કવિવર રવીન્દ્રનાથની પ્રસિદ્ધ કાવ્યપંક્તિ ‘પ્રથમ પ્રભાત ઉદિત તવ ગગને’માં રહેલો ભાવ એ સત્યની પ્રતીતિ કરાવે છે કે આ ભૂમિ કાલાતીત સુવિકસિત અને સુસંસ્કૃત છે.

આર્યોના ભારતમાં આગમન પૂર્વે મહાન સંસ્કૃતિઓએ ઉદય અને અસ્ત જોયાં હતાં. તેના પ્રત્યક્ષ પુરાવા છે મોહેંજો-દરો, હડપ્પા, ધોળાવીરા અને લોથલમાંથી મળેલા અવશેષો. એને સિંધુનદીના તટની સંસ્કૃતિ કહેવાય છે. સિંધુ સંસ્કૃતિ અર્થાત્ હડપ્પા સંસ્કૃતિ. આ સંસ્કૃતિના સર્જકો કોણ હતા તે અજ્ઞાત છે. પરંતુ એ નિશ્ર્ચિત છે કે આ સંસ્કૃતિ અને કલા આ જ ભૂમિનાં હતાં!

આશ્ચર્યની વાત એ છે કે ઇતિહાસકારો-પુરાતત્ત્વવિદો એના અતીતમાં ડૂબકી મારીને એના આરંભ સુધી તો નથી જ પહોંચી શક્યા. પરંતુ એવા ચોક્કસ નિર્દેશો સાંપડે છે કે તે કડી ઇતિહાસની પ્રથમ કડી તો નહોતી જ, તે પૂર્વે જરૂર એક સાતત્યપૂર્ણ મહાન સંસ્કૃતિનું અસ્તિત્વ હતું જ, જે કાળની ગતિમાં લુપ્ત થઈ ગયું.

સિંધુખીણ-સંસ્કૃતિનાં સ્થળોએથી મળેલા વિશિષ્ટ અવશેષો પૈકી મોહેંજો-દરોમાંથી મળેલું નર્તકીનું કાંસ્ય-શિલ્પ, હડપ્પામાંથી પ્રાપ્ત થયેલ સુશોભિત શાલ ઓઢેલા પુરુષનું અર્ધસ્વરૂપ તથા તે સર્વ સ્થળોએથી જોવા મળેલ નગર રચના, જાહેર મકાનોની વ્યવસ્થા, માટીનાં વાસણો, ઘરવખરી, ઓજારો, શૃંગારની ચીજો, વણઓળખાયેલી લિપિ, કિલ્લા ઇત્યાદિના અવશેષો જોતાં જણાય છે કે તે વખતે સુવ્યવસ્થિત અને સુઆયોજિત પૂર્ણ કલા હશે જ!

પછીના કાળમાં આર્યો ક્યારે ભારતવર્ષમાં આવ્યા તે વિશે ઇતિહાસકારોમાં મતમતાંતર છે. પરંતુ મોટાભાગના ઇતિહાસકારોનું મંતવ્ય છે કે આર્યો ઈ.સ. પૂર્વે 2500 થી 2000ના ગાળામાં વાયવ્ય એશિયામાંથી અહીં આવ્યા અને વિસ્તર્યા. આર્યોના આગમન બાદ દેશ ‘આર્યાવર્ત’ કહેવાવા લાગ્યો.

