(ગતાંકથી આગળ)

દુષ્ટ વૃત્તિવાળાં પૂતળાં

કામિલની સાથે વિતાવેલ દિવસો વ્યર્થ ગયા. તેમની સાથે મેં કેટકેટલાં સ્વપ્ન સેવ્યાં હતાં, પણ એ બધાંનો અંત દુ :ખદ નિવડ્યો. મારી આશાઓ પર પાણી ફરી વળ્યું હતું અને હવે મને ગુસ્સો આવવો સ્વાભાવિક હતો.

આ ક્રોધે મને એક ઊર્જા આપી. જે ગતિએ હું ઊડી રહ્યો હતો એટલી જ ઝડપથી હું મારી પોતાની સાથે વાતો કરતો હતો. ભડકે બળતા અગ્નિની ચારે બાજુ હાથમાં ભાલા ધારણ કરેલા નર્તકોની જેમ મારા માથાની આજુબાજુ ઘેરાતા શબ્દો કંઈક આવી રીતે આવતા હતા :

નમૂરખ, તેં એમ કેમ ધારી લીધું કે સૌંદર્ય એટલે શુભ અને સ્થિરધીર છાંયડી? કોયલજી સાથે આનાથી જુદો અને ખોટો અનુભવ મેળવ્યો અને શ્રીમાન લક્કડખોદે તમને વારંવાર જણાવ્યું હતું કે જે સુંદર હોય તે સજ્જન જ હોય તેવું જરૂરી નથી. આ પહેલાં પણ તેં આવો કડવો અનુભવ કર્યો છે. હે શ્વાનમતિ, તેં કંઈ બોધપાઠ મેળવ્યો હોય તેવું લાગતું નથી.’

એવી આશા તો હંમેશાં રહે છે કે દરેક નવો અનુભવ તેની પહેલાંના અનુભવ કરતાં ભિન્ન જ હોય અને દરેકને એવો વિશ્વાસ હોય છે કે હવે તેને કડવો અનુભવ નહીં થાય.

તમારી પોતાની અસફળ આશાઓની લાલ રેખા પોતાના ગળાની ચારેકોર લઈને ફરતા રહો.

અરે મેં કામિલનું મોં ઉઝરડ્યું હોત તો!

હંમેશાં ઘટના ઘટી જાય પછી જ અક્કલ આવે.

હું એ વાતે સંમત છું. મને કામિલ પર, સૌંદર્ય પર, દુનિયા પર અને મારા નશીબ પર ઘણો ગુસ્સો આવે છે. અરે હું મારી જાત પર પણ ગુસ્સે છું. મને તો હંમેશાં દગો જ મળ્યો છે.

કામિલને એક માઠું સપનું સમજીને ભૂલી જાઉં. જો તમને દગો દીધો હોય તો તે માટે તમે પોતે પણ જવાબદાર છો. તમારી ઇચ્છાઓ અને આશાઓએ ઈંધણનું કામ કર્યું છે. કામિલે તો કેવળ ચિનગારી જ દેખાડી. હવે શાંત થઈ જાઓ.

હું શાંત પણ થઈ જાઉં… જો હું જીવતા સિંહની ચામડી ખેંચી લઉં, મારા પોતાના પગથી હાથીને ઠોકર મારીને પાડી દઉં અને મારા શ્વાસની ફૂંકથી ઝાડને ઉખેડી દઉં. તો હું શાંત પણ થઈ જઈશ…

મેં દૂર એક હાથી જોયો અને ક્રોધાંધ બનીને તેને ઠોકર મારવા આગળ વધ્યો. મને નજીક આવતો જોઈને તેણે પોતાની સૂંંઢ મારા પર આક્રમણ કરવા માટે ઝડપથી ઊંચી કરી. કદાચ એ મારા ઈરાદાને ઓળખી ગયો હતો. મેં રસ્તો બદલી દીધો. કદાચ કામિલ દેશથી આવનાર દરેક પોતાનો ગુસ્સો એ બિચારા પર ઉતારતા હતા.

