મનન કરીએ તો વિચાર ઉદ્ભવે છે કે મનુષ્યજીવનનો ચરમ ઉદ્દેશ શો છે અને તેની પ્રાપ્તિ કેવી રીતે થાય ?

શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે મનુષ્યના જીવનનો ઉદ્દેશ છે ઈશ્વર પર અનુરાગ થવો, ઈશ્વરદર્શન કરવાં.

આમ, મનુષ્ય-જીવનનું મુખ્ય લક્ષ્ય છે ઈશ્વર-પ્રાપ્તિ, સર્વ દુ:ખોથી મુક્તિ, જન્મ-મરણરૂપી અનંત શૃંખલામાંથી નિવૃત્તિ.

અજ્ઞાનવશ આ લક્ષ્ય ભુલાઈ ગયું છે. આ અજ્ઞાનની નિવૃત્તિ અને જ્ઞાનની પ્રાપ્તિ સહજ નથી. તેના માટે પોતાનો ભાવ અને દૃષ્ટિકોણ બદલવા પડે છે. પોતાનાં મન-બુદ્ધિને કેળવવાં પડે છે. પોતાની જીવનચર્યાને, દિનચર્યાને સાધનામય બનાવવી પડે છે. આ સાધના જીવનપર્યંત ચાલુ રાખવી પડે છે, ત્યારે જ સર્વોચ્ચ પુરુષાર્થ-મોક્ષ પ્રાપ્ત થાય છે.

તો આ જીવનચર્યા-દિનચર્યા વિશે ચિંતન કરીએ, સૌ પ્રથમ જોઈએ જીવનચર્યા. જીવનનો ખરો આનંદ છે જીવનચર્યામાં. જેનું જીવન સંયમિત, નિયમિત અને અનુશાસિત છે તેને જ લક્ષ્ય પ્રાપ્તિ થાય છે.

જીવનચર્યા એક અદ્‌ભુત કલા છે. આ જીવનકલાનાં ગ્રહણ કરવા જેવાં સૂત્રો છે – વર્તમાનમાં જીવવાનું શીખો. કર્તવ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. સહજ તથા સ્વાભાવિક જીવન જીવો. સંયમિત જીવન જીવો. એકાંતમાં રહેવાનું શીખો. સારાં પુસ્તકોનું અધ્યયન તથા સારા લોકોની સંગતિ કરો. જીવન સામંજસ્ય છે એમ સ્વીકારો.

સંક્ષેપમાં સદાચાર, શૌચાચાર અને શિષ્ટાચારનું પાલન જીવનમાં અનિવાર્ય છે.

જીવનચર્યામાં માનવીય ગુણોનો વિકાસ અતિ આવશ્યક છે. જીવનચર્યામાં નિમ્નલિખિત ગુણોના વિકાસ પ્રત્યે સવિશેષ ધ્યાન રાખવું અનિવાર્ય છે.

  1. સત્ય માનવતાનો મૌલિક સિદ્ધાંત છે તેથી સર્વદા સત્યને મન, વચન અને કર્મમાં પરિણત કરવું જોઈએ. શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે કળિયુગમાં સત્યવચન એ મોટી તપશ્ર્ચર્યા છે.
  2. અહિંસા વ્યાવહારિક સત્ય છે. અહિંસામાં માત્ર કર્મનો સમાવેશ કરવાનો નથી. કર્મથી હિંસા ન કરવી એ સ્થૂળ બાબત છે. અહિંસામાં બીજાના અધિકારોની, વિશેષ કરીને જીવન-અધિકારની સ્વીકૃતિ રહેલી છે. અહિંસામાં બીજાના દૃષ્ટિકોણને પણ મહત્ત્વ આપવાનું હોય છે. શ્રીરામકૃષ્ણદેવના જીવનના અનુચિંતનથી આપણને જાણવા મળે છે કે તેમને મન સંસારના સર્વ મત, પથ, વાદ સ્વીકૃત જ હતા. આ છે અહિંસાનું સર્વોચ્ચ સ્વરૂપ. આ થયો જૈનમત અનુસારનો અનેકાન્તવાદ. અહિંસામાં બીજાના સ્વાભિમાનની રક્ષા કરવાની હોય છે. કષ્ટ-સહન કરવાની ક્ષમતા તથા ધૈર્યપૂર્વક બીજાની વાત સાંભળવા, વિચારવા તેમજ સ્વીકારવાની ક્ષમતાયુક્ત સહિષ્ણુતા એ અહિંસા જ કહેવાય.
  3. બધાંને આત્મદૃષ્ટિએ જોવા વિચારવાની ગુણસંપત્તિ એ શ્રેષ્ઠ ગુણ છે. માનવેતર બધાં પ્રાણીઓના સંબંધમાં પણ આ બાબત લાગુ પડે છે. શ્રીમા શારદાદેવીનું અમૃતકથન છે કે જગતમાં કોઈ પરાયું નથી, જગત તમારું પોતાનું છે.

આત્મદૃષ્ટિ વિકસાવવાથી નિર્બળ પર બળપ્રદર્શન કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આત્મદૃષ્ટિના વિકાસથી અધિકાર ભાવનાનો ત્યાગ સાહજિકપણે થઈ જાય છે. તેના ફળ સ્વરૂપે પરગુણ ગ્રાહકતાનો સદ્ગુણ સ્વયં ઉદ્ભવે છે. આ ગુણને કારણે જીવનચર્યામાં સર્વત્ર મર્યાદા-પાલન સરળ બની જાય છે. જીવનચર્યામાં સુખનું કેન્દ્ર આંતરિક શ્રેષ્ઠતા છે. પાર્થિવ સંસાર તૃષ્ણાઓ વધારનારો છે. તૃષ્ણાઓ કદાપિ સર્વાંશે સંતોષી શકાતી નથી. સ્વાર્થીપણું અને સાંસારિક ભોગ કદાપિ સ્થાયી સુખ અને દીર્ઘજીવી આનંદ આપી શકતાં નથી. ચિરંતન સુખનું કેન્દ્ર છે આંતરિક શ્રેષ્ઠતા, નહીં કે ભૌતિક સામગ્રી. આંતરિક શુદ્ધિ માટે ત્યાગ, બલિદાન, સંયમ આદિ ઉપાયો છે. જીવનચર્યામાં ઇન્દ્રિયો પરનો સંયમ અતિઆવશ્યક છે. અન્યની સેવા, સહાયતા, સહકાર માટે સર્વદા તત્પર રહેવું જોઈએ. સ્વામી વિવેકાનંદે યથાર્થ જ કહ્યું છે કે જે બીજાઓ માટે જીવે છે, તે જ ખરેખર જીવે છે. વ્યક્તિગત આવશ્યકતાઓ લઘુત્તમ કરીને વિશ્વકલ્યાણ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સમન્વય અને સહિષ્ણુતા જીવનચર્યાનાં વિશિષ્ટ અંગ છે. સદ્ગુણોનો અધિકાધિક વિકાસ કરવો જોઈએ. એ જ મનુષ્યજીવનનું લક્ષ્ય હોવું જોઈએ. આવી પ્રશસ્ય જીવનચર્યા કેળવવા દિનચર્યા પણ સુચારુપણે અનુશાસિત હોવી જોઈએ.

હવે જોઈએ દિનચર્યા. દિનચર્યા ઘડિયાળના કાંટાની માફક પરિચાલિત થતી હોવી જોઈએ. જીવનચર્યાની સફળતાનું રહસ્ય છે દિનચર્યા.

દિનચર્યાનો પ્રારંભ થાય બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી જવાથી. રાત્રિના અંતિમ પ્રહરના ત્રીજા ભાગને અર્થાત્ પ્રાત:કાળના, ચાર વાગવાની વેળાને બ્રાહ્મમુહૂર્ત કહેવામાં આવે છે. આ સમયે વાતાવરણને પ્રભાવિત કરનારી દુષ્પ્રવૃત્તિઓ સુપ્ત હોય છે. વાતાવરણ પૂર્ણત: નિર્મળ, શાંત હોય છે. આ સમયે જાગીને આવી પડેલી – ન આવી પડેલી વિપત્તિઓના નિવારણ માટે, સુખદ દિવસ વિતાવવા માટે અને ભાગ્યોદયના ઉદ્દેશથી પોતાના ઇષ્ટદેવનું સ્મરણ તથા પુણ્યશ્ર્લોક મહાપુરુષોનું પાવન સ્મરણ કરવું જોઈએ. શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ તથા અન્ય સંન્યાસીઓના જીવનવૃત્તાંતમાં જોવા મળે છે કે તેઓ સર્વદા બ્રાહ્મમુહૂર્તમાં જાગી જતાં અને સહચારીઓને પણ તેમ કરવા પ્રેરતાં.

પ્રાત:કાળની જેમ સાયંસંધ્યા પણ ઈશ્વરસ્મરણનો ઉત્તમકાળ છે. ઉપર્યુક્ત સર્વના જીવનમાં આપણને આ બાબત નિ:શંક જોવા મળે છે.

આ થયો મનને સ્વસ્થ રાખવાનો ક્રમ. ત્યાર બાદ શૌચ, સ્નાનાદિ કરીને શારીરિક શક્તિ અનુસાર સમુચિત વ્યાયામ કરવો જોઈએ. નિયમિત વ્યાયામ તથા પ્રાત:કાલીન ભ્રમણ કરવું અતિ આવશ્યક છે. જો તન નથી તો બાકી બધું વ્યર્થ છે. તનનું રક્ષણ કરવું અને તેને સ્વસ્થ રાખવું એ પરમ કર્તવ્ય છે. તનને સ્વસ્થ રાખવા માટે વ્યાયામ, યોગ, પ્રાણાયામ, પ્રકૃતિની નિકટતા, વ્યક્તિગત સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સમતોલ અને પૌષ્ટિક આહાર, ઉચિત વિશ્રામ, યોગ્ય નિદ્રા, પર્યાવરણ પર વિશેષ ધ્યાન અને નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ અતિ આવશ્યક છે.