આર્યોએ કલા સંસ્કૃતિને અસાધારણ કક્ષાએ વિકસાવીને અમૂલ્ય એવો વારસો વેદોના સ્વરૂપમાં આપ્યો. તેથી આ ગણાયો વૈદિકયુગ અને ત્યાર પછીના ગાળામાં સ્મૃતિઓની રચના થઈ તેથી તે યુગ ગણાયો અનુવૈદિક યુગ. ભારતીય કલાની વ્યાખ્યા આ કાળે ચૌદ વિદ્યા અને ચોસઠ કલા દ્વારા સમજી શકાય છે. ચૌદ વિદ્યા એટલે ચાર વેદ, છ વેદાંગ અને ઉપવેદ. ચોસઠ કલામાં ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્યકલા, સંગીતકલા ઇત્યાદિ. વૈદિક યુગ એટલે સંસ્કૃત યુગ. આ કાળમાં સંસ્કૃત ભાષામાં પ્રચુર સાહિત્ય રચાયું. મંત્રદૃષ્ટા ઋષિઓએ રચેલાં વેદ, ઉપનિષદો, પુરાણો, ઉપપુરાણો, રામાયણ, મહાભારત જેવા ઇતિહાસ ગ્રંથો આમાં મુખ્ય છે. આ સાહિત્યે અધ્યાત્મ અને તત્ત્વજ્ઞાન દ્વારા સર્વ કલાઓને નૂતન પરિમાણ બક્ષ્યું. અદ્‌ભુત દર્શનો અને ભાવનાઓના પ્રગટીકરણ દ્વારા પ્રજાને તેજસ્વિતા અને તાજગી બક્ષ્યાં. આ સઘળા ગ્રંથોનું અનુશીલન કરતાં જણાય છે કે તે કાળમાં નગરો, રાજમહેલો, બજારો વન-ઉપવન, નગરજનો, નગરજનોનાં પોશાક અને અલંકારો, તેમની વિધવિધ પ્રવૃત્તિઓ કેવાં અલંકૃત હતાં! આ સર્વમાં ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, શૃંગારની ઉત્કૃષ્ટતા છલકાય છે. સર્વ વૈદિક વાઙ્મયમાં સર્વત્ર ભાતીગળ કલાલક્ષી વિવરણો જોવાં મળે છે. તે સૂચવે છે કે તે કાળમાં ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, સંગીત ઇત્યાદિ કળાઓ પૂર્ણત: વિકસિત હતી જ.

પરંતુ દુર્ભાગ્ય એ છે કે તે કાળના કોઈ નક્કર ઐતિહાસિક સ્થૂળ પુરાવા ઉપલબ્ધ નથી. મળે છે માત્ર ગદ્ય-પદ્ય વર્ણન જ. પરંતુ વર્ણન તો સ્થૂળ પદાર્થો અને દૃશ્યોનું જ થયું હશે ને!

પરવર્તી કાળમાં વિભિન્ન કારણવશાત્ આ કલા-સંસ્કૃતિની ગતિ મંદ પડી, પરંતુ ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરના આગમનથી આ કલાજગત પ્રાણવાન બન્યું. બુદ્ધના કાળમાં મગધની રાજગાદી પર બિંબિસાર નામનો રાજકર્તા હતો. તેણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો અને જૈન ધર્મના ઉપદેશો ગ્રહણ કર્યા હતા. બિંબિસારનો પુત્ર અજાતશત્રુ, તેના અનુગામી શિશુનાગ અને આ યુગના અંતિમ શાસક મહાપદ્મનંદ સહિતના નવ નંદો-એમ આ થયો મગધ શાસનકાળ. આ શાસનકાળમાં માત્ર રાજખટપટો જ ખેલાઈ. કલાવિકાસના કોઈ નોંધપાત્ર નકક્ર પુરાવા પ્રાપ્ય નથી.

પરંતુ એટલું તો ચોક્કસ પણે કહી શકાય કે મગધ શાસનકાળ પછીના મૌર્યયુગમાંય ઉચ્ચકક્ષાની વિકાસગાથા રચાઈ હતી. એટલે એવું કહી શકાય કે મધ્યના સમયગાળામાં પણ કલા સાવ લુપ્ત કે નષ્ટ નહીં જ થઈ હોય. આગળ-પાછળના યુગની કલાનું સાતત્ય તે ગાળાની કલાના જીવંતપણાને સિદ્ધ કરે છે, ભલે ને તેના સ્થૂળ પુરાવા મળતા ન હોય!

હવે શરૂ થયો સાચો ઐતિહાસિક યુગ – મૌર્ય શાસનકાળ. આ યુગનો રાજા ચંદ્રગુપ્ત મૌર્ય ભારતના પ્રથમ મહાન સામ્રાજ્યનો સ્થાપક ગણાય છે. ચંદ્રગુપ્તને વિશ્વભરમાં વિરલ પ્રાજ્ઞપુરુષ કૌટિલ્ય એવા ચાણક્ય માર્ગદર્શક ગુરુરૂપે મળ્યા. ચંદ્રગુપ્ત મૌર્યે બંધાવેલું પાટનગર તે વખતનાં નગરોમાં બેનમૂન હતું. તેનો રાજમહેલ વિશ્વની એક અજાયબી ગણાતો હતો. તેનો અનુગામી હતો તેનો પુત્ર બિંદુસાર. બિંદુસારના પુત્ર અશોકે તો વિશ્વના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.

