‘જગતને આજે જે વસ્તુની આવશ્યકતા છે એ છે ચારિત્ર્ય. સંસારને એવી વ્યક્તિઓની આવશ્યકતા છે કે જેમનાં જીવન સ્વાર્થગંધ રહિત જ્વલંત પ્રેમના ઉદાહરણરૂપ હોય. એ પ્રેમ એક-એક શબ્દને પ્રભાવશાળી બનાવી દેશે,’ આ શબ્દો સ્વામી વિવેકાનંદે એક વિદેશિની નારીના ‘વીર સિંહણ’ સમાન ગુણોથી પ્રભાવિત થઈ તેમને સંસારની સેવા કરવા માટે જીવન અર્પણ કરવાના આહ્‌વાનરૂપે લખ્યા હતા. પોતાના ગુરુ સ્વામી વિવેકાનંદના આ આહ્‌વાનને સાર્થક કરનાર એ વિદેશી નારી હતાં ભગિની નિવેદિતા, જેમણે ગુરુના શબ્દો- ‘‘સંસારના વીર અને સર્વશ્રેષ્ઠ વ્યક્તિઓએ ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ પોતાનું બલિદાન આપવું પડશે- ને જીવનમાં સાર્થક કરી બતાવ્યા અને માત્ર ૪૩ વર્ષની અલ્પાયુમાં પોતાનાં ત્યાગ-બલિદાન અને ભારતની સેવાથી તેમણે ભારતીયોનાં હૃદય અને ઇતિહાસમાં પોતાનું નામ સ્વર્ણ અક્ષરે અંકિત કરાવ્યું.

ભગિની નિવેદિતાના ધર્મ અને આધ્યાત્મિકતા, સ્ત્રી સુધારણા અને શિક્ષણ, ભારતીય જીવનદર્શન, વિજ્ઞાન અને સમાજ સુધારણા વગેરેમાંના યોગદાનથી સૌ કોઈ પરિચિત છે. પરંતુ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ નેપથ્યમાં રહી તેમણે જે અણમોલ ફાળો આપ્યો છે તેનાથી કદાચ ઘણા અપરિચિત હોઈ શકે. ૧૯૦૧માં ભારતમાં પ્રત્યાગમનથી ૧૯૧૧માં પોતાની મહાસમાધિ સુધી તેઓ દેશસેવામાં અવિરત સંગ્રામરત હતાં. ભારતીય ધર્મ, ભારતીય સમાજ, ભારતીય મૂલ્યો અને રીતરિવાજો, તહેવારો, ઉત્સવો વગેરેથી તેઓ એટલાં પ્રભાવિત હતાં અને તેમણે પોતાને એટલાં આત્મસાત્ કરી લીધેલાં કે તેઓ કદાપિ પોતાને વિદેશી માનતાં જ નહીં. એમના પરિચયમાં આવેલા લોકો કહે છે કે ‘ભારતવર્ષ’ એ શબ્દનું તેઓ સદા મંત્રવત્ ઉચ્ચારણ કરતાં રહેતાં. તેમનો ભારત પ્રતિ ઊંડો પ્રેમ અને ગંભીર લાગણી તેમના ગુરુ સ્વામી વિવેકાનંદ પાસેથી મેળવેલ ધરોહર હતી. પોતાના ગુરુના ગહન દેશપ્રેમની અનુભૂતિ જે નિવેદિતાને થયેલી તેનો તેમણે પોતાના સ્મૃતિગ્રંથમાં ઉલ્લેખ કરતાં લખ્યું હતું, ‘ભારતવર્ષ સ્વામીજીના ગંભીરતમ આવેગનું કેન્દ્ર હતું…ભારત એમના હૃદયમાં નિરંતર સ્પંદિત થતું, એમની નાડીઓમાં પ્રતિધ્વનિત થતું. ભારત જ હતું એમનું દિવાસ્વપ્ન અને ભારત જ હતું એમની રાત્રિનું દુ :સ્વપ્ન.’ સ્વામી વિવેકાનંદે એકવાર કહેલું કે, ‘મારા જીવનનો ઉદ્દેશ માત્ર શ્રીરામકૃષ્ણ કે વેદાંતનો પ્રચાર કરવાનો નથી, પરંતુ મારા દેશવાસીઓમાં પૌરુષ જાગૃત કરવાનો છે.’ આના પ્રત્યુત્તરમાં નિવેદિતાએ કહ્યું હતું, ‘હું તમને સહાયતા કરીશ.’ નિવેદિતાએ જે કહ્યું હતું તેનું અનુમોદન કરતાં સ્વામીજી બોલ્યા હતા, ‘મને ખબર છે.’ નિવેદિતા માટે સ્વામીજીએ બૃહત્તર માર્ગ ચૂંટેલો જે ચીલાચાલુ રીતભાતથી અલગ પરંતુ મૂલ્યો અને ધર્મ-દર્શન પર સ્થાપિત અને સાથે સાથે સ્વતંત્ર અને મક્કમ પગલાં લેવા સક્ષમ હતો.

