સંતો સદૈવ સર્વનું યોગક્ષેમ જ ઇચ્છે છે. ભલું કરનાર પર ભલમનસાઈ અને બૂરું કરનાર પર કુદૃષ્ટિ, એ  એમના જીવનનો આદર્શ નથી. સંતો બીજાને માટે જીવે છે.  સંતો તો પાપી-તાપી સૌ પ્રત્યે સમદૃષ્ટિ રાખે છે. સમભાવ એ એમની પ્રકૃતિ છે. એટલે જ ‘સંત સમાગમ સદા સુખકારી, ભાઈ સંત સમાગમ સદા સુખકારી’.

આવા એક સંત આંબાની નીચે ધ્યાનાવસ્થામાં લીન રહેતા. ઉનાળાનો સમય હતો. આંબે લૂમઝૂમ કેરીઓ આવી છે. પાકી કેરીઓને જોઈને ઘણા માણસોનું મન લલચાય, એ સ્વાભાવિક છે. આ સંત આવે વખતે આંબાની નીચે બેસીને ધ્યાન ધરતા હતા. એવામાં એ માર્ગેથી બે વટેમાર્ગુ પસાર થતા હતા. એમણે ઊંચે જોયું તો આંબામાં પાકી કેરીઓ લટકતી હતી. એમના મોઢામાં પાણી આવી ગયું. એમની ઇચ્છા એ કેરીઓ ખાવાની થઈ. એમાંના એકે રસ્તાને કિનારે પડેલ પથરા ઉપાડ્યા અને એક પછી એક આંબાની કેરીઓ તરફ ફેંક્યા. આમાંથી એક પથરો પેલા ધ્યાનલીન સંત પર પડ્યો અને એને ઊંડો ઘા પડ્યો.

આ રાજ્યના રાજા સંતો પ્રત્યે ભક્તિભાવ રાખતા. અચાનક તેઓ તે રસ્તેથી પસાર થયા. આ સંતને તેઓ અવારનવાર મળવા પણ જતા. જ્યારે રાજા ત્યાં આવ્યા ત્યારે એ સંતને ત્યાં ઘાયલ થયેલા જોયા. રાજાના ગુસ્સાનો પાર ન રહ્યો. તેમણે પોતાના સૈનિકોને આવું કુકર્મ કરનારને તરત જ શોધી કાઢવા રવાના કર્યા. સૈનિકો આ ગુનેગારની શોધ કરવા નીકળી પડયા અને અંતે આ બન્ને વટેમાર્ગુ સૈનિકોના હાથે ચડ્યા અને સૈનિકોે તેમને પકડીને રાજદરબારમાં લઈ ગયા. રાજાએ આ બન્ને દુષ્ટોને સજા ફટકારવાનો આદેશ આપ્યો. આ સાંભળીને રાજદરબારમાં આવેલા સંતે રાજાને વિનંતી કરતાં કહ્યું, ‘એ બન્નેને છોડી મૂકો. એમને સજા કરવાની જરૂર નથી. રાજાજી, આ બન્નેએ કેરી ખાવાની ઇચ્છાથી આંબા પર પથરો ફેંક્યો. કમભાગ્યે એ પથરો મારા પર પડયો અને મને ઈજા થઈ એ વાત સાચી. પણ આ આંબાએ તો પથરો ખાઈને કેરી આપી. મારે પણ આંબાના જેવાં વર્તનવલણ રાખવાં જોઈએ. એટલે બુદ્ધિ ધરાવતા માનવીએ આંબા પાસેથી કંઈક શીખીને આ બન્નેને માફ કરવા જોઈએ.’ રાજા આ સંતની ઉદાત્ત અને ઉદાર હૃદયની લાગણી જોઈને ગદ્ગદ થઈ ગયો અને એ બન્નેને તરત જ છોડી મૂક્યા.

