વ્યાયામ માનવીના શારીરિકતંત્ર માટે એક ઘણો મહત્ત્વનો ખોરાક છે. આપણાં દરરોજનાં નાનાં-મોટાં કાર્યોને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા માટે તંદુરસ્ત અને વિઘ્નરહિત દેહ-બંધારણની આવશ્યકતા છે. આપણે સતત કામ કરીએ છીએ અને આપણે બધાં થોડા આરામની કે હાથપગ લંબાવવાની, શરીરને વળી પાછું સ્વસ્થ અને શક્તિપૂર્ણ બનાવવાની જરૂરિયાત અનુભવીએ છીએ. કેમ બરાબરને…

માતા-પ્રકૃતિએ બક્ષેલ એક વિલક્ષણ ભેટ – ‘મન’ પણ શરીરની જેમ ભાવનાઓ ધરાવે છે. માત્ર આપણે એની લાગણીઓની અપેક્ષાઓને સમજવી જરૂરી છે. ક્યારેક તો આપણે જાણ્યે-અજાણ્યે એનો ઉપયોગ એક ગુલામની જેમ કરીએ છીએ. અને એ ‘ભાઈ, હવે હાંઉં કરો’ એમ ન કહે ત્યાં સુધી એનો ઉપયોગ કરતા રહીએ છીએ. છતાં પણ આપણે એની વાત સમજતા નથી, ખરું ને? હવે તો મારો શ્વાસ પણ રુંધાય છે કહીને તે તો રડી ઊઠે છે, આપણે કહીએ છીએ કે ચાલો આપણે થોડાં ગપ્પાં મારીએ. તે ઊંડો નિસાસો નાખે છે, અને કહે છે કે હવે મને કંઈ દેખાતુંય નથી, અને આપણે ફિલ્મ પર ફિલ્મ જોતા રહીએ છીએ. તે વિલાપ કરે છે કે ભાઈ, હવે મારાથી ચાલી શકાય તેમ નથી, છતાંયે આપણે આમતેમ સર્વત્ર ભટકીએ છીએ અને બધાયની વાતમાં પોતાનું નાક ઘુસાડીએ છીએ. આપણી વિવિધ કામગીરીઓની નિષ્ફળતા આપણું મન ભોગવતું રહે છે. તેમ છતાં આપણે એ નિષ્ફળતાને નિદાન કર્યા વિના જ રાખીએ છીએ. જ્યાં સુધી માતા-પ્રકૃતિને એવું ન થાય કે મારા સર્જનને હવે બચાવી લેવું જોઈએ ત્યાં સુધી આપણે એને સર્વત્ર ધકેલીએ છીએ. માતા-પ્રકૃતિ પણ એને આગળ ધપાવવા પ્રયત્ન કરે છે, જેથી કદાચ એ બિચારું મરી ન જાય. અને પછી મન પણ જોહુકમીભરી યુક્તિ-પ્રયુક્તિઓનો આશરો લે છે. મન કહેશે – ઠીક છે, હું શ્વાસ લઈશ પણ તું થાકેલો જ રહીશ. હું તો બધું જોઈશ પણ તું કંઈ જ લક્ષમાં લાવી નહીં શકે. હું ચાલીશ ખરું, પણ તું ક્યાંય પહોંચી નહીં શકે.

આપણે માનસિક થાક, કંટાળો, મિજાજીપણું અને ચંચળતા જેવાં લક્ષણોનો અનુભવ કરીએ છીએ પણ એનું નિરસન કરવાની આપણે ક્યારેય કાળજી લેતાં નથી. આવાં દુર્લક્ષણોનો ઉપચાર કરવો જોઈએ અને તેની ઔષધિ છે શિસ્ત. જેમ ઉત્તમ રમતવીર માટે સુદૃઢ અને કેળવાયેલું શરીર કાર્ય કરે છે તેમ સારી રીતે કેળવાયેલું અને શિસ્તબદ્ધ મન વર્તે છે.

મનને કેળવવું કેવી રીતે? સારો માનસિક આહાર, સારી માનસિક કસરત અને સારો માનસિક આરામ. સારો આહાર એટલે આપણે જાણીએ છીએ તેમ આપણી ચયાપચયની ક્રિયાને હાનિ ન પહોંચાડે તેવો આહાર. અતિ મરી-મસાલા-તેલવાળા અને અસ્વાસ્થ્યકર આહારને ટાળવો જોઈએ. બરાબર આવી જ રીતે મનને પણ સમૃદ્ધ બનાવે તેવા વિચારો આપવા જોઈએ. જે આપણા વિચારોને ઉદાર અને વિશાળ બનાવે અને આપણા મનની સીમાઓની બહાર લઈ જાય તેવા વિચારોને આવવા દો અને જે તમને સંકીર્ણ બનાવે તેવા વિચારોનો ઝેર ગણીને ત્યાગ કરો.

