(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા)

ગયાં અંકમાં આપણે મદમતમલ સાથે સંસર્ગમાં આવીને ટિયાને થયેલ વિશિષ્ટ અનુભવો વિશે વાંચ્યું. હવે આગળ…

પતંગિયાં

મારા પોતાના વિચારોમાં ખોવાઈને હવે આગળ ક્યાં પહોંચીશ, કેવા કેવા અનુભવ કરીશ એનો વિચાર કર્યા વિના હું પાંખો વિજતો રહ્યો. હવે હું એકલો શાંતિથી રહેવા ઇચ્છતો હતો, પણ મારાં કર્મ મને એવું કરવા દેતાં ન હતાં.

શાંતિ અને એકાકીપણું! ખરેખર હું ઘરડો થઈ રહ્યો હોઈશ. ચંચળતા ભલે શરીરની હોય કે દિમાગની એ શક્તિની ઓળખાણ છે. જ્યારે કોઈ એને ત્યજી દેવા ઇચ્છે છે ત્યારે તે અવશ્ય પોતાને ઉદાસ કે થાકેલો અનુભવે છે.

જે નવી જગ્યાએ હું પહોંચ્યો તે મારા મન સાથે મેળ ખાતી હતી. અહીં શાંતિ હતી અને ચારેતરફ ફૂલ ખીલ્યાં હતાં. વૃક્ષો પર ભરપૂર ફળ હતાં અને સામાન્ય રીતે જે લોકો મળતા હતા એવા પાગલ જીવોથી આ સ્થળ મુક્ત હતું. હું એક આકર્ષક વૃક્ષ પર બેઠો. આ સ્થળની શાંતિ અને સાંત્વના આપતી હતી અને આ સાંત્વનામાં હું ઝોલે ચડ્યો.

તરત જ મારા મસ્તકની ઉપર મીઠો ગણગણાટ થતો સાંભળીને હું ઝબકીને જાગી ગયો. અત્યાર સુધી થોડી એવી સારી કે આકર્ષક ચીજ મળે તો હું એને શંકાસ્પદ નજરે જોતો. સાથે ને સાથે એવું માનતો કે કોઈ આવી મીઠી ચીજની અંદર એટલી જ માત્રામાં કડવાશ પણ હોય છે.

એક સુંદર પતંગિયું મારી ચોતરફ ઘૂંમરાતું હતું. તેણે મને આદરથી હું કોણ છું એમ પૂછ્યું. એને પોતાના જીવનમાં આ પહેલાં કોઈ આટલું મોટું પ્રાણીપક્ષી જોયું ન હતું (એને કદાચ ખ્યાલ નહીં હોય કે તેનું જીવન કેવળ એક માસનું જ હોય છે). તેણે મને કહ્યું કે તે પતંગિયાંની પ્રજાતિનું છે. તે પોતાની રંગબેરંગી પાંખો માટે સુખ્યાત છે. પતંગિયાનો અવાજ માદક હતો, એ મેં અનુભવ્યું. કદાચ આખો દિવસ ફૂલની પરાગરજ પીધે રાખવાથી આવું બન્યું હતું.

સામાન્ય રીતે પતંગિયાં મને ગમતાં નથી. ઉન્માદમાં ચકચૂર સ્વઓળખાણની કટોકટીની પળથી પિડાય છે. ક્યારેક ઈંડું, ક્યારેક કોશોટે, ક્યારેક તો વળી ઈયળ અને અંતે પતંગિયું. પોતે શું બનવા માગે છે એ તે નિશ્ચિત રીતે નક્કી કરી શકતું નથી. એક મહિના કરતા ઓછા સમયમાં તે વારંવાર દેહ બદલે છે અને દેહથી મુક્તિ પણ મેળવી લે છે. પરાગરજના પ્રસરણ સિવાય તે કોઈ મહત્ત્વનું કાર્ય પણ કરતું નથી અને એ પણ બિચારાં પુષ્પોનો મધુરસ પૂરેપૂરો ચૂસી લીધા પછી જ. મારા સિદ્ધાંત પ્રમાણે આવા શોષક વર્ગ મને ક્યારેય પસંદ નથી.

