(ગતાંકથી આગળ)

સ્વાભાવિક – આ શબ્દ મારા વ્યક્તિત્વનું સંપૂર્ણપણે વર્ણન કરે છે. હું જે છું તે છું મારી દૃષ્ટિએ એ દિવસોમાં પણ હું મારા આ સ્વભાવને લીધે અલગ દેખાતો હતો. વડ પરનાં પક્ષીઓએ મને અસ્વાભાવિક ગણ્યો, કારણ કે હું અસ્વાભાવિક ન હતો પણ સ્વાભાવિક હતો. તો પછી કદાચ તમે વિચારશો કે સ્વાભાવિક હોવા છતાં હું અસ્વાભાવિક પ્રદેશમાં કેમ છું, ભાઈઓ ? આ વાર્તા આની જ છે.

મેં વળી એક નવો પ્રયત્ન કર્યો, ‘શ્રીમાન, આપ કોણ છો ?’

અવાજે મને પૂછ્યું, ‘નામમાં છે શું ?’

નિરવતા તૂટતાં જ હું સહજ સામાન્ય બન્યો અને મેં પૂછ્યું, ‘આપનું રૂપ કેવું છે ?’

અવાજ : ‘અરે ભાઈ, રૂપમાં છે શું ?’

ટિયા : ‘આપને મારી પાસે શી અપેક્ષા છે ?’

અવાજ : ‘કાર્યમાં છે શું ?’

ટિયા : ‘આપ અહીં શા માટે આવ્યા છો ?’

અવાજ : ‘ધ્યેયમાં છે શું ?’

ટિયા : ‘આપ ક્યાંથી આવ્યા છો ?’

એમના ઉત્તરના વલણ પરથી મને ખ્યાલ આવ્યો કે મારા પ્રશ્નો નિરર્થક હતા.

‘જ્યાં હું, ત્યાં ઘર’

અરે, ક્યાં હું – મારા સંગીતમય નામ ટિયા પર, મારી જાતો પર, મારા વડના ઝાડ પર, મારી ચાતુરી અને વિચારદૃષ્ટિ પર અભિમાન ધરાવતો હતો અને ક્યાં વળી તે – નિરાકાર, અનામી, ક્રિયાવિહીન, ધ્યેયહીન બેઘર અવાજ. મારી મહત્તા, મારા વિચારો, મારા ઉકેલો અને સિદ્ધાંતોને આમ હવામાં ઉડાડી દેવાની એને કેમ કરીને હિંમત થઈ ?

હું શાંત રહ્યો. જો કે પક્ષી હોવાને કારણે મારા માટે ચૂપ રહેવું અશક્ય હતું. પણ હું જાણતો હતો કે કઠિન પરિસ્થિતિઓમાં પોતાની જાતને બચાવવાનો આ એક સારો ઉપાય હતો. કોઈ હિંમતવાન સામે તો આ ઉપાય ખૂબ ઉપયોગી નીવડી શકે. ભાવનાઓના શબ્દોની ટેકણલાકડીની આવશ્યકતા નથી હોતી. શ્રીમાન અવાજે મારી નારાજગીને અનુભવી હશે, કારણ કે તેમણે અચાનક કહ્યું, ‘જો તમને ઠીક લાગે તો મને હંસ કહીને બોલાવજો. હું નામ જેવી સામાન્ય બાબતોને વધુ મહત્ત્વ આપતો નથી.’ હું ચૂપ રહ્યો અને એમણે બોલવાનું ચાલુ રાખ્યું, ‘ટિયા, તું તને જાણે છે એના કરતાં કંઈક વધારે સારો છો અને તું ધારે છે તેના કરતાં કંઈક વધારે મેળવી શકીશ. આ બધું તારે અનુભવથી શીખવું જરૂરી છે. એટલે જ તારે આ જગ્યાએથી બહાર નીકળવું પડશે.’

બાપ રે બાપ ! આ શબ્દો નક્કી કોઈ પાગલખાનામાંથી આવતા હતા. વિચારીને મેં કહ્યું, ‘શ્રીમાન, બધાં જ પક્ષીઓ સમાન હોય છે અને દરેક મહાન હોય છે. અમે આ વિશે એક આંદોલન પણ ચલાવ્યું છે અને મને એ કહેતાં ઘણો ગર્વ થાય છે કે આ આંદોલનનો હું એક સક્રિય સભ્ય પણ છું.’

 

‘નિ :શંક, તારી સિદ્ધિઓ માટે તને ધન્યવાદ, પણ તું તારી આ મૂર્ખતા સમજીને સાચી વાત સમજવા માગતો હો તો દુનિયામાં આવી નકામી વાતો કરતાં પણ વધારે મહત્ત્વની બાબતો છે. બધાં પક્ષી સમાન છે એ બાબતને સમજવાનો અને અમલમાં મૂકવાનો સમય હજી આવ્યો નથી. પણ તારો સમય આવી ચૂક્યો છે અને એ ‘કેવી રીતે અને શા માટે’ એવું પૂછતો નહીં.

એ સમય વળી કેવો ? આ અશરીરી અવાજનું દિમાગ ફાટેલા ફણસ જેવું હતું, પણ એના શબ્દો સકારાત્મક અને હિંમત અને આશા વધારનારા હતા, એટલે હું કંઈ બોલ્યો નહીં. મને એ વાતનો આનંદ હતો કે મેં પણ બધાં ‘પક્ષીઓની સમાનતા’નો નિયમ છોડ્યો નહીં. પણ આ વડલાને છોડવો ? મારા ગળે આ વાત ઊતરતી ન હતી.

