ગયા અંકમાં આપણે ટિયાની મદમતમલ સાથે મુલાકાત જોઈ, હવે આગળ…

હવે એણે (મદમતમલે) પોતાનો પરિચય આપ્યો. એમની વાર્તા મારી અપેક્ષા કરતાં વધારે સરળ હતી. તે મદમતમલ જાતિનો હતો. એમના જીવનમાં એક જ લક્ષ્ય હતું – ઊંચાઈએ પહોંચવું અને ત્યાં જ રહેવું. એમની જાતિના બીજા સભ્યો કરતાં મદમતમલના પગ વધારે તાકાતવાન હતા. એ પગની મદદથી તે ઊંચાઈઓ પર ચડીને બધી હરીફાઈ જીતી ગયો હતો અને શ્રેષ્ઠ પુરવાર થયો હતો. એને કોઈ પણ પ્રકારની નિકટતા પસંદ ન હતી. પોતે તણાવરહિત બનવા માટે હંમેશાં મનમાં ને મનમાં આવું ગાતો રહેતો :

‘સૌથી ઊંચો હું, સૌથી સારો હું, જીવનના મદમત શિખર પર.’

મેં આવી અહંકારી વિચારસરણી ક્યાંય જોઈ ન હતી. વડ પરના દિવસો દરમિયાન નીલકંઠ પક્ષી સ્નાન કરતાં કોઈનો હાર ઉઠાવી લાવ્યો. અમે વિરોધ કર્યો કે આ ચોરેલી ચીજ આ પવિત્ર વડલા પર ન રાખી શકાય, પણ અમને ચૂપ કરવા નીલકંઠે એ હાર ‘યુવા પક્ષી ક્લબ’ને દાનમાં આપી દીધો. એણે શરત રાખી કે દર વર્ષે એક સ્પર્ધા યોજવી અને તેમાં પ્રથમ ક્રમે આવનાર પક્ષીને આ હાર આપવો. નવાઈની વાત તો એ હતી કે ચોરાયેલ હાર વિશે જે પક્ષીઓ મોટે અવાજે રજૂઆત કરતાં હતાં તેઓ જ ઈનામમાં હાર મેળવવાની લાલચમાં રાજીખુશીથી સંમત થઈ ગયાં. ‘અજબ છે રે જગતની રીત’ મેં વિચાર્યું અને સ્પર્ધા યોજવાની તૈયારી કરવા લાગ્યો. કમનશીબે દરેક પક્ષીમાં કોઈને કોઈ વિશેષતા કે ખાસિયત હતી. એકબીજાથી ચડી જાય એવું એમનામાં કંઈ ન હતું. કોઈ પક્ષી ખાસ ન હતું તો વળી કોઈ પક્ષી એટલું ખરાબ પણ ન હતું. એટલે વિજેતાની પસંદગીમાં કોઈ રીત ન હતી. દિમાગ લગાડ્યો, પાંખ ફફડાવી પણ કંઈ ઉકેલ ન મળ્યો. છેવટે કોઈ બુદ્ધિશાળીએ ઉકેલ બતાવ્યો કે જે સૌથી વધારે દૂર જોઈ શકે તે વિજેતા બને. આ ઉકેલ સૌએ માન્ય રાખ્યો. પહેલેથી જાહેર થયેલી તારીખે સ્પર્ધા યોજાઈ. એ હકીકતથી બધાં ગભરાણાં કે શ્રીમાન ઘૂવડ સિવાય બધાં પક્ષીઓ સૂરજ સુધીના દૂરના અંતરે જોઈ શકતાં હતાં અને એ જ સૌથી વધારે દૂરનું અંતર હતું. પછી એવું નક્કી થયું કે બધાં એ હારને વારાફરતી એક એક દિવસ પોતાની પાસે રાખે. આ વિશે બધાં સંમત થયાં. પછીથી શ્રીમાન ઘૂવડની ઉંમર અને સારી સેવાને ધ્યાનમાં રાખીને તેનું નામ પણ ‘હાર પુસ્તિકા’માં લખી લીધું. આ વાર્તા કહેતી વખતે પણ પછીના પક્ષીને ઈનામ દેવાનો ક્રમ ચાલુ રહ્યો છે. આવી વ્યવસ્થામાંથી આવનારા મને શ્રીમાન મદમતમલના હાવભાવ અમર્યાદાપૂર્ણ લાગ્યા અને મેં એમની સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું.

