સાન ફ્રાન્સિસ્કોમાં ૨૯મે, ૧૯૦૦ના રોજ આપેલા ભાષણમાં સ્વામી વિવેકાનંદ કર્મયોગ વિષયક વિવેચન કરે છે જેનો મર્મ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયમાં આપણને જોવા મળે છે. (અહીં અર્જુન શ્રીકૃષ્ણને પૂછે છે) ‘તમે મને કર્મમાં પ્રવૃત્ત થવાનો બોધ આપો છો અને છતાં બીજી બાજુ બ્રહ્મજ્ઞાનને જીવનનો ઉચ્ચતમ ઉદ્દેશ ગણો છો. હે શ્રીકૃષ્ણ! જો તમે જ્ઞાનને વધારે સારું-મોટું માનતા હો તો મને શા માટે કર્મમાં જોડી રહ્યા છો?’ (જવાબરૂપે શ્રીકૃષ્ણ કહે છે) ‘પરાપૂર્વથી સાંખ્ય અને કર્મ એમ બે વિચારધારાઓ ચાલતી આવી છે. સાંખ્ય દર્શકો જ્ઞાનની વિચારધારાને આગળ ધરે છે. યોગીઓ કર્મની વિચારધારાને પ્રસ્તુત કરે છે. પરંતુ કોઈપણ વ્યક્તિ કર્મનો ત્યાગ કરીને શાંતિ પ્રાપ્ત કરી શકતી નથી. કોઈપણ વ્યક્તિ એક ક્ષણ પણ કર્મ કર્યા વિના રહી શકતી નથી. પ્રકૃતિના ગુણો તેને કર્મ કરવા પ્રવૃત્ત કરશે. જે વ્યક્તિ કર્મથી વિરત થાય છે અને સાથે સાથે તે અંગે ચિંતવન કરતો રહે છે તેને કંઈ જ પ્રાપ્ત થતું નથી. તે દંભી નીવડે છે. પરંતુ જે વ્યક્તિ મનની શક્તિ દ્વારા ધીરે ધીરે ઇન્દ્રિયોને કર્મમાં પ્રવૃત્ત રાખતો રહીને તેના પર કાબૂ મેળવે છે તે વધુ સારી વ્યક્તિ છે. તેથી તું કર્મ કર.’ (સ્વા. વિ. ગ્રં.૧.૧૧૦)

હવે આ ગુણો કયા અને કેટલા છે? ગુણ વિષયક સંકલ્પના સાંખ્યદર્શન દ્વારા ઉદ્ભવ પામી હતી પણ વર્તમાનમાં તે સંકલ્પના વિભિન્ન હિંદુ વિચારસરણીઓની મહત્ત્વપૂર્ણ વિભાવના બની ગઈ છે. સાંખ્યદર્શન અનુસાર ગુણ એટલે ત્રણ પ્રકારની મનોવૃત્તિઓ- સત્ત્વ, રજસ્, તમસ્. સત્ત્વની ગુણવિભૂતિ છે સમત્વ, સમભાવ, સારપ, પવિત્રતા, વિશ્વભાવાત્મકતા, સર્જનાત્મકતા, વિધેયાત્મકતા, શાંતિ, સદાચાર ઇત્યાદિ. રજસ્ની ગુણવિભૂતિઓ છે મોહ, પ્રવૃત્તિશીલતા, નહીં સારું- નહીં ખરાબ અને કયારેક બન્નેનું મિશ્રિત મનોવલણ, સ્વાર્થભાવના, અહંકારિતા, વ્યક્તિમત્તા, પ્રેરકતા, ગતિશીલતા ઇત્યાદિ. અસમતોલન, અવ્યવસ્થિતતા, અંધાધૂંધી, વ્યગ્રતા, અપવિત્રતા, વિનાશકતા, ભ્રમણા, નકારાત્મકતા, નિરસતા, અકર્મણ્યકતા, ભાવનાશૂન્યતા, જડતા, નિરુત્સાહિતા, ઉગ્રતા, વિષમયતા, અજ્ઞાનતા ઇત્યાદિ દુર્વૃત્તિઓ તમસ્ની અંતર્ગત છે.

સાંખ્યદર્શન અનુસાર કોઈપણ વ્યક્તિ કે વસ્તુ પૂર્ણત : નથી તો સાત્ત્વિક, નથી તો રાજસિક કે નથી તો તામસિક. વ્યક્તિની પ્રકૃતિ અને વર્તન એ ત્રિગુણાત્મક ગુણોના ઘટકોની અનિશ્ચિત માત્રા ધરાવતી જટિલ સંઘટના છે. કોઈકનું રાજસિક વર્તન સત્ત્વની વિશેષ અસરવાળું હોય છે તો વળી કોઈકનું તામસિક પ્રકારની વિશેષ અસરવાળું રાજસિક વર્તન. અને આવું અન્ય બાબતોમાં પણ. શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૮મા અધ્યાયના ૨૩,૨૪,૨૫ શ્લોકમાં ત્રણ ગુણોની નીચે મુજબ વ્યાખ્યા કરાઈ છે.

नियतं सङ्गरहितमरागद्वेषतः कृतम् ।
अफलप्रेप्सुना कर्म यत्तत्सात्त्विकमुच्यते ।।

કર્તવ્યકર્મ તરીકે નક્કી કરેલું, રાગ-દ્વેષ અને આસક્તિને છોડીને ફલાકાંક્ષા વગર મનુષ્ય જે કર્મ કરે, તેને ‘સાત્ત્વિક કર્મ’ કહેવાય છે.

यत्तु कामेप्सुना कर्म साहंकारेण वा पुनः ।
क्रियते बहुलायासं तद्रासमुदाहृतम् ।।

હું કર્તા છું- એવા કર્તૃત્વાભિમાનપૂર્વક ફલાકાંક્ષી મનુષ્ય ઘણા પરિશ્રમપૂર્વક કરે તેવા કર્મને ‘રાજસી કર્મ’ કહે છે.

अनुबन्धं क्षयं हिंसामनवेेक्ष्य च पौरुषम् ।
मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते ।।

કર્મના પરિણામનો, વસ્તુઓના બગાડનો, હિંસાનો અને પોતાના સામર્થ્યનો કશો જ વિચાર કર્યા વગર મનુષ્ય મોહથી (અજ્ઞાનથી, મૂર્ખતાથી) જે કર્મ શરૂ કરે છે, તે ‘તામસી કર્મ’ કહેવાય છે.

જનસામાન્ય માટે (રાજસિક) કર્મના મહિમાનું ગાન કરતાં સ્વામી વિવેકાનંદ કહે છે, ‘આ વિશ્વનું વળગણ ત્યજી દેવાનું કાર્ય અતિ દુષ્કર છે. ઘણા થોડા લોકો તે કરી શકે. આપણા ગ્રંથોમાં આમ કરવાના બે માર્ગ બતાવ્યા છે. એક માર્ગ ‘નેતિ’, ‘નેતિ’ (આ નથી, આ નથી) ને નામે ઓળખાય છે. બીજો માર્ગ ‘ઇતિ’(આ છે) ને નામે ઓળખાય છે. પહેલો માર્ગ નિષેધાત્મક છે, બીજો માર્ગ વિધેયાત્મક છે. નિષેધાત્મક માર્ગ અતિ દુષ્કર છે. ઊંચામાં ઊંચા, અસાધારણ મનવાળા અને અતિ જબ્બર ઇચ્છાશક્તિવાળા માનવોને માટે જ એ શક્ય છે. આવા માનવો ઊભા થઈને માત્ર એટલું કહે : ‘નહીં, મારે કશું ન જોઈએ.’ તો તરત એમનાં મન અને દેહ એમની ઇચ્છાશક્તિને વશ થશે. પણ આવા લોકો અતિ વિરલ હોય છે. માનવજાતનો ઘણો મોટો ભાગ જગતમાંથી પસાર થવાનો માર્ગ પસંદ કરે છે અને સર્વ બંધનોનો ઉપયોગ એ જ બંધનોને તોડવામાં તે કરે છે. આ પણ એક પ્રકારનો ત્યાગ છે : માત્ર એ ધીમે ધીમે થાય છે, ક્રમે ક્રમે થાય છે. વસ્તુઓનું સ્વરૂપ પિછાનીને થાય છે- છેવટે મન આ સર્વને ત્યજે છે અને અનાસક્ત બને છે. અનાસક્તિ મેળવવાનો પહેલોમાર્ગ બુદ્ધિગમ્ય છે; બીજો અનુભવગમ્ય છે. પહેલો જ્ઞાનયોગનો માર્ગ છે, સર્વ કર્મનો ત્યાગ એ તેનું લક્ષણ છે. બીજો કર્મયોગનો માર્ગ છે; સતત કાર્ય કર્યા કરવું એ તેનું લક્ષણ છે. વિશ્વમાં સહુ કોઈએ કાર્ય કરવું જોઈએ. જેઓ આત્માથી સંપૂર્ણ સંતુષ્ટ છે, જેઓની વાસનાઓ આત્મા સિવાય ક્યાંય જતી નથી, જેમનું મન આત્માથી બહાર ક્યાંય ભટકતું નથી, જેમને આત્મા એ સર્વસ્વ છે, તેઓ જ કાર્ય કરતા નથી; બીજા બધાએ કાર્ય કરવું જ જોઈએ.’

આ જ પરમ આદર્શ શ્રીકૃષ્ણના અમર ગીતાગાનમાં ઝણઝણી ઊઠેલો છે.