પતંગિયું ડંખ મારી શકતું નથી. એટલે હું નિર્ભયતા અને સુરક્ષિતતા અનુભવતો હતો. મેં કહ્યું, ‘હું ટિયા નામનો પોપટ છું. દૂર દેશમાંથી આવું છું. મારા નશીબ, મૂર્ખતા અને જિજ્ઞાસાએ મને ઘર વિહોણો બનાવી દીધો છે. એને લીધે મારે ઘણા અણગમ અનુભવોનો સામનો કરવો પડ્યો છે. હવે હું આ બધાંથી દૂર થઈ જવા ઇચ્છું છું. હું શાંતિ અને આનંદ ઇચ્છું છું.’

માદા પતંગિયું મારા અવાજથી પ્રભાવિત થયું, પણ મારા રૂપની અસર એના પર ન પડી. તેણે કહ્યું, ‘મહાશય, આપની પાંખો એક જ રંગની કેમ છે? આપના ગળે લાલ પટ્ટો છે પણ એનાથી અમારી જેમ તમે રંગબેરંગી લાગતા નથી. આટલું મોટું શરીર અને આવો ઊંચો અવાજ! આપ કઢંગા રંગવાળા લાગો છો.’

જ્યારે તમારી સામે તમારાથી કમજોર હોય તો તમને એને છેડવાની ઇચ્છા થાય. મારામાં સૂઝ સમજણ અને નાદાની બન્ને સમાનરૂપે હતાં. એને લીધે હું બીજા પર મારો પ્રભાવ પાડવાનો મોકો જવા ન દેતો. મારા મનમાં ટીખળવૃત્તિ જાગી.

‘પ્રિય પતંગિયાજી! એકમાંથી અનેક ઉદ્ભવે છે એટલે સ્વાભાવિક અનેકતા નથી હોતી. દરેક વસ્તુની જનની એક જ છે. આ જીવન પણ એક કોશિકામાંથી ઉદ્ભવે છે અને બધા રંગ એક જ રંગમાંથી ઉત્પન્ન થાય છે. બધી વસ્તુઓ પોતાની બાલ્યાવસ્થામાં (એક છોડ સુદ્ધાં પણ) એક જ રંગની હોય છે. એનો અર્થ એ છે કે અનેકતામાં ભેળસેળ અને એકત્વમાં મહાનતા હોય છે અને હું મહાન છું કારણ કે હું એક જ રંગનો છું.’

મૂરખ પતંગિયાની બોલતી બંધ થઈ ગઈ. આટલા રંગસંગ હોવા છતાં આખરે તો એ એક કીડો જ હતું. નવાઈ કે મજાની વાત તો એ છે કે મારા જ તર્કની શુદ્ધિ વિશે મારું માથું પણ ફરવા લાગ્યું. હોલાજી કહેતા કે સૌથી સારો તર્ક એ જ છે કે જે બીજાની જેમ ગળે ઊતરી જાય.

એકાએક પતંગિયું બોલી ઊઠ્યું, ‘અજબ મહાશય, અજબ! આટલી સામાન્ય બાબત અને એ અમે શકીએ. કેટલા મૂરખ છીએ અમે. મહાનુભાવ આપ ખરેખર મહાન છો! આપ મને એક પળ આપો કે જેથી હું બીજાં બધાં પતંગિયાંને બોલાવી લાવું.’

જેટલું ગૌરવ હું લાવી શકું તેટલું લાવીને મેં ચારે તરફ જોયું. પછી મેં ગર્વપૂર્વક માથું હલાવ્યું. હું મનમાં ને મનમાં રાજી થયો, કારણ કે હું દૃઢપણે માનતો હતો કે ‘શકલ-સૂરત અને અક્કલ એકબીજાંનાં પાકાં શત્રુ છે;’ આ વિશ્વાસ ફરીથી દૃઢ બન્યો. થોડી જ વારમાં એ પતંગિયું પોતાનાં જેવાં બીજાં પતંગિયાંના સમૂહ સાથે પાછો આવ્યો. એણે કહ્યું, ‘મહાશય, આપ અમારાથી વધુ શક્તિશાળી છો અને હમણાં જ આપે દર્શાવ્યું છે કે આપની મેધાશક્તિ પણ અસીમ છે. બળ અને બુદ્ધિનો અનોખો સંગમ છે. અમે સૌ અત્યંત વિનમ્રભાવે પ્રણામ કરીએ છીએ.’

