દરેક માણસ આગળ વધવા ઇચ્છે છે અને તેને માટે ઘણા ઉપાયો પણ શોધે છે. દા.ત. એક વેપારી તેના વેપાર વિશે અધ્યયન કરે છે, અનુભવી વ્યક્તિઓ પાસેથી સલાહ-સૂચનો મેળવે છે, તેમની ભૂલો અને ખામીઓ પરથી બોધ પ્રાપ્ત કરે છે અને પછી યોગ્ય માર્ગે ચાલવાનો પ્રયાસ કરે છે. અનુભવો વગરનો માનવી ઘણી બધી ભૂલો કરે છે અને આ ભૂલોથી શીખતાં શીખતાં જ ઉંમર વીતી જાય છે. ચાલાક તે છે જે બીજાની ભૂલો પરથી શીખે.

પરંતુ શું દરેક પ્રકારની સફળતા મેળવ્યા પછી પણ માનવીને શાંતિ મળે છે? આ અગત્યનો પ્રશ્ન છે. સાધારણ રીતે એક વિચારશીલ માનવી સદાય અસંતુષ્ટ જ રહે છે… કારણ કે તેનામાં એ બોધ નથી હોતો કે વાસનાઓ જ દુ :ખનંુ મૂળ છે. આ વાસનાઓનો ત્યાગ અનિવાર્ય છે અને દરેક ધર્મનું મૂળ ત્યાગ છે.

આધ્યાત્મિક જીવનમાં ત્યાગ પરમ આવશ્યક અંગ છે. ત્યાગ સાધક-જીવનનો શિરોમણિ છે. સર્વશાસ્ત્રોનો સાર છે ગીતા અને ગીતાનું સારતત્ત્વ છે ત્યાગ. શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણીમાં ‘ગીતાનો ઉપદેશ છે કે હે જીવ, બધું ત્યાગ કરીને ભગવાનને મેળવવાનો પ્રયાસ કરો.’ શ્રીરામકૃષ્ણદેવના અવતારકાર્યનું યુગપ્રયોજન પણ ત્યાગનો ઉપદેશ કરવાનું હતું. શ્રીમા શારદાદેવી સ્વામી કેશવાનંદને કહે છે, ‘પણ દીકરા, આ યુગને માટે એમનો (શ્રીરામકૃષ્ણદેવનો) મુખ્ય સંદેશ ત્યાગનો હતો.’

ત્યાગ બે પ્રકારનો છે – આંતરિક અને બાહ્ય, બાહ્ય ત્યાગની તુલનામાં આંતરિક ત્યાગનું મૂલ્ય અધિકતર છે. વસ્તુત : ત્યાગ એટલે સર્વાંશે વાસનાશૂન્યતા, કામનાત્યાગ.

સાંસારિક સુખોપભોગ અને ઐન્દ્રિય-ભોગની બાહ્ય વસ્તુઓનોે ત્યાગ એ થયો બાહ્ય ત્યાગ. ઇન્દ્રિયજન્ય સુખાદિના માનસિક ચિંતનનો અભાવ એટલે આંતરિક ત્યાગ. શ્રીરામકૃષ્ણદેવ સંન્યાસીઓ માટે બંને પ્રકારના ત્યાગનો ઉપદેશ કરતા, જ્યારે ગૃહસ્થોને આંતરિક ત્યાગ કેળવવા પ્રબોધતા.

ગીતામાં કામનાના ત્યાગને સર્વશ્રેષ્ઠ જણાવ્યો છે. કામનાઓ અનિત્ય તરફ વાળે છે, જ્યારે ત્યાગ નિત્ય તરફ વાળે છે. કામનાની પૂર્તિ બધાને માટે અને સદાને માટે નથી, પરંતુ કામનાનો ત્યાગ બધાને માટે અને સદાને માટે છે. જો કામનાનો ત્યાગ કરવાનું કઠિન હોય તો શું કામનાઓની પૂર્તિનું કામ સુગમ છે ખરું? કદાપિ નહીં.

