શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો આરંભ શ્રીકૃષ્ણને અર્જુને પૂછેલા પ્રશ્નથી થાય છે. ઘણીવાર શ્રીકૃષ્ણે પોતે પ્રશ્નો પૂછ્યા છે અને ઉત્તરો પણ આપ્યા છે. અર્જુન દ્વારા પુછાયેલા આ પ્રશ્નો મોટા ભાગે આપણા જીવનને લગતી શંકાઓ વિશે જ છે. અહીં શ્રીકૃષ્ણને જનાર્દન કહીને સંબોધવામાં આવ્યા છે. જનાર્દન એટલે કે લોકો (જન) દ્વારા પોતાની યાચનાઓની પૂર્તિ માટે પ્રાર્થના (અર્દન) કરાતા.

અર્જુન પૂછે છે :

ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन।

तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव।।

હે જનાર્દન, જો તમે કર્મ કરતાં બુદ્ધિ (જ્ઞાન)ને વધારે મોટી-સારી માનતા હો તો પછી, હે કેશવ, મને આવા ભયંકર કર્મમાં કેમ જોડી રહ્યા છો ? (૩.૧)

व्यामिश्रेणेव वाक्येन बुदिं्ध मोहयसीव मे।

तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्।।

તમે આવાં ભેળસેળિયાં વચનોથી મારી બુદ્ધિને જાણે ગુંચવાડામાં નાખી દો છો. તો એ બેમાંથી એક નક્કી કરીને કહો, જેથી હું કલ્યાણ પ્રાપ્ત કરું. (૩.૨)

અર્જુન દ્વન્દ્વની સ્થિતિમાં મુકાઈ ગયો છે. આત્મસાક્ષાત્કાર માટે શ્રીકૃષ્ણે કર્મ અને જ્ઞાન એ બંને માર્ગાેનો ઉપદેશ કર્યો છે. આ પહેલાં શ્રીકૃષ્ણ વૈરાગ્ય અને જ્ઞાનનો ઉપદેશ આપે છે.

एषा तेऽभिहिता सांख्ये बुद्धिर्योगे त्विमां श्रृणु।

बुद्धया युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि।।

હે પાર્થ, આ આત્મજ્ઞાન (સાંખ્ય) વિષેનું મનોવલણ એ (બુદ્ધિ) તને શીખવ્યું. હવે એને કર્મમાં જોડવાનું-યોગનું વલણ તું સંભાળ-(એના અમલના) વલણથી યુક્ત થયેલો તું કર્મનાં બંધનો છોડી દઈશ. (૨.૩૯)

પરંતુ તે પછી શ્રીકૃષ્ણ અર્જુનને કર્મના માર્ગનું અનુસરણ કરવાનું કહે છે –

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।

मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि।।

તારો કર્મમાં જ અધિકાર છે. એનાં ફળોમાં કદાપિ નહિ. તેથી તું કર્મફળનું કારણ – ઇચ્છુક – ન થા. અને કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન થાઓ. (૨.૪૭)

તેમ છતાં, અર્જુનને કહેતા નથી કે કર્મમાર્ગના પ્રત્યક્ષ ફળરૂપે તેને કલ્યાણપ્રાપ્તિ થશે. અર્જુનની દ્વિધા આ છે : કલ્યાણ-ઇચ્છુક તેને શ્રીકૃષ્ણ શા માટે પહેલાં જ્ઞાન અને વૈરાગ્યનો બોધ આપે છે અને પાછા હવે શા માટે યુદ્ધ જેવા ભયાનક કાર્યમાં પ્રવૃત્ત થવાનો આદેશ કરે છે?

અર્જુન વિચારે છે કે જો શ્રીકૃષ્ણના મતે કર્મ કરતાં જ્ઞાન કલ્યાણકારક છે તો પછી શા માટે મને આ ભયંકર યુદ્ધમાં શક્તિક્ષય કરવા પ્રેરે છે? અર્જુન આ યુદ્ધજાળમાંથી નીકળી જઈને યોગબુદ્ધિને વિકસિત કરવા માટેના શ્રીકૃષ્ણના આદેશનું અનુસરણ કરવા ઇચ્છે છે.

दूरेण ह्यवरं कर्म बुद्धियोगाद्धनञ्जय।

बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः।।

આ બુદ્ધિયોગ – સમત્વબુદ્ધિ કરતાં સકામ કર્મ તો હલકું – તુચ્છ છે. માટે હે ધનંજય, તું સમત્વબુદ્ધિનો આશરો લે. ફળના કારણરૂપ માણસો દયાપાત્ર છે. (૨.૪૯)

જ્ઞાન અને કર્મ એવાં આ દેખીતાં સંઘર્ષગત પદોનું સ્પષ્ટીકરણ અર્જુન ઇચ્છે છે. અહીં અર્જુન માને છે કે શ્રીકૃષ્ણ દ્વારા જ્ઞાન અને કર્મમાર્ગના અધિકારીઓને સ્પષ્ટપણે ઉપદેશ અપાયો નથી. કોઈ પણ વ્યક્તિ બ્રહ્મજ્ઞાન કેવી રીતે પામી શકે? જ્ઞાનમાર્ગે કે કર્મમાર્ગે? અથવા તો તે બંનેના સંયોગીકરણથી?

