(ગુરુપૂર્ણિમા ઉપલક્ષે રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત સામયિક ‘વિવેક જ્યોતિ’ના ઓક્ટોબર-ડિસેમ્બર, 1982માં છપાયેલ લેખનું ભાષાંતર અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા. – સં.)

સચ્ચિદાનંદ જ ગુરુ; સંઘ-સેવા એ જ ગુરુ-સેવા

શિષ્ય: મહારાજ, મેં બાળપણથી જ સાંભળ્યું છે, ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ: ગુરુર્દેવો મહેશ્વર: ગુરુ: સાક્ષાત્‌ પરબ્રહ્મ તસ્મૈ શ્રીગુરવે નમ:.. અને તમે મારા……

મહારાજ: એનો અર્થ છે કે માત્ર સચ્ચિદાનંદ જ ગુરુ છે. હું ગુરુ નથી. હું તો એક સાધારણ મનુષ્ય છું. એક યંત્રની જેમ એ મંત્ર તમારા સુધી પહોંચાડવાનું કાર્ય મેં કર્યું છે. એ તો કોઈ પણ કરી શકતું હતું.

શિષ્ય: પરંતુ, મહારાજ, હું તો આ જ યંત્રનો ઋણી છું. એને જ સચ્ચિદાનંદ ગુરુથી અભિન્ન સમજુ છું. એની જ સેવા કરવાની મારી તીવ્ર ઇચ્છા છે.

મહારાજ: જ્યારે સંઘમાં આવી ગયા છો તો એ જ ગુરુ-સેવા છે. સંઘનું કાર્ય એ જ ગુરુ-કાર્ય છે.

ઈશ્વર કઈ આંખોથી દેખાય

શિષ્ય: મહારાજ, ધ્યાનમાં બેસવા સમયે જ્યારે ધ્યાન બરાબર થાય છે ત્યારે જોઉં છું કે ક્યારેક શરીર હલકું તો ક્યારેક ભારે, ક્યારેક નાનું તો ક્યારેક ખૂબ મોટું હોય એવો અનુભવ થાય છે.

મહારાજ: આ બધું ભાવુકતાને કારણે છે. ભાવુકતાની સાથે વિચારનું (rationality) સંતુલન હોવું જોઈએ. અતિશય ભાવુકતા સારી નથી.

શિષ્ય: મહારાજ, બે-એક વર્ષથી બહુ પરેશાન હતો. ધ્યાનમાં બેસીને ક્યારેક એક-બે મિનિટ બાદ જ હાથ-પગ જકડાઈ જતા અને હૃદય એટલું બેચેન બની જતું હતું કે એવું થતું કે ઊઠીને ક્યાંક ભાગી જાઉં. દીક્ષા પછી એવું થતું નથી.

મહારાજ: જે વીત્યું તે વીત્યું. હવે (દીક્ષા પછી) સાધન-ભજનમાં આવું વિઘ્ન કેવી રીતે આવી શકે?

શિષ્ય: મહારાજ, શું ઈશ્વરને આ આંખોથી જોઈ શકીશ?

મહારાજ: પ્રભુને જોઈ શકશો જરૂરથી, પરંતુ આ આંખોથી નહિ. એના માટે બીજી જ આંખો હશે. દર્શન વગેરે થશે, એ કહેવું નહિ પડે, જેમણે ઈશ્વરનું દર્શન કર્યું હોય, એ ચહેરો અલગ જ હશે. એ આંખો અલગ જ હશે. બધું જ મંત્ર-જાપથી જ થશે. ઈશ્વરમાં વિશ્વાસ રાખો, મંત્રમાં વિશ્વાસ રાખો. બસ, બધું જ ઠીક થઈ જશે.

શિષ્ય: મહારાજ, ધ્યાન કરવું અઘરું લાગે છે.

મહારાજ: ધ્યાન કઠિન છે, પરંતુ જપથી બધું થઈ જશે. ધ્યાન પણ આપમેળે જ લાગી જશે.

