ભગિની નિવેદિતાનું મૂળ નામ માર્ગરેટ એલિઝાબેથ નોબલ (28 ઓક્ટોબર, 1867 – 13 ઓક્ટોબર, 1911). તેઓ સ્કોટ્સ આઇરિશ (અર્થાત્ બ્રિટિશ)મૂળનાં હતાં. ભગિની નિવેદિતા એટલે આધુનિક યુરોપ દ્વારા ભારતને સાંપડેલાં ત્રણ-ચાર નારીરત્નોમાંનાં એક. તેઓ સ્વામી વિવેકાનંદનાં શિષ્યા તરીકે ભારત આવ્યાં અને દેશ-ખંડની દીવાલોને નામશેષ કરી ભારતીય અને ભારતજનનાં ભગિની બની ગયાં.

ભગિની (બહેન, સિસ્ટર) એ બહુ સ્થિતિસ્થાપક તથા અનેકયોગી ભાવપ્રતીક છે. પાંચ વર્ષની બાળાથી આરંભીને 75 વર્ષની વૃદ્ધા સુધીનાં કોઈ પણ મહિલામાં વયનિરપેક્ષ ભગિનીભાવ તો હોય જ. જેમ કેટલાંક વિશ્વજનની કહેવાયાં તેમ નિવેદિતાજી વિશ્વભગિની હતાં. સ્વામીજીએ તેમને ભગિનીનું બિરુદ આપ્યું તે પાછળ તેમની આવી પાવક અને વ્યાપક દૃષ્ટિ હતી.

નિવેદિતા અભિધાન પણ બહુ અર્થગંભીર છે. મૂળ સંસ્કૃત શબ્દ છે- નૈવેદ્ય. તેનો અર્થ થાય છે ભગવાનને અર્પણ કરવા માટે, પ્રભુની સેવા માટે કે પરમાત્માના ચરણોમાં સમર્પિત. નૈવેદ્ય પરથી નિવેદિત(અર્પણ થયેલું -કરાયેલું) અને નિવેદિતા શબ્દો બન્યા છે. નિવેદિતા એટલે જેમણે જનકલ્યાણાર્થે પોતાની જાત પ્રભુને ચરણે સમર્પિત કરી છે તેવાં સન્નારી.

યુગપુરુષોના શિષ્યો, અનુયાયીઓ અગણિત હોય છે પરંતુ તે સર્વમાં ગુરુની ઊંચાઈ, ચારિત્ર્ય અને પાવિત્ર્ય પામવાની સજ્જતા હોતી નથી. ભગિની નિવેદિતા આમાં સમર્થ અપવાદ હતાં.

નાનપણથી જ તેમનામાં એવાં બીજ રોપાયાં હતાં, જેના દ્વારા તેઓ અલ્પ પરિચયથી જ વિવેકાનંદજીની આત્મિક ઊંચાઈ તથા તેમનું વ્યાપક અને ગહન ધર્મદર્શન પામી ગયેલાં. આ પછી સ્વામીજીનાં શિષ્યા બનવું, બ્રહ્મચર્યવ્રત લેવું અને ગુરુના આદેશથી પ્રભુને અર્પિત થવું એવી ઉન્નત યાત્રા તેમના માટે અનિવાર્ય હતી. પછી તેમનો દેહ આત્મા પ્રયોજિત ઉન્નત ગતિ માટે માત્ર સાધન-માધ્યમ જ હતો.

આપણે ગુજરાતીઓ તેમના ઋણી તો છીએ જ, પરંતુ વધુ તો તેમને સ્મરીને ધન્ય છીએ. તેઓ ભારતજનની આધ્યાત્મિક પ્રગતિ માટે અતિ આતુર હતાં. સાથે જ મહિલાવર્ગના ઉત્કર્ષ માટે વિશેષ ઉત્સુક તેમજ પ્રયત્નશીલ હતાં. આવા આશય સાથે ખાસ તેઓ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આવેલાં. તેઓ જાણે કે સ્વામી વિવેકાનંદ માટે પધારેલાં સાક્ષાત્ વાક્દેવી હતાં. જેવું નિર્મળ તેમનું દર્શન હતું, તેવી જ પવિત્ર તેમની અભિવ્યક્તિ હતી. જેવી સત્ત્વશીલતા એમની ચેતનામાં હતી, તેવી સમર્થ તેમની વાણી હતી.