શાસ્ત્ર કથન છે – न जातु कामः कामानामुपभोगेन शाम्यति। કામનાઓના ઉપભોગથી કામનાનો અંત આવતો નથી. વિવેકપુર :સરના સંયમથી કામનાનું શમન થાય છે. ગીતામાં આવી કામનાઓને ‘महाशनः’ (મહાગ્નિની જેમ સદાય વધ્યા કરતી) અને ‘महापाप्मा’ (સમસ્ત પાપોનું મૂળ) કહી છે.

મમત્વ અને આસક્તિનો ત્યાગ સાચો ત્યાગ છે. દેહમાંના અહંભાવનો ત્યાગ ખરો ત્યાગ છે. શ્રીરામકૃષ્ણદેવ કાંચન-કામિનીના ત્યાગનો જે ઉપદેશ આપે છે, એમાં તે બે પ્રત્યેની આસક્તિ-ભાવનાના ત્યાગની જ વાત આવે છે. કાંચનત્વ અને કામિનીપણાની વૃત્તિનો ત્યાગ એ જ ખરો ત્યાગ. પદાર્થાેના સ્થૂળ અને બાહ્ય ત્યાગ કરતાં માનસિક ચિંતનનો સૂક્ષ્મ ત્યાગ અતિશ્રેષ્ઠ છે. ખરેખર તો ભોગ્યપદાર્થાેને મહત્તા આપવાથી જ ત્યાગ કઠિન જણાય છે. ત્યાગનો પ્રારંભ સૌથી નિકટની અને સૌથી પ્રિય વસ્તુઓથી કરવો જોઈએ.

સંસારમાં એવા બે પ્રકારના મનુષ્યો વિરલ ત્યાગીઓ છે : ૧. જેણે જે માગ્યું તેને તે જ આપી દેનાર. ૨. પોતે ક્યારેય કોઈપણ પાસે કંઈપણ ન માગનાર.

સ્વામી વિવેકાનંદ ‘ત્યાગ અને સેવા’ને હિંદુધર્મના આધારસ્તંભ ગણાવે છે અને વર્તમાન યુગને માટે તે બંનેને અગ્રિમતાના ધોરણે આચરણમાં મૂકવાનો આગ્રહ રાખે છે. ત્યાગની વિશદ વ્યાખ્યાના પરિઘમાં વૈરાગ્ય, કામનાત્યાગ, વાસનાશૂન્યતા, અપરિગ્રહ, નિ :સ્વાર્થતા, અસ્તેય વગેરે આવી જાય છે.

સ્વામી વિવેકાનંદના શબ્દોમાં : ‘આનું નામ વૈરાગ્ય કે ત્યાગ; અને ધર્મનો આરંભ અહીંથી જ થાય છે. ત્યાગ વિના ધર્મનો કે નીતિમત્તાનો આરંભ જ કેમ થાય? ધર્મનો આદિ કે અંત ત્યાગ છે. વેદ કહે છે, ‘ત્યાગ કરો, ત્યાગ કરો.’ આ એક જ માર્ગ છે – ત્યાગ કરો.’

મહાનારાયણ ઉપનિષદ(૧૨.૧૪)માં કહ્યું છે : ‘न प्रजया धनेन त्यागेनैकेऽमृतत्वमानशुः। માત્ર ત્યાગ વડે જ અમૃતત્વને પ્રાપ્ત કરી શકાય. અન્ય શાસ્ત્રવાક્ય છે : त्यागात् शान्तिरनन्तरम्। ત્યાગથી જ અનંતશાંતિ પ્રાપ્ત થાય છે.

સ્વામી વિવેકાનંદ વધુમાં જણાવે છે કે આપણે સત્ય તરફ વળવું જોઈએ. ત્યાગ આપણને તે તરફ દોરી જશે, ત્યાગ આપણા જીવનનો પાયો છે.

ગીતાની પરિભાષામાં સર્વ કર્મફળના ત્યાગને ત્યાગ કહેવાયો છે – सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः (૧૮.૨).

