ભારત એ જગતનો ઘણો જ નાનકડો ભાગ છે અને આખું જગત ભારતની સુંદર ભૂમિ ઉપર સળવળતાં અને એકમેકને દબાવવાનો પ્રયત્ન કરતાં ત્રીસ કરોડ અળસિયાં પ્રત્યે તિરસ્કારની નજરે જોઈ રહ્યું છે. આ પ્રકારની પરિસ્થિતિનો અંત લાવવો જોઈએ : અને તે ધર્મનો નાશ કરીને નહિ, પણ હિંદુ ધર્મના મહાન ઉપદેશોનું આચરણ કરીને તથા તેના એક ભાગ તરીકે ન્યાયી રીતે વિકસેલા બૌદ્ધ ધર્મની અદ્‌ભુત કરુણાને તેની સાથે જોડીને.

પવિત્રતાની પ્રબળ ભાવનાથી પ્રજ્વલિત થયેલાં, ઈશ્વરમાં અનંત શ્રદ્ધા રાખીને દૃઢનિશ્ચયી બનેલાં અને દીન, અધ:પતિત તથા પદદલિત લોકો પ્રત્યેની સહાનુભૂતિ ધરાવતા સિંહ જેવી હિંમત રાખીને મુક્તિ, સહાય, સામાજિક ઉત્થાન અને સમાનતાનો બોધ આપતાં એક લાખ સ્ત્રીપુરુષોએ દેશના એક છેડાથી બીજા છેડા સુધી ઘૂમી વળવું જોઈએ.

હિંદુ ધર્મ જેટલા ઉચ્ચ સ્વરે બીજા કોઈપણ ધર્મે પૃથ્વી ઉપર મનુષ્યત્વના ગૌરવનો પ્રચાર કર્યો નથી; અને હિંદુ ધર્મની જેમ અન્ય કોઈ ધર્મે પૃથ્વી ઉપર ગરીબ અને નીચલા વર્ગાે ઉપર જુલમ ગુજાર્યો નથી. ઈશ્વરે મને બતાવ્યું છે કે તેમાં ધર્મનો દોષ નથી, પણ દોષ છે હિંદુ ધર્મમાં ઘૂસી ગયેલા પેલા રૂઢિજડ અને પંડિતાઈનું ઘમંડ ધરાવતા કપટીઓનો કે જેઓ ‘પારમાર્થિક’ અને ‘વ્યાવહારિક’ સિદ્ધાંતોને નામે દરેક પ્રકારના જુલમનાં સાધનો શોધી કાઢે છે.

નિરાશ ન થશો; ગીતામાં ભગવાને કહ્યું છે તે યાદ કરો. ‘કર્મમાં તારો અધિકાર છે, ફળમાં નહિ.’ કટિબદ્ધ થાઓ, વત્સ ! આ કાર્યને માટે જ ઈશ્વરે મને જન્મ આપ્યો છે. હું આખી જિંદગી વિપત્તિ અને અત્યાચારોમાં ઘસડાયો છું; સ્વજનો અને સ્નેહીઓને લગભગ ભૂખમરાથી મરતાં મેં જોયાં છે; ઉપહાસ અને અવિશ્વાસનો હું ભોગ બન્યો છું તથા જે માણસો મને હસી કાઢે અને તિરસ્કારે તેમના જ પ્રત્યે સહાનુભૂતિ દાખવવા માટે મારે ઘણું સહન કરવું પડ્યું છે. પણ વત્સ ! જેમ આ જગત વિપત્તિની શાળા છે, તેમ મહાત્માઓ અને પયગમ્બરોને માટે એ દયા, ધૈર્ય, તેમજ મુખ્યત્વે તો પગ પાસે વિશ્વના ચૂરેચૂરા થાય તો પણ ડગે નહિ એવું મનોબળ કેળવવાની પણ શાળા છે. (સ્વા.વિ. ગ્રંથમાળા : ભાગ ૬ : ૯૦ – ૯૧ – ૯૨ પત્રોમાંથી)

Total Views: 282

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.