નિવેદિતાજી સામે નાદુરસ્તીના અને આર્થિક પ્રતિકૂળતાના પ્રશ્નો હતા પરંતુ ભારતનો સર્વગ્રાહી પરિચય કરવા અને પ્રદેશ-પ્રદેશની પ્રજાને ભારતીયતાનો અને ભારતીય તત્ત્વજ્ઞાનનો મહિમા સમજાવવા તેઓ અત્યંત ઉત્કંઠિત હતાં. અત: પશ્ચિમ ભારત બાજુ તેઓ સપ્ટેમ્બર, 1902માં પધાર્યાં. આ યાત્રામાં તેમનું પ્રથમ અને મુખ્ય મથક હતું મુંબઈ. ખુદ શરીર-મનથી નિરાયાશ બ્રહ્મચારી એવાં આ મહિલાએ મુંબઈના વિદ્યાર્થીઓને બ્રહ્મચર્યનો મહિમા સમજાવતાં કહ્યું, ‘આ એક માત્ર એવું સાધન-માધ્યમ છે કે જે મનુષ્યને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે અને તેના આત્મબળને પુષ્ટિ આપે છે.’

તા. 29, 30 સપ્ટેમ્બર, 1902ના રોજ તેમણે ‘ગેયટી થિયેટર’ (મુંબઈ) ખાતે બે વ્યાખ્યાનો આપ્યાં. આમાંના દ્વિતીય વ્યાખ્યાનમાં યુરોપની વૈજ્ઞાનિકતા અને ભારતીય આધ્યાત્મિકતાનું સુંદર આકલન કરતાં તેમણે કહ્યું કે ‘યુરોપનું વિજ્ઞાન ભૌતિકશાસ્ત્રને આધારે પરમાણુની વિશિષ્ટ સ્થિતિને પૂરા તથ્ય સાથે સમજાવી શકે છે પરંતુ પોતાની માનસિક અને આધ્યાત્મિક પ્રગતિ માટે કોઈ યોગી કે જે સાધના કરે છે તેને સમજાવી શકતું નથી, જ્યારે ભારતનું અધ્યાત્મશાસ્ત્ર તેની મહત્તા સમજાવી શકે છે. તે પ્રતીત કરાવી શકે છે કે આવી સાધના થકી જે દૈવી શક્તિ પ્રાપ્ત થાય છે તે જ આ ક્ષણભંગુર સંસારની અંદરના અવિનાશી તત્ત્વને પામી અને દર્શાવી શકે છે.’ “Student Brotherhood’ દ્વારા આયોજિત આ વ્યાખ્યાન સાંભળીને સમગ્ર વિદ્યાર્થીવર્ગ બહુ પ્રભાવિત અને સંતુષ્ટ થયો હતો.

ભગિનીજી મહિલાઓ સાથે વાતચીત કરવા બહુ ઉત્સુક રહેતાં. આ બાજુ એક અંગ્રેજ મહિલા, જે હવે નખશિખ ભારતીય બની ગયાં છે તે હિન્દુ ધર્મની અદ્વિતીયતા પર વક્તવ્ય આપવા આવ્યાં છે તે વિગત જાણ્યા પછી મુંબઈનાં શિક્ષિત અને જાગ્રત મહિલાઓ તેમને જોવા અને સાંભળવા ખૂબ આતુર બન્યાં.

એવું હોય છે કે જે વ્યક્તિમાં નિર્મળ આધ્યાત્મિકતા વિકસી હોય તે નમ્ર જ હોય. સહજ નમ્રતા એ આંતરજાગ્રતિની કસોટી છે. જે સાચો સ્થિતપ્રજ્ઞ છે તે અહંને ઘોળીને પી ગયો હોય છે. નિવેદિતાજી પણ સાચાં અને સાદ્યંત વિનમ્ર હતાં. તા.2 ઓક્ટોબર, 1902ના રોજ ‘હિન્દુ મહિલા સોશ્યલ ક્લબ’ના ઉપક્રમે તેમણે જે વક્તવ્ય આપ્યું તેમાં આપણને તેમના આ ગુણનું દર્શન થાય છે. તેમણે કહ્યું હતું, ‘હિન્દુ સ્ત્રીઓ હિન્દુ ધર્મનાં તત્ત્વો તથા તેનાં અનુષ્ઠાનો વગેરેને બહુ સારી રીતે જાણતી હોય છે. આથી મારે માટે તો એ જ યોગ્ય છે કે તેઓ મને પ્રશ્નો પૂછે અને મારી અલ્પમતિ પ્રમાણે હું તેઓને જવાબ આપું.’ આ છે ભગિની નિવેદિતાની નિર્દંભ અને પ્રગટ વિનમ્રતા.

