બંગાળના બાઉલ સંગીત જગતના

પ્રસિદ્ધ શિરોમણિ

બંગાળના લોકસાહિત્યનું એક અભિન્ન અંગ બાઉલ-ગાન અથવા બાઉલ-સંગીત છે. તે બંગાળના લોકોમાં ઘણું જ પ્રિય સંગીત બની ગયું છે. આ બાઉલ પરંપરાની શરૂઆત બંગાળના વીરભૂમ જિલ્લાના કેન્દુલી નામની જગ્યાએથી થઈ હતી. તેને અત્યારે 13મી શતાબ્દીમાં થયેલા સુપ્રસિદ્ધ કવિ ગીત-ગોવિંદના રચયિતા જયદેવના નામથી ‘જયદેવ કેન્દુલી’ તરીકે ઓળખવામાં આવે છે.

બંગાળના આ બાઉલ જગતમાં વિશેષ પ્રસિદ્ધિ લાલન ફકીરની છે. તેનાથી શ્રીરવીન્દ્રનાથ ટાગોર ઘણા જ પ્રભાવિત હતા. બાઉલ સંગીતમાં અનેક ફકીરોનાં નામો પ્રસિદ્ધ છે પરંતુ તેમાં લાલન ફકીર એક વિશિષ્ટ નામ છે. લાલન ફકીર લાલન શાહ કે લાલન સાંઈના નામે પણ પ્રસિદ્ધ છે. બાઉલ ગાયકોમાં એમનું નામ ઘણી શ્રદ્ધાથી લેવાય છે. તેઓ ગીતો રચતા હતા અને તેને સંગીતબદ્ધ કરીને ઘણા પ્રભાવશાળી સ્વરમાં ગાતા હતા. તેમનું મહાન પ્રદાન શતાબ્દીઓથી યાદ કરવામાં આવે છે.

લાલનનો જન્મ બાઉલ-ગાન, હરિ કીર્તન, કવિગાન યુક્ત બંગાળના લોક સંગીતના વાતાવરણમાં થયો હતો. વિદ્વાનોના મતાનુસાર ઈ.સ. 1774માં નદિયા જિલ્લાના કુષ્ટિયાના ભંડારા નામના ગામમાં એક કાયસ્થ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેઓ તેમનાં માતા-પિતાના એક માત્ર સંતાન હતા. તેમના પિતાનું નામ માધવ કર અને માતાનું નામ પદ્માવતી હતું. પિતાનું મૃત્યુ થવાથી બચપણમાં જ કુટુંબનો ભાર તેમના પર આવી પડ્યો. કુટુંબના ભરણપોષણની ચિંતાને કારણે તેમને વધુ શિક્ષણથી વંચિત થવું પડ્યું તથા થોડા સમયમાં તેમનાં લગ્ન થઈ જવાથી પત્નીની જવાબદારી પણ આવી પડી.

