સૌ પ્રથમ તો આપણાં જે આધ્યાત્મિક રત્નો આપણા ગ્રંથોમાં સંગ્રહાયેલાં, એક અલ્પસંખ્ય લોકોના કબજામાં, મઠોમાં અને અરણ્યોમાં જાણે કે સંતાડાયેલાં પડ્યાં છે, તેમને આપણે બહાર લાવવાં અને તેમાં સંગ્રહેલું જ્ઞાન બહાર કાઢવું; એ રત્નો માત્ર જ્યાં એ છુપાયેલાં પડ્યાં છે તેમના હાથમાંથી બહાર લાવવાં એટલું જ નહીં, પરંતુ એથીય આગળ વધી અગમ્ય ભંડારોમાંથી જે ભાષામાં એ સચવાઈને પડ્યાં છે તેમાંથી, સૈકાઓ થયાં સંસ્કૃત શબ્દોના જ્યાં પોપડા પર પોપડાઓ બાઝી ગયેલા છે તેમાંથી તેમને બહાર કાઢવાં. એક વાક્યમાં કહું તો, હું તેમને લોકો માટે સુગમ બનાવવા માગું છું. આ વિચારોને બહાર લાવીને તે સર્વ જનતાની, ભારતમાંની દરેકે દરેક વ્યક્તિની એ સામાન્ય સંપત્તિ બને એમ હું ઈચ્છું છું, પછી એ સંસ્કૃત જાણતો હોય કે ન જાણતો હોય. એના રસ્તામાં મોટી મુશ્કેલી આપણી પ્રભાવશાળી સંસ્કૃત ભાષાની છે; જ્યાં સુધી આપણી આખી પ્રજા – જો એમ બની શકતું હોય તો – સંસ્કૃતની સારી એવી જાણકાર ન બને ત્યાં સુધી આ મુશ્કેલી ટાળી શકાય નહીં. હું મારી વાત કહીશ તો એ મુશ્કેલીનો તમને સાચો ખ્યાલ આવશે.

હું મારી આખી જિંદગી સંસ્કૃતનો અભ્યાસ કરતો રહ્યો છું અને છતાં દરેક નવું પુસ્તક મને હમેશાં નવું લાગે છે. તો પછી જે લોકોને સંસ્કૃત ભાષાનો સારી રીતે અભ્યાસ કરવાનો કદી અવસર જ નથી મળ્યો તેમને માટે એ કેટલું મુશ્કેલ બને ? એટલા માટે આ વિચારોને લોકોની ભાષા દ્વારા શીખવવા જોઈએ; સાથોસાથ સંસ્કૃતનું શિક્ષણ પણ ચાલવું જોઈએ, કારણ કે સંસ્કૃત શબ્દોનો ખુદ અવાજ જ પ્રજાને એક પ્રતિષ્ઠા, એક શક્તિ અને એક સામર્થ્ય આપે છે.

હું તમને કહું છું કે એકમાત્ર સલામતી, તમારી સ્થિતિને ઊંચે લાવવાનો એક માત્ર રસ્તો, સંસ્કૃતનો અભ્યાસ છે…. વર્ગાે ને જ્ઞાતિઓને સમાન કક્ષાએ લાવવાનો એક માત્ર રસ્તો સંસ્કારિતાને, ઉચ્ચ વર્ગાેની શક્તિરૂપ જે શિક્ષણ છે તેને, અપનાવવાનો છે. એ કરો એટલે તમને જે જોઈએ તે મળશે.

(સ્વા. વિ. ગ્રંથમાળા – ૪.૧૯૯-૨૦૧)

Total Views: 357

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.