(ગતાંકથી આગળ)

જ્યારે હું ત્યાં પહોંચ્યો અને જોયું તો ત્યાં અસંખ્ય કીડા-મકોડા સિવાય બીજું કશુંય ન હતું. એ બધા નકામી ચીજો ખેંચીને જુદીજુદી દિશામાં લઈ જવામાં પડ્યા હતા. વચ્ચે વચ્ચે કોઈ મધમાખી પણ બહારના કામ કરતી કરતી અહીંતહીં ઊડતી પાછી આવી જાય. શ્રીઘૂવડજી તો ઊંઘમાં નસકોરા બોલાવતા હતા. જેવો હું મારી પોતાની ડાળ પર ઊતર્યો, તો મેં કોઈની અદૃશ્ય અને આશ્ચર્યમાં નાખી દેતી ઉપસ્થિતિ અનુભવી. આખો વડ હાલક ડોલક થતો લાગ્યો.

ગભરાવાની કોઈ વાત ન હતી, આ વડ તો જાદુગરની ગૂફા જેવો હતો. ત્યાં અજબ ગજબની અને મોં-માંથા વિનાની વાતો થતી રહેતી. જે વાત ક્યારેય વિચારી પણ ન હોય એવી વાત થઈ શકતી. અહીં અસામાન્ય પણ સામાન્ય લાગે અને સામાન્ય અસામાન્ય લાગે. આ સમજાવવા માટે હું તમને મારા કેટલાક અનુભવ વર્ણવીશ.

ઘણા દિવસો પહેલાં આ જ વૃક્ષ પર હું જન્મ્યો. મને શરૂ શરૂની વાતો યાદ છે. એ વખતે મારા બાળકમન માટે પોતાના શરીરને ઉપાડવું એ ઘણું ભારે કામ હતું, કારણ કે એનાથી મને દબાવ જેવું લાગતું અને હું દુ :ખી દુ :ખી થઈ જતો. હું આમાંથી છુટકારો પામવા માગતો હતો પણ મારી ભૂખ મારા માટે એનાથી પણ વધારે કપરી બની ગઈ. પછીના મહિનાઓમાં થોડી સમજ આવવાથી મેં એટલું જાણ્યું કે અંદરની સમસ્યા જ બહારની સમસ્યા બનીને આવે છે.

શરીરને કારણે ભૂખ (લાગે) અને ખાવાને લીધે શરીરસંસારનું ચક્ર અવિરત ચાલ્યા કરે. કેવી દશામાં હું ઘેરાયેલો હતો! નવાઈની વાત તો એ હતી કે વડ પર રહેનારાં બીજાં બધાં નરમ મગજના હતાં.

ભૂખને લીધે હું મદદ માટે શ્રીમાન હોલા તરફ સરક્યો, એમણે કહ્યું, ‘મુશ્કેલીઓની ચિંતા ન કરો, મુશ્કેલીઓ અસ્થાયી છે અને તમે સ્થાયી છો. જે છે એની ચિંતા કરો. જે નથી એના વિશે વિચારો નહીં. ખુશ રહેવા માટેનો આ જ ઉપાય છે.

જીવનનાં અસ્તિત્વ અને દર્શન સાથે આ મારો પહેલો બોધપાઠ હતો. મને યાદ છે કે એ દિવસે મેં બન્નેને કેટલું સંભળાવ્યું અને એવું પણ ઇચ્છ્યું કે કદાચ બે કાન જ ન હોત તો આ બાજુ મારી ભૂખને કારણે મારા હાલ બેહાલ હતા, ત્યાં આ ભાઈ ખાવાનું આપવાને બદલે ભાષણ આપતા હતા. મોટા થયા પછી મેં દર્શનની વિરુદ્ધ મોરચો ખોલવાનો પ્રયત્ન કર્યોે. પણ કમનસીબીને લીધે મારી બાકીની બીજી આકાશી યોજનાઓની જેમ એ પણ શરૂ ન થઈ.

