ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું; આ એ જ આર્યાવર્ત છે કે જેની આધ્યાત્મિક્તાનું પ્રતિનિધિત્વ જાણે કે સાગર સરખી ધસમસતી સરિતાઓ ભૌતિક ભૂમિકાઓ પર કરી રહી છે; આ એ જ ભારત છે, જ્યાં પુરાતન નગાધિરાજ હિમાલય હિમના થર ઉપર થર ચડાવીને ઊંચો જતો જતો પોતાનાં તુષારમંડિત શિખરો વડે ખુદ આકાશનું રહસ્ય ભેદવાનો જાણે કે પ્રયત્ન કરી રહ્યો છે; આ એ જ ભારતભૂમિ છે, જેની ધરતીને જગતમાં થઈ ગયેલા મહાનમાં મહાન ઋષિઓનાં પાવનકારી ચરણોનો સ્પર્શ થયેલો છે. માનવીની પ્રકૃતિ વિશેની તેમજ આંતર જગત વિશેની ખોજ પહેલવહેલી આ ભૂમિમાં થઈ. આત્માના અમરત્વનો સિદ્ધાંત, જગન્નિયંતા તરીકે ઈશ્વરના અસ્તિત્વનો સિદ્ધાંત, પ્રકૃતિમાં તેમજ મનુષ્યમાં ઈશ્વર વ્યાપી રહેલો છે એવો સિદ્ધાંત સૌ પહેલાં આ ભૂમિમાંથી જ ઊઠ્યો; ધર્મના અને ફિલસૂફીના ઉચ્ચમાં ઉચ્ચ આદર્શાે તેમના સર્વોચ્ચ શિખરે આ ભૂમિમાં જ પહોંચ્યા. જ્યાંથી આધ્યાત્મિક્તા અને ફિલસૂફીએ વારંવાર ભરતીનાં મોજાંની પેઠે બહાર ધસી જઈને દુનિયાને તરબોળ કરી મૂકી તે ભૂમિ આ છે; અને માનવજાતિની અધ :પતિત પ્રજાઓમાં ચેતના અને જોમ પૂરવા અર્થે આવી ભરતી ફરી એક વાર જ્યાંથી ઊઠવી જોઈએ તે ભૂમિ પણ આ જ છે.

આ એ જ ભારતવર્ષ છે, જે સદીઓના આઘાતો, સેંકડો પરદેશી આક્રમણો તેમજ રીતભાતો અને રિવાજોની સેંકડો ઊથલપાથલો સામે ટક્કર ઝીલીને ઊભો છે. આ એ જ ભૂમિ છે, જે અદમ્ય જોમ અને અવિનાશી જીવન લઈને દુનિયા પરના કોઈ પણ પહાડ કરતાં વધુ મજબૂત થઈને ઊભેલી છે. એનું જીવન આત્મા સરખા જ સ્વભાવનું, અનાદિ, અનંત અને અવિનાશી છે; આવા દેશનાં આપણે સંતાનો છીએ.

ભારતનાં સંતાનો ! …આપણે ભવિષ્ય તરફ દૃષ્ટિ દોડાવવી જોઈએ, એ વાત સાચી છે. પરંતુ ભવિષ્યકાળની રચના ભૂતકાળ ઉપર થાય છે. માટે, બને તેટલી પાછળ દૃષ્ટિ નાખી લો, ભૂતકાળનાં સનાતન ઝરણાઓમાંથી આકંઠ જળપાન કરી લો; ત્યાર પછી આગળ જુઓ, આગે બઢો અને ભારત પૂર્વે હતું તેના કરતાં તેને વધુ ઉજ્જ્વળ, વધુ મહાન અને વધુ ઉન્નત બનાવો. આપણા પૂર્વજો મહાન હતા. પ્રથમ આપણે એ યાદ કરી લેવું જોઈએ. આપણે આપણા અસ્તિત્વનાં મૂળભૂત તત્ત્વો વિશે, આપણી નસોમાં કયું લોહી વહે છે તે વિશે જાણી લેવું જોઈએ. એ લોહીમાં અને ભૂતકાળમાં એ લોહીએ શું શું કાર્ય કર્યું છે તેમાં આપણને શ્રદ્ધા હોવી જોઈએ; તથા એ ભૂતકાળની મહત્તા વિશેની શ્રદ્ધા તથા ખ્યાલ સાથે અગાઉ કરતાં વધુ મહાન એવું ભારતનું ઘડતર આપણે કરવું જોઈએ. …એક વિશાળ વૃક્ષ સુંદર પરિપક્વ ફળ ઉત્પન્ન કરે છે; એ ફળ જમીન પર પડે છે; …ભાવિ ભારતનો ઊગમ થઈ રહ્યો છે; એનો ફણગો ફૂટ્યો છે, પહેલાં કૂંપળ નીકળી ચૂક્યાં છે; અને એક વિશાળ, પર્વતપ્રાય ઊર્ધ્વમૂલ વૃક્ષ દેખાવાની શરૂઆત થઈ ચૂકી છે. (સ્વા. વિ. ગ્રંથમાળા : ૪ : ૧૯૩-૧૯૫)

 

Total Views: 363

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.