આઠ વર્ષની ઉંમરે શાળામાં લાગેલી આગને કારણે સખત રીતે દાઝી ગયેલ રમતવીર ગ્લેન કનિંગહામ. ડાૅક્ટરે ભવિષ્ય ભાખ્યું હતું કે તે હવે ક્યારેય પોતાના પગથી ચાલી નહીં શકે. દૃઢ નિશ્ચય કરીને ગ્લેન વ્હીલચેરમાંથી પોતાના શરીરને ખેંચી મેદાનમાં વાડની બાજુમાં ઘસડાવા લાગ્યો. બાવીસ મહિના પછી તેણે પહેલું ડગલું ભર્યું અને દૃઢ નિશ્ચય થકી જ દુ :ખાવો થતો હોવા છતાં દોડવાનું શીખ્યો…..

વાત આમ બની….

શિયાળામાં સ્કૂલના ઓરડાને હૂંફાળો રાખવા ઓરડામાં જૂનવાણી સ્ટવ સળગાવવામાં આવતોે. આ માટે એક નાનકડા છોકરાને, વહેલા સ્કૂલે આવી શિક્ષક અને અન્ય વિદ્યાર્થીઓ આવે તે પહેલાં, તે સ્ટવને ચાલુ કરી ઓરડાને હૂંફાળો કરવાનું કામ સોંપવામાં આવ્યું.

એક સવારે શિક્ષક અને વિદ્યાર્થીઓએ શાળાને આગમાં લપેટાયેલી જોઈ. જીવતાં કરતાં વધુ મરેલા જેવા તે બેભાન છોકરાને તેઓ બળતા મકાનમાંથી બહાર ખેંચી લાવ્યા. શરીરના નીચેના અર્ધા ભાગમાં સખત રીતે દાઝી ગયેલા છોકરાને હાૅસ્પિટલમાં લાવવામાં આવ્યો.

અર્ધબેભાન અવસ્થામાં પથારીમાં પડેલા તે બાળકે ડાૅક્ટર અને તેની માતાને ધીમેથી વાત કરતાં સાંભળ્યાં. ડાૅક્ટર કહી રહ્યા હતા કે તે જરૂર જીવતો નહીં રહે અને તે જ સારું છે, કારણ કે આગની જ્વાળાઓએે તેના શરીરના નીચેના હિસ્સામાં ખૂબ ઊંડે સુધી અસર કરી છે.

પરંતુ તે બહાદુર બાળક મરવા નહોતો ઇચ્છતો. તેણે જીવવા માટે પોતાના મનને તૈયાર કર્યું. ડાૅક્ટરોના આશ્ચર્ય વચ્ચે તે જીવી ગયો. મરણતોલ ભય પસાર થઈ ગયા પછી ફરી માતાની સાથે ધીમેથી વાત કરતા ડાૅક્ટરને સાંભળ્યા. ડાૅક્ટર કહી રહ્યા હતા કે આગે તેના શરીરના નીચલા હિસ્સાના સ્નાયુઓ અને માંસપેશીઓને ખતમ કરી નાખ્યાં છે એટલે એ જીવનભર ચાલી નહીં શકે અને અપંગ રહેવા કરતાં તે મૃત્યુને ભેટ્યો હોત તો વધુ સારું હતંુ.

ફરી એક વખત તે બહાદુર બાળકે મનમાં નિશ્ચય કર્યો. લૂલો અને પાંગળો રહેવા તે તૈયાર ન હતો. તેને ચાલવું હતું, દોડવું હતું પરંતુ કમનસીબે કમરથી નીચેના ભાગનું હલનચલન તે કરી શકતો ન હતો. તેના નિર્જીવ પગ લટકતા રહેતા હતા. આખરે તેને હાૅસ્પિટલમાંથી રજા આપવામાં આવી. દરરોજ તેની માતા તેના નાનકડા પગમાં મસાજ કરી આપતી, પરંતુ તે પગમાં જીવ જેવું કંઈ જ ન હતું, કંઈ જ નિયમન નહોતું. કશું જ નહીં, પરંતુ તે પોતે ચાલશે તેવો નિશ્ચય તેનામાં હજુ પહેલાં જેવો જ અકબંધ હતો.

તે ક્યારેક પથારીમાં ન હોય ત્યારે વ્હીલચેર પર બંધનમાં જકડાયેલો જોવા મળતો. આમ એક સૂર્યપ્રકાશિત દિવસે તેની માતા તેને કુદરતી શુદ્ધ હવા માટે વ્હીલચેરમાં બેસાડી ખુલ્લા વાડામાં લઈ ગઈ. તે વખતે વ્હીલચેરમાં બેસી રહેવાને બદલે તેણે પોતાના શરીરને વ્હીલચેરની બહાર ફંગોળ્યું અને ઘાસ ઉપર શરીરને ખેંચવા લાગ્યો. તેના નિર્જીવ પગ શરીર પાછળ ઘસડાતા હતા.

આ રીતે તે વાડાના છેવાડે બાંધેલી વાડ સુધી પહોંચ્યો. તેણે મહામહેનતે શરીરને વાડાના ટેકાથી ઊંચું કર્યું અને પછી ધીમે ધીમે વાડના સહારે પોતાની જાતને ખેંચવા લાગ્યો. હવે તેને લાગ્યું કે તે ચાલી શકશે. દરરોજ આમ કરતાં કરતાં વાડની બાજુમાં એક લીસી પગદંડી બની ગઈ. તે પગમાં જીવ આવે તે સિવાય તેને બીજું કશું ખપતું નહોતું.

છેવટે દરરોજના મસાજ, તેના પ્રયત્નના સાતત્ય અને દૃઢ નિશ્ચય થકી પહેલાં તેણે ઊભા રહેવાની, પછી અટકતાં અટકતાં ચાલવાની, પોતાની મેળે વ્યવસ્થિત ચાલવાની અને છેવટે દોડવાની ક્ષમતા કેળવી. અંતે તે ચાલીને, દોડીને શાળાએ જવા લાગ્યો. હવે તેને દોડવામાં આનંદ આવતો. પછી કોલેજમાં તેણે એક ‘ટ્રેક ટીમ’ બનાવી.

૧૬મી જૂન, ૧૯૩૪ના રોજ- આ ગ્લેન કે જે કદી જીવતો નહોતો રહેવાનો, ચાલી નહોતો શકવાનો- તેણે ૪ મિનિટ, ૬ સેકન્ડમાં એક માઈલ દોડીને વિશ્વવિક્રમ નોંધાવ્યો.

Total Views: 216

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.