જપ, ધ્યાન અને પ્રાર્થના

શિષ્ય: મહારાજ, જપ, ધ્યાન અને પ્રાર્થના કેવી રીતે કરું?

મહારાજ: જપની સાથે સાથે તમે તમારા હૃદયમાં ઇષ્ટમૂર્તિ કે ઇષ્ટદેવતાનું ધ્યાન ધરી શકો. પણ જો આ અઘરું લાગતું હોય તો પહેલાં ભગવાનનાં નામનો જપ કરો અને પછી ધ્યાન.

આપણે ક્ષણિક, અસ્થાયી વસ્તુઓના લાભ માટે પ્રાર્થના કરતા રહીએ છીએ, પણ આપણે સર્વશ્રેષ્ઠને માટે પ્રાર્થના કરવી જોઈએ. ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નો નિત્ય પાઠ કરો અને કંઈક ને કંઈક વાંચવાનો પણ નિયમ બનાવી લો. શ્રીરામકૃષ્ણદેવ કહેતા હતા, ‘હું મારું કર્તવ્ય કરતો જઈશ, બાકી બધું પ્રભુ-કૃપા ઉપર નિર્ભર છે.’

(‘શ્રીશારદા મહિલા સમિતિ’ની કેટલીક મહિલાઓ આવી છે. દસ મિનિટ લગભગ ચૂપ રહયા પછી મહારાજે સ્વયં પ્રશ્ન કર્યો.)

મહારાજ: તમે બધાં શું કરો છો?

એક સ્ત્રી: અમે હોસ્પિટલમાં થોડી સેવા કરીએ છીએ.

મહારાજ: આ એક નવો સિદ્ધાંત છે. પ્રભુનો નિવાસ માનવમાં છે—દરિદ્ર અને રોગીમાં છે. જો એ ભાવથી તમે તેની સેવા કરો તો અવશ્ય તમે સ્વયં સંતુષ્ટ થશો.

સાવધાન

એક બ્રહ્મચારી: મહારાજ, અમે અહીં સેવાનું કામ કરીએ છીએ. અહીં રોગી સ્ત્રીઓ અને નર્સ વગેરે પણ છે. ત્યારે સાધુ-જીવન કેમ વ્યતીત કરવું?

મહારાજ: સ્ત્રીના વિષયમાં ચિંતન ન કરો અને જ્યારે પણ કોઈ વિચાર મનમાં આવે, ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરો કે તે તમારા મનમાંથી એ વિચાર દૂર કરે. પ્રાર્થનામાં બળ છે. વિશ્વાસ રાખો કે એ બાધા દૂર થઈ જશે. પ્રભુને પ્રાર્થના કરો કે તમને સત્યનો માર્ગ બતાવે.

‘પછી, તમારે વસ્તુ-વિચાર દ્વારા પણ તેને હટાવવો પડશે. વિચાર કરવો પડશે કે તમે સાધુ બન્યા છો, તો તમારું મન કામિની-કાંચન પ્રતિ કેમ જાય? આ તો કંઈ યોગ્ય માર્ગ નથી, એને છોડવો એ જ ધર્મ છે.’

ધ્યાન

શિષ્ય: મહારાજ, ધ્યાન વખતે જ્યારે શ્વાસ ધીમો પડી જાય અને ઇષ્ટમૂર્તિ સ્પષ્ટ થતી જાય ત્યારે એક અપૂર્વ આનંદ મળે છે. ત્યારે હું એ જ આનંદમાં મગ્ન થઈ જાઉં છું, પ્રભુ-ચિંતન છૂટી જાય છે.

મહારાજ: એ આનંદને ત્યાગીને ફરી તમારા મનને ઇષ્ટદેવમાં સ્થાપિત કરો. થોડોક અભ્યાસ કરવાથી બધું બરાબર થઈ જશે.

શિષ્ય: જો ધ્યાનાવસ્થામાં ઇષ્ટદેવના સ્થાને અન્ય દેવતા આવે તો મારે શું કરવું જોઈએ?

મહારાજ: સામાન્ય રીતે કયા કયા દેવતા આવે છે?

