શ્રીરામકૃષ્ણ મિશનના એક સંન્યાસીના મૂળ અંગ્રેજી પુસ્તકનો સોનલ મિત્રાએ કરેલ હિન્દી અનુવાદ પરથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુસર્જન અહીં પ્રસ્તુત છે.

ભાગ ૧ – વટવૃક્ષ

‘સુપ્રભાત સજ્જનો’ હું ઊંઘણશી આંખોથી કોઈ વિશેષ ન હોય એવી વ્યક્તિને સંબોધીને આવું ગણગણતો. હું વડનો લીલો પોપટ ‘ટિયા’ છું. એ વૃક્ષના બીજાં પક્ષીઓને હરરોજ હું આમ ‘સુપ્રભાત’ કહેતો અને મારી દિનચર્યાનો એ એક ભાગ બની ગયો હતો. આ ‘પ્રાત : પ્રણામ’નો મને ક્યારેય જવાબ ન મળતો અને એ પણ દિનચર્યાનો હિસ્સો જ હતો. સવારે મોડા ઊઠવાની મારી ટેવને લીધે સાથી પક્ષીઓ મને સવારે ન દેખાતાં, કારણ કે એ વખત સુધીમાં તો તેઓ બહાર જઈને ‘સવારની ચણ મેળવીએ’નો અભ્યાસ કરતાં હતાં. કમનસીબે સવાર થતાં જ મારી આંખોમાં ઊંઘ ભરાઈ જતી અને ગાઢ ઊંઘમાં સરી પડતો.

‘આ પક્ષીઓ પોતાની જિંદગીની રફ્તાર ઓછી કરીને થોડી મોજમસ્તી કેમ નહીં કરતાં હોય ? ખાવું – વિરામ અને ખાવું. ઊડવું – નીચે ઊતરવું અને ઊડવું. શું આ જ જિંદગી છે ? કદાચ એમને આ વાતનો ખ્યાલ હોય કે પથારીમાં પડ્યાં પડ્યાં સૂર્યપ્રકાશ લેવો, આંખો બંધ કરીને પાંખ પર નરમ હવાનો અનુભવ કરવો કે બસ કંઈક આવું જ વિચારતા રહેવું એ કેવી મજાની વાત છે ! પરંતુ ના, એવું નથી. એમને તો ઘણી ઉતાવળ હોય છે. જાણે કે આ વડ કોઈ પણ વખતે ખતમ થઈ જાય.’

મારું આ ચિંતન પણ મારી દિનચર્યાનો એક ભાગ હતો. ચિંતન એ મારી ટેવ છે. બીજાને એવું લાગતું હતું કે હું આળસુ, સુસ્ત હતો, એટલે આવા વિચારમાં ડૂબ્યો રહેતો. પરંતુ વાસ્તવિક રીતે હું સ્વપ્ન સેવી ન હતો કે ન સુસ્ત. બસ, જરૂર લાગે ત્યારે કામ કરતો અને એ પણ ગજબની સ્ફુર્તિ સાથે. બાકીનો વખત હું ચિંતન – ટહૂકવું અને ચિંતન, એવું ચાલતું. વળી શાકાહારી હોવાને કારણે મને પોતાના જીવનયાપન માટે વધુ મહેનત ન કરવી પડતી. મારી આવશ્યકતાઓ મર્યાદિત હતી, એટલે હું મારી રીતે મારો સમય પસાર કરતો.

મેં બગાસુ ખાધું, પોતાનાં અંગ અને પાંખોને સીધાં કયાં, ચાંચથી પાંખ સરખી કરી, ડોકને ડાબી-જમણી ઘુમાવી અને વડના વૃક્ષ પરથી ઊડવા તૈયાર થયો. જ્યારે હું સમજણો થયો ત્યારે આ વડ પર જ મેં આશરો મેળવ્યો, એની સાથે જોડાયેલ દરેકે દરેક એને વૃદ્ધ – જૂનો અને સુરક્ષિત ગણતા. એના આધારે રહેનારા પક્ષીઓ અને પ્રાણીઓએ પોતાના પિતાઓ પાસેથી સાંભળ્યું હતું કે જ્યારે તેઓ બાળક હતાં ત્યારે પણ આ વડલો આવો વૃદ્ધ-જૂનો હતો. પેઢી દર પેઢી ચાલતી આવતી આવી વાતોએ આ વૃક્ષનો અજન્મા અને અમર હોવાનો વિશ્વાસ પાકો કરી દીધો. આ વાત ગળે ઊતરે એવી ન હતી, પણ એનો હેતુ સ્પષ્ટ હતો.

આ વડલાની ડાળીઓ પર હજારો બે પગવાળાં (પક્ષી)ઓ રહેતાં અને એને છાંયડે સેંકડો ચાર પગવાળાં પશુઓ રહેતાં. એનાં મૂળિએ અને થડ પર લાખો ષટ્પદ (છ), શત (સો), સહસ્ર (હજાર) અને લક્ષપદ (લાખ) ભરપૂર ભરેલાં હતાં. આ વડલો દરેક પ્રકારનાં ચરિત્રનો શાંત સાક્ષી હતો. એ બધાંની આશાઓ અને ઉમંગોની કામયાબી અને હતાશા, નિરાશાનો એ સાક્ષી.

ક્યારેક ક્યારેક હું વિચારતો કે આ જૂનોપુરાણો વડલો મારા વિશે શું વિચારતો હશે ? શું એ મને ખૂબ જોશીલો ગણતો હશે કે બકબકિયો ? શું મને એ નિર્મળ દિલવાળું પંખી ગણતો હશે કે પછી બેઈમાન ? પણ એનો જવાબ મેળવવાનો કોઈ ઉપાય ન હતો.

સમય થતો જતો હતો. મેં મારી કલ્પના કરવી બંધ કરી અને આસમાનમાં ઉડવા અને દુનિયાને પાંખ તળે લેવા મેં વડની ડાળીઓને મારા પગથી ધકેલી.

મારી આવશ્યકતાઓ અને મિથ્યા અહમ્ માટે મારે જે જોઈતું હતું તે બધું આ દુનિયામાંથી છીનવી લેવાનું હતું. આ મારી દિનચર્યા હતી.

‘સાવધાન પક્ષી મિત્રો, ટિયા આવે છે.’ મેં આકાશમાં ચક્કર મારવાનું શરૂ કર્યું અને અહીં તહીં ઉડવા લાગ્યો. દુનિયા તો અમારી હતી અને અમાંય વિશેષ કરીને મારી.

આ પણ બાકીના દિવસો જેવો જ એક દિવસ હતો.

‘આવો આવો ટિયાભાઈ, આળસ પ્રિય ટિયાભાઈ તમે આટલી સરસ મજાની સુંદર સવાર આળસમાં અને આળસમાં નકામી જવા દીધી અને આટલું સરસ મજાનું ખાવાનું – ચણથી પણ વંચિત રહ્યા.’

મેં હસીને કહ્યું, ‘તમારે મારા માટે કંઈક બચાવી તો રાખવું હતું ! અરે, અંતે મિત્રો શાના માટે હોય છે?’

તરત જ જવાબ મળ્યો, ‘સાચો મિત્ર છું, મારામાં તમને જ જોઉં છું એટલે તમારો હિસ્સો પણ હું જ ખાઈ ગયો. હા, હા, હા.’

‘હા, હા ઘરડા ! તું છો પછી મારે દુશ્મનની શી જરૂર.’

એટલામાં કોઈ ઘરડાનો અવાજ આવ્યો, ‘અરે ભાઈ, શું તમે થોડો ઓછો દેકારો ન કરી શકો ? તમે તો આ કીડાઓને ડરાવીને ભગાડો છો. શું ક્યારેક તમેય મોટા નહીં થાઓ.’

મેં ટોણો મારતાં કહ્યું, ‘હા કાકા, અમે મોટા થતા જઈએ છીએ અને અમારો અવાજ પણ મોટો થતો જાય છે. મારી દૃષ્ટિએ આપને અમારું મોટા થવું સારું લાગતું નથી, બરાબરને કાકા.’

‘મૂર્ખાઓ ! હવે મને કાકો કહેવાનું બંધ કરો. બધા એમ માનશે કે તમારા જેવા નકામાં મારાં સગાં સંબંધી છે.’

હું આ અપમાનને ગળી ગયો. મેં એમનું નામ ‘પ્રાગૈતિહાસિક’ રાખ્યું હતું, કારણ કે એની સમજ પ્રમાણે મારા પ્રગતિશીલ વિચાર અજબ-ગજબના હતા. પરંતુ વાસ્તવમાં તો તેઓ મારાથી બળતા હતા. મારા જુસ્સાને યુવાનો પૂજતા, પણ આ યુગાંધ મારી નિંદા કરતા.

લોકપ્રિયતાની કિંમત ચૂકવવી પડે છે એટલે મેં મારા પોતાના નુકશાનને જોયું ન જોયું કર્યું. સાથે ને સાથે એની પૂર્તિ હું બીજા દ્વારા મળતી પ્રશંસાથી કરતો.

હું આ ઠઠ્ઠામશ્કરીમાં વ્યસ્ત હતો ત્યાં જ શ્રીમાન ઘૂવડને રાત્રિ ચર્યા કરીને પાછા આવતા જોયા. તેઓ ઠીક ઠીક ઘરડા હતા અને વિશેષ શક્તિઓ ધરાવતા હતા.

અમને બન્નેને અરસપરસ બહુ પટતું. પણ ક્યારેક નાદાન હોવાને લીધે હું તેમની મજાક ઉડાડીને એમને તંગ કરી દેતો.

જે વખતે સવારની રોશની એમને અંધાપો લાવી દેતી એ વખતે તેઓ મને કહેતા કે સૂર્યનો પ્રકાશ એમની સમજણને ઓછી કરી નાખે છે.

પ્રકાશથી બચવા તેઓ ઝડપથી ઉડતા હતા. તેઓ મને જોઈ ન શકે, ઝડપથી કે ઊંઘણશી આંખે નહીં.

શ્રીમાન ઘુવડે ઝડપથી આંખો ખોલી – મીંચીને પોતાનો રસ્તો બદલી મારી પાસે ધીમેથી ઊતર્યા. મારા તરફ ગંભીરતાથી જોઈને કહ્યું, ‘ટીયુ, આજે તમારી જિંદગીમાં મોટું પરિવર્તન આવવાનું છે. સાવધાન રહેવું.’ એમના ખચકાટ ભરેલા શબ્દો ધીમા અને વિચારપૂર્ણ હતા.

‘વહાલા દાદા, ભવિષ્યવાણી કરવી એ તો અમારી ખાસિયત છે. આપ વળી ક્યાં એ કરવા માંડ્યા. પત્તું ઉપાડીને લોકોનું ભવિષ્ય ભાખનારા પોપટ જ હોય છે.

જો હું એ દગાબાજના પંજામાં અત્યાર સુધી ફસાઈને શીખ્યો ન હોઉં તો એનો અર્થ એ નથી કે તમે મારો અધિકાર લઈ લો. હા… હા… ! કાગડા પણ આપની વાત સાંભળીને હસ્યા વગર રહેશે નહીં.

શ્રીમાન ઘૂવડને પોતાની ઉંમરની યાદ દેવડાવવી એ સારું ન લાગતું. અલબત્ત તેઓ વરિષ્ઠ પક્ષી હોવાનો પૂરેપૂરો લાભ લેતા હતા. એમની ભવિષ્યવાણીઓને બેપરવા રહીને સાંભળવાથી એમને માઠું પણ લાગતું.

ઝડપથી જતી વખતે તેઓ કંઈક આવું બબડ્યા, ‘મૂર્ખાની સામે પોતાની ચાંચ ખોલવી એ પણ મૂર્ખામી છે (મૂર્ખાને કંઈ કહેવું એ બેવકૂફી છે).’

આમ છતાં પણ તેમના શબ્દો સાંભળીને બીજાં પક્ષીઓની ચાંચ ખૂલી ગઈ.

‘પરિવર્તન ! વાહ ! અહીં ઋતુઓ અને પાંખો સિવાય કંઈ બદલતું નથી.’

‘ટિયા, પણ ઘૂવડદાદાએ કહેલા શબ્દો ક્યારેય ખોટા નથી હોતા. ભગવાન જાણે શું થશે ? મને તો ગભરામણ થાય છે.’

‘પ્રખ્યાત થઈ ગયા પછી શું તમે અમને યાદ રાખશો ?’

‘ટિયા, ભૂલવું એ તો સ્વભાવિક છે પણ યાદ રાખવું એ મહાનતા છે.’

પક્ષીઓ અને તેનો કલરવ. મારે એમની સાથે જરા સખતાઈથી વર્તવું પડ્યું, ‘શું તમને બધાને ભાન છે કે તમે ભેંસની જેમ રણકો છો ?’

થોડીવાર ચર્ચા ચાલતી રહી. પણ જ્યારે કંઈ અનોખું ન થયું ત્યારે આ વાર્તાલાપની દિશા બીજા મુદ્દા તરફ વળી ગઈ. પક્ષીઓનું ધ્યાન બીજે જતા હું નીકળી ગયો. ઘણા લાંબા સમયથી હું મારા ગુરુ શ્રીલકડખોદને મળવા ઇચ્છતો હતો.

એમણે પોતાની ચાંચ વૃક્ષના થડ પર ઠોકી ઠોકીને તીક્ષ્ણ અને મજબૂત બનાવી હતી. અમારે બન્નેને અરસપરસ ખૂબ બનતું હતું અને થડની સાથે ચાંચ મારતાં મારતાં વચ્ચે વચ્ચે તેઓ જે સમજદારીની વાતો કરતાં, એ બધું હું ધ્યાનથી સાંભળતો.

હું એની ચાંચની તાકાતને માનતો હતો એટલે હું ક્યારેય એની વાતને કાપતો નહીં. મારી વાતોને પ્રેમથી સાંભળવી અને સહન કરવી એ એમની ટેવ બની ગઈ હતી. પણ ક્યારેક ક્યારેક તેઓ લાકડાં પર જોરથી ચાંચ મારીને મને ચેતવણી પણ આપી દેતા.

સંજોગવશ બીજાં પક્ષીઓની જેમ તે પણ બહાર ક્યાંક ચણની શોધમાં ગયા હતા. એટલે હું મારા આશ્રય વડના ઝાડ પર પાછો આવ્યો.

(ક્રમશ 🙂

Total Views: 251

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.