શ્રીમાન હંસરાજ ! મગજ બગાડનારા ! ઝેર ઘોળનારા! હું અસાધારણ છું એવો વિશ્વાસ તમે મને શા માટે અપાવ્યો? તમે શા માટે મને આ ઝંઝાળમાં ધકેલ્યો? મને શા માટે મારા શરીરથી અલગ કરીને પોતાની રીતે એક ભિન્ન અવાજ બનાવી દેવા ઝંખતા હતા? હંસજી પ્રત્યેના મારા ઉદ્ગાર માટે હું આજે શરમ અનુભવું છું. પણ હું શું કરું? ક્રોધ તો કોઈનીયે સમતુલા ગુમાવી દે છે. ગુસ્સો હતો છતાં પણ હંુ ઊડતો રહ્યો અને થોડીવારમાં એક બાગમાં જઈ પહોંચ્યો. અહીં એક મોટા વૃક્ષની ડાળી પર હું ધડામ દઈને ઊતર્યો. મને લાગ્યું કે મારા ગુસ્સાના ભારથી આ ડાળ તૂટી જશે કે થોડીક મરડાઈ જશે અને એનાં પાંદડાં ગુસ્સાની આગથી સળગી જશે. પણ આવું કંઈ ન થયું અને હું નિરાશ થઈ ગયો.

મેં જોયું તો મારી પાંખોમાંથી લોહી નીકળતું હતું અને મારા નખ ધારદાર થતા બંધ થયા. જે વિશાળ બાગમાં હું આવીને ઊતર્યો તે મને એક વેરાન ખંડેર જેવો લાગ્યો. એ પ્રતિમાઓથી ભરેલો હતો. એ મૂર્તિઓની ચમકથી એવું લાગ્યું કે આ ખંડેર ક્યારેક આલિશાન ભવન હશે. એની સુંદરતા અત્યારે મને ન દેખાણી પણ એ મને ગમ્યું ખરું. સુંદરતાના ભયાનક રૂપે મને ગભરાવી દીધો એટલે મેં એને જોયું ન જોયું કર્યું. એ તો હતાં માત્ર પૂતળાં. ડાળ પર બેઠાં બેઠાંં મને ઊંઘનું ઝોકું આવતું હતું ત્યાં જ અચાનક મેં એક પૂતળાને ગુસ્સા સાથે ‘અક થૂ’ થૂંકતાં જોયું.

એક પૂતળું અને વળી એ કેવી રીતે થૂંકી શકે ? મને સપનું જ આવતું હશે. ખાતરી કરવા મેં ચારેતરફ જોયું. અરે ભગવાન ! આ પૂતળાં તો ખરેખર એકબીજા પર થૂંકે છે. હું સપનું જોતો ન હતો. એ નરી વાસ્તવિકતા હતી.

મારી સાથે શું થઈ રહ્યું છે? નિરાકાર અવાજ, ધારદાર તેજ આંગળિયો અને હવે આ થૂંકતાં પૂતળાં. હવે આગળ શું શું જોવાનું હશે, નાચતાંં વૃક્ષો?

મેં આ ન માની શકાય એવા દૃશ્યને ધ્યાનથી જોયું. આશ્ચર્ય ! આ બાવલાંં કમરથી ઉપરના ભાગથી માનવ જેવાં જીવંત અને તેની નીચેથી પથ્થર ! જાણે બાળકો બાવલાં બાવલાં રમતાં હોય એવું દૃશ્ય. ફરક કેવળ એટલો જ કે આ રમત ન હતી પણ વાસ્તવિકતા હતી. અહીં કોઈ વિકલ્પ ન હતો, કેવળ લાચારી હતી.

હવે હું પણ વિચારમાંં હતો ત્યાં એક પૂતળું મારા પર થૂંક્યું. એ થૂંક મારા પર ન પડ્યું, પણ બીજા પર પડ્યું. જેના પર થૂંક પડ્યું એણે પેલા પર થૂંક ઉડાડ્યું, પણ એ બચી ગયો. વળી એ થૂંક કોઈ બીજા ઉપર જઈને પડ્યું. પછી તો થૂંકવાનું જોરશોરથી જામી ગયું. તેઓ પૂરે પૂરા જોશથી એકબીજા પર થૂંકવા લાગ્યાં. થૂંકની પિચકારીઓ એકથી બીજા પર અને બીજાથી ત્રીજા પર પડતી ગઈ. આ બધાં એકબીજા પર શા માટે થૂંકતાં હતાં? અંદર આટલું થૂંક ક્યાંથી આવતું હશે ! હે રામ !

એમની મદદ કરવી એને મેં મારું કર્તવ્ય ગણ્યું.