લાલન મસ્ત મૌલા હતા. તેઓ જાતિના ભેદ-ભાવમાં માનતા ન હતા અને બધા લોકોની સાથે એમનો સુમેળ હતો. એટલે તેમના સંબંધીઓ તેમનાથી નારાજ રહેતા હતા. છેવટે તેમનાથી તેઓને અણબનાવ થઈ ગયો. આથી લાલન ગુસ્સામાં આવીને પોતાનાં માતા અને પત્નીને લઈને ભંડારા ગામની બહાર દાસપાડામાં જઈને રહેવા લાગ્યા. એવું કહેવાય છે કે દાસપાડામાં રહીને એક વખત પોતાના કેટલાક મિત્રોની સાથે મુર્શિદાબાદ જિલ્લાના બહરમપુરમાં ભ્રમણ કરવા ગયા. ત્યાં નદીમાં સ્નાન કર્યું. પાછા ફરતાં તેમને શીતળા નીકળી આવ્યા જેનાથી તેઓ બેભાન થઈ ગયા. લાંબા સમય સુધી બેભાન રહેવાથી મિત્રોએ તેમને મૃત્યુ પામેલા સમજીને તે જ નદીમાં વહેતા કરી દીધા. બેહોશીમાં જ તેમનું શરીર તણાતાં તણાતાં નદી કિનારે બહાર આવ્યું. ત્યાં એક મુસ્લિમ મહિલા પાણી ભરી રહી હતી. તેની નજર લાલન પર પડી અને તેમને પોતાની તરફ વધારે ખેંચીને જોયું કે લાલનના દેહમાં હજી શ્વાસ ચાલે છે. તે તેમને ઊંચકીને પોતાના ઘેર લઈ ગઈ અને તેમની ઘણી સેવા કરી જેનાથી થોડા જ દિવસોમાં લાલન સ્વસ્થ બની ગયા. પરંતુ બીમારીને કારણે તેમની દૃષ્ટિ જતી રહી હતી અને મોં ચાઠાઓથી ભરાઈ ગયું હતું. તેઓ સ્વસ્થ થઈ ઘેર પાછા ફર્યા તો કુટુંબીજનોની ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું. પરંતુ મુસ્લિમ ઘરમાં ભોજન-પાણી લેવાને કારણે તેમના સમાજે તેમનો બહિષ્કાર કર્યો. સમાજના આ દુર્વ્યવહારથી દુ:ખી થઈને તેઓ વૈરાગી બની ગયા. પોતાની આ પીડાને તેમણે પોતાનાં ગીતોમાં વ્યક્ત કરી.

લાલને વિખ્યાત બાઉલ ગુરુ સીરાજ સાંઈ પાસેથી દીક્ષા લીધી. બાઉલ મતાનુસાર દીક્ષા ગ્રહણ કર્યા પછી ગુરુના આદેશ મુજબ પોતાનો અખાડો સ્થાપવાનો હોય છે. સર્વપ્રથમ છેઉડિયાની પાસે ગાઢ જંગલમાં આંબાના એક વૃક્ષ નીચે તેમણે પોતાનું આસન જમાવ્યું. લાલને કુષ્ટિયા શહેર(હાલમાં બાંગલાદેશ)ની નજીક છેઉડિયા ગામમાં કારીગર(મુસ્લિમ)સમાજના સહયોગથી ઈ.સ. 1823માં અખાડો શરૂ કર્યો. ગામમાં કારીગરોની બહુમતી હતી, જેને બાઉલ સંગીત અને લાલન સાથે અનહદ પ્રેમ હતો. તે લોકો લાલનના મધુર સંગીતથી એટલા પ્રભાવિત હતા કે પ્રત્યેક પરિવારમાંથી એક વ્યક્તિ તેમનો શિષ્ય બન્યો. સમાજના સહયોગથી લાલન પ્રથમ તબકકે જ વિખ્યાત થયા. બહુ જ ઓછા સમયમાં તેમની ખ્યાતિ ફેલાઈ ગઈ. ઈ.સ. 1890માં છેઉડિયા ગામમાં જ તેમનો દેહાંત થયો.

લાલન જે ગીતોની રચના કરતા તે તેમના શિષ્ય માનિક સાહ અને મનિરુદ્દીન સાહ લખીને સંગૃહિત કરી લેતા. તેમનાં ગીતોની કેટલીક હસ્તપ્રતો શ્રીરવીન્દ્રનાથ ટાગોર લઈ આવ્યા હતા જે અત્યારે રવીન્દ્ર ભવન(શાંતિ નિકેતન)માં સુરક્ષિત છે. કેટલીક હસ્તપ્રતો તેમના શિષ્યો અને અનુયાયીઓ લઈ ગયા. લાલને કેટલાં ગીતોની રચના કરી તેની સંખ્યાની કોઈ ચોક્કસ વિગતો મળતી નથી, પરંતુ એવું અનુમાન છે કે તે 1000 આસપાસ છે. લાલન તેમના ગાયનથી ખૂબ જ લોકપ્રિય થયા. તેમણે પહેલાં ખાસ ઉદ્દેશ્યથી ગીતોની રચના કરી પણ ઉદ્દેશ્યના પ્રયોજનથી આગળ નીકળી જઈને રચેલાં તેમનાં ગીતોએ  સાહિત્યમાં પોતાનું વિશિષ્ટ સ્થાન મેળવ્યું. તેમનાં ગીત તેમને માટે સાધનાનું માધ્યમ હતાં. લાલનનાં ગીતોમાં ધર્મનું મહત્ત્વ નથી, આચરણનું મહત્ત્વ છે. મનુષ્ય મહિમાનો બોધ તેમનાં ગીતોમાં વિશેષ રીતે જોવા મળે છે. અસ્પૃશ્યો પ્રત્યે ભેદભાવ વગેરેનો તેમણે પોતાનાં ગીતોમાં વિરોધ કર્યો છે. લાલને પોતાનાં ગીતોમાં અંતરબોધ અને વિશ્વાસ છળ-કપટ વિના રજૂ કર્યાં છે. મનુષ્યતાનો આદર્શ તેમના જીવનનું મૂલ્ય હતું. તેમની આ દૃષ્ટિ તેમના શિષ્યોની રચનામાં પણ જોવા મળે છે, ખાસ કરીને તેમના શિષ્ય દાદૂર સાહનાં ગીતોમાં છે.

