(ગયા અંકમાં ભક્તિસંગીત કે કીર્તન-ભજન દિવ્યતત્ત્વ કે ઈશ્વરની પૂજા અને અંતરની આધ્યાત્મિક આરતની અભિવ્યક્તિ છે, એ વિશે વાંચ્યું, હવે આગળ…)

જો કે ભક્તિ-સંગીતનું મૂળસ્રોત આપણને અતિ પ્રાચીન માનવનાં સાહજિક ઉદ્ગારો અને પ્રાર્થનાઓમાં જોવા મળે છે. આ સાહિત્ય આપણને સામવેદમાં પણ સર્વ પ્રથમવાર ઋષિઓના રણકાર કરતા અને સૌંદર્યમય સંગીતના સૂરોમાં ગવાતા મંત્રોમાં જોવા મળે છે. સામવેદનું પ્રથમ ગાન આ મંત્રથી આરંભાય છે (૧.૧.૧) ‘ૐ અગ્ન આ યાહિ વીતયે-હે અગ્નિ ! હવિને ગતિ આપવા પધારો.’ આ ઋગ્વેદની પંક્તિનું ‘સ્તોભ’ (વધારે સ્વરો અને ધ્વનિઓ)ના ઉમેરણથી સામવેદીય મંત્રમાં પરિવર્તન થાય છે. આ ‘સ્તોભ’નો તાલ અને લયમાં વૃદ્ધિ કરવા સિવાય બીજો કોઈ અર્થ નથી. વેદોના શરૂઆતના ભાગોમાં આપણને પ્રથમ એક-સ્વરીય અને પછી ઉન્નત થઈને દ્વિ-સ્વરીય, ત્રિ-સ્વરીય અને પછી સપ્ત-સ્વરીય ક્રમિક શ્રેણીમાં સ્તવનો કેવી રીતે પહોંચે છે તે જોવા મળે છે.

પથ્ય સંગીતના નામે તેનું એક સ્વરૂપ હતંુ. ભરતમુનિના મત પ્રમાણે આ સંગીત પદ્ધતિસરનું હતું. તેમાં સપ્ત સ્વરો, સ્થાનો, વર્ણાે, અલંકારો અને અંગો હતાં. મહાભારતના સમયમાં સપ્તસ્વર કે ષડ્જને જ વ્યવસ્થિત રીતે પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. એ કાળમાં સંગીત એક અભ્યાસનો વિષય હતો જેને ગાંધર્વશાસ્ત્ર કહેવાતું. એના સંગીતના ગ્રંથને દાત્તિલમ કહેવાતો. દત્તિલમ ગ્રંથે જાતિ (૧૮ સૂરોની સંરચના)ને પ્રયુક્ત કરીને સામગાયનને રાગગાયનમાં પરિવર્તિત કર્યું. મહાભારતમાં હરિવંશમાં (ઈ.સ.૨થી૫) ચાલિકીયા નામની ગાંધર્વ પ્રણાલીની સંગીતશૈલી અને હલ્લીસખા નામના નૃત્યનો ઉલ્લેખ છે. બૌદ્ધ અને જૈન પ્રણાલીઓમાં ભક્તિગીતોની સંરચના દ્વારા ‘થેરીગાથા’ અને ‘સ્થાણગસૂત્ર’ માં સંગીતનો ઉલ્લેખ જોવા મળે છે. ભરતમુનિનું નાટ્યશાસ્ત્ર (ઈ.સ.૩થી૫) સંગીતના મૂળસ્રોતને બ્રહ્માજી સુધી લઈ જાય છે. આ મહાન ગ્રંથ ‘રસ’ કે સૌંદર્યશાસ્ત્રનો ઉમેરો કરે છે. શરૂઆતમાં ૮ રસ હતા – શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, રૌદ્ર, ભયાનક, અદ્‌ભુત અને બીભત્સ. ૫છીથી ૯મી સદીમાં શાંત રસનો ઉમેરો થયો અને રૂપ ગોસ્વામીના ભક્તિશાસ્ત્રના આગમનથી ૧૬મી સદીમાં ઉમેરણરૂપે ભક્તિરસ આવ્યો. સાધક માટે આ રસ ઉપર્યુક્ત બધા રસોમાં પ્રભાવક અને દ્રાવક બની ગયો. જ્યારે નારદે પોતાનું (ઈ.સ.૨થી૩માં) ‘શિક્ષા’ લખ્યું ત્યારે એમ માનવામાં આવતું હતું કે ‘દેશી સંગીત’ તેના સપ્તસૂર સાથે પ્રવર્તતું હતું. એ વાત રસપ્રદ છે કે ઋષિ નારદ ભક્તિશાસ્ત્ર તેમજ સંગીતના પ્રથમ આચાર્ય તરીકે જાણીતા છે. જ્યારે સંગીત ભક્ત કે સંતના હાથનું યંત્ર બને ત્યારે એ કલા સાધનામાં ફેરવાય જાય છે. સંતના હૃદયની વાણી જો મધુર અને ઉન્નત સંગીતના માધ્યમથી રજૂ થાય તો તે વધુ સારી રીતે આત્મસાત્ થઈ શકે અને પ્રસરી શકે.