એટલામાંં કોઈએ પૂછ્યું, ‘અરે એ બે-પગિયા, કીડા, વાંકા નાકવાળા, અહીં ક્યાંથી આવી ચડ્યો? શું તારી પાસે તારું માથું રાખવા કોઈ દર (ભોંણ) નથી? અરે લીલા ૫રોપજીવી પ્રાણી જુઆ! અમારી જમીન પર શા માટે આવી ચડ્યો? ચાલ, નીકળ અહીંથી.’ આમ કહીને એ મારા ઉપર જોરથી થૂંક્યો.

એની પિચકારીથી હું ફરીથી બચી ગયો. મોટાભાગના લોકોની જેમ આ લોકો પણ કામમાં સુસ્ત અને બડાશ હાંકવામાં ચુસ્ત હતા. એ થૂંક મારા પર ન પડ્યું પણ એને બદલે બીજાના ઉપર જઈને પડ્યું. એટલે આસપાસ, અરસપરસ ફરીથી થૂંકવાનું શરૂ થઈ ગયું ! ચીસો પાડવામાં શૂરા અને કામ કરવામાં ઢીલાઢફ માટેનું ઈનામ હોય તો પણ કોઈ બીજા ન જીતી શકે. કારણ કે આ બધા એમાં મહારથી હતા.

હવે મને જરાય સહાનુભૂતિ થતી નથી. કામિલના કારણે થયેલી દુર્ગતિનો બચેલો ગુસ્સો હવે પૂરેપૂરો બહાર આવ્યો. મારી પાંખો ફફડાવવા લાગ્યો અને મારી છાતી આવેશમાં ફુલાઈ ગઈ. ક્રોધમાં ને ક્રોધમાં હું ફુગ્ગાની જેમ ફૂલી ગયો. હું એક આઝાદ પક્ષી હતો. ક્યાંય વસવા, રહેવા, જોવા-નીરખવા અને બોલવા કે બોધ આપવા સાવ આઝાદ હતો.

‘તમે શું એક પરવશ કાંકરા પથ્થર છો ? બેકાર બેઠા બેઠા આખો દિવસ થૂંકનારા! સારું થયું કે આ એક જગ્યાએ બંધાઈને બેઠા છો, નહીં તો આખી દુનિયા થૂંકદાની બની જાત, કમજાત.’ જો હું મારો ગુસ્સો ન કાઢત તો હું મારા પોતાના ગુસ્સામાં પોતે જ સળગી જાત. બાવલાઓની ગુસ્સા સાથેની પ્રતિક્રિયા એકી સાથે થઈ. બધાંનાં મોં મારા તરફ હતાં અને બધાં મારા પર થૂંકવા લાગ્યાં. કદાચ આ પહેલાં થૂંક ફેકવાં મારા જેવો મરઘો મળ્યો નહીં હોય. હું કંઈ કરું તે પહેલાં એ બધાં પૂતળાંને પથ્થર બની જતાં જોયાં. ચાલવા, હરવાફરવા માટે નકામાં. હવે તો તેઓ જોરશોરથી ગાળો ભાંડવા માંડ્યાં.

લોકો ભલે ગમે તે ધારે પણ અમે પક્ષી વાસ્તવમાં કબૂતરમગજનાં નથી હોતાં. આ તકે મેં પોતાના મગજથી કામ લીધું – થૂંક – ગુસ્સો – પૂતળું. ગુસ્સામાં આવવાને લીધે આ બાવલાં પથ્થરનાં પૂતળાં બની જાય છે. ઘણી ડરામણી વાત હતી. હવે મને સમજાયું કે હંસ મહારાજે મને ગુસ્સે ન થવા માટે ચેતવણી આપી હતી.

પણ હવે મોડું થઈ ગયું હતું. મારા પોતાના ક્રોધને કારણે મારા પગ પણ પથ્થર બનવા માંડ્યા. આ મારા ગુસ્સાનું પરિણામ ! હે રામ ! મેં આ શું કરી નાખ્યું ?

હું ધ્રૂજવા અને હાંફવા લાગ્યો અને પરસેવે રેબઝેબ થઈ ગયો. મારાં સુખદ આશા-ઉમંગનો આ ભયંકર કરુણ અંત. મુસીબતોની પળે સદાની જેમ આ પળે પણ મારો વડલો મારી આંખ સામે તરવા લાગ્યો.

‘ટિયા, હસો, ગુસ્સો છોડો અને હસો.’