એ સમય હતો વર્ષોથી ગુલામ ભારતીય સમાજમાં નવચેતનાનો. વિદેશથી પ્રત્યાવર્તન કરી આવેલા સ્વામી વિવેકાનંદના પત્રો, લેખો અને ભાષણોએ ભારતીય સમાજમાં નવું જોમ પૂર્યું હતું. સ્વામીજીના સ્વદેશ પ્રત્યાવર્તન સમયે દેશના અનેક યુવાનો સ્વામીજીના દેશપ્રેમ અને દેશસેવાનાં ભાષણોથી પ્રેરાઈ દેશ માટે સર્વસ્વનું બલિદાન કરવા સજ્જ થયા હતા. ભારતીય રાષ્ટ્રિય કોંગ્રસ દ્વારા દેશનો શિક્ષિત સમાજ પણ અંગ્રેજ હકૂમત વિરુદ્ધ અવાજ ઉઠાવવા પ્રયાસ કરી રહ્યો હતો. દેશના એ ચોક્કસ સમયના અગ્રણી નેતાઓ પર સ્વામીજીના વિચારોની ઊંડી છાપ પડી હતી અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં આ વિચારોએ નવીન ઉત્સાહ પૂર્યો હતો. આવી સામાજિક-રાષ્ટ્રિય પૃષ્ઠભૂમિ પર નિવેદિતાનું ભારતમાં આગમન થયું.

સન ૧૮૯૮ના જાન્યુઆરી માસમાં ભારતમાં આગમન સાથે નિવેદિતાએ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ સ્ત્રીશિક્ષણ અને સમાજ સેવાનાં કાર્યોનો આરંભ કર્યો. સ્વામી વિવેકાનંદના વાર્તાલાપ, વિચારો અને ભાષણોથી તેમને ભારતીય ધર્મ, સંસ્કૃતિ અને મૂલ્યોનો ગહન પરિચય થયો. આ પરિચય એક તરફ તેમને ત્યાગી સંન્યાસિનીના આદર્શાેને દૃઢતાપૂર્વક અપનાવવા સહાયક બન્યો અને બીજી તરફ ભારતીય મૂલ્યોએ તેમને ભારતની સેવા અને ઉદ્ધારનાં કાર્યો માટે તૈયાર કર્યાં. ભારત માટેના પ્રેમે ધીરે ધીરે તેમના માટે ભારતમાતાની પૂજાનું રૂપ ધારણ કર્યું. તેમણે ‘ભારતીયતા’ને એટલી હદે આત્મસાત્ કરી લીધી કે ભારતનાં સુખ-દુ :ખ, આનંદ-અશ્રુ, સફળતા-અસફળતા વગેરે એમનાં સુખ, દુ :ખ, આનંદ બની ગયાં. આ પૂજાભાવે તેઓ મા ભારતીની સેવામાં તત્પર થયાં.

તેમની પ્રારંભિક માન્યતા હતી કે ભારત અને ઇંગ્લેન્ડ સારા મિત્રો બની શકે છે. પરંતુ જ્યારે તેમણે અંગ્રેજોને ભારતીયોના મૂળભૂત અધિકારોનું હનન કરતા અને તેમની વ્યાજબી માગણીઓને નિર્દયતાથી કચડતા જોયા ત્યારે તેમનો આ ભ્રમ ભાંગી ગયો. જૂન, ૧૮૯૯માં તેઓ સ્વામીજી સાથે પોતાની બાલિકા વિદ્યાલય માટે ભંડોળ ભેગું કરવા યુરોપ, અમેરિકા અને બ્રિટન ગયાં ત્યારે તેમણે વિવિધ મંચો પરથી ભારતીય સમાજ અને મૂલ્યોની મહાનતા વિશે વિદેશી જનતાને પરિચિત કરવાનું શરૂ કર્યું અને ભારત પ્રતિ કૂણું વલણ રાખનાર ઘણા બ્રિટિશ સાંસદોને પણ પ્રભાવિત કરવા પ્રયાસ શરૂ કર્યા. વિદેશમાં તેમણે ‘ભારત’ અને ‘ભારતનાં કાર્યો’ જેવા વિષયો પર ભાષણ અને ચર્ચાઓ કરી. તેઓ દેશ અથવા વિદેશમાં જ્યાં જઈ, જ્યાં રહી, થાય ત્યાંથી પોતાના એક માત્ર ધ્યેય ‘ભારતની દરેક રીતે સેવા’ને સિદ્ધ કરવા પ્રયાસરત રહેતાં. સ્વામીજીના સંગાથ અને પોતાના વાચન-મનનથી તેઓનું ભારતીય સમાજ પ્રતિ આકર્ષણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું ગયું અને ‘ભારતપ્રેમ’ને તેઓએ ગુરુની વારસાગત સંપદારૂપે હૃદયપૂર્વક અપનાવી લીધો. બ્રિટિશ સરકારના ભારત પ્રત્યેના અન્યાયપૂર્ણ આચરણે તેમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં દિલચસ્પી લેવા અને ઝંપલાવવા પ્રેરિત કર્યાં. એક વાર ફરિયાદના સ્વરમાં નિવેદિતાએ કહેલું, ‘મને ડર છે કે બ્રિટિશરો દ્વારા આચરાતા અન્યાયને કારણે હંમેશને માટે મારું મન એમના પ્રત્યે કડવાશથી ભરાઈ જશે.’ નિવેદિતાનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન ક્યારેક પ્રત્યક્ષ હતું પરંતુ મોટે ભાગે નેપથ્યમાં રહી પ્રોત્સાહન, સહકાર, ટેકો આપવાનું અને પોતાના આયરિશ નાગરિક હોવાનો લાભ લઈ સરકારના આંતરિક વર્તુળમાંથી બ્રિટિશ સરકારનાં આગામી પગલાંની માહિતી લઈ નેતાઓને પહોંચાડવાનું તથા ભારત પ્રત્યે સહાનુભૂતિ રાખનાર બ્રિટિશ અધિકારીઓને ભારતની સ્વતંત્રતા માટે પ્રેરવાનું હતું. નિવેદિતા એક કુશળ લેખિકા હતાં તેથી તેઓ અનેક ભારતીય અને વિદેશી અખબારોમાં પોતાનો સ્વતંત્ર મત હિંમતભેર રજૂ કરી, ભારત પ્રતિ થઈ રહેલા બ્રિટિશ શાસકોના અન્યાયને ઉઘાડો પાડતાં. આ ઉપરાંત તેઓએ દેશનાં વિભિન્ન સ્થાનોએ જઈ યુવાનોમાં સ્વામીજીના ‘ચરિત્રનિર્માણથી વ્યક્તિનિર્માણ’ના આદર્શને પ્રસરાવવાનું શરૂ કર્યું. સાથો સાથ તેઓએ શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે, બિપિનચંદ્ર પાલ, લાલા લજપતરાય, રમેશચંદ્ર દત્ત, લોકમાન્ય ટિળક, શ્રી અરવિંદ વગેરે સાથે ઘનિષ્ઠ સંપર્ક સાધી ભારતની સ્વતંત્રતા અને ઉત્થાનનાં કાર્યોમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું.

તેઓએ બ્રિટિશ સરકારના એ બર્બરતાપૂર્ણ કાળમાં પણ પોતાની બાલિકા વિદ્યાલયમાં ‘વંદે માતરમ્’ ગાવાની શરૂઆત કરી. પ્રારંભિક ભારતીય રાષ્ટ્રધ્વજની કલ્પના નિવેદિતાએ જ કરી હતી. ૧૯૦૫માં રાષ્ટ્રધ્વજની કલ્પનાએ તેમના મનમાં જન્મ લીધો અને એમણે રાષ્ટ્રધ્વજમાં વજ્રના ચિહ્નને અંકિત કર્યું. આની પાછળનું કારણ સમજાવતાં તેમણે કહેલું કે વજ્રચિહ્ન સાંકેતિકરૂપે દર્શાવે છે કે એક નિ :સ્વાર્થી ત્યાગી પુરુષ સ્વયં એક અજેય શસ્ત્ર સમાન છે.

નિવેદિતાએ જ્યારે ૧૯૦૧માં યુરોપથી ભારત પ્રત્યાગમન કર્યું ત્યારે દેશપ્રેમની ભાવનાઓથી તેમનું હૃદય છલોછલ ભરાયેલું હતું. ‘ભારતીય સમાજની વ્યવસ્થા ભારતીયોના હાથે’- અંગ્રેજો પાસેથી આ અધિકાર મેળવવો એ તેમનું લક્ષ્ય હતું. સ્વામીજી પાસેથી ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસ, વેદ-પુરાણ અને ધર્મનાં રહસ્યો જાણી-સમજીને તેઓ ભારતીય ધર્મ, જીવન અને દર્શનનાં એક રીતે ‘કટ્ટર’ સમર્થક બન્યાં હતાં. તેઓનું માનવું હતું કે જ્યાં સુધી ભારત બ્રિટિશ હકૂમત હેઠળ કચડાયેલ રહેશે ત્યાં સુધી તેની પ્રજામાં આત્મવિશ્વાસ અને પોતાના ધર્મ તેમજ સંસ્કૃતિ પ્રતિ શ્રદ્ધા જાગશે નહીં. માટે રાજનૈતિક સ્વતંત્રતા દેશના ઉત્થાન અને ભારતીય સમાજના વિકાસની પાયાની આવશ્યકતા હતી. તેમણે ભારત પરત ફરતાંની સાથે જ સક્રિયતાપૂર્વક લોકોને રાષ્ટ્રાભિમાન, ભારતીયપણાનું ગૌરવ સમજાવવાનું તથા યુવાનોમાં સ્વામીજીના ચરિત્રનિર્માણ દ્વારા રાષ્ટ્રનિર્માણના સંદેશને પહોંચાડવાનું શરૂ કર્યું. તેઓ માનતાં કે વિશ્વમાં સમકક્ષ ઊભા રહેવા માટે આવશ્યક પરિવર્તન લાવવાની પૂર્ણ ક્ષમતા આપણે ધરાવીએ છીએ. તેથી કોઈપણ બહારની વ્યક્તિને આપણા આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી. વળી તેઓ માનતાં કે આપણી જે પણ પ્રાચીન પરંપરાઓ છે તે માટે પોતાને હીન સમજવાની કે કોઈ પાસે ક્ષમાયાચના કરવાની કોઈ આવશ્યકતા નથી. વળી તેઓ માનતાં કે આ દેશના મહાપુરુષો અન્ય દેશના મહાપુરુષોથી કોઈપણ રીતે ઊતરતા નથી. એમના માટે ગર્વ કરો અને હૃદયપૂર્વક તેમને સાથ આપો, પ્રેમ ન્યોચ્છાવર કરો, એમને પ્રોત્સાહિત કરો. તલવારબાજી, મલ્લયુદ્ધ, દંડબેઠક, શસ્ત્ર અને યુદ્ધ કળામાં ભારતીય યુવા સમર્થ બને એ માટે તેઓ સઘન પ્રયાસ કરતાં. પટનામાં તેઓએ યુવાનોને સંબોધતાં કહ્યું હતું, ‘દેશની ઉન્નતિ જ તમારા જીવનનો મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ. વિચારજો કે આખો દેશ એ આપણો દેશ છે અને આપણો દેશ કાર્ય માગે છે. આ વિચારી તમે કાર્યસિદ્ધિ માટે તૈયાર રહો. ઊઠો, જાગો અને કાર્યપૂર્તિનો હેતુ સિદ્ધ થાઓ. ક્યાંય યુદ્ધનો સમય નજીક આવી પડે ત્યારે તમે સૂતા ન રહી જાઓ. ’