૬ઠી સદીના અંતે માતંગ ઋષિએ ‘બૃહદ્દેશી’ લખ્યું. તેમણે ‘માર્ગી’ કે શાસ્ત્રીય સંગીત અને લોકગીત કે દેશી સંગીત વચ્ચે ભેદ પાડ્યો. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનના ઔપચારિક સમયગાળાનો પ્રારંભ દક્ષિણ ભારતમાં ૬ઠી સદીમાં આલવારનાં અને નયનમારનાં ભક્તિગીતોથી થયો. અને પછી હિંદુધર્મના શૈવ, શાક્ત, વૈષ્ણવ, નાથ, તેમજ ભારતના વિવિધ ધર્મોના ઇતિહાસમાં જુદા-જુદા સમય ગાળે ઉદ્ભવેલા બૌદ્ધ અને જૈન જેવા અનેક સંપ્રદાયોથી પોષાઈને ભારતના ખૂણે-ખૂણે આ ભક્તિ આંદોલન પ્રસરી ગયું, એ આપણને જોવા મળે છે. ૧૩મી સદીથી આગળ ઇસ્લામ અને બીજા સંપ્રદાયે જ્યારે જોર પકડ્યું ત્યારે તેમની અસર પણ એના પર થયેલી જોવા મળે છે. સૂર-લય અને માધુર્યથી ભાવપ્રબળ બનેલ ‘તમીળપ્રબંધ-ભક્તિ-ઊર્મિ કાવ્યો’ દ્વારા દક્ષિણના આલવાર સંતોએ પોતાની આધ્યાત્મિક અનુભૂતિઓ સાથે વિષ્ણુભક્તિનો પ્રચાર-૫્રસાર કર્યો. આલવાર એટલે ઈશ્વરના દિવ્ય પ્રેમમાં લીન ભક્તો. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં સર્વત્ર તેમણે વિષ્ણુનાં ગુણ-સંકીર્તન ગાયાં. ૧૨ આલવાર સંતોમાંના એક મીરાંબાઈ જેવાં સ્ત્રીભક્ત આંડાલ નાની ઉંમરથી જ ભગવાન રંગનાથનને વરી ચૂક્યાં હતાં. તેમની અમર કૃતિ થીરુપ્પાવૈ આજે પણ ઘણી વ્યાપક રીતે ગવાય છે. સમગ્ર દક્ષિણ ભારતમાં શિવભક્તિનો પ્રચારપ્રસાર મહાન નયનમાર સંતો દ્વારા થયો હતો. આ શિવસંતોએ પ્રચારપ્રસારનું આ કાર્ય તીરુમુરઈ નામના અમરગ્રંથમાં સમાવિષ્ટ ૬૩ નયનમાર સંત કવિઓએ રચેલ શિવસ્તુતિ સંગ્રહના ગાન દ્વારા કર્યું હતું. પોતાના હાથમાં ઝાંઝ-કરતાલ લઈને બાળકની જેમ નાચતા અને ગાતા થીરુજ્ઞાનસંબંદર નામના એક મહાન નયનમારે શિવમહિમાનો પ્રચારપ્રસાર કર્યો. ત્રણ નારી નયનમારમાંનાં એક કરઈક્કલ અમ્મઇયર પ્રથમ ભારતીય સંત કવિયિત્રી હતાં. માણિક્કવાચકરની તીરુવાચકમ એ પ્રેમની સૌથી મહાન કૃતિ છે. એના વિશે એમ કહેવાય છે કે આ કૃતિ વાંચીને જેમનાં