વિશ્વના સાંસ્કૃતિક વિકાસમાં સ્વામી વિવેકાનંદના અમૂલ્ય યોગદાન વિશે બ્રિટિશ ઇતિહાસકાર કહે છે કે ભવિષ્યમાં સેંકડો વર્ષ સુધી લોકો સ્વામી વિવેકાનંદને આધુનિક વિશ્વના ઘડવૈયા તરીકે યાદ કરશે.

૧. ધર્મ : સમગ્ર વિશ્વને સ્વામી વિવેકાનંદે ધર્મની નવી જ પરિભાષા આપી. તેમણે કહ્યું, ‘ધર્મ અને વિજ્ઞાન એકબીજાનાં પ્રતિસ્પર્ધી નથી પણ પૂરક છે. અંધશ્રદ્ધા, અહંકાર, વર્ચસ્વ અને અસહિષ્ણુતારહિત ધર્મ સમગ્ર વિશ્વની માનવજાતિ માટે મુક્તિ, સર્વોત્તમ જ્ઞાન અને પરમાનંદની પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ અનુસરણીય આદર્શ અને ઉચ્ચ માર્ગ છે’.

૨. વ્યક્તિ વિશે નવીન અવલોકન : ‘પ્રત્યેક આત્મા અપ્રગટરૂપે પરમાત્મા છે’ સ્વામીજીના આ વિચારો માનવ વિશે નવીન અવલોકન પ્રદાન કરે છે. હાલના માનવતાવાદના યુગમાં દરેક કાર્ય અને વિચારમાં વ્યક્તિ જ કેન્દ્રસ્થાને છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી દ્વારા આજે માનવીએ પ્રગતિ અને શક્તિના ક્ષેત્રે હરણફાળ ભરી છે. સંચારવ્યવસ્થા અને પ્રવાસે વિશ્વને મૂઠીમાં સમાવી દીધું છે. પણ સાથે સાથે ભ્રષ્ટાચાર, અનૈતિકતા, હિંસા, ગુનાખોરી, અવિશ્વાસ, વ્યભિચાર વગેરે ક્ષેત્રમાં સામાજિક અધ :પતન થઈ રહ્યું છે. આત્માની દિવ્યતા દ્વારા જ આ અધ :પતન અટકે છે, માનવસંબંધોની દિવ્યતા વધે છે અને જીવનમાં સાર્થકતા પ્રાપ્ત થાય છે. સ્વામીજીના ‘આધ્યાત્મિક માનવતાવાદ’ના સિદ્ધાંતો દ્વારા માનવતાવાદના ‘નવસર્જન’ પ્રત્યે લોકોની રુચિ વધી છે.

૩. નૈતિકતા અને નીતિશાસ્ત્રનો નવો સિદ્ધાંત : હાલ વ્યક્તિગત અને સામાજીક બન્ને સ્તરે માત્ર ભય દ્વારા જ નૈતિકતા જળવાય છે, જેમ કે પોલીસની દહેશત, જાહેરમાં માનહાનિની દહેશત, ઈશ્વરનો ભય, નસીબનો ડર વગેરે. વ્યક્તિએ શા માટે સદ્ગુણી થવું જોઈએ અને લોકો સાથે સારી રીતે વર્તવું જોઈએ તે વિશે નીતિશાસ્ત્રમાં કોઈ સ્પષ્ટતા નથી. સ્વામી વિવેકાનંદે આંતરિક પવિત્રતા અને આત્માના ઐક્ય પર આધારિત નૈતિકતા અને નીતિશાસ્ત્ર માટે નવી જ વ્યાખ્યા આપી છે. આપણે પવિત્ર હોવા જોઈએ કારણ કે પવિત્રતા એ આપણો મૂળભૂત સ્વભાવ છે. તેવી જ રીતે આપણે આપણા પડોશીઓને પ્રેમ કરવો જોઈએ અને તેમની સેવા કરવી જોઈએ કારણ કે આપણા બધામાં પરમાત્માનો વાસ છે.

૪. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનો સમન્વય : વિશ્વને સ્વામીજીનું આ સૌથી મહાન યોગદાન છે. હિન્દુ ધર્મગ્રંથો, તત્ત્વજ્ઞાન, જીવનશૈલી અને સમાજવ્યવસ્થા વિશે તેમણે પશ્ચિમના લોકો પાસે તેઓ સમજી શકે તેવી રીતે રજૂઆત કરી. પશ્ચિમની પ્રજાએ પોતાના વિકાસ માટે ભારતની આધ્યાત્મિકતા વિશે જાણવું આવશ્યક છે તેનું તેમને ભાન કરાવ્યું. તેમણે એ પણ ભારપૂર્વક જણાવ્યું કે ગરીબ અને પછાત હોવા છતાં ભારત પાસે વિશ્વને આપવા માટે ઘણું છે. આ રીતે તેઓ ભારતીય સંસ્કૃતિને વિશ્વથી અલગ પડતી અટકાવવામાં નિમિત્ત બન્યા. આમ તેઓ ભારતના પશ્ચિમ ખાતેના પહેલા સાંસ્કૃતિક એલચી હતા. બીજી બાજુ હિન્દુ ધર્મગ્રંથો, તત્ત્વજ્ઞાન, સમાજવ્યવસ્થા વિશે સ્વામીજીના નવીન અર્થઘટનને લીધે ભારતીયોમાં પણ પશ્ચિમની સંસ્કૃતિના મુખ્ય ઘટકો – વિજ્ઞાન, ટેક્નોલોજી અને માનવતાવાદને વ્યાવહારિક જીવનમાં સ્વીકારવાનો અભિગમ વધ્યો. આમ સ્વામીજીએ ભારતીયોને પશ્ચિમનાં વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં કેમ પ્રવીણતા મેળવવી અને આપણી આધ્યાત્મિકતાનો પણ કેમ વિકાસ કરવો તે શીખવ્યું; સાથે સાથે પશ્ચિમના માનવતાવાદને (ખાસ કરીને વ્યક્તિસ્વાતંત્ર્ય, સામાજિક સમાનતા અને સ્ત્રીઓને ન્યાય) કેવી રીતે અપનાવવો તે શીખવ્યું.

Total Views: 308

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.