न हि कश्चित् क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् ।
कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः ।।3.5।।

‘કોઈપણ મનુષ્ય ક્યારેય ક્ષણભર પણ કર્મ કર્યા રહી શકતો નથી. કારણ કે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો વડે પરવશ થયેલાં બધાં પ્રાણીઓને કર્મો કરવામાં લગાડવામાં આવે છે.’

શ્રી સંપ્રદાયના શ્રીરામાનુજાચાર્ય કહે છે, ‘આ જગતમાં કોઈપણ વ્યક્તિ કાર્ય કર્યા વગર રહી શકે નહીં, ‘હું કંઈ જ નહીં કરું’ એવો નિશ્ચય કરે છતાં કોઈ જ કર્મથી વિરત રહી શકે નહીં કારણ કે તેની પાસે પ્રવૃત્તિ કરાવાય છે અર્થાત્ પ્રકૃતિજન્ય ગુણો તેને પ્રવૃત્તિ કરવા ફરજ પાડે છે. સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણો છે કે જે તેનાં પૂર્વકર્મોના પ્રમાણમાં વૃદ્ધિ પામે છે.’

રુદ્ર સંપ્રદાયના શ્રી શ્રીધર સ્વામી કહે છે- ‘વસ્તુત : કર્મોનો પરિત્યાગ એટલે તે કર્મો પ્રત્યે આસક્તિ ન રાખવી. એનો અર્થ એવો નથી કે કર્મોનો વાસ્તવમાં પરિત્યાગ કરવો, કેમ કે તેમ કરવું અશક્ય છે. જ્ઞાની કે મૂર્ખ, કોઈપણ વ્યક્તિ કોઈપણ સંજોગોમાં ક્ષણ માટે પણ કર્મોથી વિરત રહી શકતી નથી. તેનું કારણ જણાવતાં શ્રીકૃષ્ણ કહે છે કે પ્રકૃતિજન્ય આસક્તિભાવ અને અનિચ્છાવૃત્તિથી અસર પામતી વ્યક્તિની પસંદગી-નાપસંદગી જ બધાંને કાર્ય કરવા ફરજ પાડે છે- પ્રકૃતિ અર્થાત્ વ્યક્તિગત સ્વભાવ અને પૂર્વજન્મની પ્રવૃત્તિઓનો પરિપાક.’

કૌલ સંપ્રદાયના શ્રીઅભિનવગુપ્ત કહે છે, ‘પ્રાકૃતિકપણે દેહ, જીહ્વા અને મન નિરંતર ક્રિયાશીલ છે. વ્યક્તિ સામાન્યત : સ્વયંની જ અધીનતામાં હોવાથી, એક કે બીજી પ્રવૃત્તિ અવશ્યમેવ આદરે છે. કારણ કે દેહ, જીહ્વા અને મન તો સદા ધબકતી પ્રકૃતિનાં છે.’

સ્વામી રંગનાથાનંદજી મહારાજ તેમના શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રવચનમાં કહે છે, ‘કોઈ નર કે નારી કર્મ કર્યા વગર એક ક્ષણ પણ બેસી શકતું નથી. ભાષા તો જુઓ! દરેક વ્યક્તિ કર્મ કરે છે; અને પ્રવૃત્તિઓ ચાલી રહી છે. મૃત્યુ સિવાય અકર્મણ્યતા કયાં છે ? મેજ કે ખુરશી નિષ્ક્રિય છે એમ તમે કહી શકો છો. પણ એક કે બીજી રીતે મનુષ્ય તો પ્રવૃત્ત જ છે…

મનુષ્યજીવનનો એ રાહ છે. આપણને કર્મ માટે કોઈ ધકેલે છે. આપણો પોતાનો અંદરનો સ્વભાવ જ એ છે. આ, તે કે, પેલું કર્મ કરવા આપણને સતત પ્રેરીને એ સ્વભાવ – પ્રકૃતિ – અભિવ્યક્ત થાય છે. તો આ પહેલો પાઠ આપણે શીખવો જોઈએ. હું હૈદરાબાદથી રજા ઉપર કાશ્મીર જાઉં તો પણ હું પ્રવૃત્ત જ રહીશ, ભલે ત્યાં હું જુદું કાર્ય કરતો હોઉં. તે છતાં, કર્મ ત્યાં પણ છે જ. રજાઓમાં પણ કર્મ છે પણ, હું નિત્ય કરતો હતો તે કર્મ તે નથી; એકને બદલે બીજું કર્મ, બસ તેટલું જ… એટલે તો, આપણને કહેવામાં આવ્યું છે કે આપણે કર્મથી છટકી શકીએ નહીં. વાત એમ છે તો, મારે કામ કેવી રીતે કરવું ?’

Total Views: 419

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.