૧૯૦૪ અને ૧૯૦૫ની બે ઘટનાઓએ દેશની સ્વાતંત્ર્ય ક્રાંતિમાં નવું જોમ પૂર્યું હતું. ૧૯૦૪માં નવો વિશ્વવિદ્યાલય કાનૂન પસાર કરાયો. ૧૯૦૫માં અંગ્રેજ વાઈસરોય લોર્ડ કર્ઝને, ‘પૂર્વના દેશોમાં ‘સત્ય’ને જીવનમાં આદર મળે એ પહેલાં પશ્ચિમી દેશોએ નૈતિક જીવનમાં ઉચ્ચ સ્થાન આપ્યું હતું,’ એવું વિધાન કરતાં ભારતીયોને આઘાત લાગ્યો અને નિવેદિતા પણ અત્યંત ક્રોધિત બન્યાં. દેશની જનતા આમાંથી ઊભરે એ પહેલાં જ જુલાઈમાં બંગાળના વિભાજનની યોજના બનાવી, જે બ્રિટિશ સામ્રાજ્યના અવિવેકી નિર્ણય તરીકે સાબિત થઈ. લોકોમાં વિરોધની તીવ્ર લહેર પ્રસરાઈ ગઈ. દેશમાં વિરોધનાં અનેક આંદોલનો થયાં અને સ્વતંત્રતાની ચળવળે નવું જોમ પકડ્યું. આ વિષયક સભાઓમાં, ચર્ચાઓમાં યથાસંભવ નિવેદિતા સહભાગિતા કરતાં અને ટેકો આપતાં. આ સમયે જન્મ થયો ‘સ્વદેશી આંદોલન’નો. આ આંદોલને અલ્પ સમયમાં અત્યંત સફળતા હાંસલ કરી. નિવેદિતા આ આંદોલનથી અત્યંત આનંદિત બન્યાં અને પૂર્ણ ટેકો આપ્યો. તેમણે લોકોમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે જાગૃતિ લાવવા અનેક લેખો અને ભાષણોમાં ઉલ્લેખ કરવાનું શરૂ કર્યું- ‘સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો એ આપણો ધર્મ છે. આ આપણા માટે એક તપસ્યાનું રૂપ છે.’ ‘સ્વાવલંબન અને વીરતાનો સંદેશ આપે છે સ્વદેશી આંદોલન… સ્વદેશી આંદોલન એક એવી પ્રવૃત્તિ છેે કે જેમાં પોતાની દૃઢ ઇચ્છાશક્તિ અને સાહસિકતાને દેખાડવાનો એક સુઅવસર પ્રત્યેક ભારતીયને સાંપડે છે.’ આવા વિચારો દ્વારા લોકોને સ્વદેશી વસ્તુઓ વાપરવા પ્રેરિત કર્યા.

૧૯૦૧માં કોંગે્રસ અધિવેશન માટે કોલકાતા પધારેલા મહાત્મા ગાંધીએ નિવેદિતા સાથે મુલાકાત કરી અને તેમના દેશ અને હિન્દુ ધર્મ પ્રતિ સમર્પણથી અત્યંત પ્રભાવિત થયા. નિવેદિતાએ એકાધિક કોંગ્રેસ અધિવેશનોમાં ભાગ લીધો હતો. ૧૯૦૨માં તેઓ વડોદરામાં શ્રી અરવિંદને મળ્યાં અને તેમને બંગાળ પાછા ફરી ત્યાંનાં ક્રાંતિકારી દળોને એકત્ર કરી માર્ગદર્શન આપવા આહ્‌વાન કર્યું. તે સમયે અનુશીલન સમિતિ, ધી ડોન સોસાયટી, ધી ગીતા સોસાયટી, યંગ મેન્સ હિન્દુ યુનિયન કમિટી, વિવેકાનંદ સોસાયટી જેવાં અનેક સંગઠનો સાથે નિવેદિતાએ સંપર્ક સાધી યુવાનોને દેશસેવામાં સર્વર્સ્વનું બલિદાન આપવા પ્રેરિત કર્યા. નિવેદિતાનું વ્યક્તિત્વ ‘દેશ’ અને ‘રાષ્ટ્રવાદ’ના પર્યાય સમંુ બની ગયું. તેમનાં સ્ફૂર્તિદાયક નવચેતનાભર્યાં ભાષણોથી યુવાનોમાં જ્વલંત પ્રેરણા જાગૃત થઈ. ‘રાષ્ટ્રિય જાગૃતિ’ શબ્દનો નિવેદિતા વારંવાર પ્રયોગ કરતાં.

