મનુપુત્ર ઉત્તાનપાદને બે પત્ની હતી. તેમનાં નામ સુનીતિ અને સુરુચિ હતાં. સુરુચિ મહારાજને અત્યંત પ્રિય હતાં. પરંતુ ધ્રુવનાં માતા સુનીતિ પ્રત્યે મહારાજને એટલો પ્રેમભાવ ન હતો. એક દિવસ સુરુચિના પુત્ર ઉત્તમને ખોળે બેસાડીને મહારાજ ઉત્તાનપાદ તેના પર વહાલ વરસાવતા હતા. બરાબર એ જ સમયે ધ્રુવ ત્યાં આવ્યા અને તેમણે પિતાના ખોળામાં બેસવાનો પ્રયત્ન કર્યો. પણ સુરુચિએ તેના પ્રત્યે ઇર્ષ્યાભાવથી કહ્યું, “અરે વત્સ! રાજાના ખોળામાં કે રાજસિંહાસન પર બેસવાની તારામાં યોગ્યતા નથી. જો તું મારી કૂખે ફરીથી જન્મ ધારણ કરે, તો તને એ બંને સ્થળે બેસવાની યોગ્યતા મળે. એમ છતાં પણ આ રાજસિંહાસન અને પિતાના ખોળામાં બેસવાની ઇચ્છા હોય તો ભગવાનનું તપ કરીને તેમને પ્રસન્ન કર.’

સાવકી માતાનાં આવાં કઠોર વચનો સાંભળીને ધ્રુવના હૃદયને ઘણો આઘાત લાગ્યો. વળી પિતાને યોગ્ય પ્રતિસાદ ન આપતા જોઈને, ધ્રુવ તો માતા સુનીતિ પાસે દોડી ગયા અને બધી વિગતે વાત કહી. સુનીતિએ અત્યંત દુ :ખી થઈને નિ :સાસો નાખીને પુત્ર ધ્રુવને કહ્યું, “અરે દીકરા ધ્રુવ! તું કયારેય કોઈનું અમંગળ ઇચ્છતો નહીં અને કરતો પણ નહીં. તારી સાવકી માતાએ તને જે કહ્યું છે, તે શબ્દો ભલે અપ્રિય લાગતા હોય પણ છે સાચા. બેટા, તું પ્રભુનાં શ્રીચરણમાં આરાધના શરૂ કર.’

ત્યાર પછી બાળક ધ્રુવ માતાની ઇચ્છા પ્રમાણે પિતાના રાજમહેલનો ત્યાગ કરીને વનમાં ચાલ્યા ગયા. ત્યાં એકાંત સ્થળે બેસીને કમલનેત્રવાળા શ્રી હરિની તપસ્યામાં લીન બની ગયા.

ધ્રુવને આ અવસ્થામાં જોઈને દેવર્ષિ નારદ તેમની પાસે ગયા અને પોતાના પાવન હાથે ધ્રુવના મસ્તકનો સ્પર્શ કરીને કહ્યું, “વત્સ! તું આટલી નાની ઉંમરમાં આવા ભયાનક જંગલમાં શ્રીહરિની સાધના કરવા શા માટે આવ્યો છે? ભલે તું જેમને પામવા માટે આ તપ કરે છે, પણ તને એક સાચી વાત કરું કે એમને મેળવવા અત્યંત કઠિન છે. કેટલાય મુનિઓ, યોગીઓ, ઋષિઓ, દેવતાઓએ કેટલાય કાળ સુધી તપસ્યા કરી, પણ એમનાં દર્શન એમને થયાં નથી! અને ભાઈ, તું તો એક સામાન્ય બાળક માત્ર છો. જ્યારે ઉંમરવાન થા અને સંસારની જવાબદારી તારા પુત્રને સોંપીને વનમાં આવ ત્યારે આવું તપ કરજે. સંસારમાં સુખદુ :ખ તો છે જ, એનાથી થાકી-કંટાળીને આવી રીતે વનમાં આવવું, એ તેં સારું કર્યું છે, તેમ મને લાગતું નથી. એટલે મારી વાત સાંભળ, તું પાછો ઘરે જા. વૃદ્ધાવસ્થામાં હરિની સાધના કરજે.’

દેવર્ષિ નારદની આવી બુદ્ધિયુકત વાત સાંભળીને પાંચ વર્ષના બાળ ધ્રુવે કહ્યું, “મહર્ષિ, આપની વાત ખોટી નથી. પરંતુ સાવકી માતાના કટુવચનથી મારું હૃદય ઘવાયું છે. સાંસારિક વસ્તુને પામવા માટે સકળ જગત લલચાય છે, તો પણ મને એ બધું મેળવવાની જરાય લાલસા નથી. શ્રીહરિની સાધના કરીને હું એવું પદ મેળવવા ઇચ્છું છું કે જેનો લાભ આજ સુધી આ ત્રિભુવનમાં કોઈ પામ્યું નથી. જો આપ મારા પર કૃપા કરવા ઇચ્છતા હો, તો મારા પર દયા કરીને મને એ પદ મેળવવાનો રસ્તો બતાવો.’

ધ્રુવની એકાગ્રતા અને ઈશ્વર પ્રત્યેની એકનિષ્ઠા જોઈને દેવર્ષિ નારદજી તો અત્યંત મુગ્ધ બની ગયા. પછી તેમના પર પ્રસન્ન થઈને કહ્યું, “જે વ્યક્તિ ધર્મ, અર્થ, કામ, મોક્ષ – આ ચાર પુરુષાર્થનો લાભ મેળવવા ઇચ્છે છે, તેનું મુખ્ય કર્તવ્ય છે – પરમ કૃપાળુ પરમેશ્વર પ્રત્યે નિરંતર ભક્તિભાવ રાખવો.’