‘શ્રીમાન મદમતમલ, આપને આ ઊંચાઈએ એકલા કેવું લાગે છે?’

‘સૌથી ઊંચો હું, સૌથી સારો હું, જીવનના મદમત શિખર પર.’

મને ઘણો ગુસ્સો આવ્યો. કોઈ બીજાની પ્રશંસાનો ઢોલ વગાડે એવું તો સાંભળ્યું છે, પણ કોઈ વ્યક્તિ પોતે જ પોતાના ગુણોનાં નગારાં વગાડે એ બેમતલબ લાગે અને એ સાંભળીને કાન ફાટે છે, પણ આ શ્રીમાન મદમતમલનો ઢોલ પીટનારું બીજું કોઈ ન હતું એટલે એ કામ એણે પોતે જ કરવું પડતું હતું. મને લાગ્યું કે કોઈ બીજાએ એની ઉપલબ્ધિઓની પ્રશંસા કરી નહીં હોય, કારણ કે તે એ સ્થળે પોતાના હાથનાં કરતૂતો અને કાળાં કારનામાંની મદદથી પહોંચ્યો હશે. જો સંભવ હોત તો બીજાઓએ તેને આ સ્થળેથી ખદેડી દીધો હોત.

‘મારા કહેવાનો મતલબ એ છે કે અહીં આપ એકાકીપણું અનુભવતા નથી?’ મેં ફરીથી પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું, ‘હું મારી મરજીથી જ એકલો રહું છું. અંદર અને બહારની ભીડ એક સરખી ભયંકર હોય છે.’

‘શું તમને ક્યારેય કોઈની સાથે રહેવાની ઇચ્છા નથી થતી?’

આમ કહેતાં મને મારા પેલા વડલાના મિત્રોની યાદ આવી ગઈ. તેઓ પણ મને યાદ કરતાં હશે, એમ વિચારીને મારા હૃદયના ધબકારા બંધ થવા લાગ્યા.

‘તમે વિચારો છો એમ હું સદા એકલો નથી હોતો. રોટલાનો ટુકડો માગનાર કે શોધનાર મારી પાસે આવતા રહે છે અને હું એમને કંઈક ને કંઈક ચારો નાખતો રહું છું. તું મારી પાસે કંઈ લેવા નથી આવ્યો એટલે તું એનાથી જુદો ગણાય. તારા ઉપર વિશેષ કૃપા કરીને તને જિંદગીમાં ઉપર આવવાનો મંત્ર શીખવવા માગું છું.’

અમે પક્ષીઓ તો કોઈ મંત્ર વિના ઊંચાઈઓ ઉપર પહોંચીએ છીએ. હું એને ગુસ્સે કરવા ઇચ્છતો ન હતો એટલે ચૂપ રહ્યો. એણે આગળ ચલાવ્યું, ‘જે બોધ બીજાને આપો છો એના પર તમે પોતે તેનો ક્યારેય અમલ ન કરો એ સફળ થવાનો પહેલો મંત્ર છે. એ જ શીખો. અભ્યાસ કરો, એનાં જ સપનાં સેવો, પોતાની જિંદગીમાં આ જ કરો અને તમે મારી જગ્યાએ સ્થાયીરૂપે પહોંચી જશો. બાકીનાં બીજાં બધાં તમારા પ્રત્યે ઇર્ષાર્ની આગમાં બળતાં રહેશે, પણ તમને તો એનાથી સંતોષ મળશે.’