શ્રીમાન હોલાજી પોતાની જાતને દાર્શનિક માનતા હતા અને દરેક વસ્તુની બાબતમાં સિદ્ધાંત, નિયમ અને એનો ઉકેલ બતાવતા. એમાંથી મોટાભાગના એકબીજાની દલીલો કાપતા, પણ સત્યનો સ્વીકાર ન કરતા. તેઓ હંમેશાં બબડતા સંભળાતા. ‘પક્ષીની ઓળખાણ પોતાના જ વૃક્ષ પર થતી નથી.’ તેઓ જે કંઈ પણ કહેતા તે કરતા. બીજાં પક્ષીઓ એને હસી કાઢતાં. પણ મુસીબત પડે એટલે સલાહ લેવા એમની પાસે જ જાય.

પોતાની સમસ્યાનો ઉકેલ શોધવા માટે એક વખત મને એક મોટો નરકોકિલ મળ્યો. બીજા યુવાપક્ષીઓની જેમ તે મારે મન હીરો હતો. પણ ઘરડાઓને એ પસંદ ન હતો. વળી એ વખતે અમે એ નાપસંદગીનું કારણ જાણતા ન હતા. એ બધાને એવું લાગતું હતું કે આ કોયલની સંગાથે રહેનારા બગડી જાય છે, એટલે અમને એનાથી દૂર રહેવાનું કહેતા. પણ અમને તો એનો સાથ ખૂબ જ ગમતો. એ આકર્ષક પક્ષીનો કૂહૂ… કૂહૂ… એવો મોહક અવાજ અને ઊડા ઊડ કરવું અમારા મનને મોહી લેતું. તે ‘પક્ષી મુક્તિમંચ’નો નેતા હતો. આ સંસ્થાનું કામ શું છે એ કોઈ જાણતું ન હતું. પણ યુવાપક્ષીઓ એમને બહુ પસંદ કરતા હતા અને શ્રીકોયલના બનાવેલાં ગીત મોજથી ગાતા.

રોજની જેમ હું એ દિવસે ભૂખ્યો હતો અને ચણ-ભોજનની શોધમાં હતો. મને આ દુનિયા વિશે વિશેષ સમજણ ન હતી. હું તો મારી પોતાની આંતરિક અને બાહ્ય સીમાઓમાંથી મુક્ત થવા ઇચ્છતો હતો તેથી મને લાગ્યું કે મારી સમસ્યા ‘મુક્તિમંચ’ની સામે મૂકી શકાય. મેં શ્રીમાન કોયલની સામે મારી બીના ઘણી સારી રીતે રજૂ કરી. મારી વાત પૂરી થતાં પહેલાં જ તે ખડખડાટ હસવા લાગ્યો. એણે ઘણા ગંભીર અવાજે કહ્યું, ‘નવજવાન, દુનિયા તારી સામે છે, જાઓ. ચોરી કરો, ધૂતો કે લૂટો, ગમે તે કરો. જીવતા રહેવાની આ જ રીત છે. તમારે ભૂખ સિવાય કંઈ ગુમાવવાનું નથી.’ પછી એમણે મને એમની નજરથી દૂર ચાલ્યા જવાનું કહ્યું.

એમના ખોટા ગોરખધંધા વિશે મને ઘણા સમય પછી ખ્યાલ આવ્યો, સાવ નકામો !

‘પક્ષી મુક્તિમંચ’ તો એ મહાશયે પોતાનાં બાળબચ્ચાંની જવાબદારીમાંથી બચવા માટે બનાવ્યો હતો. વડ ખરેખર ઘણું અનોખું વૃક્ષ હતું. એટલે જ્યારે મને ત્યાં કોઈ અદૃશ્યની ઉપસ્થિતિનું ભાન થતું ત્યારે મને ડર ન લાગતો.

(ક્રમશ 🙂

Total Views: 204

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.