“હે વત્સ, તારું કલ્યાણ હો, તું યમુનાતટે મધુવનમાં જા. ત્યાં ભગવાન શ્રીકૃષ્ણ સદૈવ નિવાસ કરે છે. તું દરરોજ યમુનાજળમાં સ્નાન કરજે અને શ્રીહરિના વિલાસસ્થાન મધુવનમાં બેસીને એકાગ્રચિત્તે પ્રભુનું ધ્યાન ધરજે. “ૐ નમ : ભગવતે વાસુદેવાય’, હું તને આ મહામંત્ર આપું છું. આ મંત્રનો તું નિરંતર જપ કરજે. ભગવાન તો સર્વદા શાંત અને પ્રેમમય છે. એમનું રૂપ – નયન અને મનની આનંદવૃદ્ધિ કરનારું છે. એ પ્રભુનું મુખારવિંદ સદૈવ મધુર હાસ્યથી શોભી રહ્યું છે. તું સદૈવ ભગવાનના મંગલમય રૂપનું ધ્યાન ધરજે.’

આ રીતે બાળક ધ્રુવને અનેક ઉપદેશ આપીને દેવર્ષિ નારદ રાજા ઉત્તાનપાદની સભામાં ગયા. રાજાએ દેવર્ષિ નારદને જોઈને અત્યંત આદરપૂર્વક ભાવભર્યું સ્વાગત કર્યું અને તેમણે નારદજીની પાદ્ય અને અર્ઘ્યથી પૂજા કરી.

ત્યાર પછી રાજાને દુ :ખી જોઈને દેવર્ષિ નારદે દુ :ખનું કારણ રાજાને પૂછ્યું. એટલે રાજાએ કહ્યું : “હે બ્રાહ્મણશ્રેષ્ઠ, હું તો એક નારીવશ રાજા થઈ ગયો છું. મારી નાની રાણીના પ્રલોભનથી ધ્રુવને વનમાં મોકલીને અને તેની માતાને પણ આ દુ :ખદ સ્થિતિમાં મૂકીને હું ઘણો દુ :ખી છું. એમના દહાડા કેવા દુ :ખમાં જતા હશે, એની કલ્પના પણ હું કરી શકતો નથી. મારા એ પુત્રનું મુખમંડળ ખીલતા કમળ જેવું હતું. હું એની દુ :ખદર્દવાળી અવસ્થાના વિચાર માત્રથી ખરેખર અંતરથી બળી રહ્યો છું. કદાચ એ ક્ષુધાર્ત બની ગયો હશે. જંગલના ચિત્તા એને ભરખી જવા એના પર આક્રમણ પણ કરતા હોય!’

રાજાને આવી રીતે હૃદયથી દુ :ખી થતા જોઈને નારદજીએ કહ્યું, “હે મહારાજ, આપ તમારા પુત્રની ચિંતા ન કરો. એના પોતાના પુણ્યથી ભગવાન તેની રક્ષા કરે છે. એને કંઈ પણ હાનિ પહોંચશે નહીં. તે એવી સાધના કરશે કે કોઈ રાજા, મુનિઋષિ પણ એવી સાધના ન કરી શકે. તે સમગ્ર વિશ્વમાં પોતાનાં અને તમારાં યશકીર્તિને ફેલાવશે.’ નારદમુનિના આ શબ્દોથી આશ્વાસન પામીને રાજા ઉત્તાનપાદ પોતાના સમૃદ્ધ વિશાળ રાજ્યનો બધો કારભાર છોડીને પુત્ર વિશે વિચારવા લાગ્યા.

આ બાજુ ધ્રુવ મધુવનમાં પહોંચ્યા, યમુના નદીમાં સ્નાન કર્યું અને ગહન-ગંભીર મનોભાવે એ રાત્રે ઉપવાસ કર્યો. ત્યાર પછીના દિવસથી તેમણે ભગવાનની આરાધના આરંભી.

શરૂઆતમાં અલ્પ માત્રામાં ભોજન લેતા. પછી ત્રણ દિવસના અંતરે, છ દિવસના અંતરે અને નવ દિવસના અંતરે સામાન્ય ફળમૂળ, સૂકાંતૃણ કે જળપાન કરીને પ્રાણધારણ કરીને, ભગવાનની આરાધના કરતા રહ્યા.

પછી પાંચમે મહિને ધ્રુવે શ્વાસ પર એટલું નિયંત્રણ મેળવી લીધું કે, તેઓ એક સ્તંભની જેમ સ્થિર, નિશ્ચલ બનીને એક પગે ઊભા રહેવા સક્ષમ બન્યા. વિષયોથી પર થયેલું તેમનું અવિચલિત મન પરમેશ્વરના સ્વરૂપમાં એકાગ્ર બની ગયું. તેમની તપશ્ચર્યાના પ્રભાવે સમગ્ર પૃથ્વી સહિત સ્વર્ગલોક કંપાયમાન થયો. ત્યારે દેવતાઓ વૈકુંઠમાં ગયા અને શ્રીહરિને બાળક ધુ્રવની કઠિન તપસ્યાનો અંત કરાવવા વિનંતી કરી.

પાંચવર્ષની નાની વયે કોઈપણ જાતનો ભય રાખ્યા વિના પોતાના લક્ષ્ય સુધી પહોંચવા ધ્રુવે કરેલો પ્રયાસ આપણે પણ આપણા જીવનમાં કરી શકીએ. જો આવો પ્રયાસ થઈ શકે તો આપણે અશક્યને પણ શક્ય બનાવી શકીએ. સ્વામી વિવેકાનંદ કહેતા, “જો તમારામાં પ્રચંડ ઇચ્છાશક્તિ હોય તો તમે ગમે તે કરી શકો.’

Total Views: 415

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.