મનહૃદય હચમચી ન ઊઠે તો વિશ્વનું બીજું કોઈ સાહિત્ય એના હૃદયને લાગણીસભર બનાવી શકતું નથી. વીરશૈવ સંપ્રદાયનાં કેટલાંક સ્ત્રીસંતો પૈકીનાં અક્કા મહાદેવીએ ‘વચન’ નામે કાવ્યો રચ્યાં છે. આ કાવ્યો ભીતરની આધ્યાત્મિકતાને નિષ્પન્ન કરે છે અને આજે પણ ગવાય છે. વિશિષ્ટાદ્વૈત સંપ્રદાયના મહાન આચાર્ય શ્રીરામાનુજે મંદિરોમાં પ્રબંધોનાં સુંદર ગાન અને ભજવણીનું વિધાન કર્યું. ભારતના પૂર્વના પ્રદેશોમાં ૮મી સદીની આસપાસ બૌદ્ધધર્મની વજ્રયાન શાખાના ‘ચાર્યપદ’માં ગહન અનુભૂતિઓવાળાં સુમધુર કાવ્યો સંકલિત છે. ચાર્યપદની કવિતાની સંરચના તેમજ એમાંથી જ કેટલાક રાગોનો ઉપયોગ કરીને જયદેવે ‘ગીતગોવિંદ’ની રચના કરી. પૂર્વ ભારતમાં વિદ્યાપતિ અને ચંડીદાસ જેવા કેટલાક સુખ્યાત સંગીતજ્ઞ કવિઓ થઈ ગયા. તેમણે આવા ભકિતસંગીત માટેના ભજનસંગ્રહની રચનામાં ઘણું મોટું પ્રદાન કર્યું છે. નાથ સંપ્રદાયે સમગ્ર ઉત્તર અને પશ્ચિમ ભારતમાં, રાજસ્થાનથી માંડીને મહારાષ્ટ્ર સુધી આ ભજન સંગીતનો ઉપયોગ કર્યો અને ‘શિવસ્વરોદય’ જેવા ગ્રંથો દ્વારા પોતાના સંપ્રદાયનો ફેલાવો કર્યો અને ભક્તિસંગીત પર પોતાનો પ્રભાવ પણ પાડ્યો. મત્સ્યેન્દ્રનાથ અને ગોરખનાથ સંગીતના નિષ્ણાત હતા અને પખવાજ વગાડવામાં કુશળ હતા. ૧૫મી સદીમાં વારાણસીના સ્વામી રામાનંદ અને બીજા ભક્ત કવિઓએ ભક્તિસંગીતની પ્રણાલીમાં પોતાનું પ્રદાન આપીને તેને ઘણી સારી રીતે પુનર્જિવિત કરી. સ્વામી રામાનંદે તુલસીદાસને પ્રેરણા આપી હતી. તુલસીદાસકૃત રામચરિતમાનસ આજે પણ હિન્દીભાષી લોકોનાં હૃદયમાં અને અન્યભાષી વિસ્તારોમાં લોકપ્રિય બન્યું છે. મહાન ભક્ત કવિ નિર્ગુણી સંતકબીરે પણ ભક્તિસંગીત પીરસવાનું ચાલુ રાખ્યું અને કેટલીય પેઢીઓને પ્રેરણા આપી હતી. તેવી જ રીતે સંત રવિદાસ, ધન્ના અને બીજા રામાનંદી સંતોએ પણ ભક્તિસંગીતમાં પોતપોતાનું પ્રદાન કર્યું છે.

Total Views: 372

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.