ગુસ્સાના આવેશમાં હું શ્રીમાન મદમતમલની બેજવાબદાર હરકતો વિશે વિચારવા લાગ્યો. કંઈ સારી શિખામણ આપવાને બદલે આ તો મગજમાં શું કાદવકીચડ ભરતો હતો? શું તે ઉપદેશના નામે ઝેર ભરતો હતો? જો મારું ચાલે તો હું વડના એ મૂરખની જેમ રહીને જીવવું અને મરવું બહેતર ગણું. હજારો અભણ કરતાં આવા ભણેલા-ગણેલા જ દુનિયાને બરબાદ કરવા બસ થઈ પડે છે. મને લાગ્યું કે આવા લોકોને નિર્જન ટાપુ પર કાઢી મૂકવા માટે આખા વિશ્વમાં કાયદો લાગુ કરવો જોઈએ. માનવતાના શિક્ષક! હે ભગવાન!

(દુષ્ટ પૂતળાંને યાદ કરીને) મેં મારા ગુસ્સા પર કાબૂ મેળવ્યો અને આ મૂરખના જામ જેવા મગજવાળાને માર્ગદર્શન આપવાનું વિચાર્યું. મેં કહ્યું, ‘શ્રીમાન, પાછા જાઓ. પોતાની સંસ્કૃતિને અપનાવો. બીજાની જેમ જીવવાનું શરૂ કરો. પોતાના હોય એવા સાથે મળીને કામ કરો. એમની સાથે મળીને સુખદુ :ખમાં સહભાગી બનો. પોતાના પરિવાર, મિત્રો અને જાતિના નામ પર કલંક ન લગાડૉ.’

‘કોના પર કલંક? પરિવાર, મિત્રો અને જાતિ પર? હું તો તમને બુદ્ધિશાળી માનતો હતો, પણ તમે તો બાકીના બીજા બધા જેવા નકામા નીકળ્યા. આટલું જાણી લેજો કે એમના દુ :ખના દિવસોમાં મારા એ મિત્રો, પરિવાર, મારી કીર્તિ – સુખના તાપણે તપીને પોતાની ટાઢ ઉડાડે છે. તેમને આવાં કીર્તિ-યશ તો મળે તેમ નથી એટલે મારી કીર્તિના અજવાળે ઊજળા દેખાય છે. આખા સમાજની વાત કરો છો તો નીચે જઈને તમે પોતે જ જોઈ લો. જે જોશો ત્યાર પછી તમે ભાષણ નહીં દઈ શકો. જાઓ, હું તમારી રાહ જોઈશ.’ હું એમને છોડીને ત્યાં શું થાય છે એ જોવા નીચે ગયો. મદમતમલોની લાંબી કતારો પહાડ પર ચડતી હતી અને દરેકે દરેક શિખર પર પહોંચવા અધીર હતા. એમના પ્રયત્નો જોવા જેવા હતા. ભાર ઊપાડીને સીધું અને મુશ્કેલ તેમજ સાંકડું ચઢાણ ચડવું સરળ ન હતું.

એમાંથી એક તો લગભગ શિખર પર પહોંચવામાં જ હતો ત્યાં જ અચાનક નીચેથી મદમતમલ એના પર કૂદ્યો અને બન્ને માથાભર નીચે પડ્યા. હું તો નવાઈ સાથે એમની વાતો સાંભળવા લાગ્યો.

‘શ્રીમાન અ તમે મારી સાથે આવું કેમ કર્યું?’

‘કારણ કે શ્રીમાન બ તમે પોતે જ પોતાની જાતને મહાન સમજો છો.’

‘ના, તમે ઈર્ષ્યાથી બળો છો. મારી અને બીજા બધા સાથે કાયમ તમે આવું જ કરો છો.’

