ઈ.સ. 1819માં ઔરંગાબાદના અરણ્ય વિસ્તારમાં શિકારે નીકળેલા અંગ્રેજ અધિકારીઓ વાઘોરા નદીના જલધોધનું સૌંદર્ય માણતા હતા. ત્યાં અર્ધચંદ્રાકાર પહાડીના ઢોળાવ પર એક દટાયેલી કમાન નજરે ચડી. ઈ.સ. 1829 સુધીમાં એ પહાડીમાંથી 29 ગુફાઓનો સમૂહ ઊપસી આવ્યો. રોયલ એશિયાટિક સોસાયટી, ફર્ગ્યુસન અને જિલ જેવા કલાપ્રિય અંગ્રેજ અધિકારીઓએ એમાં રસ લીધો અને એનાં કલાચિત્રોની પ્રતિકૃતિઓ તૈયાર થઈ. 19મી સદીના અંત સુધીમાં અજન્તાનો આ રંગરેખાનો કલાવૈભવ કલાજગતમાં અગ્રીમ સ્થાન પામ્યો.

શતાબ્દીઓ સુધી દટાયેલ કેટલાંક કલાચિત્રોને ઈ.સ. 1920 થી 1922 સુધી બે ઇટાલિયન કલાવિદોએ સંપૂર્ણ સાવધાનીથી અને સૂક્ષ્મ કલાદૃષ્ટિથી આ ચિત્રોનાં સંરક્ષણ અને સમ્યક્દર્શન માટે યોજનાબદ્ધ વ્યવસ્થા કરી.

પ્રકૃતિની આ નયનરમ્ય રંગસ્થલીમાં લગભગ 2000 વર્ષ પહેલાં બૌદ્ધ ભિખ્ખુઓનું આગમન થયું હશે, વાઘોરા નદીનો જલપ્રવાહ જોયો હશે અને એના તટે આવેલી અર્ધચંદ્રાકાર પહાડી એમને પસંદ પડી હશે અને પછી ગુફાઓને કંડારવાનો પ્રારંભ કર્યો હશે. સંસારને ત્યજીને વીતરાગને વરેલા બૌદ્ધભિખ્ખુઓમાં સ્થપતિ, શિલ્પી, રંગરેખાના બેનમૂન કલાધરો હશે. એમણે આ રંગરેખાનું કલાધન ભગવાન બુદ્ધના ચરણે સમર્પિત કર્યું હશે.

આ અજન્તાની અદ્‌ભુત કલાસૌંદર્યને વેરતી ગુફાઓનું નિર્માણ ઈ.સ. પૂર્વે 200 થી ઈ.સ. 650 સુધીમાં થયું છે. આ સુદીર્ઘ નિર્માણકાળમાં સ્થપતિ, શિલ્પી અને ચિત્રકારોએ જગતને વિસ્મય પમાડે તેવી અદ્‌ભુત રંગસૃષ્ટિ ભરેલી કલાસમૃદ્ધિ આ ગુફામંદિરોમાં ભરી દીધી છે. આ કલાસૃષ્ટિના રચનાર કલાધરો હીનયાન અને મહાયાન સંપ્રદાયના હશે. તેઓ વીતરાગી અને ત્યાગી હશે, છતાં એમનું કલાધન તો સંપૂર્ણ જીવનની અભિવ્યક્તિ કરે છે. તેઓ કોઈપણ જાતની કુંઠાપીડાથી દૂર રહીને કલાધર્મને અનુસર્યા છે અને એના દ્વારા જીવનનું સાંગોપાંગ દર્શન કરાવ્યું છે. જાતક કથાઓના આધારે ભગવાન બુદ્ધનું જીવન રંગ અને રેખાઓ દ્વારા ભીંતચિત્રો પર વ્યક્ત કર્યું છે. એની પાર્શ્ર્વભૂમિમાં સાંસારિક જીવનનાં ચિત્રો જીવનરસથી છલોછલ ભરેલાં છે.