સમ્રાટ અશોકનો કલાક્ષેત્રે મહાન વારસો છે તેના શિલાલેખો. આપણા પ્રજાસત્તાક માટેનાં પ્રતીકો આપણને અશોકના શિલાસ્તંભોમાંથી સાંપડ્યાં છે. અશોકસ્તંભનો મથાળાનો ભાગ (ત્રણ સિંહની મૂર્તિ) આપણી રાષ્ટ્રમુદ્રા છે. તેમાં રહેલું અશોકચક્ર રાષ્ટ્રધ્વજમાં અંકિત કરાયું છે. સમ્રાટ અશોકે બંધાવેલ બૌદ્ધસ્તૂપો પૈકી સાંચીનો સ્તૂપ વિશ્વ વિખ્યાત છે.

મૌર્ય શાસનકાળમાં સર્જન પામેલાં બાઘ-બદામી અને અજન્તા-ઇલોરાનાં કલાધામો, સ્થાપત્યો, શિલ્પો, ભીંતચિત્રો, શિલાલેખો, મુદ્રાઓ અને સ્તૂપો દ્વારા મળેલી કલાસમૃદ્ધિ આજેય મોજૂદ છે.

ત્યાર પછી પ્રવેશીએ ગુપ્તયુગમાં. ગુપ્ત શાસનકાળનો સ્થાપક છે મહારાજાધિરાજ ચંદ્રગુપ્ત. તેનો અનુગામી દિગ્વિજયી સમુદ્રગુપ્ત અને તેનો અનુગામી થયો વિક્રમાદિત્ય. ગુપ્તયુગ એટલે કલા-ઇતિહાસનો સુવર્ણકાળ. તે વખતનું ભારતવર્ષ હતું વિશ્વગુરુ અને વિશ્વબંધુ. ત્યારે સધાયું હતું એશિયાઈ ઐક્ય. આ યુગ હતો સંસ્કૃત ભાષાનો સુવર્ણયુગ. સાહિત્યના વિકાસ ઉપરાંત કેળવણી, વિજ્ઞાન, ગણિત, ખગોળશાસ્ત્ર, વૈદિક, ધાતુવિદ્યા અને અન્ય અનેકાનેક કલા-વિદ્યાઓના વિકાસમાં આ યુગે ઘણો ફાળો આપ્યો હતો. નાલંદા વિદ્યાપીઠ અને વલભી વિદ્યાપીઠ આ સમયની. આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા મહાન ગણિતજ્ઞો આ કાળના.

શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રની બાબતમાં ગુપ્તયુગે આપેલા મહાન વારસાથી આજેય વિશ્વ આશ્ચર્યચકિત બની જાય છે. કલાના ક્ષેત્રમાં આનાથી વિશેષ પ્રદાન પ્રમાણમાં ઓછું જોવા મળે છે. અજન્તાની ગુફાઓનાં

ભીંતચિત્રોનું સર્જન આ યુગમાં થયું હતું. કોણ વર્ણવી શકશે સદીઓના આ મહાસર્જનને! કાર્લાની પ્રસિદ્ધ ગુફાઓ, ઇલોરાનાં ગુફામંદિરો આ યુગમાં સર્જાયાં હતાં.

પછી રાજગાદીએ બેઠો સમ્રાટ હર્ષવર્ધન. દાનવીર અને મુત્સદ્દી. વીણા વગાડતા રાજા હર્ષવર્ધનની મુદ્રા એક અનુપમ સંગીતકલાનો નમૂનો છે.

ઉત્તર ભારતના ઉપર્યુક્ત રાજ-ઇતિહાસની સમાંતર દક્ષિણના રાજવંશો દ્વારા અમરાવતીના બૌદ્ધસ્તૂપ, કાંચીપુરમ્નું કૈલાસનાથનું મંદિર, ઇત્યાદિ શિલ્પ સહિત સ્થાપત્યના અદ્‌ભુત નમૂના છે. આ યુગના રાષ્ટ્રવંશો હતા – સાતવાહન, પલ્લવ, ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, ચૌલ ઇત્યાદિ.

