‘તો પણ એક વાત કહું છું, દીકરી ! શાંતિ જોઈતી હોય તો કોઈનો દોષ ન જોતી; પોતાનો જ દોષ જોવો, જગતને પોતાનું કરી લેતાં શીખ, જગતમાં કોઈ પરાયું નથી. દીકરી, જગત તમારું છે,’ આ છે શ્રીરામકૃષ્ણદેવનાં લીલાસહધાર્મિણી જગજ્જનની શ્રી શારદાદેવીનો અંતિમ ઉપદેશ.

અન્યના દોષદર્શનની આપણી મનોવૃત્તિ સાર્વત્રિક છે. આપણને ખ્યાલ જ આવતો નથી કે આવી આદત પ્રત્યેક ક્ષણે આપણને ક્ષુદ્રતર બનાવતી જાય છે. જ્યારે કોઈક વખત વ્યક્તિ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે ત્યારે આપણે તે વ્યક્તિનું બારીકાઈથી નિરીક્ષણ કરીએ છીએ અને આપણી સંસ્મૃતિઓના લેન્સ દ્વારા તેનું ચિત્ર ખડું કરીએ છીએ. સ્મૃતિનું સંગ્રહાલય અર્થાત્ આપણું અર્ધચેતન મન નવાં ચિત્રોનું વિશેષ પદ્ધતિ દ્વારા વિશ્લેષણ કરે છે. આ અર્ધચેતન મન આવાં નવાં પ્રાપ્ત કરેલ ચિત્રોને પૂર્વસ્મૃતિ સાથે જોડીને મન :પટલ પર એને પ્રક્ષિપ્ત કરે છે. આ પ્રક્રિયા અંતર્મનમાં પ્રતિક્રિયા પેદા કરે છે અને આપણે મન દ્વારા પેદા થયેલ સંવેગો મારફત વર્તવાનું શરૂ કરીએ છીએ, જો કે આપણે આ પ્રક્રિયાથી વાકેફ હોતા નથી.

જો ભૂતકાળમાં તે વ્યક્તિ સાથેનો આપણો અનુભવ સાનુકૂળ હશે તો આપણે હાલમાં પણ તેવી જ સાનુકૂળતાની અપેક્ષા સેવીશું. શા માટે? કારણ કે આપણે સ્મૃતિમાં તે વ્યક્તિની સારી વ્યક્તિ તરીકેની નોંધ જાળવી રાખી છે.

એ ખરેખર વિસ્મયકારક વાત છે કે જે બાબત સામાન્ય રીતે આપણા મનના ખેદનું કારણ છે, તે જ પ્રકારના અવગુણો પણ એક સારી વ્યક્તિમાં હોવા છતાં તેની આપણે અવગણના કરીએ છીએ. જો પરિસ્થિતિ આનાથી ઊલટી હશે તો આપણે શું વ્યક્તિ સાથે સમસ્યા પેદા થતાં પહેલાં સતર્ક-સજાગ નથી થઈ શકતા? વાસ્તવમાં તો વ્યક્તિની ઉપસ્થિતિનું નિવારણ જ યોગ્ય લાગશે.

દુ :ખદ રીતે આપણે તે વ્યક્તિની સારપ જોવામાં નિષ્ફળ નિવડીએ છીએ.

આપણે આમ શા માટે વર્તીએ છીએ? આ માટે આપણે કૂતરાનું રૂપક જોઈએ. આપણા દરેકમાં સારો કૂતરો અને ખરાબ કૂતરો એમ બે કૂતરા રહેલા છે.

આપણા મનની પશ્ચાદ્ભૂમાં તે બંને ભસે છે. કોઈક વાર સારો કૂતરો મોટા સાદે ભસે છે, તો કોઈવાર ખરાબ કૂતરો. ખરાબ કૂતરો આપણને સર્વત્ર ખરાબ બાબત જ દેખાડે છે, જ્યારે સારો કૂતરો તેનાથી સાવ ઊલટું જ. આ બંનેય કૂતરા આપણને સંચાલિત કરે છે. તેઓ આપણા મનોભાવની સંરચના કરે છે અને આપણે તેમના ઇશારે નાચીએ છીએ.

તેમનો આપણા પરનો કાબૂ તોડીને મુક્ત થવું તે પાયારૂપ અને સાધ્ય કરવા જેવી બાબત છે. ધારો કે આપણે એક ઉદ્ધત અને ગુનાખોર માણસને મળીએ છીએ. તેના એક શબ્દ માત્રથી ક્ષણાર્ધમાં આપણે ઉત્તેજિત થઈ ઊઠીએ છીએ. તો શું આપણે તેની ઉદ્ધતાઈને અવગણવી જોઈએ? શું તેમ કરવું આપણા માટે શક્ય છે ખરું? શું આપણે એટલા બધા બુદ્ધુ છીએ? શું આ અસંભવ જ નથી? સમાન્યત : જવાબ હશે, ના! આપણે તે વ્યક્તિને સાવ જ અવગણી નહીં કાઢીએ. પરંતુ ધારો કે ગમે તેમ કરીને તેના ખાસ વર્તનને ‘ઉદ્ધત’ તરીકે ગણી કાઢવામાંથી તમારી જાતને અટકાવશો તો દૃશ્ય સાવ બદલાઈ જશે, ખરું ને? આ થયું બંને કૂતરાઓને બોલતા બંધ કરવાનું કામ. આ થયું આપણી જાતનું ધ્રુવીકરણ કરવાનું કામ.

નિરપેક્ષતા એટલે ટૂંકમાં આપણે બંનેમાંથી એક પણ કૂતરાના ભસવાની નોંધ લેવાની પરવા રાખતા નથી. નિરપેક્ષતાનાં બે સ્તર છે. એક છે પોતાની જાતનો

નિર્ણય કરવાનું, બીજું છે આપણી આસપાસના લોકો અંગે નિર્ણય બાંધવાનું. પહેલા પ્રસંગમાં, માની લો કે તમે તમારા ઉપરી સમક્ષ કોઈ મુદ્દા બાબતે જઈ રહ્યા છો, સ્વાભાવિકપણે તમને ઉપરીપણાનો ભાવ લાગતો નથી. ઘણું કરીને વિનમ્રતા, સ્વ-વિલોપનવૃત્તિ, અધીનતા વગેરે શ્રેષ્ઠપણે યથાર્થ વિશેષ્ય ગુણો છે. એ ક્ષણે તમે સહેજ ક્ષોભ કે ખચકાટ અનુભવો કે તમારો આત્મવિશ્વાસ પણ ગુમાવો, સૌ પ્રથમ તમે તમારી સ્થિતિનો ક્યાસ કાઢવાનું બંધ કરો અને તમે સ્વાભાવિકપણે વર્તાે તો તમે તેનું પરિણામ જોઈ વિસ્મિત થઈ જશો, આ હકીકત છે. જો તમે પ્રાકૃતિકપણે આત્મવિશ્વાસ ધરાવતા હશો તો ભયના લગીરેય અંશ વિના સામેની વ્યક્તિ પર વિધેયાત્મક અસર પડશે અને તમારામાં અને તમારી સ્થિતિમાં તે વ્યક્તિને શ્રદ્ધા-વિશ્વાસ બેસશે. આ સાદો પ્રયોગ એ નિર્ણિત કરે છે કે આપણે આપણા ન્યાયકર્તાઓ છીએ. જો આપણે આવી રીતે વર્તવાનું બંધ કરીશું તો આપણને સ્વાતંત્ર્યના આનંદનો રસ ચાખવા મળશે. આમ અગ્રતાના ધોરણે અભિપ્રાય કે અંદાજ બાંધવાની નિરંતરપણે આચરાતી આદત સ્વયં જ વ્યક્તિને સંતુષ્ટિ અને સ્વાતંત્ર્યની મહાન ઊંચાઈએ દોરી જઈ શકે. તેવી જ રીતે જ્યારે આપણી જાતને વ્યક્તિઓ અને આપણી આસપાસની પરિસ્થિતિ અંગે અભિપ્રાયો બાંધવાની ટેવમાંથી મુક્ત રાખીશું ત્યારે આપણે પૃથ્વી પરના સાક્ષાત્ દેવો બનીશું. આપણી ઉપસ્થિતિ માત્રથી સંલગ્ન મનુષ્યો સાંત્વના પામશે. આપણે પ્રેમજ્યોતિ બનીશું.

હવે પ્રેમની બાબત લો. આપણે અન્યમાં કંઈક સારપ જોઈએ છીએ ત્યારે ખેંચાણ અનુભવીએ છીએ. વ્યક્તિના ગુણોને કારણે આપણે તેની કદર કરીએ છીએ. અહીં પણ જો આપણે ગુણ-દોષના ગાળણની આપણી વૃત્તિને નાથી શકીશું તો આપણે અવશ્યમેવ સંતુષ્ટિ અનુભવીશું અને તે વ્યક્તિ પ્રત્યે તણાઈશું કે ખેંચાઈશું નહિ, અને અંતત : આપણા મનની સમતા પણ ગુમાવીશું નહિ.

એક સાવ સાધારણ મનુષ્ય જ પોતાની આ ન્યાયપદ્ધતિને લીધે એવી અપેક્ષિત રીતે વર્તન કરતો જોવા મળે છે. આ બાબતનું આપણે જ્યારે થોડી વધુ ગહનતાથી વિશ્લેષણ કરીશું તો આપણને એક બીજું રહસ્ય મળશે અને એ રહસ્ય છે પોતાની જાત વિશે નિર્ણય કરવાનું.

આપણે અન્ય પ્રત્યે આકર્ષણ અનુભવીએ છીએ કારણ કે આપણે તેની પાસેથી કંઈક પ્રાપ્ત કરવાની અપેક્ષા સેવીએ છીએ, જે ચીજનો આપણે પોતાનામાં

અભાવ અનુભવીએ છીએ અને જેની પ્રાપ્તિ દ્વારા સ્વયંને પૂર્ણ એવા અનુભવવા માગીએ છીએ.

આપણે અહીં ઇચ્છા કરીએ છીએ કેમ કે આપણે અનુભવીએ છીએ કે આપણામાં કંઈકનો અભાવ છે. આપણને કશાનો અભાવ છે તે આપણે કેમ કરીને માની લઈએ છીએ? આપણું અવચેતન મન પૂર્વના અનુભવોના આધારે આપણને તેવું અનુભવવા પ્રેરે છે. આમાંથી છુટકારો મેળવવા આપણા અવચેતન મનને આપણે અભિપ્રાયો કે નિર્ણયો કરતું બંધ કરવું જોઈએ અને માત્ર ત્યારે જ આપણી નિશ્ચિત વસ્તુનો અભાવ અનુભવવાની મનોવૃત્તિ કપૂરની જેમ ઊડી જશે.

તેવી જ રીતે જ્યારે આપણે કોઈ વ્યક્તિ માટે અપાકર્ષણ કે ઘૃણા અનુભવીએ છીએ ત્યારે આપણે તે બાબતે જાગરૂક રહેવું જોઈએ કે આપણું અવચેતન મન વ્યક્તિને તોલે છે અને આપણને પ્રતિક્રિયા કરાવે છે. જીવનમાં સંતુષ્ટિ પામવા માટે જોઈએ શાંતિનો આનંદ.

નિરંતર શાંતિ-સુખ ઝંખતો માનવ સર્વદા દુર્વૃત્તિઓમાં જ રાચતો હોય કે સુખોપભોગ પાછળ ભમ્યા કરતો હોય તો પછી તેને શાંતિ કેમ કરીને વરે? મુંડક ઉપનિષદની પેલાં બે પક્ષીઓની વાર્તા છે ને?(૩.૧.૧) એક સાથે રહેવાવાળાં, પરસ્પર સખાભાવ રાખનારાં બે પક્ષી એક જ વૃક્ષ(શરીર) પર આશ્રય લઈને રહે છે. તે બેમાંથી એક પક્ષી તે વૃક્ષનાં સુખ-દુ :ખરૂપ કર્મફળોનો સ્વાદ લઈને ઉપભોગ કરે છે, પરંતુ બીજું પક્ષી ફળ ખાધા વિના કેવળ જોઈ રહે છે. બે પક્ષીઓ એટલે જીવાત્મા અને પરમાત્મા, તેઓ દેહરૂપી વૃક્ષમાં નિવાસ કરે છે, વળી આ જીવનવૃક્ષ પણ વિલક્ષણ સ્વભાવનું છે. તેનાં મૂળ ઉપર તરફ વ્યાપેલાં છે, જ્યારે ડાળીઓ નીચે ફેલાયેલી છે. ભગવદ્ ગીતામાં (૧૫.૧)ભગવાન શ્રીકૃષ્ણે આને અશ્વત્થ વૃક્ષ તરીકેનું સુંદર રૂપક આપીને વર્ણવ્યું છે. અશ્વત્થ એટલે અલ્પજીવી, ક્ષણભંગુર. તેનાં મૂળ ઉપર તરફથી સંચરે છે અર્થાત્ તે બધાં જાગતિક સ્તરથી પર એવા સ્રોત સાથે સંલગ્ન છે. તેનાં પર્ણાે માત્ર લીલા રંગનાં છે એમ નહીં, પણ તે જ્ઞાનનો સ્રોત છે. પરંતુ સામાન્ય માનવી માટે તો આ વૃક્ષનું વાસ્તવિક સ્વરૂપ અગમ્ય છે, તે સારા કે ખરાબ અને વાસ્તવિક કે અવાસ્તવિક વચ્ચેનો ભેદ પારખી શકતો નથી. તેથી ગીતા સૂચવે છે (૧૫.૩) કે આપણે જે વૃક્ષની ડાળીઓ સંસારમાં વ્યાપ્ત છે તેને અસંગતવૃત્તિરૂપી કુહાડીથી સમૂળી કાપી નાખવાની છે, ત્યારે જ જ્ઞાનીજન જીવનનું ઉચ્ચ ધ્યેય હાંસલ કરે છે, કે જે સ્થિતિને મહાપુરુષોએ સમયે સમયે બુદ્ધત્વ, મુક્તિ, શાંતિ, સંતુષ્ટિ, પરિપૂર્ણતા ઇત્યાદિ વિભિન્ન નામોથી વર્ણવી છે.

Total Views: 272

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.