આ જ સભામાં ઉપસ્થિત મહિલાઓએ પછીથી એવી ઇચ્છા પ્રગટ કરી કે નિવેદિતાજી અમને જણાવે કે તેમણે શા માટે હિન્દુ ધર્મ જ પસંદ કર્યો? હિન્દુ ધર્મના કયા પાસાથી તેઓ પ્રભાવિત થયાં ? તથા તેમનું વૈચારિક પરિવર્તન કેવી રીતે આવ્યું ?

ભગિની નિવેદિતાએ બહુ પ્રસન્નતાપૂર્વક અને નિખાલસભાવે આ પ્રશ્નોના જવાબ આપ્યા. તેમણે કહ્યું, ‘સત્ય શોધવાની મારી તાલાવેલી મને અનેક ગિરજાઘરો(ચર્ચ)માં લઈ ગઈ પરંતુ મને ક્યાંય શાંતિ ન મળી. પછી સ્વામી વિવેકાનંદ સાથે મુલાકાત થઈ અને મને એ શાંતિ પ્રાપ્ત થઈ જેને કારણે મારા જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું.’ તેઓએ આગળ કહ્યું, ‘મને એક ચા-પાર્ટીમાં આમંત્રણ મળ્યું હતું. ત્યાં મારી મુલાકાત એક સ્વામીજી સાથે કરાવવામાં આવી. આ સ્વામીજી અન્ય કોઈ નહીં, સ્વામી વિવેકાનંદ ખુદ હતા. તેઓ પછીથી મારા ગુરુ બન્યા તથા તેમના ઉપદેશોએ મારા આત્માના સર્વ સંદેહો દૂર કર્યા. મને આ થકી એ શાંતિ મળી જેને મેળવવા હું વર્ષોથી અહીં-તહીં ભટકતી રહી હતી.’

તા. 7 ઓક્ટોબર, 1902ના રોજ તેઓ નાગપુર પહોંચ્યાં. અહીં ચારેક દિવસના રોકાણ દરમિયાન તેમનાં વ્યાખ્યાનોની પરંપરા ચાલી. અહીં 11, ઓક્ટોબરના રોજ ‘મોરિસ કોલેજ’ના રમતોત્સવમાં તેઓ પુરસ્કાર એનાયત કરવા માટે મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત હતાં. અહીં તેમણે પુરસ્કારો આપ્યા પછી જે કહ્યું તે આપણે ભારતવાસીઓએ ગંભીરતાપૂર્વક સમજવા જેવું છે. તેઓએ કહ્યું, ‘તમે આવી વિદેશી રમતોમાં ગૌરવ લો છો અને પોતાની સ્વદેશી રમતોની ઉપેક્ષા કરી પરદેશી રમતોને પ્રોત્સાહિત કરો છો તે જરાય યોગ્ય નથી.’ તેમણે આગળ સખેદ કહ્યું કે મને જો આ સમારોહના પ્રયોજનની આવી ખબર હોત તો હું કદાચ અહીં આવવાનું પસંદ ન કરત.

એ દુર્ગાપૂજાના દિવસો હતા. એ યાદ કરી તેમણે કહ્યું, ‘આપણે સૌ દુર્ગામાની તલવાર તથા તેમનો સંદેશ ભૂલી ગયાં છીએ. ભોંસલે રાજાની આ રાજધાનીમાં હું તો મરાઠાઓની વીરતાનાં પરાક્રમો જોવા-જાણવા મળશે એવી આશા રાખતી હતી!’ અહીં જ પછી તેમના સૂચનથી મુક્કાબાજી તથા તલવારબાજીના કાર્યક્રમો યોજાયા, જે તેમણે હોંશપૂર્વક જોયા. તે પછી તેમણે કહ્યું, ‘આ દેશને સુદૃઢ, શક્તિશાળી અને દેશભક્ત યુવાનોની જરૂર છે…. તમે સૌ એક વિદેશી સરકારની સેવા કરવામાં, તેની સાથે જોડાઈને દેશને અન્યાય કરવામાં ભાગીદાર બનો છો તે બદલ તમારે શરમાવું જોઈએ.’