કલાની પરિભાષામાં જેને ‘ફ્રેસ્કો’ કહીએ છીએ તે અજન્તાનાં ચિત્રોમાં સાર્થક થતી નથી. તેની કલા તો આગવી અને અનન્ય છે. ગુફાની ખરબચડી દીવાલોને કલાધરોએ માટી, છાણ અને ડાંગરનાં છોતરાંનું મિશ્રણ બનાવીને સમતલ બનાવી છે. તેના પર શ્ર્વેત અને કોમળ ચૂનાનું પડ ચડાવ્યું છે. ત્યાર બાદ એ તૈયાર થયેલી સુકોમળ, સુંવાળી સપાટી પર રંગરેખાની રમ્ય કલાકૃતિઓની રચના થઈ છે. અહીં પીંછી ઉપર કલાકારનું એટલું પ્રભુત્વ દેખાય છે કે તેમાંથી ફૂટતી રેખા ભાવ પ્રમાણે જ આકાર લે છે. અજન્તાના ચિત્રકારોએ ચિત્રો માટેના રંગો પણ સ્થાનિક ઉપાદાનોમાંથી તૈયાર કર્યા હતા. ગોળ કે ઘન આકૃતિઓને રેખામાં ઉતારવાની ક્રિયાકલા તેમને માટે સુસાધ્ય હતી. ક્યાંક ઊપસતી આકૃતિઓ, ક્યાંક ઝૂલતા મોતીહારો અને મુલાયમ વસ્ત્રો; તો વળી ક્યાંક ફૂલતી નાસિકા અને મૃદુ ઉદર, વળી ક્યાંક ધાતુના મણિભૂષિત ઝગમગતા મુકુટો જોઈએ ત્યારે અજન્તાની ચિત્રકલાના આલેખનનાં અનુપમ કલાતત્ત્વ અને નિપુણતા આપણને જોવા મળે છે. આવી અનન્ય કલાસૃષ્ટિ અને તે પણ રેખાઓમાં આપનાર કલાધરો કલાજગતના પયગંબરો હશે!

અજન્તામાં કુલ 29 ગુફાઓ છે. એમનો ક્રમ પશ્ચિમથી પૂર્વ તરફનો છે. બધી ગુફાઓ વાઘોરા નદીની અર્ધચંદ્રાકાર પહાડી પર છે.

પ્રથમ ક્રમાંકની ગુફા 6 અલંકૃત સ્તંભો પર રચાયેલ વિહારની છે. એમાં શિલ્પકૃતિઓ અને ચિત્રકૃતિઓ જોવા મળે છે. અહીં ભગવાન બુદ્ધની વિશાળકાય પ્રતિમા છે. એક અલંકૃત સ્તંભ પર ચાર હરણો કંડારેલાં છે, પણ બધાંનું મસ્તક એક છે. શિલ્પકૃતિ સપ્રમાણ અને વિસંવાદિતા વિનાની છે. ભીંતચિત્રોમાંની જાતકકથાઓના પ્રસંગોમાં શીબી જાતકનો પ્રસંગ છે. અહીં અજન્તાનું સુપ્રસિદ્ધ પદ્મપાણિ બોધિસત્વનું કલાત્મક ભીંતચિત્ર છે. તેની નજીક વજ્રપાણિ બોધિસત્વનું ભીંતચિત્ર છે.

બીજા ક્રમાંકની ગુફામાં ભીંતચિત્રો ઉપરાંત છતમાં જાતકકથાનાં પ્રસંગચિત્રો છે. તેમાં બુદ્ધના જન્મ પહેલાં માતા માયાદેવીને સ્વપ્નમાં દેખાયેલ છ દાંતવાળા હાથીના પ્રસંગનું સુખ્યાત ચિત્ર છે. છતમાં રંગરેખાથી અલંકૃત વલ્લરીઓ, પુષ્પો, હંસ વગેરે ઉત્તમ કલાદૃષ્ટિનો પરિચય આપે છે.

ચોથા ક્રમાંકની ગુફામાં 28 સ્તંભોવાળો વિશાળ વિહાર છે. આઠ મહાભયોથી નાસતાં સ્ત્રી-પુરુષોની રક્ષા કરતા બુદ્ધના શિષ્ય અવલોકિતેશ્ર્વરનું ચિત્ર છે. તેમાં એક પુરુષ અને સ્ત્રી પાછળ દોડતા મદોન્મત્ત હાથીનું અત્યંત ભાવવાહી શિલ્પ છે.

ગુફા ક્રમાંક 3, 5 અને 8 અધૂરી રહેલી દેખાય છે.

છઠ્ઠા ક્રમાંકની ગુફા બે માળવાળી છે. એમાં અલંકૃત દ્વારવાળી પીઠિકા પર બેઠેલ બુદ્ધની પ્રતિમા છે. ઉપરના માળમાં નાના ખંડ છે. એનાં દ્વાર પર કમનીય ચિત્રાંકનો જોવા મળે છે.

સાતમા ક્રમાંકની વિલક્ષણ રચનાવાળી ગુફામાં ઓસરી આગળ આવેલા મંડપમાંથી સીધા પાછળના ચાર ખંડો અને શિલ્પાંકનોથી સુશોભિત મંદિરમાં જવાય છે. આઠમા ક્રમાંકની ગુફા સામાન્ય છે.

નવમા ક્રમાંકની ગુફા હીનયાન બૌદ્ધભિખ્ખુએ તૈયાર કરી છે. એના દ્વાર પર બુદ્ધની બે પ્રતિમાઓ મહાયાન બૌદ્ધભિખ્ખુએ બનાવી છે. અહીંની ચિત્રકૃતિઓ ઝાંખી અને સુધારા-વધારાથી વિકૃત થયેલી દેખાય છે. પ્રવેશદ્વાર પરના ગવાક્ષમાંથી અજવાળું પડે છે.

દશમા ક્રમાંકની ગુફા એક વિશાળ ચૈત્ય છે. એ સૌથી જૂની ગુફા છે. અહીંનાં ચિત્રો વિકૃત થયેલ છે. ગુફા ક્રમાંક 11, 12અને 13ની ગુફાઓ સામાન્ય છે. ચૌદમા ક્રમાંકની ગુફા અધૂરો વિહાર છે.

સોળમા ક્રમાંકની ગુફા સુંદર પ્રાકૃતિક સ્થાન પર આવેલી છે. તેમાં અજન્તાની ગુફાનાં સર્વોત્તમ ચિત્રો છે. અહીં જાતકકથાઓનાં ચિત્રો જોવા મળે છે. બુદ્ધના સાવકાભાઈ નંદના દીક્ષા લેવાના સમાચાર સાંભળીને એની પત્ની સુંદરી મૃત્યુ પામે છે, એ પ્રસંગનું ‘મરણોન્મુખ સુંદરી’નું ચિત્ર કલાસૃષ્ટિની દૃષ્ટિએ અનન્ય છે. આ ચિત્રમાં મરણોન્મુખ સુંદરીની આંખોમાંથી પ્રગટતાં સંવેદના, કરુણા, વિહ્વળતા, નિયતિ સામેની અસહાય દશા જેવા ભાવ રંગ અને રેખા દ્વારા ભાવવાહી રીતે અભિવ્યક્ત થયા છે.

સત્તરમા ક્રમાંકની ગુફામાં ચિત્રકલાનો વૈભવ જોવા મળે છે. અહીં દરેક દૃષ્ટિએ શ્રેષ્ઠ ચિત્રોનો સમૂહ જોવા મળે છે. તેમાં ગગનવિહાર કરતી રૂપસુંદરીઓ, પરિચારિકાઓથી ઘેરાયેલ પ્રસાધનમગ્ન રૂપસુંદરી, અનુરાગમાં આશ્ર્લેષબદ્ધ યુગલ અને રમણીઓથી ઘેરાયેલ રાજવીની સવારીનાં સુંદર અને અલંકૃત ચિત્રો છે. મદોન્મત્ત ગજરાજને પંપાળતા બુદ્ધ, બોધિસત્વરૂપે ગજરાજ બનીને વિહરતા બુદ્ધનું ચિત્ર જોવા મળે છે.

ભગવાન બુદ્ધ યશોધરા પાસે ભિક્ષા માગવા આવતા અને ભિક્ષામાં પોતાના પુત્ર રાહુલના સમર્પણનો  પ્રસંગ – તે વખતના કૃતકૃત્યતાના, ધન્યતાના ભાવનું ચિત્ર રંગરેખાથી અનન્ય બન્યું છે.