૧૯૦૬માં કોંગ્રેસનું બે ભાગમાં વિભાજન થતાં નિવેદિતા સ્વાભાવિક રીતે જ અસહકાર અને સ્વદેશી આંદોલન જેવા નરમ રવૈયા અપનાવવાના વિચારો સાથે સહમત ન હતાં. તેઓ ક્રાંતિકારી વિચારધારાવાળાં હતાં.છતાં કોંગ્રેસના વિભાજન અને નેતાઓમાં પેદા થયેલ અંતરથી તેઓ અત્યંત મર્માહત થયાં અને બન્ને દળોને એક કરવા ઘણા પ્રયાસો કર્યા. છેવટે ૧૯૦૬ પછી તેમણે કોંગ્રેસ અધિવેશનોમાં જવાનું છોડી દીધું, પરંતુ ક્રાંતિકારી નેતાઓ અને યુવાનોને સમર્થન અને સહાયતા આપવામાં એમણે ક્યારેય પીછેહઠ ન કરી. ૧૯૦૬-૦૭ની ક્રાંતિકારી ચળવળ દરમિયાન ક્રાંતિકારીઓએ શસ્ત્રો ભેગાં કરવાનું અને બોમ્બ બનાવવા જેવી કળાઓ શીખવાનું શરૂ કર્યું. નિવેદિતા કદાપિ આવાં સશસ્ત્ર આંદોલનોમાં સામેલ થયાં ન હતાં. પરંતુ તેઓ સરકારી પગલાંની ગુપ્ત સૂચનાઓ નેતાઓ સુધી પહોંચાડવા યથાસંભવ પ્રયાસ કરતાં. વધતા જતા લોકરોષ અને ક્રાંતિના જુવાળને અટકાવવા અંગ્રેજોએ અનેક નેતાઓની ધરપકડ કરી અને અનેક નેતાઓને દેશનિકાલની સજા કરી. વિવિધ ઉપાયોથી સરકારે આંદોલનો કચડી નાખ્યાં. લાલા લજપતરાયના દેશનિકાલની ખબર સાંભળી નિવેદિતાએ પોતાની ડાયરીમાં લખ્યું કે, ‘સરકાર પર પાગલપણાની અસર તો નથી થઈને?’ નિવેદિતા અંગ્રેજ સરકારના સંદેહના ઘેરામાં હોવા છતાં નિર્ભિકતાથી પોતાનું કાર્ય કરતાં. તેઓએ વિદેશી સમાચારપત્રોમાં ભારત અને તેની સ્વતંત્રતા માટે સહાનુભૂતિ અને સમર્થન ઊભું કરવા ભરચક પ્રયાસો કર્યા. બ્રિટિશ ‘હાઉસ ઓફ કોમન્સ’ના ભારત પ્રત્યે કૂણું વલણ રાખનારા રાજનાયિકોને તેમણે ભારતની સ્વતંત્રતા માટે પ્રસ્તાવો પસાર કરાવવા અપીલો કરી.

૧૯૦૯માં ભારત પાછા ફર્યા પછી પણ તેમણે લેખો, ભાષણો વગેરે દ્વારા સ્વાતંત્ર્ય સંગ્રામને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું. નિવેદિતાનું નામ હવે ક્રાંતિકારીઓ અને સંદેહાસ્પદ લોકોની સૂચિમાં બ્રિટિશ સરકારે દાખલ કર્યું. આ દરમિયાન વાઈસરોય લોર્ડ મિન્ટોનાં પત્ની લેડી મિન્ટો એકવાર તેમના બાલિકા વિદ્યાલય વગેરેનું કાર્ય તેમજ બેલુર મઠના પ્રવાસ પર આવ્યાં. તેઓ નિવેદિતાના વર્તન અને બાલિકા વિદ્યાલયના કાર્યથી પ્રભાવિત થયાં અને એમને નિવેદિતા પ્રત્યે ઊંડો આદર જાગ્યો. તેમણે પોલીસ કમિશ્નરને મળી અંગ્રજોની રાજદ્રોહી ક્રાંતિકારીઓની સૂચિમાંથી નિવેદિતાનું નામ દૂર કરાવવામાં સહાય કરી. જીવનની અંતિમ ક્ષણો સુધી નિવેદિતા ભારતના પુનરુદ્ધાર કરવાના સ્વપ્નને સાકાર કરવા અને લોકોમાં નવોત્સાહ ભરવા પ્રયાસરત હતાં. સતત કાર્યો અને સાદગી તેમજ કૃચ્છતાપૂર્ણ સાધ્વીજીવને એમની જીવનલીલાને ૪૩ વર્ષના ટૂંકા ગાળામાં સંકેલી દીધી.

Total Views: 392

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.