ગીતાની વિવેચના અનુસાર ત્યાગ ત્રણ પ્રકારના છે : સાત્ત્વિક, રાજસિક અને તામસિક.

સાત્ત્વિક ત્યાગી કેવો હોવો જોઈએ ? त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्नसंशयः – સાત્ત્વિક ત્યાગી બુદ્ધિમાન અને સંશયરહિત હોવો જોઈએ (૧૮.૧૦).

શ્રીરામકૃષ્ણદેવ અધ્યાત્મજગતના ત્યાગ-સમ્રાટ હતા, નખશિખ ત્યાગમૂર્તિ હતા. આ ત્યાગશિરોમણિ બાહ્યસ્વરૂપમાં ત્યાગસિદ્ધ તો હતા જ, પરંતુ આંતરિક ત્યાગમાંય સુસંપન્ન હતા. મથુરબાબુએ જાગીર આપવાના અને મારવાડી ભક્તોએ દસ હજાર રૂપિયા આપવાના પ્રસ્તાવ માત્રથી જ કલ્પનાતીતપણે ઉદ્વિગ્ન અને વિક્ષુબ્ધ થઈ ઊઠ્યા હતા. ઝાઉતલા હાજતે જતાં સાથે માટી લઈ જવાનું કે બટવામાં મુખવાસનો સંગ્રહ કરવાનું સુદ્ધાંય બનતું નહીં! કેવો દુર્બાેધ અપરિગ્રહ અને ત્યાગ!

ત્યાગને સ્થૂળ સ્વરૂપે જ ન આચરીને, જો મૂલત : કામનાઓને આંતરિક સ્વરૂપે નિર્મૂળ કરાય તો સાચો ત્યાગ સિદ્ધ થાય છે, ફળીભૂત થાય છે. કામનાઓના ઉદ્ગમને રોકવા કરતાં શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશ અનુસાર તેનું મુખ ફેરવી દેવાથી તે જ કામના સાત્ત્વિક સ્વરૂપમાં પરિવર્તિત થઈ જાય છે.

કામનાઓનો ઉદ્ભવ ન થાય તે માટે ઈશ્વરપ્રાર્થના અને સારાસાર વિવેકના ચિંતનની આવશ્યકતા છે. અંત :કરણમાં કામના-વાસનાનો ઉદય જ ન થાય તે તો પરમ ઈશ્વરકૃપાનું લક્ષણ છે.

શ્રીમદ્ ભાગવત (૭.૧૦.૯) માં જણાવાયું છે કે : विमुच्यति यदा कामान् मानवो मनसि स्थितान् । तर्ह्येव पुंडरीकाक्ष भगवत्त्वाय कल्पते।।

‘જે સમયે મનુષ્ય પોતાના મનમાં રહેનારી સમસ્ત કામનાઓનો પરિત્યાગ કરી દે છે, તે જ સમયે તે ભગવત્-સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે.’

શ્રીમા શારદાદેવીનું આવું જ અન્ય કથન છે : ‘પણ જો વાસના દૂર કરી શકો તો તરત જ ઈશ્વરલાભ થાય.’

ગીતાનું એક અણમોલ સૂત્ર છે :

‘स शान्तिमाप्नोति न तु कामकामी । તે શાંતિ પ્રાપ્ત કરે છે, નહીં કે કામનાઓ કરનાર.’

ત્યાગ સિવાય સુખ નથી, ત્યાગ સિવાય શાંતિ નથી, ત્યાગ સિવાય આનંદ નથી, ત્યાગ સિવાય પરમપદની પ્રાપ્તિ નથી.

શ્રીરામકૃષ્ણદેવે કહ્યું હતું કે ‘ત્યાગ’ની સાથે ઈશ્વર પ્રત્યે અનુરાગ એ અતિ આવશ્યક છે. અધ્યાત્મપંથે વિચરતાં સાથમાં ત્યાગનું ભાથું હશે તો અધ્યાત્મ-માર્ગ નિર્વિઘ્ને અને શીઘ્રતાથી પાર કરીને પરમલાભની ઉપલબ્ધિ કરી શકાશે.

Total Views: 301

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.