ભગવદ્ ગીતા અને સાથે ઉપનિષદોનો નિષ્કર્ષ પણ શ્રીશંકરાચાર્યના મતાનુસાર એ છે કે બ્રહ્મનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર માત્ર જ્ઞાનમાર્ગથી જ થઈ શકે, અન્ય કોઈ જ માર્ગ દ્વારા નહીં. મુક્તિ ઇચ્છુકે ઈશ્વરને ફળ સમર્પણ કરતા રહીને સૌ પ્રથમ નિષ્કામ કર્મ આચરવું જ જોઈએ. ત્યારબાદ તેણે સારાસાર વિવેક, ત્યાગ અને અન્ય પદ્ધતિઓ અનુસરતા રહીને સાંસારિક કર્તવ્યોનો ત્યાગ કરવો રહ્યો. આમ તે એકનિષ્ઠ ભક્તિ પામશે. ત્યાર પછી ભક્તિ પરમસત્યના જ્ઞાનની ઝંખના જન્માવશે, જે ત્રિગુણજન્ય અવિદ્યા કે અજ્ઞાનનો નાશ કરે છે. અજ્ઞાનના નાશ દ્વારા સાધકે સાપેક્ષ જગતમાંના જન્મમરણના ચક્રમાંથી છુટકારો મેળવશે અને આમ આત્યંતિક મુક્તિ પામશે.

ગીતામાં અવારનવાર ચર્ચાયેલ આ વિષય હજારો વર્ષોથી ભારતીય માનસને મૂંઝવતો રહ્યો છે – પ્રવૃત્તિ કે નિવૃત્તિ. આપણાં ધાર્મિક શાસ્ત્રોમાં આ વિષય પુનરાવર્તિત થતો જોવા મળે છે. મારે શા માટે પ્રવૃત્તિ કે કર્તવ્યકર્મ કરવું જોઈએ? શા માટે અક્રિય ન બની રહેવું? ખરેખર તો આત્મા નિરપેક્ષપણે અક્રિય છે. જો મારે આત્મા બનવું હોય તો મારે પણ અકર્મણ્ય બનવું જોઈએ. તેથી હિંદુમાનસને અકર્મનો આ સિદ્ધાંત આત્યંતિકપણે રુચિકરપણે સ્પર્શે છે. મારે શા માટે કર્તવ્યકર્મ કરવું જોઈએ? આવી મનોવૃત્તિ ક્રમશ : એટલી વિકસતી ગઈ કે વધુ ને વધુ પ્રમાદે મનુષ્યને ઘેરી લીધો!

આ પ્રકારની મનોગત વિચારસરણીને કારણે આવા નૈષ્કર્મ્ય અર્થાત્ અકર્મણ્યતાએ સૈકાઓ સુધી ભારતીય માનસ પર વર્ચસ્વ જમાવ્યે રાખ્યું! ‘નૈષ્કર્મ્ય સિદ્ધિ’ નામના વેદાંતના અગત્યના ગ્રંથ દ્વારા સંન્યાસીઓમાં આ મત દૃઢીભૂત થયો અને આ નૈષ્કર્મ્યવૃત્તિએ ધીમે ધીમે ગૃહસ્થોનાં માનસો પર હુમલો કર્યો અને તે વૃત્તિએ તેનો યથાર્થ મતલબ ન સમજવાથી રાષ્ટ્રનો વિનાશ નોતર્યો. શ્રીકૃષ્ણે પ્રવૃત્તિ વિરુદ્ધ નિવૃત્તિના આ વિષયને ગીતામાં હાથ ધર્યો હતો; પરંતુ આધુનિક સમયમાં સ્વામી વિવેકાનંદના જીવનવ્યવહારમાં વેદાંતના ઉપદેશ દ્વારા ગીતાને સવિશેષ યથાર્થપણે સમજી શકાઈ રહી છે. ૧૮ નવેમ્બર, ૧૮૯૬માં લંડનમાં અપાયેલ ‘જીવન વ્યવહારમાં વેદાંત’ વિષયક પ્રવચનમાં સ્વામી વિવેકાનંદ કહે છે :

‘વેદાંતનો સર્વોચ્ચ આદર્શ સમજવો અતિ કઠિન છે. લોકો હંમેશાં તેના વિષે ઝઘડો કરતા હોય છે; અને મોટામાં મોટી મુશ્કેલી એ છે કે જ્યારે તેઓ અમુક વિચારોને પકડે છે ત્યારે બીજા વિચારોનો અસ્વીકાર કરે છે અને તેમની સામે ઝઘડો કરવા લાગે છે. તમને જે કંઈ અનુકૂળ પડે તે તમે લો અને બીજાઓને જે કંઈ જરૂરી લાગે તે ભલે તેઓ લે.’ (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૨.૪૯૯)

‘કર્મયોગનો આદર્શ’ સમજાવતાં સ્વામી વિવેકાનંદ ભારપૂર્વક નોંધે છે :

‘આપણે એક જ લક્ષ્ય જુદા જુદા માર્ગે પ્રાપ્ત કરી શકીએ. વેદાંતનો આ એક ભવ્ય વિચાર છે અને આ માર્ગાેના મેં ચાર વિભાગ પાડયા છે. કર્મ, ભક્તિ, યોગ અને જ્ઞાન.’ (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, ૧.૫૫)

Total Views: 258
By Published On: May 1, 2016Categories: Ek Chintan0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram