઈ ને કોઈ સુખ પ્રાપ્ત કરવા માટે હંમેશા સંઘર્ષ કરતો આવ્યો છે. અસ્તિત્વ, જ્ઞાન અને આનંદ માટે આપણી પ્રેરણા જ આપણા જીવનના ત્રણ મુખ્ય રહસ્યો છે. જયાં સુધી આપણે મનુષ્ય છીએ, ત્યાં સુધી તે આપણી સાથે આજીવન રહે છે. આપણાં તમામ પ્રયત્નો ફક્ત પૃથ્વી પરનાં જ્ઞાન અને આનંદને શ્રેષ્ઠ સંભવિત રીતે પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. ધર્મની વાસ્તવિક સમસ્યા છે આ પૃથ્વીની(?) ખોજ.

એક હકીકત, જેનાથી આપણે સૌ પરિચિત છીએ, એ છે, મૃત્યુ. આપણાં સઘળા પ્રયત્નો છતાં પણ મૃત્યુ સમયે સ્વાસ્થ્ય, ધન, સુંદરતા, બધું જ આપણને છોડી દેશે, એ વિચારથી આપણે મુક્ત નથી થઇ શકતા. સાચી વ્યક્તિ તો એ છે જે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવા ચાહે છે. વિવેકપૂર્ણ શાસ્ત્રવિચાર, સાધુસંગ અને પોતાના અનુભવોથી, તથા બીજા અનેક સાધનો દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આ સંસારમાં કશું જ નિત્ય નથી. આપણને આપણાં સાંસારિક જીવનથી સંતોષ નથી. એટલા માટે આપણે એવાં જીવન, જ્ઞાન અને આનંદને મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ જે નિત્ય છે, અને એ જ આધ્યાત્મિક જીવનના શ્રીગણેશ છે. સમય જતાં આપણને એ અનુભવ થઇ જશે કે ઈશ્વર સાક્ષાત્કાર સિવાય કશું જ અહીંયાં આપણને અનંત જીવન, અનંત જ્ઞાન અને અનંત આનંદની પ્રાપ્તિ નથી કરાવી શકતું. એક માત્ર ભગવાન જ આપણી પૂર્ણ જીવન, પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદની અભિલાષાને પૂર્ણ કરી શકે છે.

જ્યારે આપણે મહાપુરુષોની નિકટ આવીએ છીએ ત્યારે તેમનામાં આપણને ઘણી સમાનતા જોવા મળે છે. તેઓ ભૌતિક નાશવંત બાબતોની ચર્ચા નથી કરતા, પરંતુ તેઓ ઇન્દ્રિયાતીત તત્ત્વનું મનોહર રંગો દ્વારા ચિત્રણ કરે છે. આપણાં ઋષિઓએ ગર્જના કરી છે કે જો આપણે નિત્ય અને અનંત સત્તા, જ્ઞાન તથા આનંદની પ્રાપ્તિ કરવી હોય તો આપણે ઇન્દ્રિયોથી દૂર જવું પડશે -ભૌતિક વસ્તુઓને ભૂલી જવી પડશે. આ ઇન્દ્રિયાતીત અવસ્થા એક વાસ્તવિકતા છે. વર્તમાન સમયમાં પણ શ્રીરામકૃષ્ણ જેવા સંત અને ૠષિઓએ આ ઇન્દ્રિયાતીત સત્યની અનુભૂતિ કરેલી છે. આ સત્યને કાલી, બ્રહ્મ કે એવા અન્ય કોઈ પણ નામથી બોલાવી શકાય છે. આ કલ્પના નથી. આ જ જીવનમાં ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકાય છે. એટલે તમારી તમામ શક્તિઓને એ અનંત સત્તાની પ્રાપ્તિ માટે પ્રેરિત કરો.

એ સાચું છે કે સ્વભાવોમાં વિવિધતા હોવાને લઈને માર્ગ પણ અલગ અલગ હોઈ શકે, ઈશ્વર પ્રત્યેના દ્રષ્ટિકોણમાં તફાવત હોઈ શકે, પરંતુ એ ભિન્નતા માત્ર ઉપરછલ્લી છે, વસ્તુતઃ બધા જ તફાવતો એક જ તત્ત્વ—ઈશ્વર—માં જ વિલીન થઇ જાય છે. ઈશ્વર વ્યક્તિ-વિશેષ હોઈ શકે છે અને નિર્વિશેષ પણ હોઈ શકે છે. તેઓ શિવ, કૃષ્ણ અને શક્તિ પણ હોઈ શકે છે, પરંતુ આ બધાં જ પરમ સત્ય જ છે. સત્યના શોધક હોવાના નાતે આપણું એ કર્તવ્ય હોવું જોઈએ કે આપણે એક સામાન્ય આલંબનને શોધી લઈએ અને આપણા ઉદ્દેશ્ય તરફ આગળ વધતા રહીએ, પછી ભલે આપણે કર્મમાર્ગી હોઈએ કે જ્ઞાનમાર્ગી, યોગમાર્ગી હોઈએ કે ભક્તિમાર્ગી. જે પણ શાસ્ત્ર તમને અનુકૂળ લાગતું હોય તેનું ધ્યાનપૂર્વક પઠન કરો તો બધે જ આ ઉપદેશ મળશે. શક્ય હોય તેટલા આધ્યાત્મિક બનો. ઇન્દ્રિયો સુખ અને આનંદ આપી શકે છે, પરંતુ મનને કાયમી સંતોષ નથી આપી શકતી, એટલા માટે મનને ઇન્દ્રિયો પરથી હટાવી ઇન્દ્રિયાતીત સત્ય ઉપર કેન્દ્રિત કરો.

બીજા શબ્દોમાં, આનો અર્થ એ છે કે ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. પ્રશ્ન થાય કે આ કેવી રીતે કરી શકાય ? આ બાબતમાં શ્રીરામકૃષ્ણે એક બહુ જ સુંદર ઉપદેશ આપ્યો છે—’ઈશ્વરનું ધ્યાન કરો અંધારા ખૂણામાં, એકાંત વનમાં અથવા ઊંડા હૃદય-મંદિરમાં.’ આ ઉપદેશ ત્રણ પ્રકારના લોકો માટે છે. જે લોકો પાસે વનમાં જવાનું શક્ય છે, તે લોકો માટે શ્રીરામકૃષ્ણ વનમાં ધ્યાન કરવા માટે ઉપદેશ આપે છે, કારણ કે તેઓના માટે ખલેલ પહોંચાડનાર સંસારને બદલે વનમાં સાધના કરવી વધુ સરળ છે. રસાયણશાસ્ત્રી જાણે છે કે નાજુક ત્રાજવાંથી એવાં સ્થાન પર વજન કરવું કઠિન છે જયાં પવન ફૂંકાતો હોય. તેવી જ રીતે એકાંત વનમાં જ ઈશ્વર-ચિંતન કરવું જોઈએ. જે લોકો વનમાં ન જઈ શકે તેમના માટે ઘરના એકાંત ખૂણામાં સાધના કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. જો કોઈને ઘરનો ખૂણો પણ ન મળે, અને તે સમાજથી પણ દૂર નથી જઈ શકે, ત્યારે તેમણે પોતાને પોતાના મનના એક ખૂણામાં બંધ કરી લેવા જોઈએ, સમાજમાં રહેતા હોવા છતાં પોતાના મનને અંતર્મુખી કરી લેવું જોઈએ.

Total Views: 644

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.