શિષ્ય: (એક દેવતા) અને (બીજા દેવતા).

મહારાજ: ત્યારે એવો વિચાર કરો કે આ બે દેવતાઓ તમારા ઇષ્ટદેવ સિવાય બીજા કોઈ નથી, તો કોઈ તકલીફ નહિ થાય. તમારા ઇષ્ટને જ બધા દેવતાઓમાં જુઓ.

શિષ્ય: મહારાજ, ક્યારેક તો એકદમ ગાઢ ધ્યાન લાગી જાય છે અને ક્યારેક બિલકુલ મન નથી લાગતું.

મહારાજ: હા, ગહન ધ્યાન હંમેશાં નથી થતું. ધ્યાન કઠિન છે, પરંતુ અભ્યાસ થકી ગહન ધ્યાનનો સમય વધતો જશે. જેમ એક ચિત્રકાર કુશળતાપૂર્વક એક ચિત્રને બનાવતી વખતે એક એક અંગને ખૂબ શાંતિથી ચિત્રિત કરે, તે જ રીતે તમારે ઈશ્વરનું ચિત્ર તમારા હૃદયમાં અંકિત કરવું પડશે. જેનું ચિત્ર બનાવવાનું છે, તેને જેટલું વધારે નીરખશો, એટલું જ એ ચિત્ર ખૂબ સુંદર રીતે અંકિત થશે. તે જ રીતે પ્રભુ-વિગ્રહ કે પ્રભુ-પ્રતિમાને જેટલી વધુ ધ્યાનપૂર્વક જોશો, પ્રભુનું ચિત્ર એટલું સ્પષ્ટ રીતે તમારા હૃદયમાં અંકિત થશે.

શિષ્ય: મહારાજ, સામાન્ય રીતે હું કાર્યને પૂજા માનવાની ચેષ્ટા કરું છું, છતાં પણ વારંવાર સંદેહ થાય છે કે આ કર્મથી ઈશ્વર-લાભ થશે કે નહિ?

મહારાજ: હા, પહેલાંના સમયમાં એવું માનવામાં આવતું કે માત્ર ધ્યાન-તપસ્યાથી જ ઈશ્વર-પ્રાપ્તિ થઈ શકે છે, પરંતુ હવે સ્વામીજીએ (સ્વામી વિવેકાનંદે) માનવ-દેહમાં ઈશ્વર-પૂજા કરવાની દીક્ષા આપી છે. જે પણ કાર્ય તમે કરો છો, ત્યાં સુધી કે હાથ-પગ હલાવવા એ પણ, જો એવા ભાવ સાથે કરો તો પૂજા થઈ જશે. વાત માત્ર એટલી જ છે કે આ કાર્યમાં તમને સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ.

સાધુ-જીવનમાં અડચણ

શિષ્ય: મહારાજ, સાધુ-જીવનમાં કઈ કઈ અડચણો આવે છે અને તેનાથી કઈ રીતે પાર ઉતરી શકાય?

મહારાજ: ‘અહં’ અને ‘ઇન્દ્રિય-સુખ’ —આ બે મુખ્ય અડચણો છે. ઇન્દ્રિય-સુખનું ખાસ તાત્પર્ય છે કામભાવથી. આ કામભાવ ન આવવો જોઈએ. એક વાર એક સાધુએ આ કારણે જ આત્મહત્યા કરી લીધી હતી.

‘આ ભાવથી બચવાનો ઉપાય છે ઈશ્વરને પ્રાર્થના અને વિવેક-જ્ઞાન. પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે એ તમને શક્તિ આપે અને આ વિક્ષિપ્ત વિચારોથી તમારી રક્ષા કરે. મનમાં વિચાર કરો કે તમે જ્યારે સાધુ-જીવનનો અંગીકાર કર્યો છે, તો તમે ઇન્દ્રિય-સુખમાં કેવી રીતે બહેકી શકો, તમારે તો ઇન્દ્રિયાતીતની પ્રાપ્તિ કરવાની છે.’

Total Views: 204

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.