લોકોને લાલનનાં ગીતો એટલાં ગમે છે કે તેમનાં ગીતોનાં 10 પુસ્તકો, 50 કેસેટ અને ગીતોની સ્વરલિપિ પણ પ્રકાશિત થયાં છે. બંગાળી અને અંગ્રેજી ભાષામાં તેમના જીવન સંબંધિત દંતકથાઓ અને નાટકોનાં કેટલાંક પુસ્તકો પ્રકાશિત થયાં છે. હાલમાં તેમના જીવન અંગે બંગાળી ચલચિત્ર ‘મોનેર માનુષ’ બન્યું છે. દિલ્હીના એક ઇસ્લામિક સૂફી સાધકના મકબરાની જેવી છેઉડિયા ગામે લાલન સાહની ઘણી સુંદર અને ચિત્તાકર્ષક સમાધિ બનાવવામાં આવી છે. અહીં વિદેશી પર્યટકોે પણ આવે છે. છેઉડિયામાં પહેલાં લાલન-મેળો પણ યોજાતો હતો. કેટલાક એવું પણ માને છે કે તેઓ વૈષ્ણવ ધર્મથી ઘણા પ્રભાવિત હતા. તેઓ નિરાકાર ઈશ્વરની ઉપાસના કરતા હતા એટલે બ્રાહ્મોસમાજ તેને પોતાના માને છે.

લાલનની શિષ્ય પરંપરામાં એક ઘોડેસ્વાર ટપાલી પણ હતો. તેનું નામ ગગન હતું, જેનો શ્રીરવીન્દ્રનાથ ટાગોરે પોતાના ‘હિબર્ટ’ વ્યાખ્યાનમાં ઉલ્લેખ કર્યો છે. લાલનની ગીત રચનાના ભાવાર્થનું આચમન લઈએ-

બધા પૂછે છે કે લાલન આ સંસારમાં તારી જાતિ કઈ છે? લાલન કહે છે કે આ સંસારમાં જાતિનું શું સ્વરૂપ છે તે જોયું નથી. સુન્નત કરવાથી તો મુસલમાન થવાતું હોય તો સ્ત્રીઓ માટે શું વિધાન છે? બ્રાહ્મણની ઓળખનું ચિહ્ન જો જનોઈ હોય તો બ્રાહ્મણીને કઈ રીતે ઓળખીશું? કોઈ ગળામાં માળા કે તસબિ ધારણ કરે, એથી શું એની જાતિ જુદી થઈ જાય છે? જન્મતાં કે મરતાં શું જાતિનું કોઈ ચિહ્ન રહે છે? એક પાણી ખાડામાં પડે તો કૂવો અને ગંગામાં ભળે તો ગંગાજળ બની જાય છે. મૂળભૂતપણે પાણી તો એક જ છે, જુદું નથી; માત્ર પાત્ર અનુસાર ભિન્ન જણાય છે, જગતમાં જાતિની કથા વિચિત્ર છે. લોકો વ્યર્થ ગર્વ કરે છે. લાલન કહે છે, જાતિના ફાંસાને બજારમાં વેંચી દીધો છે.

Total Views: 358

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.