પ્રશ્ન : આજે ચારે બાજુ ખોટા અને દંભી લોકોનું રાજ ચાલે છે ! શું કરવું ?

સ્વામીજી : મારા ક્ષુદ્ર જીવનમાં પણ મેં અનુભવ્યું છે કે મંગળ ભાવનાઓ, હૃદયની સચ્ચાઈ અને અનંત પ્રેમ દ્વારા સમસ્ત વિશ્વને જીતી શકાય. આવા ગુણોથી સંપન્ન થયેલી એક વ્યક્તિ પણ લાખ્ખો દંભી અને પાશવી મનુષ્યોની મેલી મુરાદોને ધૂળમાં મેળવી શકે. (૯ – ૩૦૮)

પ્રશ્ન : કર્મના ક્ષેત્રમાં સંઘર્ષ ખૂબ આવે છે. ઉપાય શો ?

સ્વામીજી : દરેક સ્થળે કાર્ય ઉપર ઝંઝાવાત ઊતરી પડે એ વધુ સારું છે. એથી વાતાવરણ સાફ થાય છે અને આપણને વસ્તુઓના સ્વરૂપ અંગે સાચી આંતરદૃષ્ટિ મળે છે. (૯-૩૨૯)

પ્રશ્ન : વ્યક્તિત્વ વિકાસ માટે કયા ગુણ જરૂરી છે ? તેમાં બાહ્ય પરિબળો કેટલો ભાગ ભજવે છે ?

સ્વામીજી : નચિકેતાનાં શ્રદ્ધા, હિંમત, વિવેક અને ત્યાગ… જો અંદર સત્ત્વ નહિ હોય તો ગમે તેટલી બહારની સહાય હશે તો પણ કંઈ વળશે નહિ. (૮-૨૪૩)

પ્રશ્ન : નોકરી કે વ્યવસાયમાં કઈ બાબત અગત્યની છે ?

સ્વામીજી : જ્યારે તમે કોઈ કામ કરવાનું વચન આપો ત્યારે તમારે તે બરાબર નિયત સમયે કરવું જોઈએ. નહિતર લોકોને તમારામાંથી વિશ્વાસ ઊઠી જાય. (૮-૧૧૮)

પ્રશ્ન : અવનવા વિચારો ખૂબ આવે છે. તેનું શું કરવું ?

સ્વામીજી : આટલા બધા ઉછાળા મારતા પ્રશ્નો એ તમારું નબળું મન સૂચવે છે. હે બળવાન માનવ, ઊઠ અને મજબૂત બન ! કાર્ય કર્યા જ કર. (૮-૩૬)

પ્રશ્ન : દુ:ખનું શું મહત્ત્વ છે ?

સ્વામીજી : આપણા જીવનની ગહનતાનું ખરું જ્ઞાન તે એક જ આપે છે. (૧૦-૨૪૬)

પ્રશ્ન : ભારતના યુવાનોમાં કઈ બાબત સારી છે ? અને કઈ તેની મર્યાદા છે ?

સ્વામીજી : આવા તીક્ષ્ણ બુદ્ધિવાળા યુવાનો ભાગ્યે જ કોઈ બીજા દેશમાં મળે. પરંતુ તેમના સ્નાયુઓમાં બળ નથી. મગજ અને સ્નાયુઓનો એકી સાથે વિકાસ થવો જોઈએ; લોખંડી સ્નાયુઓ અને કુશળ બુદ્ધિનો સંયોગ થાય તો આખું જગત તમારાં ચરણમાં પડે. (૮-૨૪૬)

પ્રશ્ન : કોઈપણ બાબતમાં ધીરજ રહેતી નથી. તેનું કારણ શું ?

સ્વામીજી : ધીરજ રાખો, વત્સ ! ધીરજ રાખો અને કાર્ય કર્યે જાઓ. ધીરજ ધીરજ. કેવળ ધીરજ… (૯-૨૮૯)

Total Views: 250

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.