‘શ્રીમાન, આ વડના ઝાડ પર અહીં બધું ન મેળવી શકું ?’

‘વડ એ જીવનનો અંત નહીં, શરૂઆત છે. એક દિવસ તને એ સમજાઈ જશે કે જિંદગીમાં આ વૃક્ષ કરતાં બીજું ઘણુંય છે. એકવાર શરૂ તો કર, બાકીનું બધું એને મેળે ચાલ્યું આવશે. તું દુનિયાનું ઘણું બધું જોઈશ, સમજીશ અને એનો અનુભવ પણ કરીશ. આ અનુભવ કડવા પણ હોઈ શકે અને મીઠા પણ. પણ તારે તો તારા પથે ચાલતા જ રહેવું પડશે. એક જ અનુભવને વળગી રહેવું એ તને સીમિત બનાવી દેશે. જ્યારે તને કોઈ શંકા થશે ત્યારે તને મારો અવાજ સંભળાશે. મને તું તારો ક્ષેમકલ્યાણ કરનારો અને માર્ગદર્શક સમજજે. મારી સલાહ છે કે તું મારી વાત સાંભળજે, નહીં તો…’

‘નહીં તો એટલે શું ?’ મેં તેને વાક્ય પૂરું કરવા દીધું નહીં. હવે મારો પોપટિયો લીલો અહમ્ પૂર્ણપણે જાગી ઊઠ્યો અને મારા શબ્દો કઠોર બની ગયા.

‘તું વધારે નીચે અને નીચે પડતો જઈશ.’

‘નીચે જવું એ કંઈ દૂર નથી.’ મેં આ વાતને મજાકમાં લેતાં કહ્યું. એ વાતને જરા રસદાર બનાવી મેં વૃક્ષની નીચે જોયું.

‘હં ! મૂર્ખ પોપટ, અર્થને જાણ્યા સમજ્યા વગર તું કેટલાક શબ્દો ગળી ગયો છે અને જાણ્યા વિના એમનો ઉપયોગ કરે છે. ગુસ્સામાં સમજદારી કે બુદ્ધિ હોતાં નથી. એ વાત તું જલદી સમજી જઈશ.’

એમના કહેવાના લહેકામાં ચેતવણી હતી. હવે મેં આ નિરાકાર સામે મૂક રહેવામાં જ મારી ભલાઈ સમજી. છતાંય તેમણે બોલવાનું ચાલુ રાખ્યું. ભાઈ, તું આટલું સમજી લે કે તું બીજાં બધાંથી ભિન્ન છો;

તું તારી જાતને માને છે તેના કરતાં પણ વધારે છો, કેટલોય વધારે ભિન્ન છો. તારે એની વાસ્તવિકતા કાર્ય દ્વારા જાણવી પડશે. અને પછી તારે પોતાની ઉપલબ્ધિઓ દ્વારા એને જીવનમાં કાર્યાન્વિત કરવી પડશે. મેં તને આ પહેલાં કહ્યું હતું તેમ મારા શબ્દો દ્વારા તને હું માર્ગદર્શન આપતો રહીશ. જ્યારે તું મને જોવા માટે ઉત્સુક બની જઈશ ત્યારે હું હંસરૂપે તારી સમક્ષ આવી જઈશ. પણ જો મારું વાસ્તવિકરૂપ જોઈ લઈશ ત્યારે તું ભાન ગુમાવી બેસીશ.

હંસ હોશ, બેહોશ, બદહોશ… હા ! હા ! તે સારી એવી મજાક કરી લેતો.

અમે દર વર્ષે હંસોને અમારા વિસ્તારમાંથી પસાર થતા જોતા. ત્યારે તેઓ ક્યારેય આરામ લેવા અમારા વડલા પર રોકાતા નહીં. તેઓ ઘણા સુંદર અને સારા મજાના દેખાતા. તેઓ અમારી સાથે ક્યારેય ન રોકાતા. એટલે અમે એમને અભિમાની માનતા. શ્રીમાન હંસે મારી નજરે પોતાનું સન્માન વધાર્યું, પણ અમને તેઓ થોડા ઘમંડી લાગ્યા. એ વખતે હું કેટલીક ખોટી માન્યતા ધરાવતો હતો.

શ્રીમાન હંસને જોવા હું ઉત્સુક હતો, પણ વ્યાકુળ નહીં. એટલે કંઈ ન થયું.

મને અચાનક ખ્યાલ આવ્યો કે તેઓ ચાલ્યા ગયા અને હું મારી જાતને એકલો અનુભવવા લાગ્યો. હું એમનો સાથ થોડી વધારે વાર ઇચ્છતો હતો, પણ હવે બાહ્ય ખાલીપણાએ ભીતરના ખાલીપણાને ભરી દીધું.

હંસ મહારાજના શબ્દો એટલા પ્રબળ હતા કે તેમને ઉવેખી ન શકાય. એટલે પરિણામની પરવા કર્યા વિના અને સાથી પક્ષીઓ પાછાં ફરે એની રાહ જોયા વિના હું વડલા પરથી અજાણ્યા સ્થળ તરફ અજ્ઞાત પથે નીકળી ગયો.

દાદા ઘૂવડની વાણી સાચી પડી.

(ક્રમશ 🙂

Total Views: 222

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.