મન શરીરનું એક સૂક્ષ્મ અંગ છે. તેને કસરતની આવશ્યકતા રહે છે, નહિ તો તે મંદ બની જાય છે. પિત્તળનાં વાસણની જેમ તે પોતાની ચમક-દમક ગુમાવી દે છે. વાંચન, રમત-ગમત, ગાયન-વાદન જેવી સુટેવો તેને ઉજ્જવળ બનાવે છે. આ બધાં એકાગ્રતાને વિકસાવવામાં સહાયરૂપ બને છે. વળી ધ્યાનનો અભ્યાસ પણ મનમાં જોમ ભરવામાં અને તેને સ્વસ્થ રાખવામાં સહાયરૂપ બને છે.

ગાઢ નિદ્રા પણ મન માટે ખૂબ આવશ્યક છે. ઊંઘની અનિયમિતતા પાચનતંત્ર અને સ્વાસ્થ્ય પર માઠી અસર કરે છે. સતત અને સઘન પ્રવૃત્તિ આપણને આપણી મર્યાદાઓ સુધી ઘકેલી દે છે. એ આપણી ટેવ બની જાય છે અને એ ગાડરિયા પ્રવાહમાં આપણે આપણા જીવનના મૂળભૂત પ્રશ્નો વિશે વિચારવા ક્યારેય થોભતા નથી. આ રીતે ચાલતા પ્રત્યાવર્તી ચક્રમાં આપણે પ્રેરણા અને હતાશાનો અનુભવ કરીએ છીએ. પરંતુ આપણામાંથી કેટલા લોકો તેે દોષને જાણી કે અનુભવી શકે છે? આપણા પ્રાચીન શાસ્ત્ર-ગ્રંથોમાં પ્રતિસ્થાપિત જ્ઞાન આ વિશે બોધ આપે છે અને આપણને પરિપૂર્તિની પ્રાપ્તિ માટે માર્ગદર્શન આપે છે કે આ દુનિયાની કોઈપણ વસ્તુ પરિપૂર્ણતા આપી શકતી નથી એ બોધ આપણે ક્યારેય પામતા નથી. ધન, સુખવૈભવ જેવી દુન્યવી વસ્તુઓ પ્રત્યેની આસક્તિ કે સામાજિક સેવા પણ ક્ષણિક છે. આ દુનિયામાં જે કંઈ પણ છે તે એકેય વસ્તુમાંથી કોઈ પણ વ્યક્તિને ક્યારેય શાશ્વત શાંતિ કે સંતોષ પ્રાપ્ત થતાં નથી. આ બધી દુન્યવી વસ્તુઓને તો આપણે ત્યજવી જ પડશે. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી.

આપણે એમ કહી શકીએ કે મારે શાશ્વત સુખની જરૂર નથી, કારણ કે મારી પાસે જે છે અને જે કરું છું એનાથી હું સુખી છું. આ બાબત એ વ્યક્તિએ પોતાના મન પર કેટલાક અંશે નિયંત્રણ મેળવી લીધું છે, એ બતાવે છે. કદાચ એ આધ્યાત્મિક ગુણવત્તા પણ ધરાવતો હશે. આ બધું હોવા છતાં દરેકની સામે એવો સમય આવી પડે છે કે જ્યારે આપણી આંખ ઊઘડી જાય છે. હું જાણવા જેવી કે ઇચ્છનીય એવી બધી બાબતોથી પર છું એવા ઉધારું જ્ઞાનના અભાવને લીધે પણ આપણે બધા મૂંઝાઈ અને દિશાહિન બની જઈએ છીએે, કારણ કે દરેક માનવીને માટે તે પોતે માત્ર દેહ કે મન નથી એ જાણવું આવશ્યક છે. વળી એ જાણવું પણ એના માટે બાધ્ય બની જાય છે કે આપણે આ પ્રત્યક્ષનું જ્ઞાન મેળવવું તે આપણું ધ્યેય છે. અર્થાત્ આ દેહ, મન તેમજ આ વિશ્વ એક સ્વપ્નમાત્ર છે, ભ્રમણા છે, મૂર્તકલ્પના જ છે. જેમ જેમ વધુ ને વધુ અનુભવ કરતા રહીએ તેમ તેમ આપણે વધારે ને વધારે સારા બનતા જઈએ છીએે.

હવે હું તમને એક વાર્તા કહું છું :

એક વખત એક ભાઈ વાળંદની દુકાને ગયા. ખુરશી પર બેઠા અને તેણે હંમેશ મુજબ વાળંદભાઈને વાળ કાપવા કહ્યું. હવે જરા આપણે આ દૃશ્ય પર નજર નાખીએ. વાળંદભાઈએ હજામત કરતાં કરતાં પેલા ભાઈને વાત વાતમાં તેમના ઘરની અવસ્થા અને કામકાજ વગેરે વિશે પૂછપરછ કરી. પેલા ભાઈએ પુષ્ટિ કરી કે ઘરમાં બધું બરાબર ચાલે છે અને ભગવાનની કૃપાથી એમાં કંઈ વાંધાવચકા આવતા નથી. ‘ઘણંુ સારું ભાઈ, ઘણું સારું’, એમ કહી વાળંદભાઈ પછી પોતાના કામે વળગ્યો. તેણે ભાઈના વાળ બરાબર કાપી દીધા. પેલા ભાઈ ત્યાંથી નીકળવા માટે ઊભા થયા ત્યારે વાળંદે તેમને કહ્યું, ‘જુઓ ભાઈ, આ દુનિયામાં ભગવાન છે એમ હું માનતો નથી.’ પેલા ભાઈએ પૂછ્યું, ‘ભાઈ, તું આમ શા માટે કહે છે?’ આ સાંભળીને વાળંદભાઈએ કહ્યું, ‘અરે ભાઈ, આ વાત તો સાવ સીધી અને સાદી છે. જ્યારે આપણે આસપાસના લોકોની પરિસ્થિતિનો વિચાર કરીએ તો આ દુનિયામાં ઈશ્વર નથી એનો અનુભવ થવાનો જ અને જો ખરેખર ઈશ્વર હોય તો મને આટલું સમજાવો કે શા માટે આટલા બધા લોકો બીજાને ઈજા પહોંચાડે છે કે તેમનાં માન-અપમાન કરતા રહે છે? અને આટલાં બધાં બાળકો શા માટે વણસી જાય છે? અને આટઆટલા લોકો માંદા કેમ પડી જાય છે? ના મિત્ર, જો ખરેખર ઈશ્વર હોય તો આટલાં બધાં દુ :ખદર્દ ન જ હોવાં જોઈએ, અરે આ વિશ્વમાં આટલી પીડા પણ કેમ સંભવી શકે? મને એ જ સમજાતું નથી કે જો ઈશ્વર હોય જ તો આવું બધું તેઓ કેમ ચલાવી લે છે.’

આકુળવ્યાકુળ થઈ પેલા ભાઈએ વાળંદની વિદાય લઈને તે શેરીમાં નીકળી પડ્યો અને વાળંદની વાત પર વિચાર કરવા લાગ્યો. ત્યાં અચાનક જ એક લાંબા વાળવાળા માણસને પોતાની ધૂનમાં આવતો જોયો. એના મનમાં ઝબકારો થયો અને મનમાં ને મનમાં હસતો હસતો, પેલા જિંથરિયા યુવાનને લઈને ફરી પાછો વાળંદની દુકાનમાં ગયો અને કહ્યું, ‘જો ભાઈ આ દુનિયામાં વાળંદ જ નથી… એ વાત તમે જાણો છો!’ આ વાત સાંભળીને પેલો વાળંદ તો હસી પડ્યો. પછી પેલા ભાઈએ ફરીથી કહ્યું, ‘જો ભાઈ, હું સાચું કહું છું … આ દુનિયામાં વાળંદ નથી. ને જો વાળંદ હોત તો આવા જિંથરિયા યુવાનો અહીં તહીં કેમ જોવા મળે!’ આવી મૂર્ખામીભરેલી વાત સાંભળીને વાળંદભાઈએ કહ્યું, ‘ભાઈ, તારી ભૂલ થાય છે, આ દુનિયામાં વાળંદ તો છે જ પણ સમસ્યા એ છે કે આવા લાંબા જિંથરિયાવાળા અમારી પાસે આવતા જ નથી.’ ‘બરાબર! આ જ વાત છે, મારા ભાઈ!’ વાળંદને એમ કહી પેલા ભાઈએે સમજાવ્યું કે, ‘ઈશ્વરનું અસ્તિત્વ તો છે જ, પરંતુ મોટામાં મોટી સમસ્યા એ છે કે લોકો એની પાસે જતા નથી! એટલે જ મારા મિત્ર, આ દુનિયામાં આટલાં બધાં દુ :ખકષ્ટ છે.’

આ વાર્તા સીધી સાદી છે. અને તેનો અર્થ પણ હાથવગો છે. ઈશ્વર તો છે જ અને આપણે એમને ઓળખવા જોઈએ. અને આ શોધ-સાધના પણ સરળ છે. મારંુ શુદ્ધ સ્વરૂપ જ ઈશ્વર છે. આ શુદ્ધ સ્વરૂપ એટલે શું? નિરાસક્તિ. જ્યારે મારામાં વૈરાગ્યભાવના જાગે, બધી ઇચ્છાશક્તિઓ પ્રત્યે આ ત્યાગ-વૈરાગ્ય જાગે એ જ પળે હું ઈશ્વર સિવાય બીજું કંઈ નથી. ઈશ્વરને બીજે ક્યાંય શોધવાની જરૂર નથી. તે તો મારુંં નિષ્કલંક અને શુદ્ધ સ્વરૂપ છે. શ્રીરામકૃષ્ણ આ વાતને ઘણી સુંદર રીતે વર્ણવે છે, ‘કામિની કાંચનનો ત્યાગ’, ‘સાંસારિક વાસનાઓનો ત્યાગ’ એ મહાન કાર્ય આપણે કરવાનું છે. જ્યાં સુધી આપણે જાગ્રત કે અજાગ્રત મનથી કામ કાંચનમાં આસક્ત રહીએ છીએ ત્યાં સુધી આપણી ઈશ્વર ઝંખનાની પરિપૂર્તિ થઈ શકતી નથી.

Total Views: 374

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.