ત્રીજો મહત્ત્વપૂર્ણ મુદ્દો છે : પ્રવૃત્તિપરાયણતા. પ્રત્યેક ક્ષણને અમૂલ્ય સમજી સમયનો સદુપયોગ કરવો જોઈએ. આહાર અને આચરણથી સાત્ત્વિક રહેવું. નશાકારક દ્રવ્યોના સેવનનો સર્વથા ત્યાગ કરવો. પુરુષાર્થથી બધું જ મળી શકે છે. હકપૂર્વક કમાણી કરવી અને હકનું ખાવું. પાપની કમાણી શીઘ્ર નાશ પામે છે. જૂઠી પ્રતિષ્ઠા અને વિલાસિતામાં ધનનો વ્યર્થ વ્યય કરવો નહીં. સદ્ગ્રંથોનું નિયમિત અધ્યયન-મનન કરવું. ‘મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે’ એ સ્વામી વિવેકાનંદનું સુવર્ણ સૂત્ર છે. પુરુષાર્થ પર નિર્ભર રહીને પ્રવૃત્તિમય રહેવું. મનમાં કદાપિ હીન ભાવનાને પ્રવેશવા દેવી નહીં. સંતુષ્ટ અને અપરિગ્રહી બનવું. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુમાં વિશેષ આસક્તિ રાખવી નહીં. સ્વામી વિવેકાનંદ કહે છે તેમ ચારિત્ર્ય જ સાચું આભૂષણ છે, સાચી સંપત્તિ છે, સાચી ઉપલબ્ધિ છે. ચારિત્ર્યનિર્માણ અને સત્સંસ્કારોનું ઉપાર્જન કરવું અને પ્રયત્નપૂર્વક બીજી વ્યક્તિઓમાં તેનું સિંચન કરવું. આળસ અને કર્તવ્યહીનતા જ દરિદ્રતા છે તેમજ સર્વ દુ:ખોનું મૂળ કારણ છે. પોતાનું કર્તવ્ય સંનિષ્ઠાપૂર્વક બજાવવું. આવક કરતાં ખર્ચ વધુ ન થાય તેની તકેદારી રાખવી. સ્વામી વિવેકાનંદે ‘કર્મયોગ’ વિષયક પોતાનાં પ્રવચનોમાં આ અંગે વિશદ વિવેચન કર્યું છે.

દિનચર્યામાં બ્રહ્મમુહૂર્તમાં જાગરણ, સ્વાસ્થ્ય રક્ષણ માટે વ્યાયામ-આસન, નીતિયુક્ત કર્તવ્યપરાયણતા તો આવશ્યક છે જ. ઉપરાંત આહાર-વિહાર વિષયક ચિંતનીય બાબતો છે.

ભોજનમાં બુદ્ધિમત્તા કેળવવી જોઈએ. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે તે મુજબ આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિ વધારનારો રસયુક્ત, સ્નિગ્ધ અને મનને સ્વાભાવિક પ્રિય સાત્ત્વિક આહાર કરવો જોઈએ. પૂરતી માત્રામાં પાણી પીવું જોઈએ. દિવસ દરમિયાન ચોવીસ કલાકમાં 8 થી 10 પ્યાલા પાણી પીવું જોઈએ. જમ્યા પછી 5-10 મિનિટ વજ્રાસનમાં બેસવું અને પછી 100 ડગલાં ચાલવું હિતાવહ છે. સ્વાસ્થ્ય માટે આરામ પણ આવશ્યક છે. 24 કલાકમાં સરેરાશ 6 કલાક ઊંઘ પર્યાપ્ત છે.

સારા સ્વાસ્થ્ય માટે સદ્વિચારોનું પણ મૂલ્ય છે. ઇર્ષ્યા, ઘૃણા, ક્રોધ, લોભ વગેરે નકારાત્મક ભાવોને બદલે પ્રસન્નતા, પ્રેમ, સેવા અને ક્ષમા ઇત્યાદિનો વિચાર-અમલ કરવો જોઈએ. આળસ, પ્રમાદ, ભોગ, પાપ અને અતિ નિદ્રાને વિષ સમાન સમજીને એ બધાનો ત્યાગ કરવો જોઈએ. મનુષ્ય જીવન આ બધામાં વિતાવવા માટે નથી. કલ્યાણકામી મનુષ્યે બધો જ સમય સાધનામય પ્રવૃત્તિમાં વ્યતીત કરવો જોઈએ.

આમ, અંતરાત્મામાં છુપાયેલાં સદ્ગુણો અને દિવ્યતાને વિકસિત કરવાં એ આપણી જીવનચર્યાનો મૂળમંત્ર હોવો જોઈએ. ચાલો, આવી જીવનચર્યા અને દિનચર્યાના ઘડતર માટે પ્રતિબદ્ધ બનીએ અને દુર્લભ એવો મનુષ્ય-જન્મ સાર્થક કરીએ.

Total Views: 404

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.