‘જુઓ મહાશય, હું તમારાં ખરાબ કર્મોની વાર્તાઓ દોહરાવવા નથી માગતો. નવાઈની વાત તો એ છે કે તમારા પોતાના મનની ઇર્ષાની આગથી શરીર સળગી નથી ઊઠતું.’

‘ઘણું થયું શ્રીમાન અ, હું તમને દોષ દેવા માગતો નથી. તમારા પરિવારમાં ઇર્ષામાં બળવું એ અનેક ખાનદાનોથી ચાલતું આવે છે. આ વાત માટે હું તમને દોષિત ગણતો નથી, કારણ કે તમે એ શીખ્યા નથી પણ એ ઇર્ષા વારસામાં મળી છે.’

મને પડવાના અવાજ સંભળાતા રહ્યા. એની સાથે દોષારોપણના અવાજ પણ હતા. મારા માટે આ બધું અસહ્ય બની ગયું હતું. આ ઉપર ચઢનારા એકબીજાને નીચે ખેંચીને આ ખાડામાં સડવા દેવા ઇચ્છતા હતા. તો હવે એમને એ જ કરવા દો. આસપાસનું વાતાવરણ જ આવું હતું. આ બધા એકબીજાને બરબાદ કરીને પોતાની જાતને પણ એ જ રસ્તે લઈ જતા હતા. બીજાના પડવાની ખુશીમાં એમની પોતાની સફળતાનો આનંદ એમને ઝાંખો લાગતો હતો.

હું મદમતમલ પાસે પાછો ગયો. એણે વ્યંગભર્યા હાસ્ય સાથે મારું સ્વાગત કરતાં કહ્યું, ‘તો પછી લીલાભાઈ, મારા માટે હવે કોઈ બીજું પ્રવચન છે? તમે પાંખવાળાં એ નહીં સમજી શકો કે પોતાના ઉચ્ચસ્થાને બેસીને હું સમાજ માટે કેટલું મહાન કાર્ય કરું છું. હું જો નીચે પડી જાઉં તો અહીં કોલાહલ મચી જાય. વળી એમનામાંથી દરેક અહીં સુધી પહોંચવા મહાભારત રચી દે. હું દોષ કે ગાળને માટે નહીં પણ ધન્યવાદને પાત્ર છું.’

શ્રી હંસે કહ્યું હતું કે હું અરે, કોઈ પણ બીજી વ્યક્તિ પોતાની આશાથી વધારે ઘણું પામી શકે છે. અહીં મારી પાસે સૌથી ઊંચા શિખર પર પહોંચવાનો અવસર હતો. શું એ અવસરનો લાભ હું લઉં? શું આ સફળતાની કિંમત ચૂકવવા હું તૈયાર હતો? શ્રી હંસ? શ્રીમદમતમલ? શ્રીહંસ?

મૂંઝવણમાં હું નિર્ણય લઈ શકતો ન હતો. એટલે હવે હું પહાડ પરથી જલદી દૂર ભાગી જવા ઇચ્છતો હતો. મેં ગંભીર વિચાર કર્યો કે જ્યાં સુધી કંઈ નવું ન થાય ત્યાં સુધી એ નિર્ણયને છોડી દેવો. દુષ્ટ પૂતળાં કે દુ :ખીરામો પછી હું ઉપર ચડીને અને વળી પાછો માથાભર નીચે પડવાનો ખતરો ઉઠાવવા ઇચ્છતો ન હતો.

‘તારી પાંખ બચાવ, અરે ભાઈ ટિયા.’

આ નવા નારા સાથે હું ત્યાંથી નીકળી પડ્યો. અવિચારી અને મિથ્યા સંતોષવાળા શ્રીમદમતમલના આ શબ્દો દૂરથી મારા કાનમાં ગૂંજી રહ્યા હતા :

‘સૌથી ઊંચો હું, સૌથી સારો હું, જીવનના મદમત શિખર પર.’ (ક્રમશ 🙂

Total Views: 269

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.