આ શ્રીમાન હંસરાજ મહારાજનો અવાજ હતો. હું એમને જોઈ શકતો ન હતો. પણ એમની હાજરી અનુભવતો હતો. અલબત્ત હું ગભરાઈ ગયો હતો, પણ એમનો અવાજ સાંભળીને શાંંત થયો. એમની અદૃશ્ય ઉપસ્થિતિએ મને શાંત કર્યો અને એમની સલાહથી હું પથ્થર બનતાં બચી ગયો. હું મારી જાતને શાંત કરવા વધારે ને વધારે હસવા લાગ્યો. આ હાસ્ય પેલાં દુષ્ટ બાવલાં માટે ઓછું અને મારા માટે વધારે ફાયદાકારક હતું. કેટલીક બાબતો જે ક્યારેક જિંદગી માટે એક જોખમ બની જાય છે તે અન્ય પરિસ્થિતિઓમાં બચાવનો ઉપાય કે રસ્તો બની જાય છે, શું આ સરસ મજાની વાત નથી ?

ઓચિંતાનો મેં કામિલોનો આભાર માન્યો. એમની પાસેથી શીખેલી મીઠી વાણી આજે મહાન ભયંકર જોખમમાંથી બહાર નીકળવામાં મારી મદદે આવી રહી હતી. આવશ્યકતા માનવ પાસે અણધાર્યાં કરતૂતો કરાવે છે. હવે હંુ જાણે કે મીઠાશનું મૂર્તિમંત રૂપ બની ગયો. હવે તો હું મારા જૂના મિત્ર કામિલને મીઠી વાણીના પાઠ ભણાવી શકું તેમ હતો.

મેં મારાં સૌથી વધુ નજીકનાં બાવલાંને સંબોધીને કહ્યું, ‘શ્રીમાન, જ્યારે આપને ખબર છે કે ગુસ્સો કરવાથી આપ પથ્થરમાં ફેરવાઈ જશો, તો પછી ગુસ્સો શા માટે કરો છો? ગુસ્સે થવું, ગાળો ભાંડવી, થૂંકવું વગેરે છોડી દો અને મુક્તિ મેળવો. બધાંને ચાહતાં શીખો, એનાથી જ આપ મુક્તિ મેળવી શકો છો.’

મારા ઈરાદા પ્રામાણિક હતા. એટલે મારા શબ્દોએ મને મુક્તિ અપાવી દીધી. પણ જેમને માટે એ શબ્દો કહેવાયા હતા એ દુષ્ટ પૂતળાંં પર એની કંઈ અસર ન થઈ.

‘જા, જા, અહીંથી રવાના થઈ જા. બડબડિયા, મૂરખા ! શું તને જ જીવવાની કળા આવડે છે ? મને પણ આવડે છે. આ નકામાઓની ભલાઈ માટે હું આટલું કષ્ટ વેઠું છું, મારું પોતાનું જીવન ન્યોછાવર કરીને પણ હું એમની જિંદગી બદલવા માગું છું.’

એમનામાં કોઈ પરિવર્તન કે સુધારણા જોઈ ન શકાઈ. હું પથ્થરમય વ્યક્તિત્વમાંથી ફરી પાછો પહેલાંના રૂપમાં આવી ગયો. પરંતુ સુનિશ્ચિત કરવા માટે મેં કહ્યું, ‘શ્રીમાન, આપના ગુસ્સાથી અહીં કોઈ પરિવર્તન આવ્યું લાગતું નથી. હું ખરા દિલથી આપણા દેશ માટે કંઈક કરવા ઇચ્છું છું. જો હું આપ સૌમાંથી એક ને પણ મુક્તિ આપી શકું તો એ મારું અહોભાગ્ય ગણાશે.’

‘જા, જા, અહીંથી રવાના થઈ જા, કીડાખાઉ, જા નરકમાં પડ.’ તે એટલો બધો ક્રોધે ભરાયો કે મહામહેનતે મારા પર થંૂકી શક્યો. તે નિશાન ચૂકી ગયો અને બીજાં બે દુષ્ટ બાવલાં પર એ ઊડ્યું. પછી તો થૂંકવાનો એ જ ક્રમ ચાલુ થયો !

હું હૃદયથી ખડખડાટ હસી પડ્યો અને ઊડવાનું શરૂ કર્યું. બીજાને મારું હાસ્ય કેવું લાગ્યું હશે એની મને ખબર નથી – કદાચ નાટકીય પણ લાગ્યું હોય.

(ક્રમશ 🙂

Total Views: 252

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.