મેં પણ એમની અજેય મૂર્ખામીને ઝૂકીને સલામ કરી. પતંગિયાંએ મને એમનો મુખી બનવા વિનંતી કરી અને કહ્યું કે તેઓ જીવનભર એમનાં ગુલામ રહેશે. એમના સુંદર દેખાવને જોતા તેઓ પરમમૂર્ખ હતા. મેં મનમાં ને મનમાં મારી આ રમતને આગળ ધપાવવાનું વિચાર્યું અને મારા રોકી ન શકાય તેવા હાસ્યને છુપાવવા હું વચ્ચે વચ્ચે ‘હું, હાં’ એમ બોલતો રહ્યો.

મારા જીવનનું નવું પાસું શરૂ થઈ ગયું હતું. હું ક્ષમતાયુક્ત, ચિંતામુક્ત, શ્રદ્ધેય અને આત્મસંતુષ્ટ હતો. હું જ્યાં જ્યાં જતો ત્યાં ત્યાં તરુણ પતંગિયાંનું ટોળુ મારી સાથે રહેતું અને સૂતી વખતે મારા નિવાસની રખેવાળી કરતાં. મેં મારા માથા પર મુગુટ રાખવા અને મોઢામાં સિગારેટ લેવા વિશે વિચાર્યું; પછી મને સમજાયું કે આવો વધારે દેખાડો કરવો સારો નથી.

એક દિવસ જે થવાનું હતું તે થઈને જ રહ્યું. મને હરસમયે એનો જ ભય રહેતો. મેં મારી નજીક હંસજીની અદૃશ્ય ઉપસ્થિતિ અનુભવી. એમણે કડક શબ્દોમાં કહ્યું, ‘તું તારા વિશે જે ધારે છે, એનાં કરતાં પણ વધુ મહાન છે. તને અત્યાર સુધીમાં જે કંઈ મળ્યું છે એનાથી અધિક મળવાને પાત્ર છો.’

એક તો દાડમ અને એમાંય જીવડું, બધો બગાડ.

ટિયા : શ્રીમાન, જીવનમાં શાંતિ અને સંરક્ષણ સિવાય બીજું મેળવવા જેવું શું છે? મારી પાસે તો એ બન્ને છે, મારે વળી હવે બીજું શું જોઈએ?

હંસજી : મૂરખ! પથ્થર તોડ! શું તું બધું છોડીને, આટલું દુ :ખ વેઠીને, આટલે દૂર સુધી એટલા માટે આવ્યો છો કે અહીં આવીને સડી મરવું?

ટિયા : શ્રીમાન્, આ સડવું નથી. જીવન જીવવાની આ જ સાચી રીત છે – ઉત્કૃષ્ટ ખાનપાન અને વિશ્રામ. સૌથી વધારે અગત્યની વાત તો ક્ષમતા હોવી એ છે. ક્ષમતાની એક પોતાની મજા હોય છે. પરંતુ અતિક્ષમતા એ નશો છો. મારી વાતો માનો અને આપ પણ થોડા દિવસ આરામ કરી લો. આવી જિંદગીની કોઈ જોડ નથી, શ્રીમાન!’

હંસજી : શું ? (એમનો શ્વાસ ત્વરિત બન્યો) જેવી તારી મરજી. મૂરખ પક્ષી તારું મનોરંજન કરવા પેલા ‘કામિલ’ને તારું નવું ઠેકાણું બતાવીશ. થોડા જ સમયમાં તને એક સાથી મળી જશે, શુભેચ્છાઓ!

ચર્ચાની કોઈ આવશ્યકતા ન હતી. વિખરાયેલ સ્વપ્નના તૂટેલા શીશમહલમાંથી હું ઊઠ્યો. પતંગિયાંના દેશથી દૂર અને કામિલથી પણ દૂર.

કામિલ, હે ભગવાન, મીઠી છરી – ના, ના.

જેટલા જોશથી હું હંસને દોષી ગણીને ભાંડતો હતો એટલી જ ઝડપી મારી પાંખો ફડફડતી હતી. (ક્રમશ 🙂

Total Views: 230

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.