આ શાસકોના કાળમાં શુદ્ધ આર્યકલા, શિલ્પ, સ્થાપત્ય અને સંગીતકલાનો વિકાસ થયો હતો. આ સર્વ રાજવીઓ કલાઉપાસકો હતા.

આ કાળનાં મહાબલિપુરમ્ અને કાંચીપુરમ્ કલાસંસ્કૃતિના ઉત્કૃષ્ટ નમૂનારૂપ છે. કાંચીપુરમ્ દક્ષિણનું જ નહીં પણ વિશાળ ભારતનું પણ એક કલા-સંસ્કાર કેન્દ્ર હતું. અહીંથી કલા-સંસ્કૃતિનો પ્રવાહ સદીઓ સુધી વિશાળ ભારતમાં રેલાતો રહ્યો હતો.

રજપૂતકાળ દરમિયાન ખજૂરાહોનું વિષ્ણુમંદિર, ઓરિસ્સાનું ભુવનેશ્ર્વરમંદિર, પુરીનું જગન્નાથમંદિર, આબુનાં જૈન દેરાસરો, સિદ્ધપુરનો રુદ્રમાળ, અણહિલપુર પાટણની રાણીની વાવ, કોણાર્કનું સૂર્યમંદિર વગેરે આ યુગનાં સ્થાપત્યો છે.

હવે આવે છે મોગલયુગ. આ શાસનકાળમાં (મધ્યકાલીન) ગુલામવંશના કુત્બુદ્દીન ઐબકે દિલ્હીના મશહૂર કુતુબમિનારનું બાંધકામ શરૂ કરાવ્યું હતું. તઘલખ વંશનો મહમદ તઘલખ લલિતકલાનો ભારે રસિક હતો.  અન્ય કલાપ્રેમી ગવાને બીજાપુરનો મશહૂર ગોલગુંબજ બંધાવ્યો હતો. તેણે કલા અને સંગીતને ખૂબ જ ઉત્તેજન આપ્યું હતું. શાહજહાંનો સમય તો તેનું સામ્રાજ્ય શણગારવામાં જ ગયો હતો. તાજમહાલ, મોતી મસ્જિદ, મુસમ્મત બુરજ, રંગમહાલ, મુમતાઝ મહલ, જુમ્મા મસ્જિદ વગેરે તેના શાસનકાળ દરમિયાનની કારીગીરીના નમૂના રૂપ છે. અકબર તો હતો કલાઓનો આશ્રયદાતા. આગ્રા પાસેના ફતેહપુર સિક્રીના મહેલની દીવાલ પરનાં કેટલાક સુંદર ચિત્રો અતિ ઉત્કૃષ્ટ છે. તેને સ્થાપત્યનો અત્યંત શોખ હતો. તેનાં સ્થાપત્યોમાં તેની કલાભક્તિ પ્રગટ થાય છે. સિક્રીનો બુલંદ દરવાજો કલાનો અજોડ નમૂનો છે. અકબરના રાજદરબારનાં નવરત્નો તેની કલાપ્રીતિને પ્રગટ કરે છે. તેણે ઇસ્લામિક શૈલીની આગવી ચિત્રકલાને પણ ઉત્તેજન આપ્યું હતું.

પછીના મરાઠા શાસનકાળમાં છત્રપતિ શિવાજી, સંભાજી, રાજરામ રાજસત્તામાં આવ્યા, પેશવાઓનો રાજવહીવટ પણ ભારતવર્ષે નિહાળ્યો. પરંતુ આ શાસકોનો સંઘર્ષમય યુગ મોટે ભાગે સ્વરક્ષણાત્મક કિલ્લાઓ બાંધવામાં જ ગયો. તેઓનાં સામર્થ્ય અને સંપત્તિ રાષ્ટ્રસુરક્ષામાં જ ખર્ચાયાં હશે એટલે આ યુગમાં શિલ્પ-સ્થાપત્યોનો વિકાસ ઓછો જોવા મળે છે.