અહીં નિવેદિતાજીનું તટસ્થ અને ગહન રાષ્ટ્રચિંતન પ્રગટ થતું આપણે જોઈએ છીએ. જે વિદેશીઓને તેઓ સાથ આપવાની મનાઈ ફરમાવતાં હતાં તે મૂળે તો તેમના જ દેશવાસીઓ હતા ને? પરંતુ આપણે પૂર્વે નોંધ્યું છે તેમ તેઓ સ્વદેશ-પરદેશની વ્યાખ્યાઓ, સીમાઓથી અલિપ્ત થઈ વિશ્વભગિની બન્યાં હતાં. અહીં તેમનો ભારતપ્રેમ યુવાનોને આવું કહેવા તેમને પ્રેરે છે. કદાચ બ્રિટનના કે અન્ય કોઈ દેશના યુવાનને પણ તેઓ રાષ્ટ્રભાવનાની આવી જ શિખામણ આપત ! કેટલું ગહન, ઔચિત્યપૂર્ણ અને સ્પષ્ટ તેઓ વિચારી શકતાં હતાં ! તેને હિંમતપૂર્વક રજૂ કરી શકતાં હતાં ! અહિંસાભાવ સાથેની આવી તેમની નીડરતા સત્ત્વશીલ આધ્યાત્મિકતાની દ્યોતક હતી.

નાગપુરથી તેઓ વર્ધા ગયાં, જ્યાં તેમણે “Christianity,’ “Swami Vivekananda’ તથા “Bhakti and Education’ વિશે વ્યાખ્યાનો આપ્યાં. નિવેદિતાજીની ચિંતનક્ષમતા  કેટલા વિસ્તૃત પાયા પર ઊભી હતી! વર્ધાથી અમરાવતી થઈ 20મી ઓક્ટોબર, 1902ના રોજ તેઓ વડોદરા પહોંચ્યાં. આ સર્વ જગ્યાએ વિવિધ અને ગહન વિષયો પર તેમનાં વ્યાખ્યાનો ગોઠવાયાં હતાં. વડોદરામાં એક મહત્ત્વની ઘટના બની. ક્રાંતિકારી મહર્ષિ અરવિંદ સાથે તેમની મુલાકાત થઈ. આ અંગે

શ્રી અરવિંદે લખ્યું છે, ‘અમે રાજનીતિ અને અન્ય વિષયો પર વાર્તાલાપ કર્યો હતો. તે સમયે તેમના “Kali the Mother’ એ પુસ્તકે મને અત્યંત પ્રભાવિત કર્યો હતો.

ઓક્ટોબર, 1902ના અંતમાં તેઓ અમદાવાદ આવ્યાં હતાં. અમદાવાદ ખાતે પણ “Karma,’ “Asiatic Unity’ A“¡ “Swami Vivekananda’ જેવા વિવિધ વિષયો પર તેમણે વ્યાખ્યાનો આપ્યાં હતાં.

7 નવેમ્બર, 1902ના રોજ તેઓ કોલકાતા પહોંચ્યાં તે પૂર્વે મુંબઈથી દોલતાબાદ થઈને તેઓ ઇલોરાની ગુફાઓ જોવા ગયાં હતાં. પશ્ચિમ ભારતને પ્રાચીન ભારતના સુવર્ણયુગ સાથે જોડતી આ ગુફાઓ જોઈને નિવેદિતાજીએ કહ્યું હતું, ‘જ્યાં સુધી આ સંસાર રહેશે ત્યાં સુધી નૈસર્ગિક સૌંદર્યથી સભર સ્થાનોમાંની એક એવી આ ઇલોરાની ગુફાઓ તેની કલા દ્વારા ઈશ્વરના રહસ્યમય રૂપનું લોકોને સ્મરણ કરાવતી રહેશે. પછી ભલે તેનો સંપ્રદાય ગમે તે હોય !’

ઠીક ઠીક થકવનારી, દોડાદોડીસભર નિવેદિતાજીની આ પશ્ચિમ ભારતની યાત્રા આમ પૂરી થઈ. આ પ્રવાસ થકી ગુજરાત-મહારાષ્ટ્રમાં એક દાર્શનિક, વિદુષી અને જેમનામાં ભગિનીભાવ, વીરતા અને અહિંસાનો સુભગ સમન્વય થયો હતો તેવાં સન્નારીનાં પાવન પગલાં પડ્યાં હતાં. આપણે તેમના ઋણી છીએ એટલે તેમના વિચારોમાંથી આજે જે પણ પ્રસ્તુત છે તેને સમજીને, જીવનમાં ઉતારીને આપણે તેમને યથાર્થ શ્રદ્ધાંજલિ આપીએ. એક અદના ગુજરાતી તરીકે એ મહાન જનશિક્ષિકાને મારી આ શબ્દાંજલિ છે.

Total Views: 239

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.