ઇતિહાસકાળ પહેલાંથી ચાલ્યા આવતા ત્રણ ધર્મો આજે જગતમાં પ્રચલિત છે – હિંદુ ધર્મ, જરથોસ્તી ધર્મ અને યહૂદી ધર્મ. આ ત્રણે ધર્મોને પ્રચંડ આઘાતોમાંથી પસાર થવું પડ્યું છે, છતાં આજ સુધી એ ત્રણે ધર્મો ટકી રહ્યા છે, તે એમની આંતરિક શક્તિ દર્શાવે છે. પણ યહૂદી ધર્મ, ખ્રિસ્તી ધર્મને પોતાનામાં સમાવી લેવામાં નિષ્ફળ નીવડ્યો અને યહૂદી ધર્મમાંથી જ પેદા થયેલા સર્વવિજયી ખ્રિસ્તી ધર્મે યહૂદી ધર્મને એના જન્મસ્થાનમાંથી હાંકી કાઢ્યો. જરથોસ્તી ધર્મની ભવ્યતાનો ખ્યાલ આપવા માટે આજે બહુ થોડા ગણાય એટલા પારસીઓ હયાત છે. હિંદમાં એક પછી એક અનેક પંથો ઊભા થતા રહ્યા અને વેદધર્મને એના પાયામાંથી જાણે હચમચાવતા ગયા, છતાં એ ધર્મ ટકી રહ્યો. પ્રબળ ધરતીકંપના આંચકાથી સાગર કિનારાનાં જળ થોડી ક્ષણ માટે જરાં પાછાં હઠી જાય અને વળી પાછાં થોડી ક્ષણમાં હજારગણા બળથી ભરતીના સ્વરૂપમાં ચારેકોર ફરી વળે, તેવી રીતે એક પછી એક ઊભા થયેલા આ પંથોના આક્રમણનો વેગ ઓછો થતાં એ સર્વને હિંદુ ધર્મે, પોતાની જનેતા સમી વિશાળ ગોદમાં, પોતાના કરી પોતામાં સમાવી દીધા.

વેદાંત ફિલસૂફીનાં ઉચ્ચ આધ્યાત્મિક ઉડ્ડયનો, જે છેલ્લામાં છેલ્લી વૈજ્ઞાનિક શોધખોળો તો જેના પ્રતિધ્વનિ જેવી લાગે, તેને હિંદુ ધર્મમાં સ્થાન છે. મૂર્તિપૂજાના નીચલી કક્ષાના વિચારોને અને તેમાંથી જન્મ પામતી અનેક પૌૈરાણિક કથાઓને હિંદુ ધર્મમાં સ્થાન છે. બૌદ્ધ ધર્મીઓના નિરીશ્વરવાદને હિંદુ ધર્મમાં સ્થાન છે અને જૈન ધર્મના નાસ્તિકવાદને પણ હિંદુ ધર્મમાં સ્થાન છે.

હિંદુઓ માને છે કે, પોતાનો આ ધર્મ, અપૌરુષેય એટલે કે અનાદિ અને અનંત એવા વેદમાંથી પ્રાપ્ત થયો છે… પણ ‘વેદ’ એવો શબ્દ આપણે ઉચ્ચારીએ છીએ ત્યારે એ કોઈ ગ્રંથ છે એવો અર્થ થતો નથી. ‘વેદ’ એટલે જુદા જુદા સમયે જુદી જુદી વ્યક્તિઓએ શોધેલા આધ્યાત્મિક નિયમોનો કીમતી સંગ્રહ. (સ્વા. વિ. ગ્રંથમાળા – ૧.૬-૭)

Total Views: 394

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.