મોગલ-મરાઠાના યુગમાં રાજકીય ખટપટો શિખરે પહોંચી અને જ્યાં નિર્બળતા હોય ત્યાં અન્યોનો પગપેસારો સહજ-સરળ બને છે. એટલે તો અહીં યુરોપીય પ્રજાઓ આવી અને ફાવી. 1857ના વિગ્રહની વિફળતા બાદ સાચા અંગ્રજ શાસનનો પ્રારંભ થયો. પરંતુ ફરી પાછો ભારતભૂમિમાં સ્વતંત્રતાનો શંખનાદ શરૂ થયો! 1857 થી 1947! આ ભૂમિમાં પુન: સત પ્રકટ્યું. દેશ સ્વતંત્ર થયો. વિધર્મીઓનાં આપણા દેશ પર થયેલ આક્રમણો પછી પણ મંદિરો અને મૂર્તિઓ બચ્યાં, તીર્થો સાવ નષ્ટ ન જ થયાં, કલા જીવંત રહી! દેશ સ્વતંત્ર થતાંવેંત કલા-સંસ્કૃતિની પરંપરાનું સાતત્ય આજ સુધી ચાલુ રહ્યું. દેશની વિવિધ કલાના કલાકારોએ વિશ્વમાં ભારતભૂમિની કલા-સંસ્કૃતિની ખ્યાતિ ફેલાવી.

આમ, સહસ્રાબ્દીઓથી વહેતી રહેલી પ્રાચીન કલા-સંસ્કૃતિના અવિચ્છિન્ન પ્રવાહનો આજ સુધી કોઈ પૂરો તાગ મેળવી શક્યું નથી. આ પ્રાચીનતમ ભારતીય કલા-સંસ્કૃતિનું અદ્યાપિ સજીવ સાતત્ય એ વિરલ ઐતિહાસિક ઘટના છે. આ કલાનાં પ્રાચીનતા અને જીવંતતા સહજમાં વિસ્મય ઉપજાવે છે.

સ્વામી વિવેકાનંદ પ્રાચીન ભારતીય કલાની મૌલિકતાથી અતિ પ્રભાવિત થયા હતા. તેઓ કહેતા કે પ્રત્યેક ભારતીય ભવ્ય કલાવારસા સાથે જન્મ્યો છે. તેઓ આ ભવ્ય કલાવારસાને પ્રત્યેક ભારતીય પ્રાણપૂર્વકજાળવી રાખે તેમ ઇચ્છતા હતા. તેઓએ કહ્યું છે કે આ ભારતીય કલામાં નૂતન પ્રાણ પૂરવા માટે શ્રીરામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયો છે.

‘ભારતના નિવેદિતા’નું બિરુદ ધરાવતાં ભગિની નિવેદિતા એક વિદેશી મહિલા હોવા છતાં ભારતીય શિષ્ટાચાર અને કલાવારસા પ્રત્યે મંત્રમુગ્ધ હતાં. ભારતીય કલા-સંસ્કૃતિ તેમનાં પ્રાણ હતાં. કોઈ ભારતીય જો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરે તો તેઓ અપ્રસન્ન થતાં અને તેને ભારતીય કલા-સંસ્કૃતિની ગરિમા અને અસ્મિતા પરત્વે સચેત કરતાં. તેઓ આજીવન ભારતીય કલા-અસ્મિતાને જીવંત રાખવા માટે જ ઝઝૂમ્યાં હતાં. આ વારસો ખાસ કરીને યુવાનો જાળવે અને ચાલુ રાખે તે માટે તેઓ વાર્તાલાપો, ભાષણો, પત્રો વગેરે દ્વારા પોતાના સ્પષ્ટ અભિપ્રાયો આપતાં.

તો આપણે પણ હવે આ ભવ્યાતિભવ્ય કલાવારસાના પ્રાચીન નમૂનાઓને જાળવી રાખીએ અને નવીન યુગમાં એના સાતત્યને ટકાવી રાખવાના પ્રયત્નો આદરીએ. ચાલો આપણે આ કલાવારસાનું સંરક્ષણ અને સંવર્ધન કરવા કટિબદ્ધ થવાનું વ્રત લઈને શ્રીરામકૃષ્ણદેવના આવિર્ભાવ, સ્વામી વિવેકાનંદના આહ્‌વાન અને ભગિની નિવેદિતાની અભિલાષાઓને મૂર્તરૂપ આપીએ.

Total Views: 576

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.