આ વાત પરથી મને શ્રી શ્રીમા શારદાદેવીના જીવનપ્રસંગની કેટલીક વાતો યાદ આવે છે. પશ્ચિમબંગાળના કેટલાંક ગામડાંમાં શેતુરમાંથી રેશમ બનાવવાનો ઉદ્યોગ બંધ પડતાં ત્યાંના ઘણા મુસલમાનો બેકાર બન્યા અને કામધંધો ન મળતાં ચોરી-લૂટફાટ કરવા માંડ્યા. એ બધા ‘શેતુરના ધાડપાડુઓ’ તરીકે જાણીતા બન્યા. શિરોમણિપુરના આ મુસલમાનોને શ્રીમાએ મકાન બાંધવાનું કામ અપાવ્યું. શ્રી શ્રીમાનો એમના પ્રત્યેનો નિર્દોષ વ્યવહાર જોઈને ઘણા લોકો કહેતા, ‘અરે, માતાજીની કૃપાથી આ ધાડપાડુઓ પણ ભક્ત બની ગયા છે.’ એક વખત એક ‘શેતુરના મુસલમાને’ થોડાં કેળાં ઠાકુરની સેવા માટે લાવીને તે સ્વીકારવા વિનંતી કરી. શ્રી શ્રીમાએ હસતા મુખે એ કેળાં સ્વીકાર્યાં. નજીક ઊભેલ સ્ત્રીભક્તે આ જોયું અને તે બોલી ઊઠી, ‘આ લોકો ચોર છે. અમે જાણીએ છીએ. તેમની વસ્તુઓ શા માટે ઠાકુરને ધરાવવી જોઈએ?’ શ્રી શ્રીમાએ એ કેળાં કોઠારમાં મૂક્યાં અને પેલા મુસલમાનને મમરા અને મીઠાઈ ખાવા આપ્યાં. પેલો મુસલમાન એ ખાઈને ત્યાંથી ચાલ્યો ગયો. પછી શ્રી શ્રીમાએ પેલી ભક્ત સ્ત્રીને ઠપકો આપતાં કહ્યું, ‘કોણ સારું, કોણ નરસું તે હું જાણું છું.’ પતિતોનો ઉદ્ધાર કરવો, એમનું ક્ષેમકલ્યાણ કરવું એ જ એમનું જીવનકાર્ય હતુંં. તેઓ કહેતાં, ‘ભૂલ કરવી એ માણસનો સ્વભાવ છે. પણ ભૂલ કરનારને કેવી રીતે સારો કરવો જોઈએ, એ ફક્ત થોડા લોકો જ જાણે છે.’

એક વખત ગામના એક ધનવાન કુટુંબના ભણેલા યુવકે માતાજી પાસેથી દીક્ષા લીધી. તે દરરોજ તેમની પાસે આવતો. એની મદદથી ગામડામાં એક આશ્રમ ખોલવામાં આવ્યો. કમનસીબે આ યુવાન પોતાની નજીકની સંબંધી બાળવિધવાના પ્રેમમાં પડ્યો. એની બદનામીની વાતો હવામાં ઊડતી આવી. આ સાંભળીને જયરામવાટીના ભક્તોએ ગુસ્સે થઈને શ્રીમાને કહ્યું કે એને આપની પાસે આવવા દેવો ન જોઈએ. સંતાનના કલંકની આ વાત સાંભળીને શ્રીમાને ઘણું દુ:ખ થયું. એમણે પેલા લોકોને કહ્યું, ‘મા થઈને હું એને કેવી રીતે આવતાં રોકી શકું? કઠોર શબ્દો મારે મુખેથી નીકળશે જ નહીં.’ પેલા યુવકની અવરજવર ચાલુ રહી અને એક દિવસ પેલી છોકરીને પણ લઈ આવ્યો. તે છોકરીને માતાજીએ થોડો ઠપકો આપ્યો અને ભવિષ્યમાં સાવધાન રહેવા કહ્યું. નવાઈની વાત તો એ હતી કે આ છોકરી સાથે શ્રી શ્રીમાએ દીકરી જેવો વ્યવહાર રાખ્યો.