આ જ ગુફામાં શ્રીલંકામાં ધર્મવિજયની ગાથાનું ચિત્ર ભાવવાહી રીતે આલેખાયું છે.

ઓગણીસમા ક્રમાંકની ગુફા એક વિશાળ ચૈત્ય છે. તેનો બાહ્યભાગ સ્થાપત્ય અને શિલ્પથી અલંકૃત છે. બહારના ગવાક્ષમાંથી અંદર ઉજાસ આવે છે. પ્રવેશદ્વારની બન્ને બાજુએ ભગવાન બુદ્ધની બે સુંદર પ્રતિમા ઉપરાંત તેમાં એક ઊંચી પીઠિકા પર ભગવાન બુદ્ધની પ્રતિમા જોવા મળે છે. તેની બહાર પશ્ચિમબાજુએ સાત ફેણવાળા નાગરાજ અને નાગરાણી તેમજ બીજા એક નાગની પ્રતિમાવાળી શિલ્પકૃતિઓ જોવા મળે છે. 20 થી 25 ક્રમાંકની ગુફાઓ અધૂરી છે.

બાહ્ય ભાગમાં ભાંગી ગયેલી અને નષ્ટ થયેલ ચિત્રવાળી છવ્વીસમા ક્રમાંકની ગુફામાં ડાબી બાજુની દીવાલ પર પડખાભર સૂતેલા ભગવાન બુદ્ધની શ્રેષ્ઠ શિલ્પકૃતિ જોવા મળે છે. તેમાં તેમની નિર્વાણદશાનું દૃશ્ય, ભગવાન બુદ્ધનાં માર-વિજયનાં કથાનક દૃશ્યો- બુદ્ધને લલચાવતો માર, બિહામણા રાક્ષસોથી બુદ્ધને ગભરાવતો માર, માયાવી રૂપસુંદરીઓની કામચેષ્ટાઓનો માર અને અંતે ઉદાસીન, હતાશ, પરાજિત થયેલ મારનાં દૃશ્યો જોવા મળે છે.

સત્યાવીસમા ક્રમાંકની ગુફામાં છવ્વીસમા ક્રમાંકની ગુફા સાથે સંકળાયેલ વિહાર જોવા મળે છે. અઠ્ઠાવીસ અને ઓગણત્રીસમા ક્રમાંકની ગુફાઓ પહાડ પર છે અને સામાન્ય પ્રકારની છે.

અજન્તાની રંગરેખાની કલાસૃષ્ટિમાં તત્કાલીન સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓનું દર્શન થાય છે. સામાજિક સ્થિતિઓનું નિરૂપણ જાતકકથાઓની પાર્શ્ર્વભૂમિકામાં છે. તેમાં રાજપરિવારો, એમના સેવકો, પ્રધાનો, શ્રેષ્ઠિઓ, સોદાગરોનું નિરૂપણ એમના પરંપરાગત પોશાક અને એમના વૈભવનાં ઉપકરણો  રંગરેખાથી દર્શાવ્યાં છે. એક દૃશ્યમાં હિંદુ રાજા પુલકેશીની રાજસભામાં ઉપસ્થિત ઇરાનના રાજા ખુશરુના દૂતને પણ દર્શાવ્યા છે. સુકુમાર અંગો પર ઝળકતાં હળવાં વસ્ત્રો, કારીગરીથી ઓપતા અલંકારો, કલાત્મક વિવિધ કેશગુંફનો, નારીઓની લલિત અંગભંગિમાઓ વીતરાગી વિહારોમાં રમ્ય શૃંગારની સૃષ્ટિ ઊભી કરે છે. આ ઉપરાંત છત, સ્તંભ, દીવાલ; વૃક્ષો, વલ્લરીઓ, પર્ણો જેવી વનસ્પતિઓ; હંસ, ગરુડ, બાજ જેવાં પક્ષીઓ; હરણો, વાઘ, સિંહ, ગજરાજ, વરાહ અને સર્પો જેવાં પ્રાણીઓનાં કલામય આલેખનવાળાં સુશોભનો જોવા મળે છે.

Total Views: 251

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.