જો તમારે સાચેસાચા સુધારક થવું હોય તો તમારામાં આ ત્રણ બાબતો અવશ્ય હોવી જોઈએ. પ્રથમ તો સહૃદયતા. શું ખરેખર પોતાના ભાઈઓ માટે તમારા પ્રાણ આકુળવ્યાકુળ થઈ રહ્યા છે ? જગતમાં આટલાં બધાં દુ :ખો, આટલાં કષ્ટો, આટલા બધા વહેમો છે, એવું શું તમને સાચેસાચું લાગી ગયું છે ? તમામ મનુષ્યો તમારા ભાઈ છે એવી ભાવના તમારામાં ખરેખર જાગી છે ? શું આ ભાવના તમારા રોમેરોમમાં વ્યાપી ગઈ છે ? શું આ ભાવના તમારા લોહીમાં રગેરગે ઊતરી ગઈ છે ? તમારી નસે નસમાં ધબકી રહી છે ? અને શું તમારા શરીરની પ્રત્યેક નાડીમાં તેનો ઝણઝણાટ થઈ રહ્યો છે ? શું તમે સહાનુભૂતિની ભાવનાથી તરબોળ બન્યા છો ? જો આ બધું તમારામાં હોય, તો સમજ્જો કે એ તો હજી પહેલું જ પગથિયું છે.

બીજી જે બાબત તમારે વિચારવી જોઈએ તે એ છે કે આ બધાને માટે તમે કંઈ ઈલાજ શોધી કાઢ્યો છે ? પુરાણા વિચારો ભલે વહેમોથી ભરેલા હોય, પરંતુ તે વહેમોમાં પણ સત્યના સુવર્ણની લગડીઓ વિદ્યમાન છે. તેનું પૃથક્કરણ કરીને કેવળ તે કાંચન મેળવવા માટે તમે કોઈ ઉપાય શોધી કાઢ્યો છે ? જો તમે તેમ કર્યું હોય તો તે ફક્ત બીજું પગથિયું છે.

હજી એક વધારે બાબતની જરૂર છે. તમારો હેતુ શો છે ? શું તમે સોએ સો ટકા કહી શકો છો કે તમને પૈસાનું પ્રલોભન નથી, કીર્તિની લાલસા નથી કે અધિકારની આકાંક્ષા નથી ? તમારો એવો દૃઢ નિશ્ચય છે ખરો કે ભલે સમસ્ત દુનિયા તમને નીચે પાડવાનો પ્રયત્ન કરે તો પણ તમે તમારા ધ્યેયને વળગી રહીને કાર્ય કરશો ? શું તમને એવી ખાતરી છે કે તમે જે કંઈ ઇચ્છો છો તે તમે બરાબર જાણો છો ? અને તમારા પ્રાણ જાય તો પણ તમે તમારું કર્તવ્ય કરતા જ રહેશો ? શું તમારી એવી અડગ માન્યતા છે કે તમારા જીવનની છેક છેલ્લી ક્ષણ સુધી, તમારા હૃદયના છેક છેલ્લા ધબકારા સુધી તમે તમારા ઉદ્દેશ્યની પૂર્તિમાં લાગ્યા રહેશો ? જો આ બધું તમારામાં હશે તો તમે ખરેખર એક સાચા સુધારક, માર્ગદર્શક, ગુરુ અને મનુષ્યજાતિ માટે આશીર્વાદરૂપ બનશો. પરંતુ માનવી કેવો ઉતાવળિયો તથા ટૂંકી નજરનો છે ! તેનામાં રાહ જોવા જેટલી ધીરજ નથી, તેનામાં યથાર્થ દર્શનની શક્તિ નથી, તે બીજા પર આધિપત્ય જમાવવા માગે છે, તરત જ ફળ જોવાને તે અધીરો બને છે, કારણ ? કારણ કે કાર્યનું ફળ તે પોતે જ ભોગવવા ઇચ્છે છે અને ખરેખર તો બીજાની તેને કંઈ જ પડી નથી; કેવળ કર્મને માટે જ કર્મ

કરવાને તે ચાહતો નથી. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે : कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ‘તારો કેવળ કર્મનો જ અધિકાર છે; કર્મફળમાં કોઈ અધિકાર નથી.’ શા માટે આપણે કર્મફળમાં આસક્ત થઈએ ? આપણે તો માત્ર કર્મ જ કરવાનું છે, ફળ એની મેળે આવ્યા કરશે. પરંતુ માનવીની ધીરજ રહેતી નથી. તે ગમે તે યોજના પ્રમાણે કામ કરવા લાગી જાય છે. સુધારકો થવા ઇચ્છતા દુનિયાના મોટા ભાગના લોકો આ શ્રેણીમાં આવે છે. (સ્વા. વિ. ગ્રંથમાળા : ૫. ૮-૯)

Total Views: 246

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.