શ્રીમા ઘણી વખત કહેતાં, ‘ભૂલ કરે એ માણસ. એને લક્ષમાં ન લેવાય. એથી તો પોતાની જાતને જ નુકસાન થાય, ભૂલો કાઢવાની ટેવ પડી જાય…. બીજાના દોષ ન જોવા.’

બીજાના દોષ ન જોવાનું આદર્શ વલણ કેળવવું અને જાળવવું ઘણું મુશ્કેલ કાર્ય છે. ભલભલા માણસો આવું વલણ કેળવી શકતા નથી અને દોષદેખા બની જાય છેે. પણ વિલક્ષણ વ્યક્તિઓ કે સંતો આ દુષ્કર કાર્ય કરી શકે છે અને બીજાને એ માર્ગે ચાલવા આત્મબળ અને પ્રેરણા પૂરાં પાડે છે. આ આત્મબળ કેળવવું એમને માટે સહજ સરળ બની જાય છે. એમને મન નાતજાતના, ઊંચ-નીચના કે ભણેલ-અભણના ભેદભાવ નથી હોતા. એમને માટે તો ‘બધા એક સમાન હોય છે.’

જયરામવાટીમાં જ્યારે શ્રી શ્રીમા રહેતાં ત્યારે અનેક ભક્તો એમને મળવા અને એમનાં દર્શને આવતા. એ બધાને શ્રીમા સાચુકલા હૃદયથી જમાડતાં અને જાળવતાં, એટલું જ નહીં પણ એમનાં એઠાં વાસણ પણ સાફ કરતાં. એક વખત આવી રીતે શ્રી શ્રીમાને ભક્તજનોનાં અને આગંતુકોનાં એઠાં વાસણો સાફ કરતાં જોઈને નલીનીદેવીથી રહેવાયું નહીં. તેઓ બોલી ઊઠ્યાં, ‘હાય રે! છત્રીસ જાતિનાં માણસોના એઠવાડ સાફ કરે છે!’ એ સાંભળીને શ્રીમાએ કહ્યું, ‘છત્રીસ જાતિનાં કયાં છે? આ બધાં તો મારાં બાળકો છે.’ જેઓ બધાંને પોતાનાં સંતાનરૂપે જુએ એમને વળી જાતિજ્ઞાતિના ભેદ શા? એ પ્રેમના પૂરમાં ઊંચનીચ બધાં જ ડૂબી જઈને એકાકાર થઈ જાય છે.

એટલે જ શ્રીમા કહેતાં, ‘હવે હું કોઈનામાં દોષ જોઈ શકતી નથી. બેટા,… અગાઉ લોકોના દોષ મારી આંખે પણ ચડતા. પછી આંસુ સાથે મેં શ્રીઠાકુરને પ્રાર્થના કરી, ‘ઠાકુર, બીજાના દોષ જોવાનું મારાથી સહેવાતું નથી.’ પછી જ મારો આ અવગુણ ગયો. તેઓ કહેતાં,‘શાંતિ જોઈતી હોય તો બીજાના દોષ ન જુઓ. ઊલટું, પોતાના જ દોષ જોવા. જગતને પોતાનું બનાવતાં શીખો. બેટા, કોઈ પારકું નથી, આખું જગત તારું પોતાનું છે.’

શ્રીમાએ અને આપણી વાર્તાના સંતે આપણને જગતને પોતાનું કરવાની કળા શીખવી છે. જો આપણે એ પથે એક ડગલું ભરીને પ્રારંભ કરીએ તો મનની શાંતિ અને મનનો આનંદ એની મેળે મળી રહેશે.

Total Views: 197
By Published On: December 1, 2016Categories: Ek Sevak0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram